You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિખાઇલ ગોર્બાચોફ : સોવિયેટ સમયના અંતિમ નેતાનું નિધન
- સોવિયેટ સંઘ સમયના અંતિમ નેતા હતા મિખાઇલ ગોર્બાચોફ
- તેમના સુધારાઓની નીતિના લીધે પશ્ચિમી દેશો પણ હતા તેમના પ્રશંસક
- આ નીતિઓના કારણે જ અંતે સોવિયેટ સંઘનું વિઘટન થયુ હોવાનો મત
- લાંબા સમયથી બીમાર ગોર્બાચોફે 91 વર્ષની ઉંમરે લીધો અંતિમ શ્વાસ
પૂર્વ સોવિયેટ સંઘના અંતિમ નેતા મિખાઇલ ગોર્બાચોફનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 1985થી 1991 સુધી સોવિયેટ સંઘની સત્તામાં હતા.
ગોર્બાચોફે પોતાના સમયમાં બે સુધારા કર્યા હતા, જેણે સોવિયેટ સંઘનું ભવિષ્ય બદલી નાંખ્યું હતું. આ બે સુધારા હતા, 'ગ્લાસનોસ્ત' એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને 'પેરેસ્ત્રોઇકા' એટલે કે પુનર્ગઠન.
'ગ્લાસનોસ્ત'ની નીતિ બાદ સોવિયેટ સંઘમાં લોકોને સરકારની ટીકા કરવાનો અધિકાર મળ્યો હતો. આ એક એવી બાબત હતી જેની ત્યાંના લોકોએ અગાઉ ક્યારેય કલ્પના પણ કરી નહોતી.
મિખાઇલ ગોર્બાચોફ 1985માં યુએસએસઆરના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ તેમણે દેશના દરવાજા દુનિયા મોટી ખોલી દીધા હતા અને મોટા પાયે સુધારા કર્યા હતા.
જોકે, આ સુધારાઓને કારણે જ સોવિયેટ સંઘનું વિઘટન થયું હતું. પોતાના તમામ પ્રયત્નો બાદ પણ તેઓ વિઘટન રોકી શક્યા નહીં અને આ રીતે આધુનિક રશિયાનો જન્મ થયો હતો.
ઘણાં વર્ષોથી હતા બીમાર
ગોર્બાચોફે જે હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેના જણાવ્યા અનુસાર સોવિયેટ નેતા લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા.
હાલના વર્ષોમાં તેમની તબિયત સતત ખરાબ થઈ રહી હતી અને તેમને ઘણી વખત હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
જોકે, ગોર્બાચોફના નિધનનું કારણ હજી સુધી જાહેર કરાયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અંતિમસંસ્કાર મૉસ્કોમાં થશે. રશિયન સમાચાર એજન્સી 'તાસ' અનુસાર તેમને નોવોદિવેચી સિમેન્ટરીમાં તેમનાં પત્ની રઇસાની કબર પાસે જ દફનાવવામાં આવશે.
રશિયાના ઘણા મોટા નેતાઓની કબર આ કબ્રસ્તાનમાં આવેલી છે.
દુનિયાભરથી શ્રદ્ધાંજલિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ગોર્બાચોફના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સમાચાર એજન્સી ઇન્ટરફેસને આ જાણકારી આપી હતી.
ગોર્બાચોફના નિધન બાદ વિશ્વભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે 'તેમણે ઇતિહાસનો પ્રવાહ બદલ્યો હતો.'
તેમણે ટ્વીટર પર આપેલી શ્રદ્ધાંજલિમાં લખ્યું, "મિખાઇલ ગોર્બાચોફ ખાસ પ્રકારના રાજનેતા હતા. દુનિયાએ એક મહાન વૈશ્વિક નેતા અને શાંતિપ્રિય વ્યક્તિને ગુમાવ્યાં છે."
યુરોપીયન સંઘના પ્રમુખ ઉર્સુલા વૉન દેર લેયેને પણ ગોર્બાચોફને એક ભરોસાપાત્ર અને સન્માનિત નેતા ગણાવ્યા છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને કહ્યું કે તેઓ ગોર્બાચોફના સાહસ અને ઈમાનદારીના પ્રશંસક છે.
તેમણે કહ્યું, "યુક્રેનમાં પુતિનની આક્રમકતાના સમયે સોવિયેટ સમાજને ખુલ્લો મૂકવા માટે ગોર્બાચોફની પ્રતિબદ્ધતા આપણા સૌ માટે ઉદાહરણસમી છે."
કૉમ્યુનિસ્ટ નેતાથી સત્તાના શિખર સુધી
ગોર્બાચોફ 54 વર્ષની ઉંમરે સોવિયેટ કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ બન્યા હતા અને તે કારણથી તેઓ દેશના સર્વોચ્ચ નેતા પણ બન્યા.
તે સમયે તેઓ પોલિત બ્યૂરો નામથી ઓળખાતી સત્તાધારી પરિષદના સૌથી નાની ઉંમરના સદસ્ય હતા.
ઘણા ઉંમરલાયક નેતાઓ બાદ તેમને 'તાજી હવાની લહેર' ગણવામાં આવતા.
મિખાઇલ ગોર્બાચોફની ગ્લાસનોસ્ત નીતિએ લોકોને સરકારની ટીકા કરવાનો અધિકાર આપ્યો હતો પરંતુ તેને દેશના ઘણા વિસ્તારોમાં રાષ્ટ્રવાદી ભાવનાઓને પણ જગાવી દીધી હતી, જે આખરે સોવિયેટ સંઘના પતન તરફ દોરી ગઈ.
આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે અમેરિકા સાથે શસ્ત્રોને નિયંત્રણ કરનારી સમજૂતી કરી. જ્યારે પૂર્વ યુરોપિયન દેશોએ કૉમ્યુનિસ્ટ શાસકો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો ગોર્બાચોફે હસ્તક્ષેપ કરવાથી ઇનકાર કરી દીધો હતો.
પશ્ચિમી દેશોમાં ગોર્બાચોફને સુધારાઓના જનક માનવામાં આવે છે, જેમણે અમેરિકા-બ્રિટન સહિત પશ્ચિમી દેશો અને સોવિયેટ સંઘ વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે પણ એવી પરિસ્થિતિ ઊભી કરી, જેનાંથી 1991માં શીતયુદ્ધનો અંત આવ્યો.
પૂર્વ-પશ્ચિમ વચ્ચે સંબંધોમાં મોટો સુધાર લાવવા બદલ વર્ષ 1990માં મિખાઇલ ગોર્બાચોફને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોકે, 1991 બાદ નવા રશિયામાં શૈક્ષણિક અને માનવીય પરિયોજનાઓ પર કામ કરતા-કરતા તેઓ રાજનીતિના હાંસિયામાં આવી ગયા.
ગોર્બાચોફે વર્ષ 1996માં ફરી એક વખત રશિયાની રાજનીતિમાં આવવાનો પ્રયત્ન કર્યો હતો. જે નિષ્ફળ રહ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમને માત્ર 0.5 ટકા મત મળ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો