પીએમ કિસાન નિધિના 1300 કરોડ રૂપિયા અયોગ્ય લોકોને કેવી રીતે મળ્યા?

    • લેેખક, પ્રવીણ શર્મા
    • પદ, બીબીસી હિન્દી માટે

એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે 20.48 લાખ અયોગ્ય લોકોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે.

આનાથી પણ નવાઈની વાત એ છે કે આ લાભાર્થીઓમાં 55 ટકા એવા ખેડૂત છે જેઓ ટૅક્સ જમા કરાવે છે.

ટૅક્સ જમા કરાવતા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી બહાર રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં ટૅક્સ ભરતા ખેડૂત કઈ રીતે કિસાન સન્માન નિધિમાં સામેલ થઈ ગયા તે એક પ્રશ્ન છે.

કુલ 20.48 લાખ અયોગ્ય લાભાર્થીમાં 11.38 લાખથી વધુ લોકો એવા છે જેઓ આવકવેરાની શ્રેણીમાં આવે છે.

આરટીઆઈથી ખુલાસો થયો છે કે અયોગ્ય લાભાર્થીઓના કારણે સરકારી તિજોરીને 1364 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કૃષિમંત્રાલય દ્વારા આરટીઆઈ અંતર્ગત આ માહિતી આપવામાં આવી છે.

આરટીઆઈ દ્વારા અપાયેલી માહિતી મુજબ 44.41 ટકા લોકોમાં એવા અયોગ્ય લોકો પણ સામેલ છે, જેઓ આ યોજના માટે લાયક નથી.

ટૅક્સ ભરનાર લાભાર્થી કઈ રીતે બની ગયા?

આ યોજનામાં લાભાર્થીઓ માટે આધાર નંબર ફરજિયાત હતો અને પૈસા તેમનાં ખાતાંમાં ટ્રાન્સફર થવાના હતા.

હવે જ્યારે સરકાર પાસે ટૅક્સ ભરનાર લોકોની સંપૂર્ણ માહિતી છે તો પછી ટૅક્સ ભરનાર લોકો કઈ રીતે આ યોજનામાં સામેલ થયા? તેને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

ભૂતપૂર્વ કૃષિ સચિવ સિરાજ હુસૈન કહે છે, "સરકાર પાસે બધા કરદાતાઓનો ડેટા છે. ટૅક્સ ભરનાર દરેક વ્યક્તિનાં પાનકાર્ડ સાથે આધારકાર્ડને સાંકળી લેવામાં આવ્યાં છે.

2018માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ઓળખ માટે આધારકાર્ડ સ્વૈચ્છિક છે પરંતુ સરકારી સબસિડી, લાભ અને સેવાઓ માટે આધાર ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે ખાનગી સેક્ટરને આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નહોતી.

તેઓ ઉમેરે છે, "પીએમ કિસાન નિધિ જમીનદાર વ્યક્તિઓ માટેની સહાય છે, તે સંજોગોમાં કદાચ સરકાર માટે પીએમ કિસાનનો ડેટા આવકવેરા ડેટાબેસ સાથે સરખાવવો સરળ હતું, જેથી આવકવેરા ભરનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી બહાર રાખી શકાય."

અયોગ્ય લાભાર્થીઓની બે શ્રેણી

કૃષિમંત્રાલય મુજબ અયોગ્ય લાભાર્થીઓની બે શ્રેણીઓની માહિતી મળી છે. પ્રથમ શ્રેણીમાં એવા આયોગ્ય લોકો આવે છે જેઓ આ યોજના માટે લાયક નથી. બીજી શ્રેણીમાં એ લોકો છે જેઓ આવકવેરો ભરે છે.

કૉમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઈનિશિયેટિવના એક્સેસ ટુ ઇન્ફર્મેશનના પ્રોગ્રામ હેડ વ્યંકટેશ નાયકે આરટીઆઈ હેઠળ પીએમ કિસાન નિધિ વિશે આ માહિતી ભેગી કરી છે.

નાયક કહે છે, "ખરેખર તો સરકારે જે આંકડા આપ્યા છે તેના કરતાં વધુ સંખ્ચામાં અયોગ્ય લોકો આ યોજનામાં સામેલ હોઈ શકે છે."

વ્યંકટેશ નાયકના જણાવ્યા અનુસાર, "પોતાના જવાબમાં સરકારે જણાવ્યું છે કે અયોગ્ય લાભાર્થીઓમાં અડધાથી વધુ (55 ટકા) લોકો એવા છે, જેઓ આવકવેરો જમા કરાવે છે. બાકી રહેલ 44.41 ટકામાં એવા અયોગ્ય લોકો એવા છે જેઓ આ યોજના માટે નક્કી કરવામાં આવેલ શરત પૂર્ણ કરતા નથી."

નાયક કહે છે કે આમાં સામાન્ય લોકોની ભૂલ ઓછી છે. લોકોને ખબર નહોતી કે યોજનાના માપદંડ શું છે. પરંતુ સરકારી અધિકારીઓને નિયમો વિશે માહિતી હતી. ઘણી જગ્યાએ તેમણે સારી રીતે કામ નથી કર્યું.

તેઓ કહે છે કે પહેલાં સરકારે પ્રયાસ કર્યો હતો કે અયોગ્ય લાભાર્થી જાતે આ પૈસા પરત કરે. પરંતુ આમ થવું શક્ય નહોતું અને તે પણ રોગચાળાના સમયગાળામાં, જ્યાં લોકોની આવક પર મોટી અસર થઈ છે.

નાયક કહે છે, "હવે સરકાર આ આયોગ્ય લાભાર્થીનાં નામ દૂર કરવા અને પૈસા પાછા મેળવવાના પ્રયાસ કરી રહી છે."

શું છે યોજના અને લાયકાતની શરત શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે.

આ રકમ સીધા ખેડૂતોનાં ખાતાંમાં જમા કરાવવામાં આવે છે. સીમાંત ખેડૂત એટલે એવા ખેડૂત, જેઓ મહત્તમ એક હેક્ટર એટલે કે 2.5 એકર જમીન પર ખેતી કરે છે.

નાના ખેડૂત એટલે એવો ખેડૂત જે એક-બે હેક્ટર જમીન એટલે કે 5 એકર જમીનમાં ખેતી કરે છે.

આવકવેરા ભરનાર વ્યક્તિઓને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે. સાથે એવા નિવૃત્ત વ્યક્તિઓ જેમનું પેન્શન 10000 રૂપિયા અથવા તેનાથી વધુ છે તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળી શકે.

ઉતાવળમાં જાહેર કરવામાં આવી યોજના?

નિષ્ણાતો માની રહ્યા છે કે સરકારે સારી રીતે તૈયારી કર્યા વગર આ યોજના બહાર પાડવામાં આવી હતી. જે સમયે આ યોજના બહાર પાડવામાં આવી, તેની ઉપર પણ પ્રશ્નો થતા આવ્યા છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત 2019-20 માટે એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલ વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી.

જોકે, આ યોજનાને પાછળની તારીખ એટલે કે એક ડિસેમ્બર 2018થી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વ્યંકટેશ નાયક બીબીસીને જણાવે છે કે, "સરકારે ઉતાવળમાં આ યોજના બહાર પાડી દીધી. સ્થાનિક સ્તરે વહીવટીતંત્રે એ ધ્યાન ન આપ્યું કે કયા ખેડૂત આ યોજના માટે લાયકાત ધરાવે છે અને કયા નહીં. આ કારણસર આટલી મોટી સંખ્યામાં અયોગ્ય લોકો આ યોજનામાં સામેલ થઈ ગયા."

તેઓ જણાવે છે કે શરૂઆતના તબક્કામાં આમાં વ્યક્તિઓનું વેરિફિકેશન નથી કરવામાં આવ્યું. ચૂંટણીના એક મહિના પહેલાં સરકારે આ યોજના બહાર પાડી અને તેવામાં સ્થાનિક સ્તરે અધિકારીઓએ કાગળ પર સામાન્ય કાર્યવાહી કરીને લોકોનાં નામ આ યોજના માટે મોકલી આપ્યાં.

ભાડેથી અથવા ભાગીદારીથી ખેતી કરનાર સામેલ નથી

આ યોજનાની સૌથી મોટી ખામી એ છે કે તેમાં ફક્ત તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ જમીનના માલિક છે.

વ્યંકટેશ નાયક કહે છે, "જમીન ભાડે લઈને ખેતી કરનાર અથવા ભાગીદારી પર ખેતી કરનાર ખેડૂત આમાં સામેલ કરવામાં આવ્યા નથી."

"યોજનાની આ સૌથી મોટી ખામી છે, કારણ કે આવા જ ખેડૂતોની હાલત સૌથી વધુ ખરાબ છે, જેઓ કાં તો જમીન ભાડે લઈને ખેતી કરે છે અથવા ભાગીદાર બનીને ખેતી કરે છે અને જેમની પાસે પોતાની ખેતીની જમીન નથી."

જોકે આ કાર્ય સરળ નથી. જમીન ભાડે લઈને ખેતી કરનાર અથવા ભાગીદાર બનીને ખેતી કરનાર ખેડૂતોનો કોઈ રેકૉર્ડ નથી અને તેમના ડેટાની ચકાસણી પણ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં તેમને યોજનામાં સામેલ કરવું ખૂબ મુશ્કેલ છે.

કુલ લાભાર્થી અને સરકારી ખર્ચ

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મોદી સરકારે શરૂ કરેલી આ યોજના માટે સરકાર દ્વારા દર વર્ષે 75000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

હાલમાં જ સરકારે આ યોજનાના સાતમા હપ્તા તરીકે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2,000 રુપિયા જમા કરાવ્યા છે. સાતમા હપ્તામાં મોદી સરકારે કુલ 18000 કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતાંમાં ટ્રાન્સફર કર્યા છે.

પીએમ કિસાન સન્માન નિધિના સાતમા હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોનાં ખાતાંમાં 1.10 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

નાયક કહે છે કે આરટીઆઈ કરતી વખતે પીએમ કિસાન નિધિમાં કુલ 9-9.5 કરોડ લાભાર્થીઓ હતા. પાછળથી આ આંકડો 10 કરોડને પાર કરી ગયો છે.

'સરકાર પીએમ સન્માન નિધિના માસિક ડેટા જાહેર કરે'

સિરાજ હુસેન સૂચવે છે કે, "પીએમ કિસાન સન્માન નિધિના માસિક ડેટા સરકારે બહાર પાડવા જોઈએ, જેથી સંશોધકો આ ડેટાનું વિશ્લેષણ કરી શકે અને આ યોજનામાં સુધારાઓને લઈને પોતાનાં સૂચનો આપી શકે."

ઉત્તર પ્રદેશના એક ગામમાં સાર્વજનિક સેવાકેન્દ્ર ચલાવતા સત્યેન્દ્ર ચૌહાણ કહે છે કે, મોટા ભાગના અયોગ્ય લોકો પ્રારંભિક તબક્કામાં સામેલ થઈ ગયા હતા.

તેઓ કહે છે કે અગાઉ કોઈ પણ વ્યક્તિ સરળતાથી આ યોજનામાં સામેલ થઈ શકતી હતી. ત્યારે ન તો વિગતો ચકાસવામાં આવતી હતી અને ન કોઈ તપાસ કરવામાં આવતી હતી. શરૂઆતમાં ફક્ત કૃષિવિભાગ જ આ કામ કરતું હતું.

જોકે તેઓ કહે છે કે હવે પીએમ કિસાન સન્માન નિધિમાં જોડાવવું સહેલું નથી.

તેઓ કહે છે, "હવે એકાઉન્ટન્ટ લાભાર્થીઓની વિગતો ચકાસે છે. તાલુકાથી લાભાર્થીઓની યાદીને મંજૂરી મળ્યા બાદ તે કૃષિવિભાગને મોકલવામાં આવે છે.

તેઓ કહે છે કે લાભાર્થીનું નામ મંજૂર થયા પછી પણ ખાતામાં પૈસા 3-4 મહિના પછી જ આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો