જ્યારે અંગ્રેજોને બીક લાગી કે ભારતને અન્ય કોઈ છીનવી લેશે

    • લેેખક, અસદ અલી
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા

19મી સદીની શરૂઆતની વાત છે. બ્રિટનની યુવા અધિકારીઓની એક ટીમ ગુપ્ત મિશન અંતર્ગત સિંધુનદીમાં પાણીનું વહેણ, એની ઊંડાઈ અને એમાં વહાણવટાની સંભાવનાઓ અંગે માહિતી એકત્ર કરી રહી હતી.

સિંધના ગવર્નરો અને પંજાબમાં રણજિતસિંહની સરકારને કોઈ પણ રીતે આ મિશનની ખબર ન પડે એની પૂરતી તકેદારી રખાઈ હતી. બ્રિટનના હિતમાં સિંધુનદીને વ્યાપારી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવા માટે બ્રિટનમાં નિર્ણય કરાયો હતો.

બ્રિટનના એક અગ્રણી અધિકારીના જણાવ્યા અનુસાર, "સિંધુનદીને ટૅમ્સ નદીનું રૂપ આપવાનું હતું." સિંધુકાંઠેના મિઠ્ઠનકોટ નામના સ્થળની મુખ્ય બંદર તરીકે પસંદગી થઈ હતી.

આ એ સમય હતો જ્યારે બ્રિટને 'સોને કી ચીડિયા' ગણાતા ભારતમાં પોતાનો પગદંડો જમાવી દીધો હતો અને હવે એના માટે જોખમ હતું કે ક્યાંક રશિયા એની પાસેથી ભારત પડાવી ન લે. રશિયા અને બ્રિટન વચ્ચે પહેલેથી જ આ ક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપવાની હોડ ચાલી રહી હતી.

બ્રિટન અને રશિયા, બંનેના જાસૂસ અને ખબરીઓ પેશાવર, કાબુલ, કંધાર, બુખારા અને મુલતાન જેવાં મુખ્ય શહેરો ઉપરાંત મોટી મોટી પહાડી હારમાળાઓની દૂર-સુદૂરની ઘાટીઓમાં અને વેરાન રણપ્રદેશમાં પોતાના જીવના જોખમે પોતપોતાની સરકારો માટે સમર્થન અને માહિતી મેળવી રહ્યા હતા.

આ ક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપવા માટેના બ્રિટન અને રશિયા વચ્ચે ચાલતા સંઘર્ષને 'ગ્રેટ ગેમ' પણ કહેવાય છે.

વૈશ્વિક શક્તિઓના સંઘર્ષના ઇતિહાસની કહાણી

અફઘાનિસ્તાનમાં વૈશ્વિક શક્તિઓના સંઘર્ષના ઇતિહાસની આ ગાથાને ઘણી જગાએથી શરૂ કરી શકાય એમ છે, પણ આપણે આ વાતની શરૂઆત 1830માં હેરાત શહેરના બજારમાં અલગ અલગ દુનિયાના બે લોકોની સંજોગવશાત્ થયેલી મુલાકાતથી કરીશું.

એમાંના એક હતા બ્રિટિશ અધિકારી લેફ્ટનન્ટ આર્થર કોનોલી અને બીજા હતા પશીનના સૈયદ મહીનશાહ.

યુવા બ્રિટિશ અધિકારી આર્થર કોનોલી 10મી ઑગસ્ટ 1829ના રોજ ઇંગ્લૅન્ડથી રવાના થયેલા અને જમીનમાર્ગે હેરાત પહોંચ્યા હતા. એ સમયે કોનોલીની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તેમને રોકડ નાણાંની જરૂર હતી. એ વખતે સૈયદ મહીનશાહ હેરાતના બજારથી પોતાની ઔપચારિક ભારત યાત્રા માટે તૈયારી કરતા હતા.

આર્થર કોનોલીએ પોતાના યાત્રાવૃત્તાંત 'એ જર્ની ટૂ ધ નૉર્થ ઑફ ઇન્ડિયા થ્રૂ રશિયા, પર્શિયા ઍન્ડ અફઘાનિસ્તાન'માં લખ્યું છે કે, જ્યારે લોકોને એમની હેરાનગતિની ખબર પડી તો એમાંના એકે કહેલું કે તે કદાચ મદદ કરી શકે એવા કેટલાક લોકોને ઓળખે છે. "તે વ્યક્તિ પશીનના સૈયદ સમુદાયના કેટલાક વેપારીઓને લઈને તેમના ઘરે આવેલા."

કોનોલીએ લખ્યું છે કે એ સૈયદો ખૂબ સન્માનીય હતા અને ઊંચું સ્થાન ધરાવતા હતા. એમના ખાસ દરજ્જાના કારણે, ખતરનાક વિસ્તારોમાં પણ, કોઈ એમને કે એમના સામાનને નુકસાન નહોતા કરતા, એટલે "સામાન્ય માણસોની સરખામણીએ એમના માટે વેપાર કરવો આસાન હતો."

નિષ્ફળ પ્રયત્નો પછી…

એમાંના એક સૈયદ મહીનશાહ હતા, જેમણે યુવા બ્રિટિશ અધિકારીને મદદ કરવાનું વચન આપી દીધું અને તેમને અને તેમના સાથી કરામત અલી, જે રશિયામાં સેન્ટ પીટર્સબર્ગથી એમની સાથે હતા અને ભારતવાસી હતા, બંનેને સુરક્ષિત દિલ્લી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી લીધી.

જોકે, એમણે કહેલું કે એમની પાસે રોકડ નાણાં તો નથી, કેમ કે એમણે પોતાની પાસેના બધા રૂપિયાથી 30 ઘોડા ખરીદી લીધા છે જે એમણે ભારતમાં વેચવાના છે.

કોનોલી જણાવે છે કે સૈયદ મહીનશાહની જામીનગીરી પર બીજા કેટલાય લોકો એમને મદદ કરવા તૈયાર થઈ ગયા, પરંતુ માત્ર સામાન માટે; એમાંના કોઈ પણ રોકડ નાણાં આપવા નહોતા ઇચ્છતા.

આર્થર કોનોલીએ પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે, "કેટલાક દિવસોના નિષ્ફળ પ્રયાસો પછી મેં 4500 બંગાળી રૂપિયાનું બિલ બનાવ્યું, તેના બદલામાં એટલી જ રકમની કાશ્મીરી શૉલ મળી ગઈ. એને બજારમાં વેચીને અમે અમારી ઉધારી ચૂકવી. અને અમે સૈયદ મહીનશાહ સાથે અમારી યાત્રા શરૂ કરી."

"અમે 19 ઑક્ટોબરે અમારી સફર શરૂ કરી હતી અને અમારા સંઘ (કારવાં)માં લગભગ એક ડઝન વેપારી પણ હતા, જેમાંના મોટા ભાગના પશીનના જ સૈયદ હતા."

અફઘાનિસ્તાનના દુર્રાની શાસક

આ એ સમય હતો જ્યારે અફઘાનિસ્તાનમાં દુર્રાની રાજવંશનું શાસન હતું, જેની સ્થાપના 1747માં અહમદશાહ અબ્દાલીએ કરી હતી, જેમણે પાછળથી 'દુર્રાની' (અર્થાત્ મોતીઓમાં મોતી) નામ અપનાવી લીધું હતું. એમના સામ્રાજ્યની રાજધાની કંધાર હતી જે એમના પુત્ર તૈમુરશાહના શાસનકાળમાં કાબુલ સ્થળાંતરિત થઈ હતી.

ઇતિહાસકાર પીટર લીએ ઈ.સ. 2019માં પ્રકાશિત થયેલા એમના પુસ્તક 'અફઘાનિસ્તાનઃ એ હિસ્ટરી ફ્રૉમ 1260 ટૂ ધ પ્રેઝન્ટ ડે'માં લખ્યું છે કે અહમદશાહ અબ્દાલી દ્વારા કંધારમાં સ્થપાયેલું રાજ્ય જુદાં જુદાં રૂપે 1978 સુધી ચાલ્યું.

ઈ.સ. 1830માં જ્યારે આર્થર કોનોલી અને સૈયદ મહીનશાહ હેરાતથી રવાના થયા હતા ત્યારે દુર્રાની સિંહાસન પર દોસ્તમોહમ્મદ હતા.

બીજી મહત્ત્વની વાત એ છે કે એમના પૂર્વવર્તી અને સામ્રાજ્યના ચોથા શાસક શાહ શુજાને 1809માં મહેલમાં થયેલાં કાવતરાંને કારણે પોતાનું સિંહાસન છોડવું પડેલું અને એ પછી અંગ્રેજોના યજમાનપદે ભારતમાં ઘણાં વરસો રહ્યા હતા.

જે ભારતમાં દુર્રાની રાજવંશના સંસ્થાપક અહમદશાહ અબ્દાલી એક આક્રમણકારી તરીકે આવેલા અને જે ભારતની દિશામાં સૈયદ મહીનશાહ અને આર્થર કોનોલી પ્રવાસ કરી રહ્યા હતા, હવે અહમદશાહ અબ્દાલીના ઉત્તરાધિકારીએ એ જ ભારતમાં આશરો લીધો હતો અને આ એક જુદું જ ભારત હતું.

અંગ્રેજોએ, આગળ ઉલ્લેખ કર્યો એ ભારત પર પગદંડો જમાવી દીધો હતો અને એના પર થનારો પ્રત્યેક હુમલો એ બ્રિટનનાં હિતો પરનો હુમલો હતો અને કોઈ પણ સંભવિત હુમલાને ખાળવો એ બ્રિટનની પ્રાથમિકતા હતી.

19મી સદીમાં બ્રિટનને રશિયા અને ફ્રાન્સ તરફથી જોખમ હતું કે ક્યાંક તેઓ ઉત્તર-પશ્ચિમમાર્ગે ભારત પર હુમલો ન કરી દે. સમયની સાથે ફ્રાન્સ અંગેની બ્રિટનની ચિંતા ઓછી થઈ ગઈ પણ રશિયાનું જોખમ હજુ પણ હતું.

રુસના હુમલાને ખાળવા અને એની સાથે લડાઈ કરવા માટે બ્રિટનમાં જે રણનીતિ તૈયાર કરવામાં આવી એ સંદર્ભે આર્થર કોનોલી અને પશીનના સૈયદ મહીનશાહની મુલાકાત પછીના આવનારા સમય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બનનારી હતી.

હેરાતમાં ખરીદાયેલા ઘોડા મુંબઈમાં બ્રિટનના અધિકારીઓએ કેટલામાં ખરીદ્યા?

જ્યારે સૈયદ મહીનશાહ ડઝન કરતાં વધુ વેપારીઓ અને આર્થર કોનોલીની સાથે હેરાતથી નીકળ્યા ત્યારે એમના કાફલામાં ભારતમાં વેચવા માટે લગભગ 400 ઘોડા હતા, એમાંના માત્ર 50 જ ઘોડા ઉત્તમ હતા.

શાહ મહમૂદ હનીફી નામના એક ઇતિહાસકારે પોતાના પુસ્તક 'કનેક્ટિંગ હિસ્ટરીઝ ઈન અફઘાનિસ્તાનઃ માર્કેટ રિલેશન્સ ઍન્ડ સ્ટેટ ફૉર્મેશન ઑન અ કૉલોનિયલ ફ્રન્ટિયર'માં લખ્યું છે કે, જ્યારે કોનોલીએ પૂછ્યું કે આટલા નબળા ઘોડા વેચવામાં નફો કઈ રીતે મળે? તો એમને જણાવાયું કે મુંબઈમાં બસરાના વેપારીઓ આવે છે જે એમના 400-500 રૂપિયાના ઘોડાને અરબી ઘોડા કહીને 1200-1500માં અંગ્રેજોને વેચી દે છે.

હનીફીએ લખ્યું છે કે, ઘોડાની ખરીદી અને વેચાણ આ વેપારીઓના વ્યવસાયમાં વધુ નફો રળનારું પાસું નહોતું. "પશીનના વેપારીઓ એમ કહેતા કે એમને બીજા ફેરામાં વધુ નફો મળે છે, જેમાં તેઓ અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયામાં ભારત અને ઇંગ્લૅન્ડની વસ્તુઓ વેચે છે."

હનીફીના જણાવ્યા અનુસાર, કોનોલીનો દાવો છે કે એમણે મહીનશાહનાં ખાતાં જોયાં અને એમના અનુસાર, 1828માં મહીનશાહે મુંબઈમાં 7000 રૂપિયાનું રોકાણ કર્યું અને હોડીમાં લાદીને એ માલસામાન સિંધ લઈ જવાયો, ત્યાંથી જમીનમાર્ગે કાબુલ અને બુખારાનાં બજારોમાં પહોંચ્યો.

એમણે લખ્યું છે કે, કોનોલીના જણાવ્યા અનુસાર, સૈયદ મહીનશાહ કાબુલમાં 110 ટકા અને બુખારામાં 150થી 200 ટકા વચ્ચેનો નફો કમાયા. આ ઐતિહાસિક બજારોમાં થતો આવો નફો જ મહાશક્તિઓનું સ્પર્ધાત્મક કેન્દ્ર બનવાનો હતો.

ભારત પર રશિયા અને ફ્રાન્સના હુમલાનો ડર અને બ્રિટનની નીતિ

ઇતિહાસકાર જોનાથન લીના જણાવ્યા અનુસાર જે બે અફઘાન વિચરતા વેપારીની વણજાર અને બ્રિટિશ અધિકારી હેરાતથી દિલ્લી જવા રવાના થયા હતા ત્યાં સુધી બ્રિટનની 'સિંધુનદીનાં સંસ્થાનો' માટે 'હસ્તક્ષેપ નહીં' અને 'અલગાવ' પર આધારિત નીતિ હતી. કેમ કે ઈ.સ. 1809માં થયેલી બ્રિટિશ-શીખ સંધિને ઉત્તર તરફથી થનારા કોઈ પણ સંભવિત હુમલાથી બચવા માટે પર્યાપ્ત સમજવામાં આવતી હતી.

અને, ફ્રાન્સ અને રશિયા તરફથી થનારા સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને એ જ વરસે અંગ્રેજોએ તત્કાલીન દુર્રાની બાદશાહ શાહ શુજા સાથે સમજૂતી કરી હતી. પાછળથી શાહ શુજાના ભાઈ શાહ મહમૂદે એમનું સિંહાસન છીનવી લીધું હતું.

પરંતુ પરિસ્થિતિ અને બ્રિટિશ સરકારની 'હસ્તક્ષેપ નહીં' નીતિમાં આમૂલ પરિવર્તન આવવાનું હતું. અને નવી નીતિમાં, જેના પરિણામસ્વરૂપ પહેલું બ્રિટિશ-અફઘાન યુદ્ધ થયું, સૈયદ મહીનશાહ, આર્થર કોનોલી અને શાહ શુજાએ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની હતી.

"આપણે સિંધુમાં રશિયા સાથે લડવું પડશે… અને એ એક મોટું યુદ્ધ હશે"

ઈ.સ. 1830માં લંડનમાં લૉર્ડ એલનબરોના રૂપે એક એવી વ્યક્તિ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઑફ કન્ટ્રોલની અધ્યક્ષ બની જેમના દૃષ્ટિકોણમાં ઉસ્માનિયા સલ્તનત, ઈરાન અને મધ્ય એશિયામાં મુસ્લિમ રાજ્યોની વિરુદ્ધ રશિયાની લશ્કરી જીત બ્રિટન માટે જોખમી હતી.

એક બ્રિટિશ અધિકારી જૉર્જ ડી લેસી ઇવાન્સે જણાવ્યું કે રશિયાને "ભારત પર હુમલો કરવા માટે માત્ર 30000 સૈનિકોની એક નાની સેના જોઈએ."

જોનાથન લીના જણાવ્યા અનુસાર એમનો મતલબ હતો કે ઈરાન અને અફઘાન શાસક કોઈ પણ આક્રમણકારીની સામે પ્રતિરોધ નહીં કરે, બલકે રશિયાની મદદ પણ કરી શકે છે. લૉર્ડ એલનબરો આ તર્ક સ્વીકારતા હતા અને એમણે પોતાની ડાયરીમાં પણ લખેલું કે, "મને વિશ્વાસ છે કે અમારે સિંધુમાં રશિયા સાથે યુદ્ધ કરવું પડશે… અને એ એક મોટું યુદ્ધ હશે."

કંપનીના બોર્ડ ઑફ કન્ટ્રોલના અધ્યક્ષ હોવાના કારણે એમની વાતનું વજન પડતું હતું. એમણે ગવર્નર જનરલ લૉર્ડ બેન્ટિકને રશિયાના જોખમનો સામનો કરવા માટે દિશાનિર્દેશો તૈયાર કરવાનો આદેશ આપ્યો કે બ્રિટનને "સિંધુનદીનાં રાજ્યો અને વિશેષ કરીને કાબુલ, કંધાર, હેરાત અને ખેવા શહેરોમાં રુસના પ્રભાવનો સામનો કરવા માટે તૈયારી કરવી જોઈએ."

તેઓ માનતા હતા કે એની સૌથી સારી રીત સિંધુ અને મધ્ય એશિયાઈ રાજ્યોની સાથે વેપાર વધારવાની છે. ઇતિહાસકાર જોનાથને લખ્યું છે કે, 19મી સદીમાં ઘણા બ્રિટિશ રાજનેતાઓના જણાવ્યા અનુસાર વેપાર એવી 'જાદુઈ શક્તિ' હતી જેના દ્વારા સામ્રાજ્યનાં લક્ષ્યો પૂરાં કરી શકાતાં હતાં.

હનીફીએ લખ્યું છે કે આ એક સંયોગ હતો કે મહીનશાહનું સૌભાગ્ય, પણ આર્થર કોનોલી દિલ્લી પહોંચ્યા એના અગિયાર મહિના પહેલાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક જાસૂસી કમિટીએ "ભારતીય અને યુરોપીય ઉત્પાદનોની એક ખેપ ઈરાન અને ભારતની મધ્યમાં રહેલા શહેર સુધી પહોંચાડવા માટે 50000 રૂપિયા ફાળવ્યા હતા, જેથી વેપારની તકને વધી શકે અને આ (મધ્ય એશિયાઈ) બજારો વિશે અનુમાન કરી શકાય."

બ્રિટિશ અધિકારીઓએ સૈયદ મહીનશાહને કયું મિશન સોંપ્યું

સૈયદ મહીનશાહ દિલ્લી પહોંચ્યા કે તરત જ તેમને બ્રિટન માટે અનુભવી વાણિજ્યિક અભિયાન સોંપવામાં આવ્યું, જેનો હેતુ એ શોધી કાઢવાનો હતો કે ભારતીય અને યુરોપીય ઉત્પાદનોને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં નિકાસ કરવા કેટલાં લાભકારી થઈ શકે એમ છે.

હનીફીએ લખ્યું છે કે, ઈ.સ. 1831 અને 1835 દરમિયાન એમણે બ્રિટન માટે મધ્ય એશિયાઈ બજારોની ચાર વ્યાપારિક મુસાફરી કરી અને બ્રિટનના એ અંદાજને સાચો ઠરાવ્યો કે બે અલગ અલગ માર્ગે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાનાં બજારોમાં માલ પહોંચાડીને નફો કમાઈ શકાય એમ છે.

હનીફીએ લખ્યું છે કે, કંપનીની દેખરેખમાં મહીનશાહના વ્યાપાર મિશનના આંકડાને પણ ઈ.સ. 1839માં અફઘાનિસ્તાન પર હુમલો કરવા માટે એક તર્કરૂપે રજૂ કરવામાં આવ્યા હતા.

શિકારપુર, મુલ્તાન, કાબુલ અને કંધારમાં સદીઓથી વેપાર ચાલે છે

સૈયદ મહીનશાહ અને એમના સાથી વિચરતા અફઘાન વેપારીઓ દર વર્ષે જે વેપારી માર્ગે મુસાફરી કરતા હતા એ સદીઓથી દુનિયાના વિભિન્ન ભાગોનાં બજારોને જોડતા હતા.

ઇતિહાસકાર હનીફી જણાવે છે કે મુગલકાળમાં કાબુલ હિન્દુકુશમાં એક મહત્ત્વપૂર્ણ સરહદી કેન્દ્ર હતું અને સિંધુનદીની પૂર્વમાં મુલતાન શહેર એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું. એ કાબુલ અને કંધારથી ભારતમાં આયાત થતા ઘોડાનું મહત્ત્વપૂર્ણ બજાર હતું. મુલતાનના વેપારીઓ ઈ.સ. 1600થી 1900 દરમિયાન ઈરાન, મધ્ય એશિયા અને રશિયા સુધી વેપાર કરવા જતા હતા.

બુખારા અને મુલ્તાનની વચ્ચે કાબુલમાર્ગે વેપાર થતો હતો. હનીફીએ લખ્યું છે કે એના પર શિકારપુરી હિન્દુઓ અને લોહાની અફઘાનોનું પ્રભુત્વ હતું. હવે બ્રિટિશ શાસકો આ ઐતિહાસિક વ્યાપારી સર્કિટને પોતાની ઇચ્છા અનુસાર બનાવવાનો પ્રયાસ કરવાના હતા.

મિઠ્ઠનકોટ સિંધુનદી પરનું એક મુખ્ય વેપારી કેન્દ્ર?

હનીફીએ લખ્યું છે કે, બધા દસ્તાવેજો તો હવે ઉપલબ્ધ નથી, છતાં એવું કહી શકાય કે સૈયદ મહીનશાહનો પહેલો વેપારી પ્રવાસ ખૂબ સફળ રહ્યો, જેમાં તેઓ કલકત્તામાંથી મોટી માત્રામાં ઘણા પ્રકારનાં કાપડ લઈને મધ્ય એશિયા ગયા હતા.

આ રીતે, મહીનશાહ 1831 અને 1832માં અને પછી 1834 અને 1835માં, બ્રિટનની સ્પોન્સરશિપમાં માલસામાન લઈને મધ્ય એશિયામાં ચાર વાર ગયા અને એમાં એમને ઘણો નફો મળ્યો.

"સૈયદ મહીનશાહે બ્રિટનને ખૂબ જ અગત્યની વ્યાવસાયિક માહિતી આપી, જેને સિંધુનદીના રસ્તે વેપારી પરિયોજનાના હેતુ માટે એક નક્કર તર્કરૂપે રજૂ કરવામાં આવી હતી."

સૈયદ મહીનશાહ દ્વારા કરાયેલી મુસાફરી બે માર્ગ દ્વારા થઈ હતી. એક માર્ગ કંધારનો અને બીજો પેશાવર થઈને જતો હતો.

હનીફીએ લખ્યું છે કે કંધારનો રસ્તો ઉત્તરમાં મશહદ અને હેરાતને અને દક્ષિણમાં ક્વેટા, કરાચી, શિકારપુર અને મુંબઈને જોડતો હતો અને પેશાવરનો માર્ગ ઉત્તરમાં કાબુલ, મજાર-એ-શરીફ અને બુખારાને તથા દક્ષિણમાં લાહોર, અમૃતસર, દિલ્લી અને કલકત્તાને જોડતો હતો.

હનીફીએ લખ્યું છે કે, "બ્રિટિશ અધિકારી આ રસ્તાને બદલવા ઇચ્છતા હતા, જેથી મોટા ભાગનો વેપાર કંધારથી કાબુલના રસ્તે થાય."

"વેપારમાં સંભવિત વૃદ્ધિની સ્થિતિમાં, સિંધુનદી પર એ હેતુ પાર પાડવા બંદર બનાવવા માટે જગ્યાની પસંદગી બાબતે ઘણી ચર્ચા-વિચારણા થઈ."

એ માટે ડેરા ઇસ્માઇલ ખાન અને ડેરા ગાઝી ખાનના નામ પર વિચારણામાં લેવાયાં હતાં પણ અંતમાં સિંધુનદી પર બંદર બનાવવા માટે મિઠ્ઠનકોટની પસંદગી થઈ.

અફઘાનિસ્તાનને સંયુક્ત બનાવવાની યોજના

એ જ સમયે, આર્થર કોનોલીને પણ એક પૉલિસી દસ્તાવેજ તૈયાર કરવાનું કામ સોંપાયું હતું. જેમાં એમણે માર્ચ 1831માં રિપોર્ટ આપ્યો કે રશિયા તરફથી હુમલો થવાનો ડર સાચો પડી શકે એમ છે અને ઈરાન રશિયાનો સામનો કરી શકે એમ નથી, તે બફરની રીતે પણ કામ નહીં કરે.

એમણે અફઘાનિસ્તાનને સંયુક્ત કરવા માટેનો સુઝાવ પણ આપ્યો. જો શાહ શુજાને ફરીથી સિંહાસન પર બેસાડી દેવાયા હોત તો અફઘાનિસ્તાનને એકસૂત્રમાં બાંધવું આસાન બની ગયું હોત, પરંતુ એ પહેલાં બીજી કેટલીક સમસ્યાઓના હલ શોધવા જરૂરી હતા.

જોનાથને લખ્યું છે કે ઈ.સ. 1830માં સિંધુનદી પર કોઈ બંદર નહોતું અને કરાચી બ્રિટનના નિયંત્રણમાં નહોતું, બલકે એ સમયે કેવળ "માછીમારોનું એક નાનકડું ગામ" હતું.

સિંધુનદીને ટેમ્સ નદી બનાવવાની યોજના

મધ્ય એશિયા માટે બ્રિટનનાં ઉત્પાદનો પહેલાં સમુદ્રી માર્ગે કલકત્તા આવતાં હતાં, ત્યાંથી એને નાવડીઓ દ્વારા ગંગાનદીના જળમાર્ગે ભારતમાં આંતરિક પ્રાંતો સુધી લવાતાં હતાં.

એ પછી જમીનમાર્ગે તેને લાહોર અને ત્યાંથી શિકારપુર પહોંચાડતાં હતાં. શિકારપુરથી 'કાફલા' તે ઉત્પાદનોને બુખારા અને અફઘાનિસ્તાનનાં બજારોમાં પહોંચાડતા હતા. આ ખૂબ મોંઘો માર્ગ હતો અને એટલી મોંઘી વસ્તુઓ રશિયાનાં ઉત્પાદનો સાથે સ્પર્ધા નહોતી કરી શકતી.

લૉર્ડ એલનબરોના જણાવ્યા અનુસાર, એનું સમાધાન "સિંધુનદીને ટેમ્સ નદીમાં બદલવામાં હતું." (ટેમ્સ નદીનો જેવો ઉપયોગ થતો તેવાં કામ સિંધુનદી દ્વારા પાર પાડવાં)

જોનાથનના જણાવ્યા અનુસાર, એલનબરોની યોજના ભારતમાં બ્રિટિશ અધિકારીઓમાં લોકપ્રિય નહોતી. એટલે એને લાગુ કરવા માટે, એમણે સિંધુનદીમાં પાણીનાં વહેણ અને બીજાં પાસાંની સમીક્ષા કરવા માટે, કોઈ વરિષ્ઠ અધિકારીના બદલે જુનિયર અધિકારીઓની નિમણૂક કરી.

એમાંના એક એલેક્ઝાન્ડર બર્ન્સ હતા જેમના ભાઈ ડૉક્ટર હતા અને સિંધનો પ્રવાસ કરી ચૂક્યા હતા, એમણે સિંધુનદીમાં શિપિંગની સંભાવના પર ખૂબ જ સકારાત્મક એક રિપૉર્ટ આપ્યો હતો.

જોનાથને લખ્યું છે કે ડૉ. બર્ન્સના મિશનના ખરા હેતુને ગુપ્ત રાખવા માટે, મહારાજા રણજિતસિંહના દરબારમાં જઈને એમને એક બગી અને ઘોડા ભેટમાં આપવાનો એમનો ઉદ્દેશ જણાવાયો હતો.

જોનાથને લખ્યું છે કે ઈ.સ. 1809માં શીખોની સાથે સંધિ કરનારા ચાર્લ્સ મેટકાફે આ મિશન અંગે વિરોધ દર્શાવતાં કહેલું કે આ "આપણી (બ્રિટિશ) સરકારની શાન અનુસારનું નથી."

ઈ.સ. 1830-1831ના બર્ન્સ મિશનમાં જાણવા મળ્યું કે સિંધુનદીમાં 'ફ્લૅટ બૉટમ બોટ' જ તરી શકે છે, અને તે વધુમાં વધુ 75 ટન વજન જ વહન કરી શકે છે.

પ્રથમ અફઘાનયુદ્ધ કયા એજન્ડા પર લડાયું હતું?

સિંધુનદીની સેના દ્વારા એ વાતની જાણકારી મળે છે કે બ્રિટનના વિચારો પર સિંધુનદી પરિયોજના હાવી હતી.

હનીફી એમ કહે છે કે પહેલું અફઘાનયુદ્ધ શુજાને દુર્રાની સિંહાસન પર બેસાડવા કરતાં મોટા મોટા એજન્ડા પર વધારે આધારિત હતું અને એ યુદ્ધ વૈશ્વિક વ્યાપારિક હિતો માટે થયું હતું.

બ્રિટિશ અધિકારીઓએ આ પરિયોજનાના પક્ષમાં સંપર્ક અભિયાન અંતર્ગત કાબુલમાં રાજકીય નેતાઓનો સંપર્ક કર્યો અને એમને વિનંતી કરી કે તેઓ વેપારીઓને સિંધુનદીનો રસ્તો અપનાવવા મનાવે.

આ પરિયોજનામાં વિચરતા અફઘાન વેપારીઓએ મુખ્ય ભૂમિકા ભજવી જેમને લોહાની તરીકે ઓળખવામાં આવે છે.

આર્થર કોનોલીના સહયોગી સૈયદ કરામત અલી, જેમનો પહેલાં ઉલ્લેખ થયો છે, ઈ.સ. 1831થી 1835 સુધી કાબુલમાં બ્રિટિશરોના ન્યૂઝ રાઇટર હતા.

મિઠ્ઠનકોટ વિશે એમને નિર્દેશ કરાયો હતો કે "તેઓ વેપારીઓને મિઠ્ઠનકોટ વિશે જાણકારી આપે કે એ એક એવું બજાર હશે જ્યાં ભારતીય વેપારીઓ એમનાં ફળ ખરીદશે, ભલે એ ગમે તેટલી માત્રામાં હોય, અને બદલામાં તેમને તેમની જરૂરિયાતનો ભારતીય સામાન પણ ત્યાંથી જ મળી રહેશે. આ રીતે પંજાબના રસ્તે ભારતમાં જવાની હેરાનગતિ પણ વેઠવી નહીં પડે."

હનીફીએ લખ્યું છે કે, "બ્રિટિશરો મિઠ્ઠનકોટને દક્ષિણ અને મધ્ય એશિયાને સાંકળતા એક બજારના રૂપમાં જોતા હતા, જ્યાં બધાં ક્ષેત્રના વેપારીઓ આસાનીથી પહોંચી શકે."

અને તેઓ માનતા હતા કે દર વર્ષે કલકત્તાની લાંબી મુસાફરી કરવાને બદલે વિચરતા અફઘાન લોહાની વેપારીઓ એક વર્ષમાં સિંધુનદીની ઘણી બધી મુસાફરી કરી શકશે. "એમનો હેતુ એવો હતો કે કોઈ એક ખાસ સીઝનના બદલે આખું વરસ વેપાર થતો રહે."

પરંતુ સિંધુનદી પર મિઠ્ઠનકોટમાં બંદરની પરિયોજના પ્રથમ બ્રિટિશ-અફઘાન યુદ્ધ અને શાહ શુજાની વિફળતા સાથે જ પડી ભાંગી.

અફઘાનિસ્તાન પાછા ફરવાની શાહ શુજાની ઇચ્છા

દરમિયાન, દુર્રાની સામ્રાજ્યના ચોથા શાસક શાહ શુજાએ, જે 1803થી 1809 સુધી શાસન પર રહ્યા બાદ સિંહાસન પરથી ઉઠાડી મુકાયા હતા, હવે અફઘાનિસ્તાનમાં પાછા જવાનો નિશ્ચય કરી લીધો.

તેમણે ઈ.સ. 1832માં લૉર્ડ બેન્ટિકને એક પત્ર લખીને એમને (શાહ શુજાને) મળતા સાલિયાણાની એક વર્ષની રકમ ઍડ્વાન્સ માગી જેથી તેઓ પોતાનું સિંહાસન પાછું મેળવવા કોશિશ કરી શકે.

ઇતિહાસકારો એમ કહે છે કે થોડો સમય રાહ જોયા પછી તેમને 16000 રૂપિયા આપવામાં આવ્યા અને દિલ્લીમાં હથિયારોની ખરીદી પર લાગતા ટૅક્સમાંથી મુક્તિ પણ અપાઈ.

આ ઉપરાંત, શાહ શુજાએ 1834માં રણજિતસિંહની સાથે પણ એક સમજૂતી કરી કે જો તેઓ સિંહાસન પર બેસે તો તેઓ દુર્રાની સામ્રાજ્યનાં એ ક્ષેત્રોને છોડી દેશે જે હવે શીખ સામ્રાજ્યનો ભાગ હતાં, જેમાંનું એક પેશાવર પણ હતું.

એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર, અંગ્રેજ એ વાતે સંતુષ્ટ નહોતા કે દુર્રાની બાદશાહ દોસ્તમોહમ્મદ સંભવિત હુમલાની સ્થિતિમાં રશિયાનો માર્ગ રોકવા સક્ષમ હશે, અને તેઓ દોસ્તમોહમ્મદ બાબતે આશ્વસ્ત પણ નહોતા કે તેઓ તેમને મિત્ર સમજે છે કે નહીં. આ સંજોગમાં એમણે શાહ શુજાને ગાદી પર બેસાડવા માટે અફઘાનિસ્તાનમાં સીધેસીધો હસ્તક્ષેપ કરવાનો નિર્ણય કર્યો.

અંગ્રેજોની 'સિંધુનદીની સેના'ની મદદથી કંધાર અને ગઝની પર વિજય મળવીને શાહ શુજા 1839ના ઑગસ્ટમાં બીજી વાર દુર્રાની સામ્રાજ્યના સિંહાસને બિરાજમાન થયા. પણ આ પરિવર્તન કંઈ ખાસ લોકપ્રિય સાબિત ન થયું.

એનસાઇક્લોપીડિયા અનુસાર, દોસ્તમોહમ્મદ પહેલાં બલ્ખ અને પછી બુખારા ગયા, જ્યાં એમને પકડી લેવાયા, પણ તેઓ કેદમાંથી છટકી જવામાં સફળ થયા. "2 નવેમ્બર 1840એ, યુદ્ધમાં દોસ્તમોહમ્મદનો હાથ ઉપર હતો પણ બીજા જ દિવસે એમણે કાબુલમાં અંગ્રેજો સામે આત્મસમર્પણ કરી દીધું અને એમને એમના પરિવાર સાથે ભારત મોકલી દેવાયા."

પરંતુ પરિસ્થિત હજી પણ નિયંત્રણમાં નહોતી આવી અને બ્રિટને પીછેહઠ કરવા મજબૂર થવું પડ્યું.

શાહ શુજાનું મૃત્યુ અને બ્રિટનની પીછેહઠ

દોસ્તમોહમ્મદના દીકરા અકબર ખાન સાથે પાછા ફરવાની શરતો નક્કી કરાઈ રહી હતી એ દરમિયાન બ્રિટિશ રાજદ્વારી એજન્ટ વિલિયમ મૅકનૉટનનું અવસાન થયું.

6 જાન્યુઆરી 1842એ લગભગ 4500 બ્રિટિશ અને ભારતીય સૈનિકો અને એમના કૅમ્પના લગભગ 12000 લોકો કાબુલમાંથી નીકળી ગયા. અફઘાનોના સમૂહે એમને ઘેરી લીધા અને આ રીતની પીછેહઠ દરમિયાન લોહીની નદીઓ વહી. અંગ્રેજોએ કાબુલ છોડ્યું એ પછી શાહ શુજા પણ મરાયા.

બ્રિટિશ સેનાએ એ વરસે ફરીથી કાબુલ પર કબજો કરી લીધો હતો પણ એનસાઇક્લોપીડિયા અનુસાર, ભારતના ગવર્નર જનરલ લૉર્ડ એલનબરોએ અફઘાનિસ્તાન છોડી દેવાનો નિર્ણય કર્યો અને ઈ.સ. 1843માં, દોસ્તમોહમ્મદ ફરીથી કાબુલના સિંહાસને બેસી ગયા.

હા, આ એ જ લૉર્ડ એલનબરો છે જેમણે 'હસ્તક્ષેપ નહીં' અને 'અલગાવ'ની નીતિને છોડીને અને કાબુલ પર કન્ટ્રોલ કરીને મધ્ય એશિયા સુધી નવો વ્યાપારી માર્ગ ખોલવાની યોજના બનાવી હતી. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. ઈ.સ. 1878 અને 1880 દરમિયાન અફઘાનિસ્તાનમાં રુસના પ્રભાવને કારણે બીજું એક બ્રિટિશ-અફઘાન યુદ્ધ થયું, અને એ પણ બ્રિટિશ સૈનિકોની પીછેહઠને લીધે પૂરું થયું.

પરંતુ ઇતિહાસકાર શાહ મહમૂદ હનીફીએ લખ્યું છે કે એ સમયગાળા વિશે લખાયેલાં મોટા ભાગનાં પુસ્તકોમાં એવી ધારણા રજૂ થઈ છે કે, આ બે યુદ્ધોનાં પરિણામોના કારણે અફઘાનિસ્તાન ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પ્રભાવથી બચી ગયું, પરંતુ એવું નથી.

એમનું કહેવું એમ છે કે સામાન્ય રીતે આ બંને યુદ્ધ માત્ર બ્રિટિશ આક્રમકોની અસાધારણ 'નિષ્ફળતા'નો બચાવ કરનારા સ્થાનિક અફઘાનોની સંભવિત 'સફળતા'ના રૂપે જોવાય છે, જ્યારે એમના રિસર્ચ અનુસાર, ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની અફઘાનિસ્તાન પર ઊંડી રાજકીય, આર્થિક અને બૌદ્ધિક છાપ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો