You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#SydneyTest : હનુમા વિહારી અને અશ્વિને ભારતની જિતની બાજી ડ્રોમાં ફેરવી દીધી?
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મૅચ ડ્રૉ થઈ ગઈ. આ સાથે જ ચાર ટેસ્ટ મૅચોની શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે.
સિડની ટેસ્ટના અંતિમ દિવસે ભારતને જીત માટે 407 રનની જરૂરિયાત હતી. પરતું રમત પૂરી થવા સુધી ભારત પાંચ વિકેટના નુકસાને 334 રન જ બનાવી શક્યું.
આમ તો આ ટેસ્ટ ડ્રૉ થઈ એ પણ ભારતની ઉપલબ્ધિ સમાન કામ કહેવાઈ રહ્યું છે. પરંતુ અહીં એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે શું ભારતે જીતી શકાય એવી મૅચ ડ્રૉ તરફ ઢસડી ગયું?
કેન્દ્રીય મંત્રી અને નેતા બાબુલ સુપ્રિયોએ તો હનુમા વિહારી પર કટાક્ષ પણ કર્યો અને કહ્યું કે, હનુમા વિહારીએ ભારતની જીતવાની આશા પર પાણી ફેરવી દીધું.
જોકે, ટેસ્ટમાં ડ્રો પણ કેટલો મહત્ત્વનો હોય છે એ વાતનો ખ્યાલ આંકડા આપે છે.
ભારતે ઑસ્ટ્રેલિયાના ઘાતક બૉલિંગ આક્રમણનો મૅચ ચોથી ઇનિંગમાં 131 ઓવર સુધી સામનો કર્યો જે એક વિક્રમ છે. ઑસ્ટ્રેલિયામાં રન ચેઝ કરનારી કોઈ પણ એશિયન ટીમ એ કરી શકી નથી.
પાકિસ્તાનના સ્પિનર દાનિશ કનેરિયાએ લખ્યું કે, બાઉન્સર, ઈજાઓ, સ્લેજિંગ, વંશિય ટિપ્પણીઓ છતાં ઑસ્ટ્રેલિયા જિતી ન શક્યું, વેલ પ્લેય્ડ ટીમ ઇન્ડિયા.
ઇએસપીએન ક્રિક ઇન્ફો ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ભારતીય ટીમના સ્પિનર આર. અશ્વિને ભારત આ ટેસ્ટ મૅચમાં જીતી શકે છે, એવો આત્મવિશ્વાસ ચોથા દિવસે વ્યક્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચ બાદ ભારતના કૅપ્ટન અજિંક્ય રહાણેએ પણ કહ્યું હતું કે, “અમે આજે પરિણામની ચિંતા કર્યા વગર અંત સુધી લડત આપવા માટે મેદાનમાં ઊતર્યા હતા.”
તેમણે પણ મૅચના અંતે થતી વાતચીતમાં ભારતે એક તબક્કે જીત માટે રણનીતિ ઘડી હતી એ વાતનો સંકેત આપ્યો હતો. એમનો ઇશારો પંતની આક્રમક ઇનિંગ તરફ હતો. જોકે, પંત આઉટ થયા પછી ભારતે રણનીતિ બદલી ડ્રો તરફ લક્ષ્ય કર્યું હતું.
મૅચ બાદ અશ્વિને કહ્યું કે, સિડનીમાં 400 રન ચૅઝ કરવા કદી આસાન ન હોઈ શકે. પંતની ઇનિંગે અમને સેટ કરી દીધાં હતા. પણ પૂજારા અને પંતની વિકેટ પડવી અને હનુમા વિહારીનું ઈજાગ્રસ્ત હોવું એણે જીત તરફ જવું મુશ્કેલ બનાવી દીધું. ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કદી આસાન નથી હોતો અને વિહારીએ ગર્વ લેવો જોઈએ, એની આ ઇનિંગ એક સદીની બરોબર છે.
આ સિવાય ઑસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથે પણ ભારતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
સાથે જ સોશિયલ મીડિયા પર પ્રશંસકો અને અહેવાલોમાં વિશ્લેષકો આ ડ્રૉને ભારતની જીત ગણાવી રહ્યા છે.
ટેસ્ટ મૅચની ચોથી ઇનિંગમાં 400 રન ચેઝ કરવા સામાન્ય છે?
ટેસ્ટ ક્રિકેટમાં 400 રનને મૅચની ચોથી ઇનિંગમાં ચેઝ કરવા એ એક અસામાન્ય ઘટના ગણાય છે.
એક અહેવાલ મુજબ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ફક્ત ચાર ટીમો જ કરી શકી છે. ભારતે છેલ્લે 1976માં વેસ્ટ ઇન્ડીઝ સામે 403 રન ચેઝ કર્યા હતા.
ઑસ્ટ્રેલિયા સામે 400થી વધારે રન ચેઝ ફક્ત બે જ ટીમો કરી શકી છે. વેસ્ટ ઇન્ડીઝે 2003માં 418 રન ચેઝ કરીને મૅચ જીતી હતી તો દક્ષિણ આફ્રિકાએ 2008માં પર્થમાં 414 રન કરીને મૅચ જીતી હતી.
ઑસ્ટ્રેલિયા પોતે પણ ફક્ત એક જ વાર 400 રન ચેઝ કરી શક્યું છે. ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે લીડ્ઝમાં 404 રન ચેઝ કરીને જિત મેળવી હતી. જોકે, એ વાત 1948ની છે.
વરિષ્ઠ રમતગમત પત્રકાર તુષાર ત્રિવેદી સિડની ટેસ્ટ મૅચ ડ્રૉ થવાની વાતને ઑસ્ટ્રેલિયાની હાર ગણાવે છે.
તેઓ કહે છે કે, "ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં ઘણી ઓછી વખત 400 કરતાં વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક પાર કરી શકાયો છે. તેમજ બીજી તરફ ભારતના કેટલાક મહત્ત્વના ખેલાડીઓ આ સીરિઝમાં નથી રમી રહ્યા. તેમજ અડધી ટીમ ઈજાગ્રસ્ત છે. આ બધી વિપરિત અને વિકટ કહી શકાય તેવી પરિસ્થિતિઓ છતાં ભારત ઑસ્ટ્રેલિયાને તેમના જ હૉમ ગ્રાઉન્ડ પર જિત મેળવતા અટકાવી શક્યું એ એક મોટી વાત છે."
"એવું તો બિલકુલ ન કહી શકાય કે ભારતે હાથમાં આવેલી બાજી ગુમાવી બલકે ભારતે તો હાર ટાળી છે. આ ટેસ્ટમાં ના હાર્યા છતાં ય ઑસ્ટ્રેલિયન ટીમ હારી છે તેવું કહેવામાં કશું ખોટું નથી."
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
બીસીસીઆઈના આધિકારિક ટ્વિટર હૅન્ડલથી પણ ટીમ ઇન્ડિયાની આ ડ્રૉનાં વખાણ કરવામાં આવ્યાં હતાં.
આ સિવાય ક્રિકેટર મયંક અગ્રવાલે પણ ટ્વિટર પર ટીમ ઇન્ડિયાની વળતી લડતનાં વખાણ કર્યાં હતાં.
તેમજ ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ ટીમ ઇન્ડિયા પ્રત્યે ગર્વ અનુભવતા હોવાની વાત ટ્વિટર પર કરી હતી. તેમણે સિડની ટેસ્ટમાં રિષભ પંત, ચેતેશ્વર પુજારા, રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
તેમજ ઘણા ક્રિકેટરસિકોએ પણ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની લડાયકવૃત્તિને બિરદાવતી પોસ્ટ મૂકી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલમાં ક્રિકવિઝ એનાલિસ્ટના એક ટ્વીટ અનુસાર લખાયું હતું કે વર્ષ 1979 બાદ આ મૅચમાં સૌથી વધુ ચોથી ઇનિંગમાં સૌથી વધુ ઓવર ટીમ ઇન્ડિયા ટકી રહી છે.
નોંધનીય છે કે 1979માં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ચોથી ઇનિંગમાં ભારતે 150.5 ઓવરનો સામનો કરીને 438 રનના સ્કોરનો પીછો કરતાં આઠ વિકેટના નુકસાને 429 રન બનાવ્યા હતા.
જ્યારે આ મૅચમાં ભારતે 131 ઓવરનો સામનો કરીને પાંચ વિકેટ ગુમાવીને 334 રન બનાવ્યા હતા.
અહેવાલ અનુસાર ચેતેશ્વર પુજાર, રિષભ પંત, હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને 100 કરતાં વધુ બૉલનો સામનો કરીને આ મૅચ બચાવવમાં સફળતા હાંસલ કરી હતી.
ખાસ તો અશ્વિન અને હનુમા વિહારીએ જે રીતે બેટિંગ કરી તે ઑસ્ટ્રેલિયાને હાથ વેંત છેટો લાગતો વિજય છીનવી લેવા બરાબર હતી.
ભારત માટે કેટલી મુશ્કેલ હતી રાહ?
ફાસ્ટ બૉલર ઇશાંત શર્મા આ સીરિઝમાં નથી રમી રહ્યા. પ્રથમ મૅચમાં મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયા. ત્યાર બાદ ઉમેશ યાદવ પણ ઈજાગ્રસ્ત થયા. આમ ભારતના ફાસ્ટ બૉલિંગ ઍટેકમાં માત્ર એક જ અનુભવી બૉલર, જસપ્રીત બુમરાહ હતા.
તેમની સાથે મોહમ્મદ સિરાજ, જેઓ પોતાની બીજી ટેસ્ટ રમી રહ્યા હતા અને નવદીપ સૈની જેમણે સિડનીથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરી રહ્યા હતા, તેઓ હતા.
આ સિવાય ભારતીય ટીમ ટૉસ હારીને પ્રથમ બૉલિંગ કરવી પડી. જે આ ગ્રાઉન્ડ ઉપર એક ગેરલાભ સમાન હતું.
ત્યાર પછી રવીન્દ્ર જાડેજાની આંગળીમાં ઈજા થતાં તેઓ પણ રમતમાં આગળ ભાગ ન લઈ શક્યા. જોકે, ભારતની બૅટિંગ વખતે તેઓ સંપૂર્ણ તૈયાર થઈને બેઠા દેખાયા તેમ છતાં તેમના સ્થાને રવીચંદ્રન અશ્વિનને મેદાનમાં ઉતારવામાં આવ્યા. જે રમતના અંત સુધી ટકેલા રહ્યા.
આમ, જીત તો ઠીક પરંતુ આ ટેસ્ટમાં હારથી બચવું એ પણ એક સમયે ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ લાગી રહ્યું હતું તેવી પરિસ્થિતિમાં એક સન્માનજનક ડ્રો પ્રશંસકો જીતથી ઓછો નથી આંકી રહ્યા.
પાંચમા દિવસે ભારતનું પ્રદર્શન
સિડની ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ચેતેશ્વર પુજારા અને રિષભ પંતની ભાગીદારીએ મૅચ રસપ્રદ સ્થિતિમાં લાવી દીધી હતી.
પરંતુ તેમના આઉટ થયા બાદ અશ્વિન અને હનુમા વિહારીએ સાવધાનપૂર્વક રમવાનું શરૂ કર્યું અને અંત સુધી ટકેલા રહ્યા. બંને વચ્ચે 62 રનની ભાગીદારી થઈ.
ઈજાગ્રસ્ત વિહારીએ 161 બૉલમાં 23 અને અશ્વિને 128 બૉલમાં 39 રન બનાવ્યા. એક તબક્કે તો હનુમા વિહારીનો સ્કોર 100 બૉલમાં 6 રન હતો.
તેમના પહેલાં પુજારા અને પંતે પાંચમી વિકેટ માટે 148 રનની મજબૂત ભાગીદારી કરીને મૅચને વધુ રસપ્રદ બનાવી દીધી.
ઋષભ પંત માત્ર ત્રણ રનથી સદી ચૂકી ગયા. પુજારા પણ 77 રન બનાવીને આઉટ થઈ ગયા.
પંતે 118 બૉલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. પરંતુ 97 રનના સ્કોરે તેઓ સ્પિનર નૅથન લિયોનના બૉલ પર પેટ કમિંસને કૅચ આપી બેઠા.
પુજારાએ સાવધાનીપૂર્વક 205 બૉલમાં 77 રન બનાવ્યા. તેમને જો હેઝલવુડે બોલ્ડ આઉટ કર્યા. ત્યારે ભારતનો સ્કોર 272 હતો.
મૅચના અંતિમ દિવસની શરૂઆત ભારત માટે સારી નહોતી રહી અને દિવસની બીજી ઓવરમાં જ કૅપ્ટન અજિંક્ય રહાણે આઉટ થઈ ગયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો