અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં : દિલ્હીમાં શું ખરેખર મફત છે વીજળી?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે શુક્રવારે ગુજરાતમાં વધુ એક ગૅરંટી આપી હતી, કેજરીવાલે કહ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની ગૅરંટી આપી છે. થોડાં અઠવાડિયાં અગાઉ ગુજરાત આવીને તેમણે વીજળીને લગતી ત્રણ જાહેરાતો કરી હતી.

તેમણે યોજેલી પત્રકારપરિષદમાં કહ્યું, "અગાઉ ખોટાં બિલ મોકલવામાં આવતા હતા અને જ્યારે કોઈ તે વિશે રજુઆત કે ફરિયાદ કરવા માટે વીજકંપનીની ઑફિસમાં જાય તો અધિકારીઓ બિલ ઓછું કરાવવા માટે પૈસા માગે છે."

તેમણે વીજળીના મુદ્દે ખાતરી આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં 24 કલાક વીજળી આપવામાં આવશે અને દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત 31 ડિસેમ્બર 2021થી પહેલાંના તમામ બિલો રદ કરવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મોઘવારી અને મોઘીં વીજળીને લઈને ગુજરાતની ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા થતા પ્રહારો અંગે સ્પષ્ટતા કરતાં ભાજપના નેતાઓ દલીલ કરે છે કે ગુજરાતના મહેનતુ લોકોને મફતનું ન ખપે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે મફતમાં વસ્તુઓ આપવાની બાબતને 'રેવડી વહેંચવી' એવો કટાક્ષ કર્યો હતો.

આ કટાક્ષનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું, "કેટલાક લોકો રેવડીની વાત કરી રહ્યા છે. ફ્રીની રેવડી જનતાને આપવામાં આવે તેને પ્રસાદ કહેવાય છે. એ ભગવાનનો પ્રસાદ હોય છે. પણ જો ખાલી મિત્રોને અને મંત્રીઓને જ ફ્રીની રેવડી અપાય એ પાપ છે."

"બધા લાભ ખાલી મિત્રોને મળે એ યોગ્ય ન કહેવાય. આ લોકો મિત્રોને જે લાભ આપે છે તે દરેક જનતા માટે હોવા જોઈએ."

તેમણે વધુમાં જણાવ્યું, "આ લોકો કહે છે કે ફ્રીમાં વસ્તુઓ આપવી ખોટી છે તો હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકાર ફ્રીમાં 200 યુનિટ વીજળી કેમ આપે છે? બંગાળમાં ચૂંટણી પહેલાં ઢંઢેરામાં મફત વીજળીની વાત કેમ કરી હતી?"

આમ આદમી પાર્ટીના પગપેસારાના પ્રયાસની સાથે ગુજરાતમાં મફત વીજળી કેટલી શક્ય તે અંગે ફરીથી ચર્ચા શરૂ થવા લાગી છે. આ પહેલાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજકોટમાં જનસભાને સંબોધતાં ગુજરાત ભાજપ પર પ્રહારો કર્યા હતા કે ભાજપે 27 વર્ષથી ગુજરાતને લૂંટ્યું છે.

તેમણે ગુજરાત સામે દિલ્હીનું મૉડલ રજૂ કર્યું હતું. દિલ્હીમાં વીજળી ફ્રી મળતી હોવાની વાત કરતાં કેજરીવાલે લોકોને પૂછ્યું હતું કે 'વીજળી ફ્રીવાળી સરકાર જોઈએ છે કે પૈસા ખાઈ જવાવાળી સરકાર જોઈએ છે?'

ગુજરાતમાં 'મફત વીજળી' પૂરી પાડવું કેટલું શક્ય? અને ગુજરાત અને દિલ્હીમાં વીજળીના દરોમાં શો તફાવત છે?

ગુજરાતનાં શહેરોમાં વીજળીના દર કેટલા?

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં વીજળીના દરો અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વીજવિતરણનું કામ કરતી કંપની ટોરેન્ટ દ્વારા શૂન્યથી 50 યુનિટ સુધી પ્રતિ યુનિટ 3.20 રૂપિયા, 51-200 યુનિટ સુધી પ્રતિ યુનિટ 3.95 રૂપિયા, તેમજ એ ઉપરાંત વીજવપરાશ પર પાંચ રૂપિયા પ્રતિ યુનિટનો ચાર્જ વસૂલવામાં આવે છે.

આવી જ રીતે સુરત શહેરમાં પણ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા ઉપર પ્રમાણેના દરો જ વસૂલવામાં આવે છે.

રાજકોટની વાત કરીએ તો ત્યાંની વીજવિતરણ કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પ્રથમ 50 યુનિટ સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 2.65 અને 3.05 રૂપિયા પ્રતિ યુનિટ, પછીના 50 યુનિટ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 3.10 અને 3.50 રૂપિયા, તે પછીના 150 યુનિટ માટે 3.75 અને 4.65 રૂપિયા તેમજ 250 યુનિટથી વધુના વીજવપરાશ પર અનુક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 4.90 અને 5.20 રૂપિયા પ્રતિ યુનિટ વસૂલવામાં આવે છે. આવું જ માળખું વડોદરા શહેરમાં પણ પ્રવર્તમાન છે.

જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પ્રથમ 200 યુનિટ સુધી પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાના દરે વીજળી પૂરી પાડવામાં આવે છે. જ્યારે 201-400 કરતાં સુધી યુનિટ દીઠ 4.50 રૂપિયા પ્રતિ યુનિટ દર વસૂલવામાં આવે છે.

એ ઉપરાંત 401-800 યુનિટ સુધી 6.50 રૂપિયા પ્રતિ યુનિટ, 801-1200 યુનિટ સુધી સાત રૂપિયા પ્રતિ યુનિટ, અને તેના કરતાં વધુ યુનિટના વીજવપરાશ પર આઠ રૂપિયા પ્રતિ યુનિટ વસૂલવામાં આવે છે.

આ તો થઈ યુનિટદીઠ વીજવપરાશ માટેના ચાર્જની વાત આ સિવાય ગુજરાતનાં મોટાં શહેરોમાં ફ્યુઅલ ચાર્જ, ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ ચાર્જ માટે પ્રતિ યુનિટ બે રૂપિયાથી માંડીને 2.21 રૂપિયા વસૂલવમાં આવે છે.

આ સિવાય ગુજરાતમાં ફિક્સ ચાર્જ અંતર્ગત પ્રતિ બિલ પાંચ રૂપિયાથી પચાસ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવે છે.

આ બાબતે દિલ્હીની વાત કરીએ તો રાજ્યમાં સ્લેબવાઇઝ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ વિદ્યુતખર્ચના 16.18 ટકા વસૂલવામાં આવે છે. આ સિવાય આઠ ટકા સરચાર્જ અને ફિક્સ્ડ ચાર્જ પેટે 200 રૂપિયા વસૂલવામાં આવે છે.

તેમજ ગુજરાત અને દિલ્હીમાં વીજળીના કુલ બિલ પર લાગતા સરકારી કરની વાત કરીએ તો અનુક્રમે 15 અને પાંચ ટકા કર વસૂલવામાં આવે છે, જેના કારણે પણ દિલ્હીમાં વીજળીનું બિલ પ્રમાણસર ઓછું આવે છે.

આપ ગુજરાતમાં 'મફત વીજળી' આપી શકે?

ઉપરની ગણતરી પ્રમાણે દિલ્હીમાં સસ્તી અને અમુક મર્યાદામાં 'મફત વીજળી'નો દાવો સાચો તો ઠરે છે.

પરંતુ દિલ્હીમાં લગભગ 47 લાખ ઘરવપરાશ માટેના વીજવપરાશકારો છે, તેની સામે ગુજરાતમાં લગભગ 1 કરોડ 38 લાખ ઘરેલુ વપરાશકારો છે.

વસતિની દૃષ્ટિએ શું દિલ્હીની જેમ ગુજરાતમાં 'મફત વીજળી' આપી શકાય?

આ પ્રશ્ન અંગે અર્થશાસ્ત્રના પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, "વીજળીના બિલમાં રાહત એ માત્ર રાજકીય ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે. ગુજરાત એ દિલ્હી કરતાં વધુ સમૃદ્ધ રાજ્ય છે. જો કોઈ પક્ષ પોતાના કે લોકોના લાભ માટે વીજળીના બિલમાં રાહત આપવાનું નક્કી કરે તો તે જરૂર આપી શકે."

"તેના માટે માત્ર નાણાકીય સંસાધનોની યોગ્ય ગોઠવણી કરવાની જરૂરિયાત છે. પરંતુ ગુજરાતમાં સરકારને ખાનગીકરણ થકી ઉદ્યોગકારોને લાભ અપાવવાની નીતિ અપનાવી હોવાથી ગુજરાતમાં આ લાભ મળી શકતો નથી."

"પહેલાં પણ ગુજરાતમાં સરકારી વીજકંપનીઓ 100 યુનિટ સુધીની વીજળી મફત આપતી હતી. પણ હવે એ વ્યવસ્થા બંધ કરી દેવાઈ છે."

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં આપની સરકાર આવે ત્યારે દિલ્હીની જેમ કેવી 'મફત વીજળી'ની યોજના અમલમાં મૂકી શકશે?

તે અંગે વાત કરતાં કહે છે કે, "દિલ્હી અને હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર આ યોજના સફળતાપૂર્વક ચલાવવા જઈ રહી છે. આવી જ રીતે ગુજરાતમાં પણ ચૂંટણીટાણે આ અંગે આમ આદમી પાર્ટીની સરકાર કેવી રીતે દિલ્હીની જેમ મફત વીજળીની યોજના અમલમાં મૂકશે તે અંગે આયોજન રજૂ કરાશે."

જ્યારે તેમને પુછાયું કે દિલ્હીની સરખામણીમાં ગુજરાતની વસતિ વધુ છે તો શું આવી યોજના અહીં લાગુ કરી શકાય કે કેમ?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હા બિલકુલ, ગુજરાતની વસતિ વધુ છે તો તેની સામે તેની આવક પણ વધુ છે. નાણાકીય સંસાધનો બાબતે તે દિલ્હી કરતાં આગળ છે. દિલ્હી નાનું રાજ્ય હોઈ ત્યાં 'મફત વીજળી' અપાતી હોવાનું જૂઠ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેલાવવામાં આવે છે. આવું ગુજરાતમાં પણ થઈ શકે.

ગોપાલ ઇટાલિયા આગળ વાત કરતાં કહે છે કે, "મફત વીજળીની સુવિધા અંગે આમ આદમી પાર્ટીની મજાક ઉડાવવાના ભાજપના ઘણા પ્રયાસો છતાં તે યોજના લોક ઉપયોગી હોવાનું સાબિત થયું છે."

"આ યોજનાના કારણે ગરીબોને વીજ કનેક્શન મળી શકે છે અને નિભાવખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેમજ લોકો પાસે રહેલાં નાણાં સ્થાનિક બજારમાં આવતાં અર્થતંત્રનો પણ વિકાસ થાય છે. આ યોજનાનાં ખૂબ સારાં પરિણામો જોવા મળ્યાં છે."

દિલ્હીમાં શું ખરેખર વીજળીનું બિલ નથી આવતું?

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારનો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે 'મફત વીજળી.'

ભારતનાં અન્ય રાજ્યોમાં રહેતા લોકોને દિલ્હીની 'મફત વીજળી', 'મોહલ્લા ક્લિનિક' અને 'સારી સરકારી શાળાઓ' અંગેની વાતો અને જાહેરાતો અવારનવાર સંભળાતી રહે છે.

ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું ખરેખરે દિલ્હીમાં બધાને 'મફત વીજળી' મળે છે ખરી? જો હા તો આ સમગ્ર વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે.

એ સમજાવાનો એક પ્રયત્ન કરીએ.

ન્યૂઝલૉન્ડ્રી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે શૂન્યથી 200 યુનિટની વચ્ચે વીજળી વાપરનારા લોકોને કોઈ બિલ ચૂકવવું પડતું નથી.

આ સિવાય 200થી 400 યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરનારા લોકોને સમગ્ર બિલમાં 800 રૂપિયાની છૂટ મળે છે.

પરંતુ 400 કરતાં વધુ યુનિટ વીજળીનો ઉપયોગ કરનારને કોઈ રાહત કે છૂટ મળતી નથી.

જોકે, ઘણા ટીકાકારોનું કહેવું છે કે આ સ્કીમનો લાભ દિલ્હીમાં વસતા ઘણા લોકોને નથી મળી શકતો. કારણ કે મકાનમાલિકો તેમના ભાડૂતોને આ યોજનાના લાભ મળવા દેતા નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો