You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ સ્લેવ બની જવાની હદે પહોંચી જતી ડ્રગ્સની બંધાણી છોકરીઓની કહાણી
- લેેખક, નીલેશ ધોત્રે
- પદ, બીબીસી મરાઠી, પંજાબથી
નશામુક્તિ કેન્દ્રમાંથી બહાર આવેલી અને સારું જીવન જીવતી એક છોકરીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ તેઓ બંધાણી બની ગયેલાં અને આવી દરેક છોકરી સાથે સેક્સ-સ્લેવ (સેક્સ બાબતે ગુલામ) જેવો વ્યવહાર કરવામાં આવે છે.
આ વાત સાંભળીને મને જોરદાર આંચકો લાગ્યો હતો.
જલંધરના બોઇસ્ટર નશામુક્તિ કેન્દ્રમાં કાર્યરત્ ડૉ. જસબીર ઋષિએ મને જણાવ્યું હતું કે ડ્રગ્સ અત્યંત મોંઘું હોય છે અને ડ્રગ્સની બંધાણી બની ગયેલી છોકરીઓ તે મેળવવા માટે સેક્સ-સ્લેવ બનવા પણ તૈયાર હોય છે.
હું નવી દિલ્હીની સિંઘુ બૉર્ડર પર ખેડૂતોના આંદોલનનું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે અનેક ખેડૂતોએ મને પંજાબમાં ચિટ્ટા તરીકે ઓળખાતાં ડ્રગ્સની વાત કરી હતી. 14-15 વર્ષની છોકરીઓ ચિટ્ટાની બંધાણી બનીને પોતાના જીવ કઈ રીતે ગુમાવે છે તેની કથાઓ ખેડૂતોએ મને જણાવી હતી. તેથી આ ચિટ્ટા પ્રકરણ ખરેખર શું છે તે જાણવાનો નિર્ણય મેં કર્યો હતો.
આ કામ કરતી વખતે મારી મુલાકાત જલંધરના બોઇસ્ટર નશામુક્તિ કેન્દ્રના પરવિન્દરસિંહ સાથે થઈ હતી. નશામુક્તિ કેન્દ્રમાં તેમણે છોકરીઓ માટે જ એક ખાસ વૉર્ડ તૈયાર કર્યો હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું અને ડ્રગ્સની બંધાણી બનેલી સંખ્યાબંધ છોકરીઓની કથાઓ મને ત્યાંથી જાણવા મળી હતી.
મેં અત્યાર સુધી માત્ર છોકરાઓ જ ડ્રગ્સના બંધાણી બનતા હોવાની વાતો સાંભળી હતી. તેથી ડ્રગ્સની બંધાણી છોકરીઓની વાતો મારા માટે નવી હતી. નશામુક્તિ કેન્દ્રમાંથી સાજાં થઈને બહાર આવેલાં છોકરા-છોકરીઓ સાથે ચર્ચા કરતાં એક ભયંકર વાસ્તવિકતા સામે આવી હતી.
આગળ વધતાં પહેલાં એ જણાવી દઉં કે ચિટ્ટા શું છે? ચિટ્ટા એટલે હેરોઇન.
પંજાબમાં હેરોઇનને ચિટ્ટા કહે છે તેનું કારણ છે હેરોઇનનો શ્વેત રંગ. પંજાબીમાં સફેદ રંગને ચિટ્ટ કહે છે. પંજાબમાં ચિટ્ટાના આગમન પહેલાં બંધાણીઓ બ્રાઉન સુગરનો નશો કરતા હતા. તેને બ્લૅક ડ્રગ્સ કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચિટ્ટાની બંધાણી બનેલી જે છોકરીઓની વાત અહીં કરી છે, તેમની ખરી ઓળખ સલામતીના કારણોસર છુપાવવામાં આવી છે.
'ડ્રગ્સના વ્યસન માટે બધું વેચી માર્યું'
હવે ચિટ્ટાના વ્યસનમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયેલી એક યુવતીએ મને કહ્યું હતું કે "મારાં લગ્ન થઈ ગયાં છે. હું સારું જીવન જીવી રહી છું, પણ ભૂતકાળમાં મેં ઘણું ગુમાવ્યું છે."
"હું સંસ્કારી પરિવારની દીકરી છું. મારાં માતા-પિતા ઉચ્ચ શિક્ષિત છે. કૉલેજમાં હતી ત્યારે દોસ્તોના ગ્રૂપમાંથી મને કાઢી મુકવામાં ન આવે, તેઓ મને રિજેક્ટ ન કરે અને હું કાયમ ગ્રૂપની સભ્ય જ બની રહું એ કારણસર મેં એમની સાથે નશો કરવાની શરૂઆત કરી હતી. અગિયારમા વર્ષથી જ મેં ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું."
સમૃદ્ધ પરિવારની આ છોકરીએ નશાખોરીનાં 11 વર્ષમાં તેની પાસેનું બધું જ વેચી માર્યું હતું. માતા-પિતાએ ખરીદેલું ઘર પણ વેચી નાખ્યું હતું. પરિવારજનોએ આ છોકરીને ડ્રગ્સ માટે પૈસા આપવાનું બંધ કરીને તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો પછી એ નશામુક્તિ કેન્દ્રના શરણે આવી હતી.
"છેલ્લાં ચાર વર્ષથી મેં બધું બરાબર કરી નાખ્યું છે. લગ્ન કરીને સારું જીવન જીવી રહી છું. મારાં માતા-પિતા મારી સાથે ફરી વાત કરવા લાગ્યાં છે" નશામુક્તિ પછીના પોતાના નવા જીવન વિશે વાત કરતી એ છોકરીના ચહેરા પર આનંદ દેખાય છે.
જોકે, નશાની બંધાણી બની જનાર દરેક છોકરીના નસીબમાં આવું નથી બનતું.
બધાને નથી મળી શકતી વ્યસનમુક્તિ માટે મદદ?
એ છોકરીએ મને કહ્યું કે "મારું નસીબ સારું હતું એટલે મને યોગ્ય સારવાર મળી. અનેક છોકરીઓ એવી છે જે સારવારના તબક્કે ક્યારેય પહોંચતી જ નથી. પરિવારજનો દીકરાની સારવાર માટે આકાશપાતાળ એક કરે છે, પણ દીકરીની સારવાર કરાવતા ગભરાય છે. તેમને ઇજ્જત જવાનો ડર હોય છે. તેથી દીકરીની સારવાર ઘરે જ કરે છે."
નશામુક્તિ કેન્દ્રના સંચાલક પરવિન્દરસિંહ આ વાત સાથે સહમત થાય છે. નશાની બંધાણી બની ગયેલી છોકરીઓની ઘરે સારવાર કરવાનું પ્રમાણ વધારે હોવાનું તેઓ જણાવ્યું હતું.
પરવિન્દરસિંહે કહ્યું હતું કે "હવે વધુ છોકરીઓ ડ્રગ્સની બંધાણી બની રહી છે, પરંતુ અમારા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા 50 છોકરાઓ સામે છોકરીઓ બે જ છે. છોકરીઓને નશામુક્તિ કેન્દ્રમાં મોકલવાનું સામાજિક રીતે યોગ્ય ગણવામાં આવતું નથી. પોતાની દીકરીની વાસ્તવિકતા બહાર આવે તેવું પરિવાર પણ ઇચ્છતો નથી."
હવે પરણી ગયેલી પેલી છોકરીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની બંધાણી બનેલી અનેક છોકરીઓને પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂકી છે. કેટલાક દીકરીઓને કોઈ આશ્રમમાં મૂકી આવ્યા છે. મારી અનેક સખીઓને તેમના પરિવારોએ કાઢી મૂકી છે.
ડ્રગ્સની બંધાણી છોકરીઓનો સેક્સ-સ્લેવ તરીકે ઉપયોગ કરાય છે?
ડ્રગ્સના ધંધાર્થીઓ છોકરીઓનો ઉપયોગ સેક્સ-સ્લેવ તરીકે કરે છે એ વાત ખરી છે? એવું મેં એ છોકરીને પૂછ્યું ત્યારે તેણે તરત જ હા પાડી હતી.
તેણે કહ્યું હતું કે "ડ્રગ્સના ધંધાર્થીઓ જ નહીં, પોલીસ પણ છોકરીઓને ધમકાવીને વારંવાર સેક્સ-સ્લેવ બનાવે છે, પરંતુ મોટાભાગની છોકરીઓ આ વિશે વાત કરતી નથી. ડ્રગ્સની બંધાણી બનેલી મોટાભાગની છોકરીઓ સાથે આવું થાય છે. ઘણી વખત આવી છોકરીઓ સમક્ષ એવી પરિસ્થિતિ સર્જવામાં આવે છે કે તે ના કહી શકતી નથી."
પરવિન્દરસિંહના જણાવ્યા મુજબ, છોકરીઓ પોતાની ડ્રગ્સની જરૂરિયાત સંતોષવા માટે ડ્રગ્સના ધંધાર્થીઓ સાથે કામ કરવા લાગે છે. તેથી ડ્રગ્સના ધંધાર્થીઓ તેમનો ઉપયોગ સેક્સ-સ્લેવ તરીકે કરે છે.
ડ્રગ્સના બંધાણીઓનું કાઉન્સેલિંગ કરતાં ડૉ. જસબીર ઋષિએ છોકરા-છોકરીઓ બંધાણી કઈ રીતે બને છે તેની પ્રક્રિયા સમજાવી હતી.
તેમણે કહ્યું હતું કે છોકરીઓના કિસ્સામાં ડ્રગ્સના બંધાણી બનવાની શરૂઆત મોટાભાગે દારૂથી થતી હોય છે. એ પછી છોકરીઓ અન્ય પદાર્થોના નશા ભણી વળે છે. છોકરા-છોકરીઓ સાથે મળીને પાર્ટી કરે છે ત્યારે નશાખોરીનું આ ચક્ર શરૂ થાય છે.
ડૉ. જસબીર ઋષિના જણાવ્યા મુજબ, અમારી પાસે સારવાર માટે આવેલી ઘણી છોકરીઓ તેમનાં કઝીન્સ કે પરિવારના પુરુષોને કારણે ડ્રગ્સની બંધાણી બની હતી. અહીં બિઝનેસ ફૅક્ટર બહુ મોટું છે. છોકરી મારફત ડ્રગ્સની ડિલિવરી કરવાનું આસાન હોય છે. તેથી આ કામમાં ઘણીવાર છોકરીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ડ્રગ્સની હેરાફેરી માટે છોકરીઓનો ઉપયોગ
પંજાબમાં ડ્રગ્સનું વેચાણ કરતી છોકરીઓની સંખ્યા વધી રહી હોવાનું કહેવાય છે.
આ સંબંધે વિગતે વાત કરતાં ડૉ. જસબીર ઋષિએ કહ્યું હતું કે "ડ્રગ્સના ધંધામાં છોકરીઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે, અમારી પાસે સારવાર માટે આવેલી છોકરીઓએ અમને જણાવ્યું હતું. અમારી પાસે સારવાર લેવા ઓછાં છોકરા-છોકરીઓ આવે છે. મુખ્યત્વે ઉચ્ચ વર્ગનાં છોકરા-છોકરીઓ અમારી પાસે આવે છે. ઘણી છોકરીઓને પૈસાના અભાવને કારણે સારવાર લેવાનું પરવડતું નથી."
તેમણે ઉમેર્યું હતું કે "ડ્રગ્સના બંધાણી બનેલા છોકરાઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કંઈ પણ કરી શકે છે. કંઈ પણ વેચી શકે છે, પરંતુ છોકરીઓ પાસે વેચવા જેવી ચીજ તેમની જાત જ હોય છે. તેથી છોકરીઓ સેક્સ-સ્લેવ બને છે. તેમને પૈસાની જરૂર હોય છે, કારણ કે પૈસા ન મળે તો તેઓ ડ્રગ્સ ખરીદી શકતી નથી."
"વળી ડ્રગ્સ સોના જેટલું મોંઘું છે. ડ્રગ્સ ન મળે તો બંધાણીઓનું જીવવું મુશ્કેલ બની જાય. પરિણામે છોકરીઓ જાતને બચાવવા માટે સેક્સ-સ્લેવ બનવા તૈયાર થાય છે."
ડ્રગ્સનો નશો કરતી છોકરીઓનાં ગ્રૂપ હોય છે. એક ગ્રૂપમાં 30-35 છોકરીઓ હોય છે, જેઓ એકમેકને મદદ કરતી હોય છે. નશા માટે તલપાપડ થવાની સ્થિતિમાં કોનો સંપર્ક કરવો અને કોની પાસેથી ડ્રગ્સ મેળવવું તેની તેમને ખબર હોય છે, એવું ડૉ. જસબીર ઋષિએ જણાવ્યું હતું.
નશામુક્તિની સારવારની વાત કરીએ તો છોકરાઓની સરખામણીએ છોકરીઓની સારવાર આસાન હોય છે અને છોકરીઓનો રિકવરી રેટ પણ સારો હોવાની વાત સાથે ડૉ. જસબીર ઋષિ સહમત છે.
તેમના જણાવ્યા મુજબ, કોઈ છોકરી ડ્રગ્સના ચક્કરમાં ફસાઈ જાય તો તેનો પહેલો પ્રયાસ તેમાંથી બહાર નીકળવાનો હોય છે.
14-15 વર્ષનાં બાળકોનો વધતો મૃત્યુદર
પતિ-પત્ની સાથે મળીને ડ્રગ્સનો નશો કરતાં હોય એવા કિસ્સા હવે વધી રહ્યા હોવાનું પરવિન્દરસિંહ જણાવે છે.
પંજાબમાં અત્યારે એવાં અનેક ગામડાં છે કે જેમાં જુવાન છોકરા-છોકરીઓ બચ્યાં જ નથી. જે ગણ્યાગાંઠ્યા છે એમાંથી કેટલાક પરદેશ ચાલ્યાં ગયાં છે અથવા ડ્રગ્સનાં બંધાણી બનીને મરણ પામ્યાં છે.
પઠાણકોટ જિલ્લાના છન્ની બેલ્લી ગામમાં એકેય જુવાન બચ્યો નથી. નશાખોરીને કારણે ત્યાં 14-15 વર્ષનાં અનેક બાળકો મરણ પામ્યાં છે, આ માહિતી એ જ ગામના એક યુવાને મને આપી હતી.
પંજાબમાં ડ્રગ્સ બહુ આસાનીથી મળી રહે છે. પાનના ગલ્લા પર પણ ચિટ્ટા મળી રહે છે, એવું પરવિન્દર સિંહે જણાવ્યું હતું.
ડ્રગ્સને કારણે આટલી નાની વયના બાળકોનાં મૃત્યુ કઈ રીતે થાય છે એવું પૂછ્યું ત્યારે પરવિન્દર સિંહે કહ્યું હતું કે "14-15 વર્ષના છોકરા નશામુક્તિ કેન્દ્રમાંથી સાજા થઈને ઘરે જાય છે, ઘણીવાર એવું બને છે કે તેમને નશાની ફરી તલબ લાગે છે ત્યારે તે નશો કરે છે અને અગાઉ કરતા હતા એટલા જ પ્રમાણમાં ડ્રગ્સનો નશો કરે છે."
"નશામુક્તિની સારવારને કારણે તેમનું શરીર ડ્રગ્સની આદત ગુમાવી ચૂક્યું હોય છે. એ સંજોગોમાં ઓવરડોઝને કારણે તેમનું મોત થાય છે. એ સિવાય સિન્થેટિક ડ્રગ્સનો નશો કરવાને કારણે પણ અનેક બાળકો મરણ પામે છે."
કૅપ્ટન અમરિન્દરસિંહ કહે છે કે તેઓ સત્તા પર આવશે તો માત્ર ચાર સપ્તાહમાં ડ્રગ્સની સમસ્યાનું નિરાકરણ કરશે, પરંતુ પંજાબ પોલીસ આ કામ માત્ર ચાર કલાકમાં કરી શકે તેમ છે એવો દાવો પરવિન્દરસિંહે કર્યો હતો.
પરવિન્દરસિંહે જણાવ્યું હતું કે શીખોના પવિત્ર 'ગુરુગ્રંથ સાહિબ' મુજબ, શીખો માટે તમામ પ્રકારનો નશો વર્જ્ય છે. જે નશો કરે છે એ શીખ નથી એવું પણ તેમાં જણાવવામાં આવ્યું છે. બાળકોને નશામાંથી મુક્ત કરાવવા માટે તેનો આશરો પણ લેવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો