NSE IFSC : ગાંધીનગરથી બેઠાં-બેઠાં કેવી રીતે અમેરિકન કંપનીઓના શૅરમાં રોકાણ કરી શકાશે?

    • લેેખક, બ્રિજલ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

ભારતીય રિટેલ રોકાણકારો હવે સરળતાથી અમેરિકાની કેટલીક કંપનીઓના શૅરમાં રોકાણ કરી શકશે.

ગાંધીનગરમાં આવેલા GIFT સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે એનએસઈ આઈએફએસસીના (નેશનલ સ્ટૉક એક્સચેન્જ - ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર) માધ્યમથી રોકાણકારો અમેરિકાના સ્ટૉક માર્કેટના શૅર ખરીદી શકશે.

જોકે આ સ્ટૉક્સની ખરીદી 'અનસ્પૉન્સર્ડ ડિપૉઝિટરી રિસિટમાં' કરી શકાશે. તેને એનએસઈ આઈએફએસસી રિસીટ પણ કહેવાય છે. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ ની પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.

નેશનલ સ્ટૉક એક્સચેન્જ અનુસાર ત્રીજી માર્ચથી ભારતમાં આલ્ફાબેટ, ઍમેઝૉન, ટેસ્લા, મેટા પ્લૅટફૉર્મ, માઇક્રોસૉફટ, નેટફ્લિકસ, ઍપલ અને વૉલમાર્ટ એમ અમેરિકાની લિસ્ટેડ આઠ કંપીનઓના શૅરોમાં રોકાણકારો સીધું જ રોકાણ કરી શકશે.

ધીમે-ધીમે આ કંપનીઓની સંખ્યા વધારવામાં આવશે. આ પહેલાં અમેરિકાની લિસ્ટેડ કંપનીના શૅર ખરીદવા હોય તો ભારતીય રોકાણકારોએ અમેરિકામાં રજિસ્ટર્ડ બ્રોકર હોય તેમની પાસે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડતું હતું. જે પદ્ધતિ ઘણી લાંબી અને ખર્ચાળ છે. HDFC બૅન્કના એક્ઝિક્યુટીવ ડિરેકટર કૈઝાદ ભરૂચાએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે NSE IFSC રિસિટ ભારતમાં આ પ્રકારના રોકાણ માધ્યમનો પહેલો પ્રયાસ છે. જેને લીધે ભારતીય રોકાણકારો સરળતાથી ગ્લોબલ શેરમાં રોકાણ કરી શકશે. આ પ્રોડક્ટનું ફ્રેમવર્ક રોકાણકારોને પારદર્શી અને પરવડે તેવું છે.

એનએસઈ આઈએફએસસી શું છે?

એનએસઈ આઈએફએસસી એ NSE ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ છે. ગિફટ સિટીમાં આવેલું આ એક્સચેન્જ 'નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયાની' (એનએસઈ) સબ્સિડિયરી કંપની છે.

આ એક્સ્ચેન્જ પર રૂપિયા સિવાય અન્ય કરન્સી અને સિક્યૉરિટીમાં રોકાણ કરી શકાશે. આ એક્સ્ચેન્જ પર જુદા-જુદા રોકાણનાં સાધનોમાં સોદા અમેરિકન ડૉલરમાં કરવામાં આવે છે.

એટલે કે તેના નામ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સાધનોમાં રોકાણ માટે આ એક્સ્ચેન્જનો ઉપયોગ થાય છે.

કેવી રીતે કરી શકાશે રોકાણ?

કોઈ પણ રોકાણકારને અમેરિકાની લિસ્ટેડ કંપનીના શૅર ખરીદવા હોય તો તે એનએસઈ આઈએફએસસી રિસિટમાં તેની ખરીદી કરી શકશે.

ભારતમાં રહેતા રોકાણકારે IFSCમાં રજિસ્ટર્ડ બ્રોકર્સ પાસે તેમનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. જેની અંદર તેઓ જે તે શૅરની ડિપૉઝિટરી રિસીટ ખરીદી શકશે.

આ બદલ તેમને એ શૅર્સના કૉર્પોરેટ એક્શન્સનો(ડિવિડન્ડ વગેરે) પણ લાભ મળશે.

એનએસઈ આઈએફએસસીરિસિટશું છે?

અમેરિકાની કંપનીઓના શૅર ભારતીય રોકાણકારોને સરળતાથી મળી જાય તે માટે માર્કેટ મેકર અમેરિકામાં શૅર ખરીદશે અને તેની સામે અંહી રોકાણકારોને ડિપોઝિટરી રિસિટ આપવામાં આવશે. જેને એનએસઈ આઈએફએસસી રિસિટ તરીકે પણ ઓળખી શકાશે.

જેવી રીતે આપણે સ્થાનિક કંપનીઓના શૅરની લે વેચ કરીએ છીએ તેવી જ રીતે આ રિસિટની લે-વેચ થઈ શકશે. જોકે અમેરિકાની જે તે શૅરોની એક રિસિટ ખરીદવી તેનો અર્થ તે કંપનીનો એક શૅર ખરીદ્યો એમ નહીં હોય.

એક્સચેન્જ દ્વારા જુદા-જુદા શૅરના રેશિયો નક્કી કરવામાં આવ્યા છે.

1:200, 1:100, 1:50 બધા જ શૅર માટેના રેશિયો જુદા છે. એટલે જયારે તમે કોઈક એક ચોક્કસ શૅરોની ચોક્કસ રિસિટ ખરીદો છો તો તેનો અર્થ તે શૅરનો તમને એટલો ભાગ મળ્યો એમ કહેવાશે. ઉદાહરણ તરીકે એક શૅરની 10 રિસિટ હોય તો એક શૅરનો 10મો ભાગ તમારી પાસે છે એમ ગણાશે. અને જો એક શૅરનો રેશિયો 1:100 છે અને તેની 100 રિસિટ તમારી પાસે છે તો તમારી પાસે તે કંપનીનો આખો એક શૅર છે એમ ગણાય.

કોણ-કોણ રોકાણ કરી શકે?

અહીં એવા ભારતીયો જેમને વિદેશમાં રોકાણ કરવાની પરવાનગી છે તેઓ રોકાણ કરી શકશે.

વિદેશમાં રહેતા ભારતીયો, બિનનિવાસી ભારતીયો આ માધ્યમથી રોકાણ કરી શકશે. જોકે અમેરિકા અને કૅનેડાના નાગરિકો આ માધ્યમથી રોકાણ નહીં કરી શકે.

NSE IFSC રિસીમાં એક વ્યક્તિ કેટલું રોકાણ કરી શકે અને તેના પર ટૅક્સ લાગશે?

ભારતના રિટેલ રોકાણકારો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની દર્શાવેલી લિબરલાઇઝડ રેમિટન્સ સ્કીમ હેઠળ રોકાણ કરી શકશે. જે મુજબ કોઈપણ એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં 2,50,000 ડૉલરનું રોકાણ કરી શકે છે.

હાલના રૂપિયાના દર પ્રમાણે આંકીએ તો એક કરોડ 80 હજાર રૂપિયાની આસપાસનું રોકાણ એક નાણાકીય વર્ષમાં થઈ શકે.

રોકાણકારનું આ રોકાણ ટૅક્સ સ્લૅબમાં ફૉરેન અસેટ હેઠળ ગણવામાં આવશે એટલે વર્ષના અંતે આવક મુજબ ટૂંકાગળાનો અને લાંબાગાળોનો કૅપિટલ ગેઇન ટૅક્સ લાગી શકે છે.

આ માધ્યમથી અમેરિકાની લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાનું છે એટલે તેનો ટ્રેડિંગ સમય પણ તે મુજબ રહેશે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 કલાકે માર્કેટ ખૂલશે અને બીજા દિવસે વહેલી સવારે 2.30 વાગ્યે માર્કેટ બંધ થશે.

ત્યાં દિવસનો સમય બદલાતા માર્કેટનો સમય પણ બદલાશે. અર્થાત્ ભારતના કૅલેન્ડર પ્રમાણે જોઈએ તો બે દિવસનું એક ટ્રેડિંગ સેશન હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો