You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ખવાતાં જુવાર, બાજરી જેવાં ધાન્યનાં PM મોદીએ વખાણ કેમ કર્યાં?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
- મિલેટ્સ કુપોષણ દૂર કરવાથી માંડીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ છે
- તેને ઓછા પાણીના ખર્ચવાળો પાક પણ કહી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ'ના રૂપમાં મનાવવાની જાહેરાત પણ કરી છે
- કુપોષણથી માંડીને જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ સામે લડી રહેલી દુનિયામાં આ દિવસોમાં મિલેટ્સને સુપરફૂડ કહેવામાં આવી રહ્યું છે
- સૂપરફૂડનો મતલબ એ ખાદ્યસામગ્રીઓ જેમાં પોષકતત્ત્વો અપેક્ષા કરતાં વધારે હોય. મિલેટ્સને પણ એવા જ પાકમાંથી એક ગણવામાં આવે છે.
- તેમાં જુવાર, બાજરો, રાગી, સાંબા, કંગની, ચીના, કોદો, કુટકી અને કુટ્ટૂ જેવા પાક આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારના રોજ 'મન કી બાત' કાર્યક્રમમાં મિલેટ્સ જેવા જાડા અનાજો પ્રત્યે લોકોમાં જાગરૂકતા વધારવા માટે જન-આંદોલન ચલાવવાની વાત કરી છે.
પીએમ મોદીએ જણાવ્યું છે કે જાડાં ધાન્ય કુપોષણ દૂર કરવાથી માંડીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ છે.
તેને ઓછા પાણીના ખર્ચવાળો પાક પણ કહી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ'ના રૂપમાં મનાવવાની જાહેરાત પણ કરી છે.
મિલેટ્સ સુપર ફૂડ શા માટે કહેવામાં આવે છે?
કુપોષણથી માંડીને જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ સામે લડી રહેલી દુનિયામાં આ દિવસોમાં જાડાં ધાન્યને સુપરફૂડ કહેવામાં આવી રહ્યા છે. સૂપરફૂડનો મતલબ એ ખાદ્યસામગ્રીઓ જેમાં પોષકતત્ત્વો અપેક્ષા કરતાં વધારે હોય. જાડાં ધાન્યને પણ એવા જ પાકમાંથી એક ગણવામાં આવે છે.
તેમાં જુવાર, બાજરો, રાગી, સાંબા, કંગની, ચીના, કોદો, કુટકી અને કુટ્ટૂ જેવા પાક આવે છે.
આ પાકોમાં ઘઉં અને ચોખાની સરખામણીએ સોલ્યુબલ ફાઇબર વધારે હોય છે.
ભારતીય મિલેટ્સ અનુસંધાન સંસ્થામાં પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત ડૉ. રાજેન્દ્ર આર ચપકે માને છે કે આ પાકોમાં ઘઉં અને ચોખાની સરખામણીએ કેલ્શિયમ અને આયર્ન વધારે હોય છે.
તેઓ કહે છે, "ફિંગર મિલેટ (રાગી)માં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. પ્રતિ 100 ગ્રામ ફિંગર મિલેટમાં 364 મિલિગ્રામ સુધી કેલ્શિયમ હોય છે. એટલું જ નહીં, તેમાં આયર્નની માત્રા પણ ઘઉં અને ચોખાની સરખામણીએ વધારે હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જળવાયુ પરિવર્તનની વચ્ચે આ પાક સારો કેમ છે?
જળવાયુ પરિવર્તનના કારણે દુનિયામાં વરસાદના સમય અને પ્રકૃતિમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે. તેના કારણે ક્યાંક વરસાદ વધારે પડે છે તો ક્યાંક દુષ્કાળ.
હાલના દિવસોમાં મધ્ય પ્રદેશથી માંડીને ઉત્તર-પૂર્વી રાજ્યો પૂરનો સામનો કરી રહ્યાં છે.
બીજી તરફ બિહાર જેવા રાજ્ય પૂર અને દુષ્કાળ બંને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
એટલું જ નહીં, ભારતનાં ઘણાં રાજ્ય ભૂગર્ભીય જળસંકટ સામે લડી રહ્યાં છે. આવા પડકારો વચ્ચે મિલેટ્સ ક્રૉપ એક સમાધાન તરીકે જોવા મળે છે.
ડૉ. રાજેન્દ્ર આર ચપકે જણાવે છે, "ઘઉં અને ચોખાની સરખામણીએ મિલેટ્સ ક્રૉપમાં પાણીની જરૂર ખૂબ ઓછી પડે છે. ઉદાહરણ તરીકે શેરડીના એક છોડને પોતાના જીવનકાળ દરમિયાન 2100 મિલિમીટર પાણીની જરૂર હોય છે. બીજી તરફ મિલેટ્સ ક્રૉપ જેવા કે બાજરાના એક છોડને પોતાના જીવનકાળ દરમિયાન 350 મિલિમીટર પાણીની જ જરૂર પડે છે. ફિંગર મિલેટમાં પણ 350 મિલિમીટર પાણીની જરૂર હોય છે. આ રીતે જુવારને 400 મિલિમીટર પાણીની જરૂર પડે છે."
આ રીતે મિલેટ્સ ક્રૉપ (જાડાં ધાન્યના પાક)ને ઓછા પાણીની ઉપલબ્ધતાવાળી જગ્યાઓ પર ઉગાડી શકાય છે. સાથે જ દુષ્કાળની સ્થિતિમાં પણ આ પાકોને ઉગાડી શકાય છે.
ડૉ. ચપકે જણાવે છે કે 'આ પાક પશુઓ માટે ચારો સુનિશ્ચિત કરવા માટે ખૂબ મહત્ત્વના છે કેમ કે જ્યાં બીજા પાકો પાણીની અછતથી બરબાદ થઈ જાય છે, ત્યાં મિલેટ પાક ખરાબ હોવાની સ્થિતિમાં પણ પશુઓના ચારા માટે કામે લાગી શકે છે.'
તેઓ કહે છે, "તેમને બદલતા જળવાયુને ધ્યાનમાં રાખતા મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે કેમ કે આ સી4 શ્રેણીના પાક છે. અને આ પાકોમાં કાર્બન શોષવાની સારી એવી ક્ષમતા હોય છે."
ખેડૂતોની આર્થિક હાલતને ધ્યાનમાં રાખતા પણ આ પાકોને ઉત્તમ માનવામાં આવે છે કેમ કે આ પાકોમાં જંતુ લાગવાની સમસ્યા ઘઉં અને ડાંગર જેવા પાકની સરખામણીએ ખૂબ ઓછી હોય છે.
ચપકે કહે છે કે 'તેમાંથી મોટાભાગના પાકો ગ્રાસ (ઘાસ) પરિવારના છોડ છે, તેવામાં તેમાં ઘઉં અને ડાંગર સહિત અન્ય પાકોની સરખામણીએ રોગ અને જંતુ લાગવાની સમસ્યા ખૂબ ઓછી જોવા મળે છે.'
ઓછી મહેનતવાળા પાક
દુનિયામાં હીટવેવના કારણે દિવસ દરમિયાન કામ કરવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પોતાના હાલના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આગામી વર્ષોમાં ભારત જેવા દેશોમાં દિવસના કલાકો દરમિયાન કામ કરવું મુશ્કેલ બની જશે અને તેનાથી અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો પર અસર પડશે.
ડૉ. ચપકે માને છે કે 'આ પાક એ માટે પણ સારા છે કેમ કે ધાન ઉગાવવા માટે ખૂબ વધારે મહેનત લાગે છે. કલાકો સુધી ખેડૂતોએ પાણીમાં ઊભા રહીને ધાન વાવવા પડે છે, ત્યારબાદ તેને ખાતર અને પાણી આપવામાં પણ ઘણી મહેનત પડે છે. તેવામાં આ મિલેટ્સ પાકો ખૂબ ઓછી મહેનત લે છે અને ઓછી મહેનતે વધારે પાક આપે છે.'
પરંતુ સવાલ ઊભો થાય છે આ પાકોને કુપોષણ વિરુદ્ધ જંગમાં કેમ મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે?
કુપોષણ વિરુદ્ધ જંગમાં મહત્ત્વનું હથિયાર
છેલ્લા ઘણા દાયકાના સંઘર્ષ છતાં ભારતમાં કુપોષણ હજુ પણ એક મોટી સમસ્યા છે. કેન્દ્ર સરકાર આ સમસ્યાના નિદાન પર દાયકાઓથી ખર્ચ કરી રહી છે. પરંતુ હજુ પણ તેનું સમાધાન જોવા મળી રહ્યું નથી.
પીએમ મોદીએ પોતાના 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું છે કે કુપોષણ સામે લડવામાં પણ મિલેટ્સ લાભદાયક છે. કેમ કે તે પ્રોટીનની સાથે સાથે ઍનર્જીથી ભરપૂર હોય છે.
ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. નૂપુર કૃષ્ણન માને છે કે મિલેટ્સ અનાજ સસ્તાં અને પોષક હોવાના કારણે કુપોષણ વિરુદ્ધ સંઘર્ષમાં ઘણી મદદ પહોંચાડી શકે છે.
તેઓ કહે છે, "આ ખૂબ સસ્તું અનાજ છે, અને પોષણની માટે તેમાં ઘઉં અને ચોખાની સરખામણીએ વધારે એન્ઝાઇમ, વિટામિન અને મિનરલ મળી આવે છે. એટલું જ નહીં, તેમાં સૉલ્યુબલ અને ઇન સૉલ્યુબલ ફાઇબર પણ વધારે જોવા મળે છે. તેનાથી આપણા ગટ બેક્ટેરિયાને પણ ફાયદો પહોંચે છે."
"તેમાં મેક્રો અને માઇક્રો પોષકતત્ત્વોનું ખૂબ સારું મિશ્રણ હોય છે. મેક્રો પોષકતત્ત્વો પ્રોટિન અને કાર્બોહાઇડ્રેટ ફૅટ હોય છે. અને માઇક્રો પોષકતત્ત્વો વિટામિન અને મિનરલ્સ હોય છે. આ માઇક્રો અને મેક્રો પોષકતત્ત્વોનું મિશ્રણ ખૂબ સ્વાસ્થ્યવર્ધક છે. તેને જો એક ગરીબ વ્યક્તિ ખાશે તો તેને કુપોષણથી બચવામાં મદદ મળશે અને એક સમૃદ્ધ વ્યક્તિ ખાશે તો તેને પોષકતત્ત્વો મળશે."
મિલેટ્સને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય?
આપણે ત્યાં સામાન્યપણે બાજરાના રોટલાને બદલે ઘઉંની રોટલી અને ભાત ખાવાનું ચલણ વધારે છે.
ડૉ. નૂપુર કૃષ્ણન તેનું કારણ જણાવતાં કહે છે, "આ વાત સાચી છે કે મિલેટ્સની સરખામણીએ ભાત વધારે સ્વાદિષ્ટ લાગે છે. અને આજકાલ ભાતના એવા એવા પ્રકાર આવી ગયા છે જેમાં તમે એક જગ્યાએ તેને બનાવો તો તેની સુગંધ દૂર સુધી ફેલાય છે. પરંતુ સ્વાસ્થ્ય માટે મિલેટ્સ વધારે ઉપયોગી છે."
"તે હાઇપરટેન્શનથી માંડીને ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યા સામે લડવામાં મદદ કરી શકે છે કેમ કે તેમને ખાવાથી ગ્લાઇસેમિક લોડ ઓછું થઈ જાય છે. જો તે વધારે રહેશે તો બ્લડપ્રેશર, હાઇપરટેન્શન, વેઇટલૉસ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ યથાવત્ રહેશે."
પીએમ મોદીએ કહ્યું છે કે તેને સામાન્ય લોકો વચ્ચે પ્રચલિત બનાવવા માટે એક જનઆંદોલન ચલાવવાની જરૂર છે.
પરંતુ મિલેટ્સ જેવા કે બાજરાને બનાવવામાં થતી મુશ્કેલીઓને પગલે તેમને અપનાવવા માટે થતી સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકાય છે
તેનો જવાબ આપતાં ડૉ. કૃષ્ણન કહે છે, "આપણે એક અઠવાડિયામાં મિલેટ્સ ફૂડ ત્રણથી ચાર વખત ખાઈ શકીએ છીએ. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે. વાત તેને ટેસ્ટી બનાવવાની હોય તો તમે રાગીનો હલવો, જુવારની ખિચડી કે પુલાવ બનાવી શકો છો. તેને બાળકો અને વયસ્કો બંનેને આપી શકાય છે. તેને માત્ર પાચન સંબંધી રોગમાં ન ખાવું જોઈએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો