યુક્રેન-રશિયા સંઘર્ષ: અમેરિકા પોતાના સૈનિકો કેમ નથી મોકલી રહ્યું?

    • લેેખક, બાર્બરા પ્લેટ અશર
    • પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન યુક્રેન પરના હુમલાને 'રશિયાનું આક્રમણ' ગણાવી તેની નિંદા કરી રહ્યા છે. સાથે જ, બાઇડન રાજદ્વારી રીતે આનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રશિયા દ્વારા હુમલાની સંભાવનાને લઈને અમેરિકા છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી ચેતવણીઓ આપી રહ્યું હતું, જે અંતે સાચી સાબિત થઈ છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા દાવ પર હોવાની વાત પણ કહેવામાં આવી હતી.

આ બધાની વચ્ચે બાઇડને એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ આ યુદ્ધમાં ભાગ લેવા માટે અમેરિકન સૈનિકોને યુક્રેન નહીં મોકલે.

તેમણે કહ્યું કે અમેરિકન નાગરિકોને બચાવવા માટે પણ તેઓ યુક્રેનમાં અમેરિકન સૈનિકો નહીં મોકલે.

આ સાથે તેમણે યુક્રેનમાં સૈન્ય સલાહકાર અને નિરીક્ષક તરીકે કામ કરતા અમેરિકન સૈનિકોને પણ પાછા બોલાવી લીધા છે.

આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે બાઇડન તેમના કાર્યકાળના સૌથી ગંભીર વિદેશનીતિ સંકટ બાબતે આવું પગલું કેમ ભર્યું?

રશિયા-યુક્રેન સંઘર્ષમાં અમેરિકાનું હિત-અહિત કેટલું?

બાઇડનના નિર્ણયનું પહેલું કારણ એ છે કે યુક્રેન અમેરિકાનો પડોશી દેશ નથી. તે અમેરિકાની સરહદને અડીને આવેલો દેશ નથી અને યુક્રેનમાં તેનું લશ્કરી મથક પણ નથી.

આ સાથે યુક્રેન પાસે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ એવા તેલના ભંડાર પણ નથી. ઉપરાંત તે અમેરિકાનું મુખ્ય વેપારી ભાગીદાર નથી.

પરંતુ બાઇડન પહેલાં એવા ઘણા રાષ્ટ્રપતિઓ હતા જેમણે અમેરિકન હિતોને જોખમ ન હોવા છતાં પણ અન્ય દેશો માટે તેમની આર્થિક અને લશ્કરી શક્તિનો ઉપયોગ કર્યો હતો.

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને 1995માં યુગોસ્લાવિયામાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો હતો. 2011માં યુએસ પ્રમુખ બરાક ઓબામાએ લીબિયાના ગૃહયુદ્ધ દરમિયાન આવું જ પગલું ભર્યું હતું. બંને વખત લોકોને બચાવવા અને માનવ અધિકારોનું રક્ષણ કરવાની વાત કરવામાં આવી હતી.

આ પૂર્વે વર્ષ 1990માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબલ્યુ બુશે ઇરાકને કુવૈતમાંથી બહાર કાઢવા માટે આંતરરાષ્ટ્રીય સૈન્ય ગઠબંધનની રચના કરી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવાની દલીલ આપીને આ વાતને યોગ્ય ઠેરવી હતી.

બાઇડનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ રશિયાને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સિદ્ધાંતો માટે ખતરારૂપ દેશ ગણાવ્યો હતો ત્યારે તેમણે પણ લગભગ એવી જ ભાષાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તે લશ્કરી કાર્યવાહીને બદલે સખત પ્રતિબંધો દ્વારા આર્થિક નુકસાન પહોંચાડવાની વાત કરી હતી.

શું બાઇડન લશ્કરી હસ્તક્ષેપથી દૂર રહેવા માગે છે?

બાઇડન વહીવટીતંત્રના આ પ્રતિભાવ માટે પ્રમુખ જો બાઇડનનું અંગત વલણ પણ મહત્ત્વનું છે.

લશ્કરી કામગીરીમાં દખલ કરનારાઓમાં બાઇડનની ગણતરી કરવામાં આવતી નથી. જોકે, તેમનું આ વલણ પણ ધીમે ધીમે બન્યું છે.

વર્ષ 1990માં તેમણે બાલ્કન ક્ષેત્રમાં ચાલી રહેલી વંશીય હિંસામાં અમેરિકાના સૈન્ય હસ્તક્ષેપને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ 2003માં તેમણે અમેરિકાના ઇરાક અભિયાનને પણ સમર્થન આપ્યું હતું. પરંતુ તે પછી તેઓ અમેરિકાની સૈન્ય શક્તિના ઉપયોગને લઈને સાવધ બની ગયા હતા.

તેમણે બરાક ઓબામાના અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા વધારવાના નિર્ણયથી લઈને લીબિયામાં લશ્કરી હસ્તક્ષેપના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકી સેનાને અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લેવામાં આવી. અફઘાનિસ્તાનમાં દળો પાછા ખેંચવાને કારણે અરાજકતા અને માનવીય સંકટ સર્જાયુ હોવા છતાં તેમણે જોરશોરથી તેમના નિર્ણયનો બચાવ કર્યો.

બાઇડન વહીવટીતંત્રની વિદેશનીતિના આર્કિટેક્ટ, બ્લિંકને પણ રાષ્ટ્રીય સુરક્ષાને વ્યાખ્યાયિત કરતા સૈન્ય હસ્તક્ષેપની સરખામણીએ આબોહવા પરિવર્તન, વૈશ્વિક મહામારીનો સામનો કરવો અને ચીન સાથેની દુશ્મનાવટને પ્રાથમિકતા આપી છે.

અમેરિકન નાગરિકો યુદ્ધ નથી ઇચ્છતા

તાજેતરના એપી-એનઓઆરસી સર્વેમાં બહાર આવ્યું છે કે 72% અમેરિકન નાગરિકો માને છે કે રશિયા-યુક્રેન વિવાદમાં અમેરિકાએ કોઈ ભૂમિકા ભજવવી જોઈએ નહીં અથવા માત્ર નાની ભૂમિકા ભજવવી.

આ સર્વેમાં સહભાગીઓનું ધ્યાન વધતી જતી મોંઘવારી જેવા પાયાના મુદ્દાઓ પર વધુ હતું. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બાઇડન માટે આ મુદ્દાઓ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં શાસક પક્ષથી લઈને વિપક્ષ સુધી આ મુદ્દે કડક પ્રતિબંધોની માગણી થઈ રહી છે.

રિપબ્લિકન સૅનેટર ટેડ ક્રૂઝ જેવા બળના ઉપયોગના હિમાયતી તરીકે જાણીતા છે, તે પણ ઇચ્છતા નથી કે બાઇડન યુક્રેનમાં અમેરિકી સેના મોકલીને "પુતિન સાથે સીધું યુદ્ધ" નોતરે.

ટેડ ક્રૂઝની જેમ જ અન્ય રિપબ્લિકન સૅનેટર માર્કો રૂબિયોએ પણ કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિઓ વચ્ચે યુદ્ધ કોઈના માટે સારું નહીં હોય.

મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષનો ખતરો

રશિયા-યુક્રેન મામલામાં અમેરિકાના બિન-લશ્કરી હસ્તક્ષેપનું સૌથી મોટું કારણ એ પણ છે કે પુતિન પાસે પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે.

બાઇડન યુક્રેનમાં રશિયન અને અમેરિકન સૈનિકો વચ્ચે "વિશ્વયુદ્ધ"નું જોખમ લેવા માગતા નથી.

આ મહિને એનબીસી સાથેની એક મુલાકાતમાં બાઇડને કહ્યું હતું કે "અમે કોઈ પણ આતંકવાદી સંગઠન સાથે વ્યવહાર નથી કરવાના. આપણે વિશ્વની સૌથી મોટી સેનાઓ પૈકીની એકનો સામનો કરી રહ્યા છીએ. આ એક ખૂબ જ જટિલ સમસ્યા છે અને પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે."

કોઈ સંધિની જવાબદારી નથી

આ સાથે અમેરિકાના માથે કોઈ સંધિને કારણે, યુદ્ધનું જોખમ લેવાની કોઈ જવાબદારી નથી. નેટોની કલમ 5 જણાવે છે કે નેટોના કોઈ પણ સભ્ય રાષ્ટ્ર પરના હુમલાને તમામ સભ્ય દેશો પરના હુમલા તરીકે ગણવામાં આવશે અને બધાએ એકબીજાના રક્ષણ માટે પગલાં લેવા પડશે.

પરંતુ યુક્રેનનો મામલો અલગ છે, તે નેટોનું સભ્ય નથી. આ દલીલ કરતી વખતે બ્લિંકને કહ્યું કે અમેરિકા જે મૂલ્યોનો આગ્રહ રાખે છે તેના રક્ષણ માટે શા માટે ન લડે.

એક વિટંબણા એ પણ છે કે આ સંઘર્ષ પાછળ પુતિનની માગ હતી કે યુક્રેનને નેટોમાં સામેલ ન કરવું. જોકે નેટોએ રશિયાની માગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદેશનીતિના નિષ્ણાત સ્ટીફન વોલ્ટે એક લેખમાં કહ્યું છે કે અમેરિકા, યુરોપ અને નેટો દેશો રશિયા વિરુદ્ધ આકરાં નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ સૈન્ય હસ્તક્ષેપના મામલામાં તેઓ કાં તો ઇન્કાર કરી રહ્યા છે અથવા શાંત છે, આ સમજાતું નથી.

સ્ટીફન વોલ્ટના જણાવ્યા અનુસાર, બાઇડને યુક્રેનમાં પોતાની સેના મોકલવાને બદલે યુક્રેનમાં હાજર અમેરિકી સેના સાથે જોડાયેલા લોકોને પાછા બોલાવ્યા છે, જેનાથી એક અલગ જ સંદેશ ગયો છે.

શું ઉદ્દેશ બદલાઈ જશે?

બાઇડન યુક્રેનમાં સૈનિકો મોકલી રહ્યા નથી, પરંતુ યુક્રેન અને રશિયાની સરહદે આવેલા નેટોના સભ્ય દેશોને મજબૂત કરવા માટે તેઓ તેમના સૈનિકોને યુરોપ મોકલી રહ્યા છે અને ત્યાં તહેનાત સૈનિકોને અન્યત્ર સ્થળાંતરિત કરી રહ્યા છે.

બાઇડન પ્રશાસને કહ્યું છે કે આ પગલું એ દેશોને આશ્વાસન આપવા માટે લેવામાં આવ્યું છે જે એક સમયે સોવિયેટ સંઘનો ભાગ હતા. આ દેશોને આશંકા છે કે પુતિન તેમના વ્યાપક ધ્યેયના ભાગ રૂપે નેટો પર દબાણ લાવશે કે નેટો દળો તેના પૂર્વીય છેડેથી પાછા ફરે.

પરંતુ આ અઠવાડિયે યુક્રેન પરના હુમલાએ વ્યાપક સંઘર્ષની આશંકા ઊભી કરી છે કે રશિયન આક્રમણથી વકરી શકે છે.

જો આવું થાય છે તો તેનાથી એક મોટા સંઘર્ષથી શરૂઆત થઈ શકે છે, કારણ કે પછી નેટોના સભ્ય દેશોએ આ યુદ્ધમાં ઊતરવું પડશે. અને બંને સંજોગોમાં અમેરિકાએ સીધા જ યુદ્ધમાં ઊતરવું પડશે.

બાઇડને પહેલેથી જ રશિયા તરફ ઇશારો કરીને કહ્યું હતું કે "જો તે નેટો દેશોમાં પ્રવેશ કરશે, તો આપણે પણ (યુદ્ધમાં) જોડાવું પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો