કોરોના વાઇરસ : ગાંજાથી હકીકતમાં કોરોનાની સારવાર થઈ શકે છે?

    • લેેખક, જૈક ગુડમૈન અને ફ્લૉરા કાર્માઇકલ
    • પદ, બીબીસી રિયાલિટી ચેક ટીમ

સોશિયલ મીડિયામાં કોરોના વાઇરસ વિશે અનેક ખોટી અને ગુમરાહ કરનારી વિગતો રહેલી છે.

અમે તે દાવાને તપાસ્યા જે સોશિયલ મીડિયા પર સૌથી વધારે શૅર કરવામાં આવ્યા છે.

ગાંજાથી કોરોના વાઇરસની સારવાર?

હજારો લોકોએ સોશિયલ મીડિયા પર એવા લેખ શૅર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે. આમાંથી કેટલાંય લેખના મથાળા ભ્રામક અને ગુમરાહ કરનારા છે.

એ સત્ય છે કે કોરોના વાઇરસની સારવાર માટે કૅનેડા, ઇઝરાયલ અને બ્રિટન સહિત અનેક દેશોમાં સંશોધન થઈ રહ્યું છે કે ગાંજો કોરોના વાઇરસની સારવારમાં ફાયદો કરશે.

ઔષધી ગાંજાથી સંક્રમણના સમયને ઘટાડવામાં મદદ મળી છે અને બની શકે કે આનાથી 'સાઇટકિન સ્ટૉર્મ'ની સારવારમાં પણ મદદ મળે. 'સાઇટકિન સ્ટૉર્મ' કોવિડ-19ના ગંભીર દરદીઓમાં જોવા મળે છે.

પરંતુ આ તમામ ટ્રાયલ હાલ ઘણા શરૂઆતના સ્ટેજમાં છે એટલા માટે હાલ કોઈ નિષ્કર્ષ પર આવવું ઉતાવળિયું હશે. હાલ એ કહેવું ઉતાવળિયું હશે કે ગાંજાથી કોરોના વાઇરસ સંક્રમણની પ્રભાવક સારવાર થઈ શકે.

કૅનેડાના એક સંશોધન પર આધારિત એવા જ એક લેખને ફેસબુક પર 'આંશિક રીતે ખોટી જાણકારી આપતો' ગણીને ચિન્હિત કરવામાં આવ્યો છે.

આ સંશોધન માટે એક લેખકે પણ 'પોલિટી ફૅક્ટ' વેબસાઇટ પર કહ્યું કે લેખનું શીર્ષકમાં એ દાવો કરવામાં આવ્યો કે ગાંજાથી કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવી શકાય છે. 'કંઈક વધારે પડતું જ છે'

ગત કેટલાંક વર્ષોમાં ગાંજાથી અનેક બીમારીઓની સારવાર કરવાને લઈને પ્રયોગ થયા છે. આના માટે ભળતાસળતા પરિણામો આવ્યા છે અને લોકોને આમાં ઘણો રસ પણ છે.

નકલી બૅજ

દુનિયાભરમાં કેટલાંક એવા બૅજ વેચવામાં આવી રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષા આપશે.

રશિયાના બજારોમાં આવા બૅજ આડેધડ વેચાતા જોવા મળ્યા. આમાં કેટલાંક પર સફેદ ક્રૉસનું નિશાન બનાવવામાં આવ્યું હતું.

આનું એમ કહીને માર્કેટિંગ કરવામાં આવ્યું કે આ બૅજ કોરોના વાઇરસને અટકાવી દેશે.

અહીં સુધી કે હાલમાં જ ડૂમા પ્રાંતમાં થયેલી એક મીટિંગમાં કેટલાંક રશિયાના સંસદ સભ્યઓ આ બૅજ પહેરેલાં જોવા મળ્યા હતા.

અમેરિકાના ફેડરલ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ચેતવણી આપી છે કે આ પ્રકારના બૅજમાંથી એક બ્લિચિંગ પદાર્થ (ક્લોરિન ડાયોક્સાઇડ)નીકળે છે, જે હાનિકારક હોય છે. એફ.ડી.એ.એ (ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઑથૉરિટી, અમેરિકામાં દવાઓને માન્યતા આપતી સંસ્થા) બૅજથી કોવિડ-19ની સુરક્ષાના દાવાને 'નકલી' કહ્યો છે.

બીબીસીએ રશિયાના સંસદ સભ્ય આંદ્રેઈ સ્વિંસ્તોવને પુછ્યું કે તેમણે આ 'વાઇરસ બ્લૉકર' બૅજ કેમ પહેર્યું છે. સ્વિંસ્તોવે જવાબ આપ્યો કે તેમને આ ખ્યાલ ન હતો કે આ બૅજ ખરેખર અસર કરે છે કે નહીં, પરંતુ એ પણ સત્ય છે કે તેઓ હાલ સુધી બીમાર પડ્યાં નથી.

સ્વિંસ્તોવે કહ્યું, "હું આદુ ચાવું છું. હું વિટામીન-સી લઉં છું. ઇન્ટરનેટ પર જે પણ બકવાસ સલાહ મળે છે. તે તમામ વસ્તુ હું કરું છું. શું ખબર, આનાથી ખરેખર કોઈ સુરક્ષા મળતી હોય."

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવને પણ આવા જ બૅજમાં જોવામાં આવ્યા હતા, બાદમાં તેમણે ખુદ સ્વીકાર કર્યો હતો કે તે કોરોના વાઇરસથી સંક્રમિત છે અને હૉસ્પિટલમાં છે.

નૉટિંગઘમ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર અને બાયૉકૅમિસ્ટ ડૉક્ટર વેન કાર્ટર કહે છે કે આવા બૅજ કોરોના વાઇરસથી કોઈ સંરક્ષણ આપતા નથી, કારણ કે મુખ્યત્વે કોરોના વાઇરસ "છીંક અને ખાંસીમાંથી નીકળતાં બિંદુઓ દ્વારા ફેલાતો રોગ છે."

વાઇરસ ક્યાંથી ઉત્પન્ન થયો?

ચીનના સરકારી મીડિયામાં હાલમાં જ એક વીડિયો આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસની માહિતી સૌથી પહેલાં ચીનમાં મળી આનો અર્થ કે નથી કે વાઇરસ ત્યાં ઉત્પન્ન થયો છે.

વીડિયોમાં ઇટાલીના એક વૈજ્ઞાનિકના એ ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે તેમણે અમેરિકાની રેડિયો ચેનલને આપ્યો હતો.

વૈજ્ઞાનિકે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ઉત્તર ઇટાલીમાં નવેમ્બરમાં જ ન્યૂમોનિયાના વિચિત્ર પ્રકારના કેસ જોવા મળ્યા હતા. આનો અર્થ એ થઈ શકે છે કે ચીનમાં સંક્રમણ ફેલાય તે પહેલાં વાઇરસ ઇટાલીમાં હાજર હોય."

બીબીસીના ચીનના મીડિયાના નિષ્ણાત કેરી એલેન કહે છે, "મેની શરૂઆતથી જ ચીનમાં આ પ્રકારના રિપોર્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હોય કે કોરોના વાઇરસ ચીનમાં ઉદ્દભવ્યો નથી."

વાઇરસ ક્યાં પેદા થયો, આ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

કોરોના વાઇરસના સ્ત્રોતની જાણકારી મેળવવા માટે આની જિનેટિક જાણકારી એકઠી કરવાની અને એ જાણવાની જરૂર છે કે આણે સમયની સાથે પોતાનું સ્વરૂપ કેવી રીતે બદલ્યું છે.

બાસેલ યુનિવર્સિટીમાં મૉલિક્યુલર ઍપિડેમિયોલૉજિસ્ટ (મહામારીના નિષ્ણાત) ડૉ. એમા હૉડક્રૉફ્ટ કહે છે કે યુરોપ અને અમેરિકામાં મળેલાં સેમ્પલથી સ્પષ્ટ છે કે આ ચીનમાં મળેલાં વાઇરસથી જ આવ્યો છે, પરંતુ ચીનમાં આ વાઇરસના ઘણાં બદલાયેલાં સ્વરૂપ પણ છે.

ડૉક્ટર એમા કહે છે, "સંક્ષેપમાં કહીએ તો હાલ એવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે જેનાથી સાબિત થઈ શકે કે વાઇરસ ચીનની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ ઉત્પન્ન થયો છે."

આ અહેવાલમાં એલિસ્ટર કોલમૅન, ઓલ્ગા રૉબિન્સન, રેચલ શ્રૉર અને વિતાલી શેવચેંકોની મદદ મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો