You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિખાઇલ ગોર્બાચોફ : સોવિયેટ સંઘ અને અમેરિકાના શીતયુદ્ધને ખતમ કરાવનારા નેતા
મિખાઇલ ગોર્બાચોફ 20મી સદીની સૌથી વધારે પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓમાંથી એક હતા.
તેઓ એ સોવિયેટ સંઘના વિઘટનના સૂત્રધાર રહ્યા જે લગભગ 70 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યું અને જેનો એશિયા અને પૂર્વ યુરોપનાં વિશાળ ક્ષેત્રો પર દબદબો રહેતો.
પૂર્વ સોવિયેટ સંઘના અંતિમ નેતા મિખાઇલ ગોર્બાચોફનું નિધન 91 વર્ષની ઉંમરે થયું હતું.
1985માં સોવિયેટ સંઘ કે યુએસએસઆરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ જ્યારે તેમણે પોતાના સુધારવાદી કાર્યક્રમની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી, તો તેમનો એકમાત્ર ઉદ્દેશ પોતાના દેશની ગતિહીન અર્થવ્યવસ્થામાં ફરી પ્રાણ ફૂંકવા અને રાજકીય પ્રક્રિયાઓને સંપૂર્ણપણે બદલવાનો હતો.
ગોર્બાચોફના આ પ્રયાસો જ એ ક્રમાનુબદ્ધ ઘટનાઓનું કારણ બન્યા, જેનાથી ન માત્ર સોવિયેટ સંઘની અંદર પરંતુ તેના રાજકીય-આર્થિક પ્રભાવ હેઠળ રહેતા બીજા દેશોમાંથી પણ સામ્યવાદી શાસનનો અંત થયો.
મિખાઇલ ગોર્બાચોફનો જન્મ બીજી માર્ચ 1931માં દક્ષિણી રશિયાના સ્તાવરોપોલમાં થયો હતો. તેમનાં માતાપિતા સામૂહિક ખેતરોમાં કામ કરતાં હતાં અને પોતાની કિશોરાવસ્થામાં ગોર્બાચોફ પણ આ કામમાં મદદ કરતા હતા.
1955માં જ્યારે ગોર્બાચોફ મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએટ થયા, ત્યાં સુધી તેઓ કૉમ્યુનિસ્ટ પાર્ટીના સક્રિય સભ્ય બની ચૂક્યા હતા.
પોતાની નવપરિણીતા પત્ની રઈસા સાથે સ્તાવરોપોલ પરત ફરવા પણ તેમણે પાર્ટીના ક્ષેત્રીય એકમના રસ્તે ઝડપથી આગળ વધવાનું શરૂ કરી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોર્બાચોફ પાર્ટી કાર્યકર્તાઓની નવી પેઢીનો એ ભાગ હતા, જે સોવિયેટ સંઘનાં શીર્ષ પદો પર બેઠેલા ઉંમરલાયક નેતાઓને જેમ બને તેમ જલદી હઠાવવાના પક્ષમાં હતા.
1961 આવતાં આવતાં તેઓ યંગ કૉમ્યુનિસ્ટ લીગના ક્ષેત્રીય સચિવ બની ચૂક્યા હતા અને પાર્ટી કૉંગ્રેસના પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા.
અહીં કૃષિક્ષેત્ર સાથે જોડાયેલી જવાબદારી નિભાવવાના કારણે તેમને નવા નવા પ્રયોગ કરવાનો મોકો મળ્યો અને તેની સાથે પાર્ટીમાં વધતાં તેમના કદે તેમને સમગ્ર ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી રાખવામાં મદદ કરી.
મિખાઇલ ગોર્બાચોફ : હીરો કે ખલનાયક?
- સોવિયેટ સંઘના અંતિમ સર્વોચ્ચ નેતા મિખાઇલ ગોર્બાચોફનું 91 વર્ષની વયે નિધન
- ઘણાં બિન-રશિયનો તેમને એક હીરો માનતા
- જોકે, ઘણા રશિયન લોકો તેમને સોવિયેટ સંઘના વિઘટન માટેનું કારણ ગણતા હતા
- તેમણે સોવિયેટ રશિયાના બીમાર અર્થતંત્રને ઊભા કરવા પ્રયાસ કર્યા
- પરંતુ અંતે આ પ્રયાસો અને તેમની નિખાલસતા તેમજ રાજકીય નીતિઓને કારણે સંઘનું વિઘટન થવાની શરૂઆત થવા લાગી
રાજકારણમાં તાજી હવાની લહેર
વર્ષ 1978માં ગોર્બાચોફ કૃષિક્ષેત્ર માટે કામ કરતી એક કેન્દ્રીય સમિતિના સભ્ય બનીને મૉસ્કો પહોંચ્યા હતા. માત્ર બે વર્ષ બાદ તેમને પોલિતબ્યૂરોના પૂર્ણ સભ્ય બનાવી દેવામાં આવ્યા હતા.
યૂરી આંદ્રોપોવ મહાસચિવના પદે હતા અને તે દરમિયાન ગોર્બાચોફે ઘણા વિદેશપ્રવાસ કર્યા. તેમાં વર્ષ 1984નો લંડન પ્રવાસ પણ સામેલ છે, જ્યાં તેમણે બ્રિટનનાં તત્કાલીન વડાં પ્રધાન માર્ગરેટ થૅચર પર પોતાની છાપ છોડી હતી.
બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં થૅચરે જણાવ્યું હતું કે કેવી રીતે તેમની અંદર ભવિષ્યમાં યુએસએસઆરની સાથે સંબંધો મામલે આશા જાગી હતી. તેમણે કહ્યું હતું, "મને ગોર્બાચોફ પસંદ છે. અમે મળીને વેપાર કરી શકીએ છીએ."
આંદ્રોપોવના નિધન બાદ 1984માં ગોર્બાચોફનું પાર્ટી મહાસચિવ બનવું નક્કી માનવામાં આવી રહ્યું હતું પરંતુ તે સમય બીમાર પડેલા કૉન્સ્ટૈન્ટિન ચેર્નેકોને આ પદ સોંપવામાં આવ્યું હતું.
એક વર્ષની અંદર જ આંદ્રોપોવનું મૃત્યુ પણ થઈ ગયું હતું અને પોલિતબ્યૂરોના સૌથી યુવા સભ્ય ગોર્બાચોફ તેમના ઉત્તરાધિકારી બન્યા.
ગોર્બાચોફ કૉમ્યુનિસ્ટ પાર્ટીના પહેલા એવા મહાસચિવ હતા જેમનો જન્મ 1917ની ક્રાંતિ બાદ થયો હતો અને ઘણા ઉંમરલાયક નેતાઓ બાદ તેમને રાજકારણમાં તાજી હવાની લહેર સમાન માનવામાં આવ્યા હતા.
ગોર્બાચોફનો કપડાં પહેરવાનો અંદાજ અને મુક્ત વલણ જ તેમને પોતાના પૂર્વ નેતાઓથી અલગ બનાવતું હતું. રઈસાની રહેણી-કરણી પણ એક કૉમ્યુનિસ્ટ નેતાનાં પત્ની કરતાં વધારે અમેરિકાનાં ફર્સ્ટ લેડી જેવી હતી.
ખુલ્લું બજાર
ગોર્બાચોફ માટે પહેલો પડકાર પતનના આરે ઊભેલી સોવિયેટ અર્થવ્યવસ્થામાં ફરી પ્રાણ ફૂંકવાનો હતો.
તેમના માટે એ સમજવું મુશ્કેલ ન હતું કે જો તેમણે પોતાના આર્થિક સુધારાને સફળ બનાવવા છે તો તેના માટે કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં માથાથી લઈને પગ સુધી ફેરફાર કરવા પડશે.
ગોર્બાચોફનાં સમાધાનોએ બે રશિયન શબ્દોને સામાન્ય બોલચાલની ભાષામાં લાવી દીધા. તેમણે કહ્યું હતું કે દેશને 'પેરેસ્ત્રોઈકા' એટલે કે પુનર્ગઠનની જરૂર છે અને તેને પ્રાપ્ત કરવા માટે તેમણે 'ગ્લાસનોસ્ત' એટલે ખુલ્લાપણાને માધ્યમ બનાવ્યું.
એક વખત લેનિનગ્રાદના પોતાના સામ્યવાદી નેતાઓને સંબોધિત કરતાં મિખાઇલ ગોર્બાચોફે કહ્યું હતું, "તમે બાકી અર્થવ્યવસ્થાઓથી પાછળ રહી રહ્યા છો. તમારો સસ્તો અને ખરાબ ગુણવત્તા ધરાવતો માલ શરમની વાત છે."
પરંતુ તેમણે પાર્ટી પ્રતિનિધિઓને 1985માં સંબોધિત કરતાં સ્પષ્ટ પણ કરી દીધું હતું કે તેમનો ઉદ્દેશ રાજ્યનિયંત્રિત વ્યવસ્થાને મુક્ત બજારવાળી અર્થવ્યવસ્થા સાથે બદલવાનો ન હતો.
તેમણે કહ્યું હતું, "તમારામાંથી કેટલાક લોકો પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે બજાર તરફ જુએ છે. પરંતુ કૉમરેડ, તમારે જીવ બચાવવાની રીતો જોવા કરતાં જહાજ વિશે વિચારવું જોઈએ અને આ જહાજ સમાજવાદ છે."
વ્યવસ્થામાં આવેલી સુસ્તીને દૂર કરવા માટે તેમનું બીજું હથિયાર લોકતંત્ર હતું. પહેલી વખત સોવિયેટ સંઘના સર્વોચ્ચ અંગ 'કૉંગ્રેસ ઑફ પીપલ્સ ડેપ્યુટીઝ'માં ચૂંટણી થઈ હતી.
સૌથી અઘરી પરીક્ષા
દમનકારી હકૂમત તરફથી મળેલી આ છૂટે એવા ઘણા દેશોમાં હિલચાલ વધારી દીધી, જે સોવિયેટ સંઘનો ભાગ હતા. ડિસેમ્બર 1986માં કઝાખસ્તાનમાં થયેલાં રમખાણોએ આગળ ઉત્પન્ન થનારી અશાંતિનો સંકેત આપી દીધો હતો.
ગોર્બાચોફ શીતયુદ્ધને ખતમ કરવા માગતા હતા. તેમણે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન સાથે હથિયારોને હઠાવવા માટે સફળતાપૂર્વક સંધિ પણ કરી હતી.
પરંતુ તેમની અસલી પરીક્ષા એ દેશોએ લીધી જે ઇચ્છા ન હોવા છતાં સોવિયેટ સંઘમાં સામેલ કરવામાં આવ્યા હતા.
તેમની નિખાલસતા અને લોકતંત્રના સમર્થક હોવાના કારણે આ દેશોમાં સ્વતંત્રતાની માગ વધવા લાગી, જેને શરૂઆતમાં સેનાની મદદથી ગોર્બાચોફે દબાવી દીધી હતી.
સોવિયેટ સંઘનું તૂટવું ઉત્તરમાં બાલ્ટિક ગણરાજ્યોથી શરૂ થયું હતું. લાતવિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયાએ પોતાને મૉસ્કોથી મુક્ત કરી લીધાં હતાં, જે બાદ ધીમે-ધીમે તેની અસર રશિયાની વૉરસૉ સંધિમાં સામેલ સહયોગી દેશોમાં પણ જોવા મળી.
તેનું સૌથી મોટું ઉદાહરણ 9 નવેમ્બર 1989માં જોવા મળ્યું હતું, જ્યારે મોટા પાયે પ્રદર્શનો બાદ સોવિયેટ સંઘના મજબૂત સહયોગી પૂર્વ જર્મનીના નાગરિકોને કોઈ રોકટોક વગર પશ્ચિમ જર્મનીમાં જવાની પરવાનગી મળી ગઈ.
આ વિરોધના જવાબમાં સોવિયેટના પારંપરિક અંદાજમાં ગોર્બાચોફ પોતાની ટૅન્ક ત્યાં તહેનાત કરી શકતા હતા. પરંતુ તેમણે એવું ન કર્યું અને ગોર્બાચોફે જર્મનીના એકીકરણને તેનો આંતરિક મામલો ગણાવ્યો હતો.
પૂર્વ-પશ્ચિમ દેશોના સંબંધોમાં આમૂલ પરિવર્તન લાવવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવવા માટે ગોર્બાચોફને 1990નો નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પરંતુ ઑગસ્ટ 1991 આવતાં આવતાં રશિયન કૉમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સહનશક્તિ જવાબ આપી ચૂકી હતી.
આ નેતાઓએ સૈન્ય સત્તાપલટાનું ષડ્યંત્ર રચ્યું અને કાળા સાગરમાં રજાઓ મનાવવા પહોંચેલા ગોર્બાચોફની ધરપકડ કરી લીધી હતી.
કૉમ્યુનિસ્ટ પાર્ટીના અન્ય નેતા બૉરિસ યેલ્તસિને આ અવસરનો લાભ લીધો. તેમણે પ્રદર્શનકારીઓની ધરપકડ કરાવી સત્તાપલટાના પ્રયાસોને નિષ્ફળ કર્યા. પરંતુ જેલમાં બંધ ગોર્બાચોફને મુક્ત કરવાના બદલે તેમની પાસેથી બધી રાજકીય શક્તિઓ છીનવી લેવામાં આવી.
તેના છ મહિના બાદ જ ગોર્બાચોફની વિદાઈ થઈ ગઈ અને કૉમ્યુનિસ્ટ પાર્ટીને પણ ગેરકાયદેસર ગણાવવામાં આવી હતી. આ સમયે રશિયા નવી અનિશ્ચિતતાઓથી ઘેરાઈ ગયું હતું.
સોવિયેટ વિઘટન પછીનાં વર્ષો
સત્તા પરથી બેદખલ કર્યા છતાં મિખાઇલ ગોર્બાચોફ રશિયાની સાથે જ આંતરરાષ્ટ્રીય મામલાઓ પર સ્પષ્ટવક્તા રહ્યા. જોકે, તેમનું કદ રશિયાની બદલે બીજા દેશોમાં વધારે ઊંચું રહ્યું.
વર્ષ 1996માં તેમણે ફરી રાજકારણમાં નસીબ અજમાવ્યા અને રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યા. પરંતુ તેમને પાંચ ટકા કરતાં પણ ઓછા મત મળ્યા હતા.
90ના દાયકામાં તેમણે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ખૂબ ભાગ લીધો હતો અને ઘણા વૈશ્વિક નેતાઓ સાથે સંપર્ક પણ જાળવીને રાખ્યો હતો. ઘણા બિન-રશિયનો માટે ગોર્બાચોફ હીરો કરતાં ઓછા ન હતા.
ગોર્બાચોફને નોબેલ સહિત ઘણાં અન્ય પુરસ્કાર અને સન્માન પણ આપવામાં આવ્યાં છે.
પરંતુ વર્ષ 1999માં ગોર્બાચોફના વ્યક્તિગત જીવનને ખૂબ મોટો ફટકો પડ્યો જ્યારે દરેક સમયે તેમની સાથે ઊભાં રહેનારાં તેમનાં પત્ની રઈસાનું લ્યુકીમિયાના કારણે નિધન થઈ ગયું.
પુતિનના ખૂબ મોટા ટીકાકાર
મિખાઇલ ગોર્બાચોફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખૂબ મોટા ટીકાકાર રહ્યા છે. તેમણે પુતિન પર હંમેશાં દમનકારી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો.
ગોર્બાચોફે કહ્યું હતું, "રાજકારણ ઝડપથી નકલી લોકશાહીમાં પરિવર્તિત થઈ રહ્યું, જ્યાં બધી શક્તિ માત્ર એક હાથમાં છે."
જોકે, વર્ષ 2014માં ગોર્બાચોફે એ જનમતસંગ્રહનું સમર્થન કર્યું હતું, જે બાદ ક્રાઇમિયા પર રશિયાના કબજાનો રસ્તો સાફ થઈ ગયો હતો.
ગોર્બાચોફે તે સમયે કહ્યું હતું, "પૂર્વમાં લોકોને પૂછ્યા વગર સોવિયેટ કાયદાને અનુરૂપ ક્રાઇમિયાને યુક્રેનમાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે લોકોએ જાતે તે ભૂલને સુધારવાનો નિર્ણય લીધો છે."
માર્ચ 2021માં ગોર્બાચોફના 90મા જન્મદિવસ પર રાષ્ટ્રપતિ પુતિને તેમનાં વખાણ કરતાં તેમને 'આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ રાજનેતાઓમાંથી એક' ગણાવ્યા હતા, જેમનો રશિયાની સાથે વૈશ્વિક ઇતિહાસ પર પણ ઊંડો પ્રભાવ છે.
તેમણે કહ્યું કે શીત યુદ્ધ ખતમ કરવું અને પરમાણુ હથિયારોને ઘટાડવાનો નિર્ણય સાચો હતો.
પરંતુ સત્તાપલટો અને સોવિયેટ સંઘના વિઘટનને લઈને હજુ પણ કેટલાક સ્તરના લોકોમાં નારાજગી છે. ઘણા રશિયન નાગરિક હજુ પણ આ પતન માટે ગોર્બાચોફને જવાબદાર માને છે.
એક વ્યાવહારિક અને તર્કસંગત રાજનેતા હોવા છતાં મિખાઇલ ગોર્બાચોફ એ સમજવામાં નિષ્ફળ રહ્યા કે કેન્દ્રીકૃત સામ્યવાદી પ્રણાલીને ખતમ કર્યા વગર અર્થવ્યવસ્થામાં નિખાલસતા માટે તેમના સુધારાઓ લાગુ કરવા લગભગ અશક્ય હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો