ગાંજો ખરેખર આટલો ખતરનાક છે કે તપાસ એજન્સીઓએ ઘાતક બનાવી દીધો?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી હિન્દી માટે વિશેષ

ડ્રગની હેરફેર કરનારા, બોલીવૂડ અને ચંદન ચોર આ બધા વચ્ચેની સાઠગાંઠ હાલના સમયમાં ભારે ચર્ચામાં છે. મનોરંજનની દુનિયા અને મીડિયા જગતમાં પણ આ ઊહાપોહની અસરો દેખાવા લાગી છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર લોકોનાં નામો ઊછળી રહ્યાં છે અને નશીલા પદાર્થોની દાણચોરી કરનારાની ટોળકીના વિવાદો વચ્ચે ગાંજો ઉગાડનારા નાના ખેડૂતો પર શું અસર થશે તે સમજવા માટે હજી ઘણો સમય લાગશે.

જોકે એટલું નક્કી છે કે આ વિવાદના કારણે ગાંજાના છોડના ઔષધીય ગુણો વિશે ચાલી રહેલાં સંશોધનો તથા નશા માટેના નહીં અને લત ના લગાડતા છોડના પ્રકારો પરના વૈજ્ઞાનિક પ્રયોગો પર પણ તેની અસર પડી શકે છે.

તપાસ સંસ્થાઓ અને મીડિયામાં ગાંજા અને બીજા નશીલા (રાસાયણિક) પદાર્થોને એક જ નજરથી જોવામાં આવી રહ્યા છે. તેના કારણે સામાન્ય જનતાના મનમાં એવી છાપ ઊભી થઈ રહી છે કે ગાંજાનો છોડ માત્ર ખરાબ નથી, પરંતુ બહુ જ હાનિકારક છે.

આવી છાપ પડી રહી છે ત્યારે વાસ્તવિકતા એ છે કે વૈજ્ઞાનિક સંશોધનોમાં ગાંજાના ઔષધીય ગુણોની ચર્ચા થઈ રહી છે. ગાંજાના છોડના એવા પણ પ્રકારો છે જે લત લગાવતા નથી અને એટલા નશીલા પણ નથી.

તેનાથી આંચકી આવવી, માનસિક રીતે વિક્ષિપ્ત થવું તેમાં દર્દીને શાંત કરવા અને કૅન્સરમાં પણ દર્દીઓની પીડા ઓછી કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

ત્વચાની ઘણી બીમારીઓ અને સ્ક્લેરોસિસ જેવી બીમારીમાં પણ તે ઉપયોગી સાબિત થઈ શકે છે.

બેંગલુરુમાં આવેલી નમ્રતા હેમ્પ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર હર્ષવર્ધન રેડ્ડી સિરુપાએ બીબીસીને જણાવ્યું કે, "આ વિવાદોની એવી અસર થશે કે ગાંજાની ખેતી તથા ઔદ્યોગિક અને ઔષધીય ઉત્પાદનો માટે ગાંજાના ઉપયોગની મંજૂરી માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વિલંબ થઈ શકે છે. ગાંજા માટે નિયંત્રક વ્યવસ્થા બનાવવા માટેની પ્રક્રિયા ત્રણથી ચાર વર્ષ પાછી ઠેલાઈ જશે."

સિરુપા જેવી ચિંતા ઘણા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને છે, જેમણે આ ક્ષેત્રમાં કાયદામાં બદલાવ સાથે નવી તકો ઊભી થશે તેવી આશા સાથે પ્રવેશ કર્યો હતો.

કાયદામાં પરિવર્તન સાથે ગાંજાની ખેતી, ઉત્પાદનની પ્રક્રિયા, કાપડઉદ્યોગમાં તેનો ઉપયોગ, ઔષધી અને સારવારમાં તેના ઉપયોગ માટેની મંજૂરીઓ મળશે તેવી આશા વેપારીઓને હતી.

આ વેપારીઓનો અંદાજ છે કે 2025 સુધીમાં ગાંજાની ખેતી અને તેના ઉત્પાદનોનું બજાર દોઢસો અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

ભારતમાં ગાંજાને કારણે કેટલું જોખમ છે?

દિલ્હીની એઇમ્સમાં આવેલા નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર (NDDTC) અને મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર ડૉક્ટર અતુલ અમ્બેકરે બીબીસીને જણાવ્યું કે, "મૂળભૂત રીતે આ બાબતમાં ઘણી બધી દુવિધાઓ છે. આ બાબતમાં શું માન્ય રહેશે અને શું માન્ય નહીં હોય તે નિશ્ચિત થઈ જાય તો ઘણું સારું રહેશે. પરંતુ અત્યારના આપણા કાયદા એવું જણાવે છે કે આનાથી દૂર રહો."

વિડંબના એ છે કે આ કાનૂન અને વર્તમાન સમયે એઇમ્સ અને NDDTC તરફથી હાલમાં થયેલી તપાસમાં ખ્યાલ આવ્યો છે કે આપણા સમાજને સૌથી વધુ જોખમ ક્યાંથી છે. આ અભ્યાસ માટે ગયા વર્ષે સામાજિક ન્યાય મંત્રાલયે આર્થિક મદદ કરી હતી.

ડૉક્ટર અમ્બેકર કહે છે, "130 અબજની વસતિમાં લગભગ બે કરોડ લોકો ભાંગ (ભારતમાં કાયદેસર રીતે ભાંગ વેચી શકાય છે), ચરસ અને ગાંજાના છોડનો ઉપયોગ કરે છે."

"એ વાત રસપ્રદ છે કે વિશ્વમાં થતા સરેરાશ ઉપયોગ સામે ભારતમાં ઓછો વપરાશ છે (3.9 ટકા સામે 1.9 ટકા). તેની સામે ભારતમાં ચિંતાનો વિષય છે અફીણમાંથી બનતા હેરોઇનનો. દુનિયામાં સરેરાશ 0.7 ટકા લોકો અફીણનો ઉપયોગ નશા માટે કરે છે, તેની સામે ભારતમાં તેનું પ્રમાણ 2.1 ટકા લોકોનું છે."

નીતિગત સમસ્યા

આવી સ્થિતિને કારણે જ હાલમાં ગાંજાના છોડ માટે કામ કરી રહેલા કેટલાક વેપારીઓ અસમંજસમાં છે.

હાલના કાયદા અનુસાર નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સીઝ ઍૅક્ટ, 1985 હેઠળ રાજ્યો આ બાબતમાં પોતાની રીતે કાયદો બનાવી શકે છે.

જોકે માત્ર ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ બે જ રાજ્યોએ તેના માટેનો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં પણ કેટલીક ખામીઓ છે અને તેના કારણે વેપારીઓ માટે આ ક્ષેત્રમાં કામ કરવું અશક્ય બની રહ્યું છે.

સિરુપા કહે છે, "દાખલા તરીકે ઉત્તરાખંડમાં કાયદો કહે છે કે "ગાંજાના છોડમાં માત્ર 0.3 ટકા ટેટ્રાહાઇડ્રોકેનાબિનૉલ (TAC) હોવું જોઈએ. પરંતુ ઘણી વાર મોસમને કારણે અને ભારે ભેજ હોય ત્યાં ગાંજાના છોડમાં TACનું પ્રમાણ વધી જાય છે."

ભુવનેશ્વરમાં આવેલી ડેલ્ટા બાયોલૉજિકલ્સ ઍન્ડ રિસર્ચ પ્રા. લી.ના વિક્રમ મિત્રાના જણાવ્યા અનુસાર, "ઉત્તરાખંડમાં ગાંજાની ખેતી કરવા માટે 14 ઉદ્યોગપતિઓને લાયસન્સ આપવામાં આવ્યા છે, પરંતુ કોઈએ કામકાજ શરૂ કર્યું નથી, કેમ કે તેના માટે બીજ વિદેશથી આયાત કરવા પડે તેમ છે."

"અમે બહુ રજૂઆતો કરી તે પછી ઉત્તરાખંડની સરકારે TACના પ્રમાણનાં ધોરણોમાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે, પરંતુ માર્ચથી અત્યાર સુધીમાં તે બાબતમાં કોઈ નિર્ણય લેવાયો નથી."

ગાંજામાં TAC સિવાય બીજું તત્ત્વ હોય છે CBD એટલે કે કેનાબિડૉલ. આમાંથી TAC નશો કરવાનું રસાયણ છે અને તેના પ્રમાણથી નશામાં ફરક પડે છે.

વિજ્ઞાનીઓને ગાંજામાંથી મળતા બીજા રસાયણ CBDમાં છે, કેમ કે તેનો ઉપયોગ ઔષધી તરીકે થઈ શકે છે.

TACમાં પણ એવો ગુણ છે કે તેને બહુ ઓછી માત્રામાં લેવામાં આવે તો તેનો ઉપયોગ સારવારમાં થઈ શકે છે.

ડૉ. અમ્બેકર કહે છે, "એ વાત સ્પષ્ટ છે કે નશો કરાવવાની બાબતમાં કેનાબિડૉલની કોઈ ભૂમિકા નથી. તેનો ઉપયોગ કરવાથી લત લાગતી નથી."

સકારાત્મક પગલું

કોરોના સંકટ વચ્ચે નિર્ણય લેવામાં મોડું થયું અને દરમિયાન ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગના ઉપયોગને કારણે જાગેલા વિવાદને જોકે બૉમ્બે હેમ્પ કંપનીના ડિરેક્ટર જેહાન પેસ્તન જમાસ નકારારાત્મક નથી માનતા.

તેનાથી ઊલટું લોકોને ગાંજાના સકારાત્મક ગુણધર્મોમાં રસ પડશે એમ તેમને લાગે છે.

તેમની કંપની તથા રાજસ્થાનના જયપુરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ વચ્ચે થયેલા કરારની વાત કરતાં કહે છે કે તેમની કંપનીએ બનાવેલી આયુર્વેદિક ફૉર્મ્યુલાની ક્લિનિકલ ટ્રાયલ માટે સમજૂતી થઈ છે.

કંપનીએ તૈયાર કરેલી ઔષધીની ટ્રાયલ ઑસ્ટિયોથોરાસિસના દર્દીઓ પર કરવામાં આવશે.

જેહાન પેસ્તન જમાસે બીબીસીને કહ્યું કે, "આયુર્વેદમાં લગભગ 200 અલગઅલગ જગ્યાએ ગાંજાનો ઉલ્લેખ થયેલો છે. અમને લગભગ દોઢ વર્ષ પહેલાં લાયસન્સ મળ્યું હતું અને અમારાં ઘણાં ઉત્પાદનો બજારમાં મળે છે. મુંબઈની એક મોટી હૉસ્પિટલમાં અમે ટર્મિનલ કૅન્સરના દર્દીઓ પર ગાંજામાંથી બનેલી દવાના ઉપયોગ માટેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ."

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદમાં આ અભ્યાસનું માર્ગદર્શન કરી રહેલા પ્રોફેસર પવનકુમાર ગોડતવાર બીબીસીને જણાવે છે કે, "આ છોડના માદક પદાર્થનું નામ ગાંજો છે, પણ સંસ્કૃતમાં તેને વિજયા કહે છે. આયુર્વેદમાં તેના ઉપયોગને અયોગ્ય માનવામાં આવ્યું નથી. ઘણી આયુર્વેદિક દવાઓ માત્ર વિજયાનો ઉપયોગ નહીં, પણ અફીણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો તે અગત્યનું છે."

મુંબઈની કસ્તૂરબા મેડિકલ સોસાયટીમાં આયુર્વેદિક સલાહકાર તરીકે કામ કરતાં ડૉક્ટર કલ્પના ધુરી-શાહ કહે છે, "દર્દીઓને જણાવવામાં આવ્યું કે દવામાં ગાંજો છે ત્યારે કોઈએ તેની સામે નકારાત્મક પ્રતિક્રિયા આપી નહોતી. એક્ઝિમા જેવી ત્વચાની બીમારીમાં આ દવાઓ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે."

ડૉ. ધુરી-શાહના એક દર્દીએ બીબીસીને કહ્યું, "મારા પગમાં બહુ ખંજવાળ આવતી હતી અને તે જગ્યાએ કાળા ધબ્બા થઈ જતા હતા. મને તેલ આપીને કહેવાયું હતું કે તેનાં બે ટીપાં નાભિમાં નાખવાના રહેશે. ડૉક્ટરે મને જણાવ્યું હતું કે ગાંજાના છોડનો અર્ક આમાં નાખવામાં આવ્યો છે. મને તેના કારણે કોઈ આડઅસર થઈ નથી. મને તેની કોઈ લત પણ લાગી નથી અને થોડા મહિનામાં મારી બીમારી દૂર પણ થઈ ગઈ હતી."

આગળ શું કરવાની જરૂર છે

મિત્રા કહે છે, "ખાંડ, મસાલા, ચા અને કૉફીની જેમ સરકારે ગાંજાના વેપારને મંજૂરી આપી નથી તે સૌથી મોટી મુશ્કેલી છે."

"તેની સાથે જોડાયેલા કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે, જેથી રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટમાં રોકાણ થઈ શકે. નિયમન માટેના કોઈ નિશ્ચિત ધોરણો ના હોવાથી કંપનીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરતી નથી."

"તેનું વેપારીકરણ કરવા માટેના કોઈ રોડમૅપ નથી."

કાયદાકીય ફેરફારો કરવા જોઈએ ખરા?

વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસીના સહસ્થાપક આલોક પ્રસન્ના કુમારે બીબીસીને જણાવ્યું, "કાયદામાં ફેરફારની શરૂઆત એવી રીતે કરવી જોઈએ કે ગાંજો રાખવો તે ગુનો નથી. તે સાથે જ ગાંજાની ખેતી અને તેને વેચવા માટે વિશેષ લાયસન્સની વ્યવસ્થા કરવી પડશે."

તેઓ કહે છે, "આ ફેરફારો કેન્દ્ર સરકારે કરવાના રહેશે. કેન્દ્ર સરકારે તે માટે એક ફ્રેમવર્ક બનાવવાનું રહેશે, જેથી રાજ્ય સરકાર તેનું પાલન કરી શકે અને લાયસન્સ આપી શકે."

ડૉ. અમ્બેકર કહે છે, "આ મજાક પણ છે અને વિડંબના પણ છે કે ભારતમાં ઊગતા છોડમાંથી બનતી દવા વિદેશથી આયાત કરવી પડે છે. આપણે આ બાબતમાં વિશ્વમાં અગ્રણી બની શકીએ તેમ છીએ."

સિરુપા કહે છે, "હાલના સમયમાં ગાંજાનું સૌથી વધુ, 80 ટકા ઉત્પાદન ચીનમાં થાય છે. ચીનમાં તેનો ઉપયોગ સુતર બનાવવાથી માંડીને કાપડ બનાવવા સુધી થાય છે. ગાંજામાંથી જે કાપડ બને છે તે ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-વાઇરલ હોય છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો