You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકારે નવી નોકરીઓ પર રોક લગાવી દીધી છે? ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી
નાણામંત્રાલયના વ્યય વિભાગના એક કાર્યાલયની જાહેરાતના હવાલાથી સોશિયલ મીડિયામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે નવી નોકરીઓની ભરતી પર રોક લગાવી દીધી છે.
વ્યય વિભાગે 4 સપ્ટેમ્બરે આ જાહેરાત બહાર પાડી હતી.
બીબીસીના ફૅક્ટ ચેક વૉટ્સઍપ નંબર પર પણ ઘણા વાચકોએ આ જાહેરાતનું કટિંગ મોકલીને તેની સત્યતા જાણવા માગી છે.
આ જાહેરાતમાં લખ્યું છે, સાર્વજનિક અને બિનવિકાસાત્મક ખર્ચને ઓછો કરવા માટે નાણામંત્રાલય સમયાંતરે ખર્ચો પર પ્રબંધન માટે નિર્દેશ જાહેર કરતું રહે છે. જે હેઠળ આર્થિક નિર્દેશને તુરંત લાગુ કરાઈ રહ્યા છે.
સાથે જ એ પણ કહેવાયું કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતાં જરૂરી ખર્ચો જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.
તેમાં બધાં મંત્રાલયો/વિભાગો અને તેમને આધીન કાર્યાલયો માટે આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
તેમાં પોસ્ટર, ડાયરી છાપવા પર પ્રતિબંધ સહિત સ્થાપનાદિવસ ઉજવવા જેવા કાર્યક્રમો પર રોક અને પરામર્શદાતાઓની છટણીના નિર્દેશ અપાયા હતા. જોકે એ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા થઈ બીજા પાના પરના નિર્દેશો પર.
જેમાં કહેવાયું હતું કે નવાં પદોનાં સર્જન પર રોક રહેશે, પરંતુ વ્યય વિભાગ, મંત્રાલય/વિભાગ, આધીનસ્થ કાર્યાલય, કાનૂની વિભાગ વગેરે ઇચ્છે તો પરવાનગી બાદ પદોનું સર્જન થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ કહેવાયું કે જો કોઈ પોસ્ટ 1 જુલાઈ, 2020 બાદ ઊભી કરાઈ હોય અને તેને કોઈ મંજૂરી ન આપી હોય તો તેને તરત સમાપ્ત કરી દેવાય.
સોશિયલ મીડિયામાં શું-શું કહેવાઈ રહ્યું છે?
વ્યય વિભાગના આ કાર્યાલયની જાહેરાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં આ મુદ્દો છવાઈ ગયો. ઘણાં છાપાંઓએ તેને સ્થાન આપ્યું છે.
એક છાપાનું કટિંગ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે કોવિડ-19ને બહાને સરકાર ઑફિસના કાયમી કર્મચારીઓને છૂટા કરી રહી છે.
ત્યારબાદ નાણામંત્રાલયના એક વિભાગના કાર્યાલયની જાહેરાતને એવી રીતે સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી કે કેન્દ્રની મોદી સરકારે બધી સરકારી નોકરીઓ પર રોક લગાવી દીધી છે.
4 સપ્ટેમ્બરની આ જાહેરાત સોશિયલ મીડિયામાં હજુ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
સાચું શું છે?
સોશિયલ મીડિયામાં પર આ કાર્યાલયની જાહેરાત વાઇરલ થયા બાદ નાણામંત્રાલયે આગળના દિવસે તેના પર સ્પષ્ટતા આપી હતી.
જાહેરાતને ટ્વીટ કરતાં નાણામંત્રાલયે કહ્યું, "ભારત સરકારમાં પદો ભરવા માટે કોઈ રોક કે પ્રતિબંધ નથી. કોઈ પણ પ્રતિબંધ વિના સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), UPSC, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ વગેરેની ભરતીઓ ચાલુ રહેશે."
નાણામંત્રાલયે બાદમાં બીજું ટ્વીટ કર્યું કે વ્યય વિભાગનો 4 સપ્ટેમ્બર, 2020નો પરિપત્ર માત્ર નવાં પદના સર્જનની આંતરિક પ્રક્રિયા માટે હતો અને આ નવી ભરતીઓ પર કોઈ અસર નહીં કરે અને ન તો તેને પ્રતિબંધિત કરશે.
બીબીસીના ફૅક્ટ ચેકમાં અમને જાણવા મળ્યું કે કેન્દ્ર સરકારની નવી નોકરીઓ પર કોઈ રોક નથી અને નાણામંત્રાલયના કાર્યાલયની જાહેરાત માત્ર આંતરિક પ્રક્રિયા હેઠળ બનાવવાનાં નવાં પદો માટે હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો