નરેન્દ્ર મોદીની 'મન કી બાત'ને યૂટ્યૂબ પર આટલી નાપસંદ કેમ કરાઈ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ ઇન્ટરનેટ યૂઝર્સની નકારાત્મક પ્રતિક્રિયાને કારણે ચર્ચામાં આવી ગયો છે.

આકાશવાણી પર રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્રમનું દૂરદર્શન ઉપરાંત અનેક ખાનગી ચૅનલો પણ સીધું પ્રસારણ કરે છે.આ સાથે જ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો(PIB), ભાજપ અને પીએમ મોદીની પોતાની યૂટ્યુબ ચૅનલ પર પણ 'મન કી બાત'ને સાંભળી શકાય છે.

પરંતુ આ રવિવારે 'મન કી બાત'ને લઈને યૂટ્યુબ ચૅનલ પર યૂઝર્સની પ્રતિક્રિયા હકારાત્મક ઓછી અને નકારાત્મક વધુ રહી છે. આ ત્રણેય ચૅનલો પર 'મન કી બાત'ના વીડીયો ઉપર લાઈકની સરખામણીએ ડિસ્લાઇક ઘણી વધારે જોવા મળી.

આ વાતને અસામાન્ય ગણવામાં આવી રહી છે, કારણ કે આ પહેલાં 'મન કી બાત'ને લઈને દર્શકોનું વલણ આટલું નૅગેટિવ રહેતું ન હતું. એવામાં ચર્ચા થઈ રહી છે કે આખરે એનું કારણ શું છે.

સોમવારે સવારે સવા નવ વાગ્યા સુધીમાં ભારતીય જનતા પક્ષની સત્તાવાર યૂટ્યુબ ચૅનલ પર 'મન કી બાત' કાર્યક્રમમાં લગભગ 5 લાખ વ્યૂ હતા.

આ ચૅનલ પર આ વીડિયોને 32,000 લોકોએ 'લાઈક' કર્યો જ્યારે 2 લાખ 75 હજાર લોકોએ 'ડિસ્લાઇક' કર્યો.

આ જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોતાના યૂટ્યૂબ ચૅનલ ઉપર એને 26,000 લાઇક્સ અને 56,000 ડિસ્લાઇક મળી હતી. તો PIBના યૂટ્યૂબ ચૅનલ ઉપર 'મન કી બાત' ઉપર 99,000 વ્યૂઝ હતા, જ્યારે કે 3,500 લોકોએ કાર્યક્રમને લાઈક કર્યો અને 8,500 લોકોએ તેને ડિસ્લાઇક કર્યો.

લોકોએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીની યૂટ્યૂબ ચૅનલ ઉપર એક દર્શક કમલ નાયકે પ્રતિક્રિયા આપતા લખ્યું ," આર્થિક વ્યવસ્થા, બેરોજગારી, અશિક્ષા, કુદરતી આપત્તિ,અન્ય પણ ઘણા મુદ્દાઓ પર ભાજપ નિષ્ફળ રહ્યો અને અંતમાં જનતાને કહી દીધું , આત્મનિર્ભર બનો."

ભાજપની યૂટ્યુબ ચૅનલ પર આકાશ કુમાર નામના યૂઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, " અમને મન કી બાત નથી જોઈતી અમને રોજગાર જોઈએ છે, મોદીજી"

પલ્લબી ભકત નામના એક યુઝરે પોતાની પ્રતિક્રિયામાં લખ્યું ," તમે આ ટાઇટલ મન કી બાત બદલીને પોતાના મનની મનમાની એમ કરી નાંખો. તમારા ઉપર શરમ આવે છે મોદીજી. જેઈઈ, NEET માટે એક શબ્દ પણ નહીં."

શિખા શ્રીવાસ્તવ નામના એક યૂઝરે ભાજપની સત્તાવાર યૂટ્યૂબ ચૅનલ પર પોતાની પ્રતિક્રિયામાં લખ્યું, "અમે ઇચ્છીએ છીએ કે તમે જેમની પણ નોકરી ગઈ છે એમને રોજગાર આપવા ઉપર વાત કરો, એસએસસી સીજીએલના પડતર પરિણામો ઉપર તમે બોલો એવી અમારી માગ છે."

પ્રેમચંદ કુમાર નામના યૂઝરે કહ્યું, " યુવાનોએ બધાએ હવે મનની વાત કરવાનું શરુ કરી દીધું છે. બેરોજગારી એટલી છે કે બેઠાં-બેઠાં હવે મન નથી લાગતું."પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો(PIB)ની સત્તાવાર યૂટ્યૂબ ચૅનલ પર રિતેશ કુમાર શર્મા નામના એક યૂઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું, " પરીક્ષા વિશે કોઈ વાત ન કરી. અમે તમને 2024માં બતાવીશું. અમે ભૂલીશું નહીં."

પંકજ એસ નામના એક યુઝરે પીઆઇબીની ચૅનલ પર પોતાની પ્રતિક્રિયા લખી, " એક શિક્ષિત ભક્તની રાહ જોઈ રહ્યો છું જે મને 'આ મન કી બાત'ની પૉઝિટિવ સાઇડ સમજાવી શકે."

સંબોધનમાં શું કહ્યું હતું પીએમ મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમની 68મી કડીમાં દેશવાસીઓને સંબોધન કર્યું. દર વખતે અલગ અલગ વિષય પર વાત કરતા વડા પ્રધાને આ વખતે ઓણમના તહેવારની વાત કરી અને ભારતીય ઉદ્યોગ સાહસિકોને રમકડાંના વેપારમાં સંભાવનાઓ શોધવા કહ્યું.

આ ઉપરાંત પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ડેવલપર્સે ભારતમાં કમ્પ્યુટર ગેમ્સ બનાવવી જોઈએ.વડા પ્રધાને રમકડાંના ઉત્પાદન પર ભાર મૂકતા કહ્યું, "ગ્લોબલ ઇન્ડસ્ટ્રી 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની છે, પરંતુ આટલા મોટા કારોબારમાં ભારતની હિસ્સેદારી ઘણી ઓછી છે."એમણે કહ્યું, "આપણા દેશમાં આઇડિયા અને કૉન્સેપ્ટ છે. વર્ચ્યુઅલ ગેમ્સ અને રમકડાંના ક્ષેત્રમાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે અને હવે બધા માટે લોકલ રમકડા માટે વોકલ થવાનો સમય આવી ગયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો