You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોમ લોન અને પર્સનલ લોન : લોન લેવાનું વિચારતા હો તો કઈ- કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
ભારતમાં ઘર માટે લોન લેવી એ નવી વાત નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઑટો લોન કે વિદેશમાં ફરવા જવા કે કોઈ અન્ય હેતુસર પર્સનલ લોન લેવાનું ચલણ પણ વધી રહ્યું છે.
પરંપરાગત બૅન્કોમાં લોનની અરજીને મંજૂર કરવામાં દિવસો લાગી જતા, પરંતુ હવે નોન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને કેટલીક નિયો બૅન્કોને કારણે ગણતરીની કલાકોમાં લોન મળી જાય છે.
તમારી લોન મંજૂર થશે કે નહીં, તેના માટે તમારો સિબિલ સ્કોર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોનનો હપ્તો ચૂકવવામાં ખતા થાય તો તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. જે ભવિષ્યમાં લોન મેળવવી મુશ્કેલ બનાવી દેશે.
આથી જ જાણકારો લોન લેતી વખતે સતર્ક રહેવાની તથા તેની શરતોને ધ્યાનપૂર્વક વાચવાની ભલામણ કરે છે. કેટલીક સામાન્ય બાબતોની અવગણના મોંઘી પડી શકે છે.
લોન લેતી વખતે કઈ બાબતો ધ્યાને લેવી?
લોન લેતી વેળાએ વેબસાઇટ વિઝિટ કરાતાં જ જાહેરાત, એસએમએસ અને ઈમેલ સહિતનાં અનેક માધ્યમો દ્વારા લોન લેવા માટે બૅન્કો અને લૅન્ડિંગ ઍપ દ્વારા ગ્રાહક પર રીતસર મારો ચલાવવામાં આવે છે.
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિશાંત પારેખ જણાવે છે, "જો કોઈ સેલેરાઇડ કે સેલ્ફ-ઍમ્પલૉઇડ વ્યક્તિ હોમ લોન લેતી હોય ત્યારે કેટલું કવરેજ મળે છે, તે બાબત ધ્યાને લેવી જોઈએ."
"જેમ કે સરકારી બૅન્કો સામાન્ય રીતે દસ્તાવેજની કિંમતને ધ્યાને લેતી હોય છે, જ્યારે ખાનગી બૅન્કો બજારકિંમતને ધ્યાને લેતી હોય છે. લોનની ટકાવારી અનેક વિકલ્પમાંથી ચોક્કસ વિકલ્પને પસંદ કરવામાં મહત્ત્વપૂર્ણ બની રહે છે. હોમ લોન એ પ્રાયૉરિટી સેક્ટરમાં આવતી હોવાથી મોટા ભાગે પ્રોસેસિંગ ચાર્જમાં છૂટ મળતી હોય છે, છતાં તેની સ્પષ્ટતા કરી લેવી જોઈએ."
"આ સિવાય રિપેમેન્ટ શિડ્યુલ પણ ધ્યાને લેવું જોઈએ. જે વિકલ્પમાં પ્રિ-પેમેન્ટના ચાર્જ ન લાગતા હોય, તેને પસંદ કરવો હિતાવહ રહે. કદાચ તેનો ગાળો લાંબો હોય તો પણ તે લાંબા ગાળે લાભકારક રહે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પારેખ પર્સનલ લોનની બાબતમાં વ્યાજનો દર તથ પ્રિ-પેમેન્ટ માટેના ચાર્જને ધ્યાને લેવા કહે છે.
કેટલીક વખત નાણાકીય સંસ્થા દ્વારા 'ઍડવાન્સ હપ્તો' લેવામાં આવે છે, જેનો બોજ અંતે ગ્રાહક ઉપર પડતો હોય છે.
પર્સનલ લોન લેતી વખતે જેટલી રકમની જરૂર હોય તેટલી જ રકમ પર વ્યાજ ચૂકવવાનું રહે અને બાકીની રકમ જરૂર પડ્યે મેળવી શકાય, તેવી વ્યવસ્થા પસંદ કરવાની સલાહકારો ભલામણ કરતા હોય છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા નાણાકીય બાબતોના સલાહકાર આનંદ શીંગાળાના કહેવા પ્રમાણે, "રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની જોગવાઈઓ પ્રમાણે, વ્યક્તિ લોન લે ત્યારે તેને સૅંગ્શન લેટર આપવાનો રહે છે. જેમાં લોન પ્રિ-પેમેન્ટ (નિર્ધારિત સમય પહેલાં ચૂકવણી), લોન ફૉર-ક્લોઝર (નિર્ધારિત મુદ્દત પહેલાં લોનની ચૂકવણી અથવા લોનને અન્યત્ર ખસેડવી) વગેરેના સંજોગોમાં કેવા ચાર્જ લાગશે, તેનું વિવરણ હોય છે.
"આ સિવાય નાણાકીય સંસ્થા દ્વારા કેવા પ્રકારના ચાર્જ વસૂલ કરવામાં આવ્યા, એની માહિતી પણ તેમાં હોય છે."
"આ મંજૂરીપત્ર મોટા ભાગે અંગ્રેજીમાં અને જટિલ નાણાકીય તથા કાયદાકીય શબ્દો તથા પરિભાષાઓસભર હોય છે. આથી વ્યક્તિએ તેને નિરાંતે ધ્યાનપૂર્વક વાચવો જોઈએ અને જરૂર પડ્યે નાણાકીય સલાહકારની મદદ લેવી જોઈએ."
જો યોજના કે નિયમોમાં કોઈ વાંધો જણાય અથવા તો અસ્પષ્ટતા હોય તો તરત જ ધિરાણ આપનારી સંસ્થા પાસેથી સ્પષ્ટતા માગવી જોઈએ.
કઈ બાબતોની કાળજી રાખવી?
કોઈ પણ પ્રકારની લોન લેતી વખતે સિબિલ સ્કોર મહત્ત્વપૂર્ણ પાસું બની રહે છે. અમદાવાદસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકેશ દેવપુરાના જણાવ્યા પ્રમાણે :
"વ્યક્તિએ સૅંગ્શન લેટરને ખૂબ જ ધ્યાનથી વાચવો જોઈએ, આ સિવાય પોતાના સિબિલ સ્કોર ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. "
"જો તેણે ભૂતકાળમાં કોઈ લોન ચૂકવી ન હોય કે તેનો હપ્તો ભરવામાં ખતા કરી હોય તો તેના માટે લોન મેળવવી મુશ્કેલ બની જાય છે."
"સામાન્ય રીતે હોમ લોનના પ્રિપેમેન્ટ કે ફોરક્લોઝર બદલ બૅન્કો દ્વારા કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો, પરંતુ પર્સનલ લોનના કેસમાં આવું ન પણ હોય. છતાં તેનો મોટો આધાર લોન લેનારની પ્રોફાઇલ પર રહેતો હોય છે. આથી પહેલાંથી જ સ્પષ્ટતા પાછળથી ઊભી થતી ગૂંચવણોને દૂર કરી દે છે."
લોન લેતી વખતે આટલું કરો
દેવપુરા આ સિવાય કેટલીક બાબતો ઉપર ધ્યાન આપવા માટે કહે છે. જેમ કે :
- જેટલી રકમની લોન ચૂકવી શકો, તેટલી રકમની જ લોન લેવી
- નિયમિત અને સમયસર ચૂકવણી કરતા રહો
- લોનને વહેલાસર ચૂકવવા પ્રયાસ કરો
- દેખાદેખી અને જરૂર ન હોય તેવી ચીજવસ્તુ કે સેવા કે વૅકેશન માટે લોન ન લો
- અન્યત્રથી વધુ વળતર મળવાની આશાએ લોન ન લો
- જો લોનની રકમ મોટી હોય તો સાથે લોન ચોક્કસથી લો
- મોંઘી લોનની ચૂકવી વહેલાસર કરો તથા સસ્તાદરે લોન મેળવવા માટે પ્રયાસ કરતા રહો, આ સમયે ફોરક્લોઝર ચાર્જ કે પ્રોસેસિંગ ફી વગેરે જેવા પરિબળોને પણ ધ્યાને લો
- લોન વિશે તમારા જીવનસાથી તથા પરિવારજનોને વિશ્વાસમાં લો, તેમને માહિતીગાર કરો તથા વાકેફ રાખો.
લોનનો દર કોણ નક્કી કરે?
સામાન્ય રીતે 300થી 900ની વચ્ચે સિબિલ સ્કોર અપાતો હોય છે.
જો તમારો સ્કોર 900ની નજીક હોય તો લોન મંજૂર થવાની શક્યતા તથા ઓછો દર મળવાની શક્યતા વધી જાય છે.
આવી જ રીતે જો સિબિલ સ્કોર 700 કે તેથી ઓછો હોય તો લોન મેળવવી મુશ્કેલ બને છે અને કેટલાક સંજોગોમાં મળી જાય તો પણ તેનો દર ખૂબ જ ઊંચો હોય છે.
અલગ-અલગ જરૂરિયાત માટે વ્યક્તિ અલગ-અલગ પ્રકારની લોન લેતી હોય છે. સરકાર તથા બૅન્કો દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાના આધારે તેનો લોનનો દર વધારે કે ઓછો હોઈ શકે છે.
આ સિવાય જો તારણ હોય તો પણ લોનના દરને અસર પડી શકે છે.
પર્સનલ લોન
વ્યક્તિ પોતાની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે લોન લે ત્યારે તેને પર્સનલ લોન કહેવામાં આવે છે.
જે વ્યક્તિની લોનની રકમ તથા તેનો હપ્તો ભરવાની ક્ષમતાને ધ્યાને લઈને આપવામાં આવે છે. આ માટે સિબિલ સ્કોરને પણ ધ્યાને લેવામાં આવે છે. વ્યક્તિ લોનની શરતોને આધીન 'કાયદાકીય રીતે સ્વીકાર્ય' બાબતો ઉપર ખર્ચ કરી શકે છે.
જો વ્યક્તિ કોઈ સંપત્તિના (જમીન, ફ્લેટ, મકાન, વગેરે) તારણ ઉપર લોન લેવા માગ તો તેને વ્યક્તિગત લોનની સરખામણીમાં ઓછો દર મળી શકે છે, કારણ કે ધિરનારની પાસે નક્કર સંપત્તિ હોય છે. તેને લોન અગેઇન્સ પ્રૉપર્ટી કહેવામાં આવે છે.
આવી જ રીતે ગોલ્ડ લોન પણ વ્યક્તિગત લોનનો જ એક પ્રકાર છે. જોકે સોનાના ભાવોમાં અચાનક ઘટાડો થાય તો જોખમ ઓછું કરવા ધિરનાર સંસ્થા અમુક રકમની માગ કરી શકે છે.
ઑટો લોન
કાર કે ટુ-વ્હીલરને ખરીદવા માટે વ્યક્તિને લોન મળી રહે છે.
જો વાહન જૂનું હોય તો તેનો દર વધુ હોઈ શકે છે. આવી જ રીતે જો તે કૉમર્શિયલ વાહન હોય કે ટ્રેકટર હોય તો પ્રાથમિકતાના આધારે તેના દર અલગ-અલગ હોઈ શકે છે.
કોઈ પણ સંજોગોમાં તમારા બધા હપ્તાની કુલ રકમ તમારી આવકના 50 ટકા કરતાં વધુ ન હોવી જોઈએ.
લોન લેતી વખતે ધિરનારની પ્રતિષ્ઠા પણ ધ્યાને લેવી રહી. વિશેષ કરીને ધિરાણનાં નવાં-નવાં માધ્યમો અને એકમો સુલભ બન્યાં છે ત્યારે આ બાબત મહત્ત્વપૂર્ણ બની રહે છે.
હોમ લોન
નામ પ્રમાણે જ ઘર લેવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. આ સિવાય તેના ફર્નિચર, સમારકામ કે બાંધકામ માટે 'ટોપ-અપ' લોન પણ મળી શકે છે.
પ્રાયૉરિટી સેક્ટર હોવાને કારણે તથા ધિરનાર સંસ્થા પાસે મકાનના દસ્તાવેજ રહેતા હોવાથી આ લોન અન્યોની સરખામણીમાં સસ્તી હોય છે.
દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે અથવા તો વિદેશમાં અભ્યાસ કરવા માટે લોન ધીરવામાં આવે છે.
ઉદ્યોગો માટેની લોનમાં વેપારીની ક્ષમતા, તેના આવકવેરાના રિટર્ન તથા સ્ટોક વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે શૈક્ષણિક સંસ્થામાં વિદેશ જવાનો ખર્ચ, હોસ્ટેલનો ખર્ચ, ફી વગેરે જેવી બાબતો ધ્યાને લેવામાં આવે છે.
આ સિવાય શૅર, વીમા, મ્યુચ્યુઅલ ફંડ તથા ફિક્સ્ડ ડિપોઝિટની સામે પણ લોન મળી શકે છે. જે જમા થયેલી રકમ, અને જોખમના આધારે અલગ-અલગ હોઈ શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો