વિજય રૂપાણી પર લાગેલા 500 કરોડના કથિત જમીનકૌભાંડના આરોપનો મામલો શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિના બાકી છે, ત્યાં રાજકીય હિલચાલ તેજ થઈ જવા પામી છે.

કૉંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે અગાઉની વિજય રૂપાણી સરકારના કાર્યકાળ દરમિયાન રાજકોટમાં જમીનનો હેતુફેર કરીને રૂ. 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ પત્રકારો સાથે વાત કરતા આરોપ મૂક્યો હતો કે સહારા ઇન્ડિયા હોમ કૉર્પોરેશનની રાજકોટની લગભગ 111 એકર જમીનને રહેણાકમાંથી ઔદ્યોગિક હેતુ માટે તબદીલ કરવામાં આવી હતી.

કૉંગ્રેસ દ્વારા આ કથિત કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.

હાલ અમેરિકાના પ્રવાસે રહેલા પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ઉપર લાગેલા આરોપોને નકાર્યા હતા અને હેતુફેરની પ્રક્રિયા કાયદેસર રીતે થઈ હોવાનો દાવો કર્યો હતો તથા કોઈ પણ પ્રકારની તપાસ માટેની તૈયારી દાખવી હતી.

પાટીદાર અનામત આંદોલનને નાથવામાં નિષ્ફળ રહેતા ઑગસ્ટ-2016માં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના રાજીનામા બાદ રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તો સપ્ટેમ્બર-2021માં રૂપાણીને હઠાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

શું છે જમીનવિવાદ?

કૉંગ્રેસના નેતાઓએ મંગળવારે અમદાવાદ ખાતે પત્રકારપરિષદ સંબોધીને કહ્યું કે આ જમીન રાજકોટ શહેરથી 20 કિલોમીટરના વિસ્તારમાં આણંદપુર (નવાગામ) અને માલિયાસણ ખાતે 111 એકર જમીન સહારા જૂથની પેટાકંપની સહારા ઇન્ડિયા હોમ કૉર્પોરેશનને રહેણાંક હેતુ માટે ફાળવવા માટે આવી હતી.

સુબ્રતો રૉયના સહારા જૂથ દ્વારા દેશના અલગ-અલગ 100 જેટલા જિલ્લામાં ટાઉનશિપ ઊભી કરવાની સ્કીમ લૉન્ચ કરવામાં આવી હતી.

દરમિયાન રૉયની ઉપર રોકાણકારોના નાણાની છેતરપિંડી આચરવાના આરોપ લાગ્યા, જેના કારણે અનેક સ્કીમોનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું હતું અને રોકાણકારોનાં નાણાં ફસાઈ ગયા હતા.

કૉંગ્રેસના નેતાઓનો આરોપ છે કે જમીનને શ્રીસરકાર (સરકાર દ્વારા જમીનનું અધિગ્રહણ) કરવાના બદલે રૂપાણી સરકાર દ્વારા ભાજપના નેતાઓ, મળતિયા બિલ્ડરો અને ડેવલપર્સને લાભ પહોંચાડવા માટે રહેણાક હેતુસરની જમીનને ઇન્ડસ્ટ્રિયલ વપરાશ માટે હેતુફેર કરવામાં આવી હતી. આમ કરીને તેમણે રૂ. 500 કરોડનું કૌભાંડ આચર્યું છે.

રાજકોટ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટીના (રુડા) હદવિસ્તારમાં આવતાં ગામોની જમીનના હેતુફેર માટેની કથિત અરજી સહારા ઇન્ડિયાના લેટરપેડ પર આપવાના બદલે સાદા કાગળ પર જ આપવામાં આવી હતી. જેના આધારે માત્ર રુડા જ નહીં, પરંતુ ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ તથા મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી હતી.

કૉંગ્રેસના નેતાઓનો આરોપ છે કે જમીનનો હેતુફેર (ચોક્કસ વપરાશ માટે નિર્ધારિત જમીનના અન્ય કોઈ હેતુસર ઉપયોગ માટેની પ્રક્રિયા) વર્ષ 2031 સુધી ન થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તત્કાલીન રૂપાણી સરકાર દ્વારા આ નિયમને પણ નેવે મૂકવામાં આવ્યો હતો.

'રૂ. 75 કરોડની જમીન ને રૂ. 500 કરોડનું કૌભાંડ?'

અભ્યાસ અર્થે અમેરિકા ગયેલા પુત્રને મળવા માટે રૂપાણી અમેરિકા પહોંચ્યા છે.

સામાન્ય રીતે નરેન્દ્ર મોદી કે અમિત શાહના ટ્વીટને રિ-ટ્વીટ કરીને સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા પૂર્વ મુખ્ય મંત્રીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને પોતાની ઉપરના આરોપોને નકારી કાઢ્યા હતા.

રૂપાણીએ ટ્વિટર પર લખ્યું, "જ્યારે કોઈ ખેતીલાયક જમીન અથવા ઉદ્યોગો માટે ફાળવવામાં આવેલી જમીનને રહેણાક માટે તબદીલ કરવામાં આવે, ત્યારે ગડબડ થવાની શક્યતા રહે છે, જ્યારે રાજકોટમાં રહેણાક જમીનને ઔદ્યોગિક હેતુ માટે ફેરવવામાં આવી છે."

રૂપાણીએ દાવો કર્યો હતો કે જે જમીનો વિશે ચર્ચા થઈ રહી છે, તેની કુલ બજારકિંમત રૂ. 75 કરોડ આસપાસ છે, ત્યારે રૂ. 500 કરોડનું કૌભાંડ કેવી રીતે થઈ શકે? 2018માં આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે જૂન-2021માં પૂર્ણ થઈ હતી. અઢી વર્ષ દરમિયાન કાયદેસર રીતે ફાઇલ આગળ વધી હતી.

રૂપાણીએ દાવો કર્યો હતો કે નેતાઓ કૉંગ્રેસ છોડી રહ્યા છે, ત્યારે લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે બદનામ કરવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તથા 'કોઈ પણ તપાસ' માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

રૂપાણીએ ટ્વિટર પર આરોપ મૂક્યો હતો કે તેમની છાપ ખરડાય તે માટે એક પછી એક તેમની પર પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ માટે તેમણે તાજેતરની અન્ય ઘટનાઓને પણ ટાંકી હતી.

અગાઉ રૂપાણી પરના આરોપ

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો હતો. આ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

અગ્રવાલે તપાસ ચાલુ હોય આ મુદ્દે જાહેરમાં કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

રૂપાણીએ ટ્વિટર પર લખ્યું હતું કે, "રાજકોટમાં નેપાળી પરિવારના આત્મવિલોપનના કેસમાં પણ વારંવાર તેમનું નામ ઉછાળવામાં આવ્યું છે."

"આ અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમયાંતરે કાઢી નાખવામાં આવી છે, છતાં આ મુદ્દો વખતોવખત ઉછળતો રહે છે."

2013માં રાજકોટમાં રહેતા નેપાળી પરિવારના પાંચ સભ્યોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કચેરીમાં સામૂહિક રીતે આત્મહત્યા કરી હતી. જેમાં પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કરતા એક શખ્સનું કહેવું છે કે, "વિજય રૂપાણી દ્વારા મૃતકના પરિવાર પર દબાણ કરવામાં આવતું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો