#USCapitol : ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિપદ અમેરિકન બંધારણનું 25મું સંશોધન છીનવી શકે?

ભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દેખાયાં.

કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે.

આ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.

દુનિયાની સૌથી જૂની અને શક્તિશાળી લોકશાહી જેને માનવામાં આવે છે કે અમેરિકામાં આ સમયે લોકશાહીની પ્રક્રિયા પર ખતરાનાં વાદળો છવાયેલાં દેખાઈ રહ્યાં છે.

કૅપિટલ હિલ્સમાં હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનું હસ્તાંતરણ વ્યવસ્થિત થશે એમ કહ્યું છે. જોકે, કૉંગ્રેસે બાઇડનને યોગ્ય રીતે અધિકૃત વિજેતા જાહેર કર્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કરી રહ્યા છે.

અગાઉ તેમણે કહ્યું હતું કે જો તેઓ હારી ગયા તો આસાનીથી પોતાની હારનો સ્વીકાર નહીં કરે.

અમેરિકાની રાજધાનીમાં હિંસા બાદ પણ ટ્રમ્પ પોતાના વલણ પર અડગ છે. દુનિયાભરમાં ટ્રમ્પની ટીકા થઈ રહી છે અને અમેરિકાની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક તરફ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન 20 જાન્યુઆરીના રોજ પોતાના પદ પર શપથ લેવાના છે, બીજી તરફ અમેરિકામાં અરાજકાતનો માહોલ છે.

એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ તેમને હઠાવી શકાય છે? અમેરિકાના બંધારણા 25માં સંશોધનનો સહારો લઈને ટ્રમ્પને તેમના પદ પરથી હઠાવી શકાય કે નહીં?

25મું સંશોધન શું છે?

25માં સંશોધનની મદદથી રાષ્ટ્રપતિને હઠાવવા માટે મંત્રીમંડળે બહુમતીથી અને ઉપરાષ્ટ્રતિની સાથે મળીને આ ઉદ્દેશના પત્ર પર સહી કરવાની હોય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે અસમર્થ છે.

અધિકૃત શબ્દોમાં કહીએ તો કૅબિનેટ અને ઉપરાષ્ટ્રપતિએ ઘોષણા કરવાની રહે છે કે રાષ્ટ્રપતિ પોતાના પદની બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને અને પોતાના બંધારણીય કર્તવ્યોનું પાલન કરવામાં અસર્મથ છે.

25માં સંશોધનની કલમ -4 એ સ્થિતિઓ વિશે છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પોતાનો કાર્યભાર ચલાવવામાં અસર્મથ બની જાય, પરંતુ પદ છોડવા માટે સ્વેચ્છાએ પગલાં ના ભરે.

રાષ્ટ્રપતિને હઠાવવાની પૂરી પ્રક્રિયા શું છે?

કૅબિનેટની બહુમતી અને ઉપરાષ્ટ્રપતિની મંજૂરી સાથેના પત્ર પર હસ્તાક્ષર થયા બાદ ઉપરાષ્ટ્રપતિ જ કાર્યકારી રાષ્ટ્રપતિ બની જાય છે.

આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિને પણ એક તક આપવામાં આવે છે કે તે પોતાનો લેખિતમાં બચાવ કરી શકે.

જોકે, રાષ્ટ્રપતિ પોતાના બચાવમાં આ નિર્ણયને પડકારે તો પણ તેના અંગે જોડાયેલો અંતિમ ફેંસલો કૅબિનેટ જ કરે છે.

સતા હસ્તાંતરણ પહેલાં આગળ વધતા પહેલાં સેનેટ અને પ્રતિનિધિ સભામાં બે તૃતિયાંશ બહુમત વોટિંગની ફૉર્મ્યૂલા અપનાવવામાં આવે છે. પરંતુ આ તમામ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પોતાની કામગીરી ચાલુ રાખે છે.

ટ્રમ્પને આ પ્રક્રિયા દ્વારા હઠાવી શકાય છે?

શું ટ્રમ્પને 25માં સંશોધનનો સહારો લઈને હઠાવી શકાય છે? પહેલાં તેની શક્યતા ખૂબ ઓછી હતી કેમ કે એવું લાગતું હતું કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ક્યારેય ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં નહીં જાય.

પરંતુ હવે પેન્સે ખૂલીને કહ્યું છે કે જો બાઇડન અને કમલા હેરિસને અમેરિકાની જનતાએ ચૂંટયાં છે.

પેન્સે કહ્યું કે તેઓ ટ્રમ્પના દબાણ છતાં અમેરિકાની જનતાના જનાદેશ વિરુદ્ધ નહીં જઈ શકે.

ઉલ્લેખનીય છે કે પેન્સનું આ નિવેદન 7 જાન્યુઆરીની હિંસા અગાઉનું છે.

ટ્રમ્પે હિંસા બાદ સત્તા સોંપવાની તૈયારી બતાવી છે પરંતુ હવે 25માં સંશોધનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

જો એવું થયું તો અમેરિકાના ઇતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે કે જેમને બંધારણના 25માં સંશોધન અંતર્ગત હઠાવવામાં આવ્યા હોય. આ પહેલાં અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ સાથે આવું બન્યું નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો