ગુજરાત : સાતમું પાસ યુવાનોએ દેશી ટૂલ બનાવી 40 જેટલાં ATMમાંથી ઉપાડ્યા પૈસા, કેવી રીતે ઝડપાયા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાંનાં ATMમાંથી દેશી ટૂલ વડે પૈસા ઉપાડી લેતી ટોળકી પકડાઈ
  • ઉત્તર પ્રદેશની ગૅંગની ગુનો આચરવાની રીત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
  • કેવી રીતે સતત ગુનો આચરવામાં સફળ રહી ટોળકી? અંતે કેવી રીતે લાગી પોલીસના હાથમાં?

બે મહિનાથી ગુજરાતની કેટલીક બૅંકમાં ગ્રાહકોની સંખ્યાબંધ ફરિયાદ આવવા લાગી કે ATMમાંથી પૈસા નીકળતા નથી અને એમનાં ખાતાંમાંથી પૈસા ખાલી થઈ જાય છે.

ભારે જહેમત પછી પોલીસે બૅંકના ATMમાં કરામત કરી લોકોના પૈસા ચાંઉ કરનારને પકડ્યા ત્યારે તેઓ એ વાત જાણીને આશ્ચર્યચકિત રહી ગયા કે SSC પણ પાસ ન કર્યું હોય એવા યુવકોની એક ટોળકી દેશી ટૂલ બનાવી લોકોના પૈસા સેરવી લેતી હતી.

ગુજરાતનાં 40 ATM સેન્ટરને નિશાન બનાવનાર ત્રણ આરોપીઓ કોઈ ATMનું સર્વર હૅક કરીને પૈસા નહોતા ઉપાડતા પણ દેશી ટૂલના ઉપયોગથી લોકોના પૈસા ચાંઉ કરી જતા હતા.

આ ટોળકીની પૈસા ચાંઉ કરવાની મોડસ ઑપરેન્ડી વિશે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ કેસ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ સાથે વાત કરી હતી.

આ કેસનો કોયડો ઉકેલનાર અમદાવાદ સાઇબર ક્રાઇમના ACP જિતુ યાદવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ કેસ અંગે કહ્યું હતું કે, "રાષ્ટ્રીયકૃત બૅંકની ATM ઇન્સ્ટૉલ કરનારી કંપનીના મૅનેજરે ફરિયાદ કરી હતી કે બે મહિનામાં એમની ATMમાંથી ગ્રાહક પૈસા ઉપાડે છે ત્યારે ખાતાંમાંથી પૈસા ડેબિટ થાય છે પણ ATMમાંથી પૈસા નીકળતા નથી."

તેઓ આ અંગે વાત કરતાં કહે છે કે, "અમે જે ATMમાંથી પૈસા નીકળતા ન હતા એ બાબત અંગે તપાસ કરી તો ખબર પડી કે ATMમાંથી શટર ‌ઍસેમ્બલી (ATMમાં જ્યાંથી પૈસા નીકળે એ જગ્યા) તૂટેલી હતી."

"અમે અને ATM મશીન લગાવનાર કંપનીના મૅનેજરે તમામ ATMની CCTV ફૂટેજ ચેક કરી તો ખબર પડી કે ત્રણ લોકો ATMની શટર ઍસેમ્બલી તોડી એમાં એલ્યુમિનિયમનું ટૂલ નાખતા હતા."

યાદવ આગળ જણાવે છે કે, "આટલું કરીને તેઓ ATMની બહાર બેસતા. અને જ્યારે કોઈ વ્યક્તિ ATMમાં પૈસા કાઢવા જાય અને પૈસા ન નીકળતાં તે બહાર આવી જાય ત્યારે આ ત્રણ જણની ટોળકી માંથી એક અંદર જઈને શટર ઍસેમ્બલીમાં ભરાવેલી ઍલ્યુમિનિયમનું ટૂલ બહાર કાઢતો અને એમાંથી પૈસા લઈ ફરીથી એ ભરાવી દેવાતું હતું."

'સતત બે માસ સુધી આવી રીતે ઉપાડ્યા પૈસા'

રાષ્ટ્રીયકૃત બૅંકમાં ATM લગાવનાર ટ્રાન્ઝેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મૅનેજર રંજન શર્માએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી કંપનીમાં 20 જૂનથી 27 ઑગસ્ટ સુધીમાં બૅંક તરફથી સંખ્યાબંધ ફરિયાદ આવી હતી કે ATMમાં લોકો પૈસા ઉપાડે છે અને એમનાં ખાતાંમાંથી પૈસા ડેબિટ થયા બાદ પણ મશીનમાંથી પૈસા નીકળતા નથી."

તેઓ આગળ જણાવે છે કે, "બે મહિનામાં આવેલી ફરિયાદમાં મોટાભાગની ATM એવી હતી કે જ્યાં સિક્યૉરિટી ગાર્ડ ન હતા. આ મશીનની અમે તપાસ કરી તો ખબર પડી કે ATMનાં શટર ઍસેમ્બલી, પૈસા બહાર આવે તે માટેનું મશીનનું ગિયર અને પ્રેઝન્ટર મોડ્યુઅલ તોડી નાખવામાં આવ્યાં હતાં."

"જેના કારણે એવું લાગે કે સર્વરમાં કોઈ તકલીફ હશે પણ અમે જયારે CCTV ફૂટેજ જોઈ તો ખબર પડી કે એમાં ગ્રાહક આવે એ પહેલાં એલ્યુમિનિયમનું એક ટૂલ ભરાવવામાં આવતું હતું."

રંજન શર્મા આગળ જણાવે છે કે, "આ દેશી ટૂલને કારણે ATMમાંથી પૈસા તો નીકળતા પરંતુ એ બહાર આવતાં અટકી જતા હતા. કારણ કે એ ટૂલમાં એક ખાંચો એવો લગાવાયો હતો કે જેથી પૈસા બહાર ના આવે. પૈસા નહીં આવતાં થાકીને ગ્રાહક બહાર જાય એટલે આ ટોળકીના લોકો ATM સેન્ટરમાં આવી એ ટૂલ બહાર કાઢીને પૈસા લઈ લેતા અને ફરી એ ટૂલ નાખી દેતા હતા."

કેવી રીતે પકડાયા આરોપી?

અમદાવાદ સાઇબર ક્રાઇમના ACP યાદવ કહે છે કે, "બૅંકની બહારની ATMના CCTV જોયા તો આરોપી જે રિક્ષા કે બીજાં વાહનોમાં જતાં-આવતાં હતા એને અમે ટ્રેસ કર્યાં. આનાથી ખબર પડી કે આ લોકો રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની આસપાસની સસ્તી હોટલમાં રહેતા હતા. એમની અમે ધરપકડ કરી છે."

"એમની પાસેથી એક ફૂટથી લાંબી ઍલ્યુમિનિયમનું ટૂલ મળ્યું છે, આ ત્રણ જણ ઉત્તર પ્રદેશથી આવ્યા હતા. આરોપીઓ 20થી 29 વર્ષના છે. કોઈ સાતમું ધોરણ પાસ છે તો કોઈ નવમું."

તેઓ તપાસમાં બહાર આવેલી વિગતો જણાવતાં કહે છે કે, "પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે કે એમને એમના ગુરુ અશોકસિંઘે આ ટેકનિક શીખવી છે. અશોકસિંઘ બી. એસસી પાસ થયેલો છે."

"આ પહેલાં એણે ગુજરાત આવી અલગ અલગ ATMમાંથી આ પ્રકારે પૈસા દેશી ટૂલથી ઉપાડ્યા હતા. આ લોકોએ માત્ર અમદાવાદ જ નહીં. વડોદરા અને સુરત સહિત 40 ATMમાંથી આ પ્રકારે પૈસા ઉપાડ્યા હતા."

ACP યાદવ કહે છે કે, "હજુ અમે ત્રણ બૅંકના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. જેથી ખબર પડી શકે કે આ લોકોએ આવી રીતે કેટલા પૈસા ઉપાડ્યા છે. ઉત્તર પ્રદેશથી ટ્રેનમાં આવી ગુજરાતની ATMને બે મહિનાથી આરોપીઓ નિશાન બનાવી રહ્યા હતા એટલે બૅંક પાસેથી વધુ વિગત મળતાં આગળ તપાસ કરીશું."

"આ ગૅંગના માસ્ટરમાઇન્ડ અશોકસિંઘને પકડવા માટે અમે ઉત્તર પ્રદેશ પોલીસની પણ મદદ લીધી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો