#IndianFlag : અમેરિકાની સંસદ પરના હુમલામાં ભારતીય ધ્વજની ચર્ચા કેમ છેડાઈ?

કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે અને આ પ્રકરણમાં ભારતીય ધ્વજની પણ ચર્ચા થઈ રહી છે.

સંસદ ભવનની તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.

બુધવારે ટ્રમ્પ સમર્થકોએ અમેરિકાના સંસદ ભવન પર જે હુમલો કર્યો તેમાં ટોળાંમાં અનેક અમેરિકન ધ્વજ જોવા મળે છે એમાં એક ભારતનો ધ્વજ પણ વીડિયોમાં જોવામાં આવ્યો છે.

આ મામલે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીએ આ મુદ્દે વાંધો પ્રગટ કર્યો અને ટ્વીટ કર્યું.

વરૂણ ગાંધીએ વીડિયો ટ્વીટ કરતાં લખ્યું કે "ત્યાં ભારતનો ઝંડો કેમ દેખાઈ રહ્યો છે? આ એક એવી લડાઈ છે જેમાં આપણે સામેલ થવાની કોઈ જરૂર નથી."

અનેક લોકોએ ભાજપના સાંસદને જવાબ પણ આપ્યો.

@enthahotness હૅન્ડલ પરથી એક મહિલાએ ટ્રમ્પ અને મોદીની કેટલીક તસવીરો શૅર કરતાં લખ્યું કે આનું કારણ આ તસવીરો છે.

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે લખ્યુંકે વરૂણ ગાંધી બદનસીબે કેટલાક ભારતીયો છે જેમની માનસિકતા ટ્રમ્પિસ્ટ ટોળા જેવી જ છે. જેઓ રાષ્ટ્રધ્વજનું ગૌરવ કરવાને બદલે તેનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને જેઓ તેમની સામે છે તેમને એન્ટિ નેશનલ અને દેશદ્રોહી ગણાવે છે. ત્યાં જે ઝંડો ફરકી રહ્યો છે તે આપણા સૌ માટે ચેતવણી છે.

અનેક લોકોએ વરૂણ ગાંધીની પોસ્ટ પર હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીએ કરેલા ભાષણનો અને 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નો હવાલો આપ્યો.

વરૂણ ગાંધીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ઇન્ડિયન ફ્લૅગ છવાયો છે. અનેક લોકોએ આની ટીકા કરી #Indian Flag ટ્રેન્ડ ટોપ પર આવી ગયો.

શિવસેના નેતા અને સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, જેણે પણ આ તિરંગો ફરકાવ્યો છે એમને શરમ આવવી જોઈએ. અન્ય દેશમાં આવા હિંસક અને ગુનાહિત કૃત્યમાં ભાગ લેવા અમારાં ધ્વજનો ઉપયોગ ન કરો.

કૉમેડિયન અને ઍક્ટર વીર દાસે લખ્યું કે, આ ક્રિકેટ મૅચ નથી.

પ્રોફેસર અશોક સ્વેનએ લખ્યું કે કૅપિટલ હિલ્સ હુમલામાં આ ફ્લૅગ કટ્ટર જમણેરી જૂથો અને ભારતીય ડાયસ્પોરા વચ્ચે મજબૂત જોડાણ દર્શાવે છે. હું વર્ષોથી આની ચેતવણી આપી રહ્યો છું. આ ભારતીય ડાયસ્પોરાની બદનામી છે અને ભારતીય હિતોને નુકસાન છે.

સીપીઆઈ-એમએ લખ્યું કે અમેરિકાની સંસદ પર હુમલો કરનાર જમણેરી ટ્રમ્પ સમર્થકોમાં ભારતીય ધ્વજ શરમજનક છે.

આગળ લખ્યું કે, હાઉડી મોદીના સહયોગી કેમ શાંત છે? આ તેમનો નમસ્તે ટ્રમ્પનો અમલ કરવાનો રસ્તો છે. આવા કૃત્યમાં ભારતીય ધ્વજ વાપરનાર બિનનિવાસી ભારતીયનું વર્તન શરમજનક છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો