You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅપિટલ હિંસા : અમેરિકન સંસદ પર હુમલો કરનારા લોકો કોણ હતા?
- લેેખક, બીબીસી રિયાલિટી ચેક ટીમ અને બીબીસી મૉનિટરિંગ
- પદ, બીબીસી ન્યૂઝ
ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં યોજાયેલી રેલી પછી કૅપિટલ હિલ પરની ઇમારતમાં ઘૂસી ગયેલા વિરોધ પ્રદર્શનકર્તાઓ કોણ હતા?
એ પૈકીના કેટલાકના હાથમાં ચોક્કસ વિચારધારા અને જૂથ સાથે ગાઢ રીતે સંકળાયેલાં પ્રતીકો તથા ઝંડાઓ હતાં, પણ વાસ્તવમાં ઘણા સભ્યો અને તેમના હેતુઓમાં અસમાનતા છે.
વિરોધ પ્રદર્શનકર્તાઓમાં ક્વૅનૉન
તસવીરોમાં અંતિમવાદી અને ચુસ્ત જમણેરી જૂથો સાથે સંકળાયેલા લોકો અને ષડયંત્રની ઑનલાઇન થિયરીના ટેકેદારો જોવા મળ્યા હતા. એ પૈકીના ઘણા લાંબા સમયથી ઑનલાઇન સક્રિય હતા અને ટ્રમ્પ તરફી રેલીઓમાં પણ દેખાયા હતા.
એ પૈકીનો એક આશ્ચર્યજનક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ઝડપભેર શૅર કરવામાં આવ્યો હતો. એ ફોટોગ્રાફ રંગેલા ચહેરે, શિંગડાવાળી ફરતી ટોપી પહેરીને અમેરિકન રાષ્ટ્રધ્વજ પકડીને ઊભેલા પુરુષનો હતો.
એ પુરુષની ઓળખ જેક એન્જેલી તરીકે થઈ હતી. જેક એન્જેલી ‘ક્વેનૉન’ નામની આધારવિહોણી ષડયંત્ર થિયરીના જાણીતા ટેકેદાર છે. એ પોતાને દૈવીશક્તિ ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખાવે છે.
સોશિયલ મીડિયા પરની તેમની અપડેટ્સ દર્શાવે છે કે જેક એન્જેલીએ ક્વેનૉનના અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કથિત ભયંકર ષડયંત્રોના યૂ-ટ્યૂબ વીડિયો પોસ્ટ કર્યા હતા.
એક ફોટોગ્રાફમાં તે ચૂંટણીમાં કપટ આચરાયું હોવાના નિરાધાર દાવા બાબતે ફિનિક્સ, એરિઝોનામાં નવેમ્બરમાં ભાષણ આપતો જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અંગત ફેસબુક પેજ પર તમામ પ્રકારના અંતિમવાદી વિચારો અને ષડયંત્રની થિયરીઓ વિશેના ફોટોગ્રાફ્સ તથા મિમ્સ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ક્વેનૉન શું છે?
ક્વેનૉન એ અનેક પ્રકારની ષડયંત્રકારી થિયરીઓનો સમૂહ છે. જેમાં એવી થિયરી ઊભી કરવામાં આવી છે કે રાજકીય, ધંધાદારી, મીડિયા અને મનોરંજનમાં ઉચ્ચ સ્થાને પહોંચેલી વ્યક્તિઓ બાળતસ્કરી અને શેતાની વિદ્યાઓમાં સામેલ હોય છે. અને આ બધાની સામે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લડી રહ્યા છે.
ક્વેનૉનની શરૂઆત ઑક્ટોબર 2017માં થઈ હતી. અમેરિકામાં ફોરચેન(4Chan) નામનું એક મૅસેજનું ડૅસબોર્ડ ચાલે છે. જેમાં એક અજાણી વ્યક્તિએ પોતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં બનેલી તપાસ ટીમનો સભ્ય હોવાનો દાવો કરીને અનેક પોસ્ટની શ્રેણી લખી હતી.
તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે અમેરિકન સરકારની ઉચ્ચકક્ષાની સંરક્ષણને લગતી જાણકારીનો ઍક્સેસ છે. જે 'ક્યૂ ક્લીયરન્સ' તરીકે ઓળખાય છે, જેના પરથી ક્યૂએનન નામ પડ્યું.
આ વપરાશકર્તાના સંદેશાઓ "ક્યૂ ડ્રોપ્સ" અથવા "બ્રેડક્રમ્સ" તરીકે જાણીતા બન્યાં, જે ઘણી વખત ગુપ્ત ભાષામાં લખવામાં આવતા હતા.
ક્વેનૉન 2016માં 'પિઝાગૅટ' નામના ષડયંત્રથી સામે આવ્યું હતું. જેમાં ડેમૉક્રેટિક રાજકારણીઓ વિશે એક ષડયંત્રકારી ખોટી થિયરી ઊભી કરવામાં આવી હતી. જે પ્રમાણે વૉશિંગ્ટનના પિઝા રેસ્ટોરન્ટમાંથી તેઓ બાળકો સાથે શારિરીક સંબંધ બાંધવાનું કૌભાંડ ચલાવે છે.
ધ પ્રાઉડ બૉય્ઝ
કૅપિટલ બિલ્ડિંગને ધમરોળી રહેલા લોકોમાં 'ધ પ્રાઉડ બૉય્ઝ' નામના એક ચુસ્ત જમણેરી જૂથના સભ્યો જોવા મળ્યા હતા.
માત્ર પુરુષ સભ્યો જ ધરાવતા આ જૂથની સ્થાપના 2016માં કરવામાં આવી હતી અને આ જૂથ ઇમિગ્રન્ટ્સવિરોધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીની સૌપ્રથમ ડિબેટમાં શ્વેત સર્વોચ્ચવાદીઓ અને નાગરિક લશ્કરીદળ વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું, “પ્રાઉડ બૉય્ઝ, અમારી સાથે રહેજો, અમને ટેકો આપજો.”
તેના એક સભ્ય નિક ઓશે બિલ્ડિંગમાં ક્લિક કરેલી સેલ્ફી ટ્વીટ કરી હતી અને જણાવ્યું હતું, “હેલ્લો, કૅપિટલમાં છું.” તેમણે અંદરનાં દૃશ્યોનો વીડિયો પણ ઉતાર્યો હતો.
એ સેલ્ફીમાં તેમની ડાબી બાજુએ ઊભેલી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.
ટેલિગ્રામ મૅસેજિંગ ઍપ પરની પ્રોફાઇલમાં નિક ઓશે ખુદને “હવાઈમાં રહેતો પ્રાઉડ બૉય એલ્ડર” ગણાવ્યો છે.
ઑનલાઇન ઇન્ફ્લુઅર્સ
સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં ફૉલોઅર્સ ધરાવતી વ્યક્તિઓ પણ આ વિરોધપ્રદર્શનમાં જોવા મળી હતી.
એ પૈકીના એક સોશિયલ મીડિયા પર વિખ્યાત ટિમ જિયોનેટ હતા. તેઓ ‘બેક્ડ અલાસ્કા’ ઉપનામ હેઠળ કામ કરે છે.
તેમણે કૅપિટલની અંદરનાં દૃશ્યોનો વીડિયો શૂટ કર્યો હતો અને તેનું એક અગ્રણી સ્ટ્રીમિંગ સર્વિસ દ્વારા કરવામાં આવેલું જીવંત પ્રસારણ હજારો લોકોએ નિહાળ્યું હતું. એ વીડિયોમાં તેઓ અન્ય વિરોધ પ્રદર્શનકર્તાઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ટિમ જિયોનેટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદાર છે અને તેઓ ઇન્ટરનેટ ટ્રૉલ તરીકે જાણીતા છે.
સધર્ન પૉવર્ટી લૉ સેન્ટર નામના અમેરિકાના સ્વૈચ્છિક કાનૂની હિમાયત જૂથે ટિમ જિયોનેટને ‘શ્વેત રાષ્ટ્રવાદી’ ગણાવ્યા છે. જોકે તેઓ એ ઓળખ સામે વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે.
કોરોના રોગચાળા દરમિયાન પોતે એક દુકાનના કામદારોને હેરાન કરતા હોવાનો અને માસ્ક પહેરવાનો ઇન્કાર કરતા હોવાના વીડિયો ટિમ જિયોનેટે પોસ્ટ કર્યા પછી યૂ-ટ્યૂબે ઑક્ટોબરમાં તેમની ચેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ટ્વિટર અને પેપાલ સહિતનાં અન્ય ઑનલાઇન પ્લેટફૉર્મ્સ પણ અગાઉ તેમનાં એકાઉન્ટ બંધ કરી ચૂક્યાં છે.
નેન્સી પેલૉસી માટે સંદેશો કોણે લખ્યો?
ડેમૉક્રેટિક પક્ષના સિનિયર રાજકારણીની ઑફિસમાં ઘૂસેલા એક પુરુષનો ફોટો વાઇરલ થયો હતો. એ પુરુષ આર્કન્સાસના રિચર્ડ બર્નેટ હતા.
તેમણે કૅપિટલ હિલ બિલ્ડિંગની બહાર આવીને ન્યૂયૉર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્પીકરની ઑફિસમાંથી એક પરબીડિયું લીધું હતું અને તેમાં ગાળો લખેલો એક પત્ર નેન્સી પેલૉસી માટે મૂક્યો હતો.
ન્યૂયૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત આ ઇન્ટરવ્યૂ બાબતે પ્રતિભાવ આપતાં રિપબ્લિકન પક્ષના સાંસદ સ્ટીવ વોમાકે ટ્વિટર પર જણાવ્યું હતું, “આવું કામ એક નાગરિકે કર્યું છે એ જાણીને મને બહુ દુઃખ થયું છે.”
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે રિચર્ડ બર્નેટ અમેરિકામાં ગન રાઇટ્સના ટેકેદારોના જૂથ સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી પછી યોજાયેલી ‘સ્ટોપ ધ સ્ટીલ’ રેલીમાં રિચર્ડ બર્નેટનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. ‘સ્ટોપ ધ સ્ટીલ’ ઝુંબેશ જો બાઇડનના વિજયનો અસ્વીકાર કરે છે અને ચૂંટણીમાં ગોટાળાના ડોનાલ્ડ ટ્રમ્પના આધારવિહોણા દાવાઓને ટેકો આપે છે.
‘ઍંગેન્જડ પેટ્રિઅટ્સ’ નામના સંગઠન દ્વારા યોજવામાં આવેલી તે રેલી વખતે આપેલા ઇન્ટરવ્યૂમાં રિચર્ડ બર્નેટે કહ્યું હતું, “જો તમને આ પસંદ ન હોય તો મને ઝડપવા કોઈને મોકલો, કારણ કે હું આસાનીથી નરમ પડવાનો નથી.”
વેસ્ટસાઇડ ઇગલ ઑબ્ઝર્વર નામના સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ, રિચર્ડ બર્નેટ સાથે સંકળાયેલા જૂથે સ્થાનિક પોલીસ વિભાગ માટે બૉડી કૅમેરા ખરીદવાનું ભંડોળ એકત્ર કરવા ઑક્ટોબરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
અંતિફાના ટેકેદારો હતાં એવા કોઈ પુરાવા નથી
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ખાસ કરીને ક્વેનૉન સાથે સંકળાયેલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દાવો કરી રહ્યા છે કે ડાબેરી જૂથના અંતિફાના લોકો તેમાં સામેલ છે.
કહેવાનો મતલબ એવો હતો કે આ કાર્યકરો વિક્ષેપ પેદા કરવા માટે ટ્રમ્પ સમર્થકોના વેશમાં આવ્યા હતા.
યુએસના પ્રતિનિધિ મેટ ગેટ્ઝ જેવા અસંખ્ય જાણીતા રિપબ્લિકન રાજકારણીઓએ દાવો કર્યો હતો કે તેઓ ટ્રમ્પ સમર્થકોના મહોરું પહેરીને આવ્યા હતા.
વ્યાપક રીતે શૅર કરેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક પ્રદર્શનકારીએ "કૉમ્યુનિસ્ટ હથોડો"નું ટેટૂ ત્રોફાવ્યું હતું, અને તેથી ટ્રમ્પનો સમર્થક નહોતો.
ફ્લૅગ અને પ્રતીકો
પ્રદર્શનકારીઓમાથી એક વ્યક્તિએ સંઘનો ઝંડો હાથમાં પકડ્યો હતો, જે અમેરિકાનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતો હતો, જેણે અમેરિકામાં ગૃહયુદ્ધ દરમિયાન ગુલામી ચાલુ રાખવાને સમર્થન આપ્યું હતું.
એટલા માટે તેને વંશવાદનું પ્રતીક માનવામાં આવે છે અને આખા અમેરિકામાં તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરાઈ છે.
જુલાઈમાં એ જાહેરાત કરવામાં આવી હતી કે "વિભાજનકારી પ્રતીકો"ના અસ્વીકારની નવી નીતિને કારણે હવે ધ્વજને અમેરિકન સૈન્યસંપત્તિઓ પર ફરકાવવામાં નહીં આવે.
(જેક ગૂડમેન, ક્રિસ્ટોફર ગાઈલ્સ, ઓલ્ગા રોબિન્સન અને શયન સરદારીઝાદેહ મોકલેલા અહેવાલોના આધારે)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો