ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટની સમિતિને ખેડૂતો 'સરકારની ચાલ' કેમ કહે છે અને કોણ છે સભ્યો?

નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ સામે 28 નવેમ્બરથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું અને હવે સુપ્રીમ કોર્ટના હંગામી સ્ટે અને સમિતિના આદેશ બાદ એમા નવો જ વળાંક આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિકાયદા પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે આપ્યો છે.

આ સાથે સુપીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદાઓ મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે અને તેનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને બે મહિનામાં આપશે.

આ સમિતિમાં ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદકુમાર જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને શેતકરી સંગઠનના અનિલ ધનવંત અને બી. એસ. માનનો સમાવેશ થાય છે.

જોકે, કાયદાઓ પાછા લેવાની માગ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે જણાવ્યું કે. તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવી છે તેની સમક્ષ હાજર નહીં રહે અને પોતાનું વિરોધપ્રદર્શન યથાવત્ રાખશે.

ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે સમિતિમાં સામેલ સભ્યો સરકારતરફી વલણ ધરાવે છે. સુપ્રીમ કોર્ટના સમિતિના સભ્યો ભરોસાપાત્ર નથી કારણ કે કૃષિકાયદા ખેડૂતો માટે કેમ લાભકારી છે તે વિશે આ સભ્યો લખતાં આવ્યાં છે.

ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ સુઓમોટો દ્વારા કૃષિકાયદાઓને પરત લઈ શકે છે.

સિંઘું બૉર્ડર પર પત્રકારો સાથે વાત કરતા ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે જણાવ્યું કે, અમે ક્યારેય પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ સમિતિ બનાવવાની માગણી કરી નથી. આની પાછળ સરકારનો હાથ છે. અમારું વિરોધપ્રદર્શન યથાવત્ રહેશે અને તે અનિશ્ચિત સમય સુધી છે.

તેમણે કહ્યું કે, અમે સૈંદ્દાંતિક રીતે સમિતિની વિરુદ્ધમાં છીએ. વિરોધપ્રદર્શનની લોકોનું ધ્યાન હઠાવવા માટે આ સરકારની ચાલ છે.

બીજા એક ખેડૂત નેતા દર્શન સિંહે જણાવ્યું કે, તેઓ કોઈ પણ સમિતિની સમક્ષ હાજર નહીં રહે.

તેમણે કહ્યું કે, સંસદે આ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ, અમને કોઈ બહારની સમિતિની જરૂર નથી.

કોણ છે સમિતિમાં?

સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરી છે જેમાં ભારતીય કિસાન યુનિયનના ભૂપિંદર સિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ઘનવત, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને ડૉક્ટર પ્રમોદ કુમાર જોશી સામેલ છે.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યોવાળી ખંડપીઠે દિવસ મંગળવારે સુનાવણી વખતે એવું પણ કહ્યું છે કે તેઓ કાયદાઓને રદ કરવા માગે છે પરંતુ બંને પક્ષો વચ્ચે કોઈ પણ પ્રવૃત્તિ વિના આવું અનિશ્ચિતકાળ માટે ન કરી શકાય.

સુપ્રીમ કોર્ટ સોમવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે જે રીતે વાતચીત થઈ રહી છે તે 'ખૂબ નિરાશાજનક' છે. મધ્યસ્થી માટે જે સમિતિનું ગઠન કરાયું છે તેમાં ચાર સભ્યોને જગ્યા આપવામાં આવી છે. ચાલો જાણીએ આ ચાર લોકો કોણ છે?

ભૂપિંદર સિંહ માન

ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા ભૂપિંદર સિંહ માન કૃષિ વિશેષજ્ઞ હોવાની સાથોસાથ અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના ચૅરમૅન છે અને ભૂતપૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.

તેમનો જન્મ 1939માં ગુજરાંવાલા (હાલ પાકિસ્તાનમાં) થયો હતો. ખેડૂતોના સંઘર્ષમાં તેમની ભાગીદારી માટે 1990માં રાષ્ટ્રપતિ દ્વારા તેમને રાજ્યસભામાં નીમવામાં આવ્યા હતા.

1966માં ફાર્મર ફ્રેન્ડ્સ ઍસોસિયેશનનું ગઠન કરાયું જેના તેઓ સંસ્થાપક સભ્ય હતા.

ત્યાર બાદ આ સંગઠન રાજ્ય સ્તરે 'પંજાબ ખેતી-બાડી યુનિયન' તરીકે ઓળખાયું.

રાષ્ટ્રીય સ્તરે આ સંગઠન ભારતીય કિસાન યુનિયન બની ગયું અને આ સંગઠને અન્ય કૃષિ સંગઠનો સાથે મળીને કિસાન સમન્વય સમિતિનું ગઠન કર્યું.

ભૂપિંદર સિંહ માને પંજાબમાં ફૂડ કૉર્પોરેશન ઇન્ડિયામાં ભ્રષ્ટાચારથી માંડીને ખાંડ મિલોમાં શેરડી સપ્લાય અને વીજળીદરોમાં વધારા જેવા મુદ્દા ઉઠાવ્યા છે.

14 ડિસેમ્બરે અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિ હેઠળ આવનારાં કૃષિ સંગઠનોએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. માને કૃષિકાયદાઓનું સમર્થન કર્યું હતું.

ત્યારે 'ધ હિંદુ' અખબાર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા માટે સુધારા જરૂરી છે પંરતુ ખેડૂતોની સુરક્ષાના ઉપાયો થવા જોઈએ અને ખામીઓ સુધારવી જોઈએ.

અનિલ ઘનવત

અનિલ ઘનવત મહારાષ્ટ્રના પ્રમુખ ખેડૂત સંગઠન શેતકારી સંગઠનના અધ્યક્ષ છે.

શેતકારી સંગઠન કૃષિકાયદા પર કેન્દ્ર સરકારનું સમર્થન કરી રહી રહ્યું છે.

આ ખેડૂત સંગઠન કેન્દ્રીય કૃષિમંત્રી સાથે મળીને કૃષિકાયદા પર પોતાનું સમર્થન આપી ચૂક્યું છે.

મહારાષ્ટ્રસ્થિત આ સંગઠનનું ગઠન પ્રખ્યાત ખેડૂતનેતા શરદ જોશીએ કર્યું હતું. જેમણે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિનું ગઠન કર્યું હતું.

અશોક ગુલાટી

કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીને વર્ષ 2015માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત સરકારની ખાદ્ય પુરવઠા અને મૂલ્ય નિર્ધારણ નીતિઓ માટે સલાહ આપનારી સમિતિ કમિશન ફૉર એગ્રિકલ્ચરલ કૉસ્ટ્સ ઍન્ડ પ્રાઇસેસના તેઓ ચૅરમૅન રહી ચૂક્યા છે.

ગુલાટીએ ખેતી સાથે જોડાયેલા વિવિધ વિષયો પર સંશોધન કર્યાં છે. આ વિષયો ખાદ્ય સુરક્ષા, કૃષિવેપાર, ચેન સિસ્ટમ, પાક વીમા, સબસિડી, સ્થિરતા અને ગરીબી ઉન્મૂલન સાથે સંકળાયેલા છે.

અશોક ગુલાટી મોદી સરકારના કૃષિકાયદાનું સમર્થન કરે છે.

હાલમાં જ ઇંડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં તેમણે આ કાયદાઓનું સમર્થન કરતાં લખ્યું હતું કે, આપણને એવા કાયદાની જરૂરિયાત છે જેમાં ખેડૂતોને પોતાનાં ઉત્પાદનો વેચવા માટે વધુમાં વધુ મોકળાશ મળે. નવા કૃષિકાયદા આ જરૂરિયાત સંતોષે છે.

ખેડૂત સંગઠન જે ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, તે વિશે અશોક ગુલાટીનું કહેવું છે કે MSP સિસ્ટમ 1960ના દાયકામાં ત્યારે લાવવામાં આવી હતી જ્યારે ખાદ્યાન્નની તંગી હતી અને ભારતની ખેતી એ જમાનામાંથી નીકળીને ખાદ્યાન્ન સરપલ્સના સ્તર પર પહોંચી ગઈ છે. અને જ્યારે ખાદ્યાન્ન સરપ્લસની સ્થિતિ હોય તેવી પરિસ્થિતિમાં જો બજારને મોટી ભૂમિકા ન આપવામાં આવે અને ખેતીને માગ આધારિત ન બનાવવામાં આવે તો MSPની વ્યવસ્થા આર્થિક આપત્તિ સર્જી શકે છે.

ડૉ. પ્રમોદ કુમાર જોશી

જોશી પણ કૃષિ સંશોધન ક્ષેત્રમાં એક પ્રમુખ નામ છે. તેઓ હૈદરાબાદની નૅશનલ ઍકેડમી ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ મૅનેજમેન્ટ અને નૅશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

આ પહેલાં જોશી ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દક્ષિણ એશિયાના કૉર્ડિનેટર રહી ચૂક્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો