અમેરિકન સંસદ પર હુમલો : એ દેશો જ્યાં ચૂંટણીપરિણામ અને સત્તા હસ્તાંતરણ લોહિયાળ બન્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમેરિકામાં ચૂંટણીપરિણામ બાદ ઊભા થયેલો વિવાદ સત્તા હસ્તાંતરણ અગાઉ સંસદ ભવન પર હુમલા સુધી ગયો અને ચાર લોકોનાં મોત થયાં.

ભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દુનિયાને દેખાયાં.

કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે.

આ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.

દુનિયાની સૌથી જૂની અને શક્તિશાળી લોકશાહી જેને માનવામાં આવે છે કે અમેરિકામાં આ સમયે લોકશાહીની પ્રક્રિયા પર ખતરાનાં વાદળો છવાયેલાં દેખાઈ રહ્યાં છે.

જોકે, કૅપિટલ હિલ્સમાં હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનું હસ્તાંતરણ વ્યવસ્થિત થશે એમ કહ્યું છે પરંતુ નેતાઓ પોતે આજે કહેલી વાત કાલે ફેરવી તોળે એવા અનેક ઉદાહરણ ઇતિહાસમાં છે.

કૉંગ્રેસે બાઇડનને યોગ્ય રીતે અધિકૃત વિજેતા જાહેર કર્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કરી રહ્યા છે અને તે જોતા સત્તા હસ્તાંતરણ અગાઉના દિવસોમાં શું થઈ શકે તેનો ક્યાસ કાઢવો મુશ્કેલ છે.

2021ની શરૂઆતમાં બુધવારે અમેરિકામાં જે ઘટના બની તે ઈતિહાસમાં કાયમ માટે યાદ રહેશે.

ચૂંટણીપરિણામ અને સત્તા હસ્તાંતરણને લઈને વિવાદ કંઈ નવો નથી અને વિશ્વના ઘણાં દેશોમાં આને લઈને હિંસા પણ થઈ ચૂકી છે. ક્યારેક લોકો સ્વંયભૂ વિરોધમાં જોડાયા છે અથવા વિરોધપક્ષોએ વિરોધની આગેવાની કરી છે.

આઈવરી કૉસ્ટમાં 3000 લોકો માર્યા ગયા

નવેમ્બર 2010માં આઈવરી કૉસ્ટમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં રાષ્ટ્રપ્રમુખ લૉરેન્ટ ગભાગબો અને એલાસેન ઓઉઆટારા ચૂંટણી લડ્યા હતા.

ન્યૂ24ના અહેવાલ અનુસાર 3 ડિસેમ્બર 2010માં દેશમાં બે રાષ્ટ્રપ્રમુખો હતા લૉરેન્ટ ગભાગબો અને એલાસેન ઓઉઆટારા. બંધારણ કાઉન્સિલે લૉરેન્ટ ગભાગબોને વિજેતા જાહેર કર્યા હતા જયારે ચૂંટણીપંચે એલાસેન ઓઉઆટારાને વિજેતા જાહેર કર્યા હતા.

યુએન દ્વારા એલાસેન ઓઉઆટારાના વિજયને સ્વીકૃતિ આપવામાં આવી અને અમેરિકા, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયને લૉરેન્ટ ગભાગબોને રાજીનામું આપવમા માટે જણાવ્યું.

જોકે, લૉરેન્ટ ગભાગબો સત્તા હસ્તાંતરણ માટે તૈયાર ન થતા દેશમાં રાજકીય સંકટ ઊભું થયું અને એ હિંસામાં 3000 લોકો માર્યા ગયા.

એપ્રિલમાં લૉરેન્ટ ગભાગબોની ધરપકડ કરવામાં આવી અને 21 મે 2011માં એલાસેન ઓઉઆટારાએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

મેક્સિકોમાં પાંચ મહિના પછી થયું સત્તા હસ્તાંતરણ

મેક્સિકોમાં ચૂંટણી જિતવાના પાંચ મહિના કરતાં વધુ સમય બાદ ઍન્ડ્રેસ મેન્યુઅલ લૉપેઝ ઓબરાડોર 1 ડિસેમ્બર 2018ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવામાં સફળ થયા હતા.

ધ કન્વર્ઝનના એક અહેવાલ મુજબ સત્તા હસ્તાંતરણની આ સૌથી લાંબી પ્રક્રિયા ગણી શકાય એમ છે. મેક્સિકોમાં જુલાઈ 2018માં ચૂંટણીઓ થઈ હતી અને ડિસેમ્બર 2018 સુધી મેક્સિકોમાં બે અલગ-અલગ વિચારધારાવાળી સરકાર હતી.

મેક્સિકોના રાષ્ટ્રપતિ ઍનરીક પેના નીટોએ ચૂંટણી હારી ગયા હોવા છતાં સત્તા છોડવાની ના પાડી દીધી. જોકે બાદમાં તેમણે પરિણામ સ્વીકારી લીધું હતું અને રાજીનામું આપી દીધું હતું.

ઍન્ડ્રેસ મેન્યુઅલ લૉપેઝ ઓબરાડોર મેક્સિકોના ભૂતપૂર્વ મેયર રહી ચૂક્યા છે અને બે વખત રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમના પક્ષ મૉરેનાને મેક્સિકન સૅનેટ અને લોઅર ચૅમ્બર ઑફ ડેપ્યુટીમાં બહુમતી મળી હતી.

લૉપેઝ સુધારાવાદી છાપ ધરાવે છે અને તેઓ બિનજરુરી ખર્ચાઓ પર કાપ મૂકવાની તરફેણ કરે છે. મેક્સિકોના લોકોને તેમનાથી ઘણી આશાઓ છે.

ગામબિયામાં સત્તા હસ્તાંતરણ અગાઉ લાગી 90 દિવસની કટોકટી

આફ્રિકન દેશ ગામબિયાના રાષ્ટ્રપતિ યાહ્યા જામ્મેહ ચૂંટણી હારી હોવા છતાં પરિણામ સ્વીકારવાની ના પાડી દેતા દેશમાં રાજકીય સંકટ ઊભું થયું હતું.

ડિસેમ્બર 2016માં દેશમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બિઝનેસમેન અને વિરોધપક્ષના નેતા અડામા બારોહે યાહ્યા જામ્મેહને હરાવી દીધા હતાં.

બીબીસીના અહેવાલ અનુસાર શરુઆતમાં યાહ્યા જામ્મેહ પરિણામ સ્વીકારી લીધું હતું પરતું એક અઠવાડિયા બાદમાં તેમણે ફેરવી તોળ્યું. તેમણે જણાવ્યું કે ચૂંટણીપંચ દ્વારા અમુક ભૂલો થઈ છે, જેના કારણે તેમના સમર્થકો ચૂંટણીમાં મતદાન કરી શક્યા નથી. રસપ્રદ રીતે અમેરિકામાં ટ્રમ્પની દલીલ પણ એવી જ છે કે મતની ગણતરીમાં ગરબડ થઈ છે. જોકે, ટ્રમ્પ હજી કોઈ પુરાવા આપી શક્યા નથી.

ગામબિયામાં યાહ્યા જામ્મેહએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી દેશમાં નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે.

પરિણામ બાદ યાહ્યા જામ્મેહએ દેશમાં 90 દિવસ માટે ઇમર્જન્સી લગાવી દીધી હતી.

ગામબિયાના પાડોસી દેશો સેનેગલ, ઘાના અને નાઇજીરિયાએ યાહ્યા જામ્મેહ પણ દબાણ વધારતાં તેઓએ આખરે 21 જાન્યુઆરી 2016ના રોજ રાજકીય વનવાસ લીધો અને સત્તા પલટો થયો.

વેનેઝુએલામાં બે રાષ્ટ્રપતિ

વેનેઝૂએલા એકમાત્ર દેશ છે જ્યાં બે રાષ્ટ્રપતિઓ છે. નિકોલાસ માદુરો અને જુઆન ગુઆઈડો એ બેઉ પોતાને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવે છે.

બીબીસીના અહેવાલ મુજબ મે 2018માં વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નિકોલસ માદુરો ફરીથી ચૂંટાઈ આવ્યા હતા.

આ પરિણામ પછી વિરોધપક્ષોએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ મૂકીને ચૂંટણીઓને બહિષ્કાર કર્યો હતો. વિરોધપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીઓ મુક્ત રીતે યોજાઈ નથી.

વેનેઝુએલાની નેશનલ ઍસેમ્બલીમાં વિરોધપક્ષો બહુમતીમાં છે. બંધારણની વિવિધ કલમો ટાંકીને જુઆન ગુઆઈડોએ 23 જાન્યુઆરી 2019ના રોજ પોતાને વેનેઝુએલાની રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરી દીધાં.

હાલ સ્થિતિ એવી છે કે અમેરિકા સહિત 50 દેશો જુઆન ગુઆઈડોની તરફેણમાં છે જ્યારે રશિયા અને ચીન નિકોલાસ માદુરોનું સમર્થન કરે છે. સૈન્ય અને સુપ્રીમ કોર્ટ નિકોલાસ માદુરોનું સમર્થન કરે છે.

વેનેઝુએલામાં હજુ પણ રાજકીય સંકટ છે અને અમેરિકા સહિતના દેશો તેનો ઉકેલ લાવી શક્યા નથી.

નિકોલાસ માદુરો અને જુઆન ગુઆઈડો પોતપોતાની રીતે સત્તા ચલાવે છે. રાજકીય અસ્થિરતાના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ પણ કથળી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો