ગુજરાતના 2,500 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, સરકાર તેમની માટે શું કરી રહી છે? - પ્રેસ રિવ્યુ

રશિયાની યુક્રેન પર લશ્કરી કાર્યવાહીને પગલે ગુજરાતના લગભગ 2,500 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. પત્રકારો સાથે વાત કરતાં ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.

મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત પાછા લાવવા માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારના સંપર્કમાં છે.

વાઘાણીએ કહ્યું કે કેન્દ્ર દ્વારા પૂરા પાડવામાં આવેલા સંપર્કનંબરો સિવાય ગુજરાતના ગુજરાતમાં રહેતા લોકો કોઈ પણ માહિતી અથવા મદદ મેળવવા માટે 079-23251900 ડાયલ કરી શકે છે.

આ સાથે વિપક્ષ કૉંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં નિષ્ક્રિયતા અને વિલંબનો આરોપ લગાવ્યો છે.

કટોકટી અંગે કેન્દ્રના પ્રતિસાદથી નારાજ, કૉંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે શુક્રવારે મોદી સરકારને ચૂંટણી મોડમાંથી બહાર આવવાની સલાહ આપી હતી.

22 રાજ્યોમાં બે દિવસ વરસાદની આગાહી

દિલ્હીમાં શુક્રવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો, હવામાનવિભાગે આગામી 24 કલાકમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાનવિભાગ દ્વારા દિલ્હી ઉપરાંત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 28 ફેબ્રુઆરી સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આગામી શનિવારે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હી અને એનસીઆરના અલગ-અલગ વિસ્તારોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં "હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદ અને 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન" સાથે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હિજાબ વિવાદ : કર્ણાટક હાઈકોર્ટે 11 દિવસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો

લાઇવ લૉના અહેવાલ અનુસાર કર્ણાટક હાઈકોર્ટની ખંડપીઠે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો છે. આ અરજીઓમાં હિજાબ પહેરવા બદલ પ્રવેશ ન આપતી સરકારી કૉલેજોની કાર્યવાહીને પડકારવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે. એમ. ખાઝીની બૅન્ચે 11 દિવસ સુધી સુનાવણી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે કોર્ટે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ કર્યો હતો. જે આજની તારીખે યથાવત્ છે.

આ કેસમાં કોર્ટ સમક્ષ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે હિજાબ પહેરવો એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ છે કે નહીં? હિજાબ બંધારણની કલમ 19(1)(a) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાને પાત્ર છે કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો