#USCapitol : અમેરિકી સંસદમાં હિંસાની કહાણી ત્યાં હાજર પત્રકારની જુબાની

ભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ કૉંગ્રેસની બેઠક સમયે અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દેખાયાં.

કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે.

આ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.

આ દરમિયાન હિંસા બાદ મળેલી કૉંગ્રેસની બેઠકે જો બાઇડનને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અધિકૃત રીતે વિજેતા જાહેર કર્યા છે. કૉંગ્રેસે પેનસિલવેનિયા અને એરિઝોનામાં મતોની ગણતરી સામે જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેને ફગાવી દીધો અને જો બાઇડનને 306 મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

બીજી તરફ અમેરિકામાં થયેલી હિંસાએ દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે અને વિશ્વભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે.

કૅપિટલમાં ખરેખર શું થયું હતું તેનો આંખે જોયેલો ચિતાર ત્યાં હાજર એક મહિલા પત્રકારે આપ્યો છે.

જે સમયે વૉશિંગ્ટન ડીસીસ્થિત કૅપિટલ બિલ્ડિંગ પર ટ્રમ્પ સમર્થકોએ હુમલો કર્યો ત્યારે જેમી સ્ટેહમ બિલ્ડિંગની અંદર જ હતાં.

તેઓ એક પત્રકાર છે અને રાજકીય બાબતો પર લખે છે. જ્યારે ભીડ કૅપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ત્યારે તેઓ પ્રેસ ગૅલેરીમાં બેઠેલાં હતાં.

બુધવાર સવારથી જ એમને લાગતું હતું કે કંઈક મોટી ઘટના બનવાની છે.

આ વિશે એમણે પોતાનાં બહેન સાથે પણ વાત કરી હતી. એમણે બહેનને કહ્યું હતું, 'મને લાગે છે કે કંઈક ખરાબ થવાનું છે. '

જ્યારે જેમી કૅપિટલ બિલ્ડિંગ પહોંચ્યાં ત્યારે ટ્રમ્પ સમર્થકો બિલ્ડિંગની બહાર એકઠાં થયેલાં હતા. તેઓ ટ્રમ્પના સમર્થનમાં નારેબાજી કરી રહ્યાં હતાં. એમના હાથોમાં અમેરિકાનો ધ્વજ હતો અને એમનો ગુસ્સો જોઈ લાગતું હતું કે એમની અંદર કંઈક તો રંધાઈ રહ્યું છે.

પ્રેસ ગૅલેરીમાં પહોંચીને એમણે જોયું નેન્સી પેલોસી મંચ પર છે અને તેઓ સત્રનું સંચાલન કરી રહ્યાં છે.

આગળની કહાણી એમનાં જ શબ્દોમાં...

"હું પ્રેસ ગૅલેરીમાં હતી અને અને અચાનક કાચ તૂટવાનો આવાજ આવ્યો. થોડી જ મિનિટમાં પોલીસે જાહેરાત કરી કે બિલ્ડિંગમાં લોકો ઘૂસી આવ્યાં છે."

"ત્યારે લોકોએ આસપાસ જોવાનું શરૂ કર્યું. તણાવ અને ગભરાટનો માહોલ દેખાવા લાગ્યો હતો. પોલીસના સ્પીકરનો અવાજ જલદી જલદી આવવા વાગ્યો. એ અવાજમાં ખૂબ ચિંતા દેખાઈ રહી હતી. તેઓ કહી રહ્યા હતા કે લોકો અંદર આગળ વધી રહ્યાં છે."

"કેટલીક જ મિનિટમાં લોકો અંદરના સેન્ટ્રલ હૉલ સુધી પહોંચી ગયા. લોકશાહીનું પવિત્રસ્થળ ગણાતા કૅપિટલ બિલ્ડિંગમાં તોડફોડ અને આગ લગાવાઈ રહી હતી."

"પ્રેસ ગૅલેરીમાં અનેક વરિષ્ઠ પત્રકારો હતાં. એમનાં અનેકે તોફાનો અને હિંસાને કવર કરી હતી પરંતુ કૅપિટલ બિલ્ડિંગમાં આવી ઘટનાની કોઈને આશા નહોતી."

"પોલીસને જોઈને લાગતું હતું કે સ્થિતિ તેમના હાથમાંથી વણસી ચૂકી છે. એમનામાં સામંજસ્યની કમી સાફ દેખાઈ રહી હતી. ત્યારે જ એમણે ચૅમ્બર હોલના દરવાજા બંધ કરી દીધાં અને અમને કહ્યું તમારે અહીંથી નીકળી જવું પડશે."

"આ સાંભળીને અમે ડરી ગયાં. હું ખૂબ ડરી ગઈ હતી. જોકે, અનેક પત્રકારો પોતે ડરી રહ્યાં છે એ વાતનો સ્વીકાર નહોતાં કરી રહ્યાં. આ વચ્ચે મેં મારા પરિવારને ફોન કર્યો. મેં એમને આખી સ્થિતિ સમજાવી અને કહ્યું કે હાલત ખરેખર ખતરનાક લાગી રહી છે."

"એ સમયે ગોળી છૂટવાનો અવાજ આવ્યો. અમે જોઈ શકતાં હતાં કે દરવાજા પાસે ઊભેલાં પાંચ લોકોએ બંદૂક તાકી રાખી હતી. તેઓ દરવાજાના તૂટેલા કાચથી બહાર જોવાની કોશિશ કરી રહ્યાં હતા અને તેમને જોઈને લાગતું હતું કે તેઓ ગમે ત્યારે ગોળી ચલાવી દેશે."

"સારી વાત એ રહી તે ચૅમ્બરની અંદર ગોળી ન છૂટી. અમે ઘૂંટણભેર પ્રેસ ગૅલેરીની બહાર નીકળ્યાં. હાલ અમે સદનના કાફેટેરિયામાં છીએ અને ભયના કારણે હજી પણ હું કંપી રહી છું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો