ભારતમાં કોની નોકરીઓ છીનવાઈ જશે અને કોની બચી જશે?

    • લેેખક, આલોક જોષી
    • પદ, વરિષ્ઠ પત્રકાર

કોરોનાના આગમન પહેલાં પણ સમગ્ર વિશ્વ માટે એ પ્રશ્ન ખૂબ મોટો હતો કે આવનારા દિવસોમાં રોજગારી કેવી રીતે મળશે, ક્યાં મળશે અને કોને-કોને મળશે?

અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર દંપતી અભિજીત બેનર્જી અને એસ્ટર ડૂફલોએ તો ત્યારે જ કહ્યું હતું કે સમગ્ર વિશ્વની તમામ સરકારોએ પોતાની વસતિને આશરો આપવાની વ્યવસ્થા કરવી પડશે, કારણ કે બધા માટે રોજગાર ઉપલબ્ધ નહીં હોય.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેંસ વડે શું શુ થઈ શકે અને એવા લોકો કોણ છે, જેમની નોકરીઓ કોઈ કમ્પ્યૂટર કે રોબૉટ ના હાથમાં નહીં જઈ શકે.

એક તરફ સમગ્ર વિશ્વના ઉદ્યોગપતિઓ કનેક્ટેડ ફૅક્ટરી અને સંપૂર્ણપણે મશીનો વડે ચાલતા બિઝનેસનાં સપનાં જોઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ સમાજ અને સરકારોને એ વાતની ચિંતા હતી કે લાખો કરોડો યુવાનોને રોજગાર આપવાની વ્યવસ્થા કેવી રીતે કરાશે.

નોઆ હરારી પોતાના મહત્ત્વપૂર્ણ પુસ્તક 21 Lessons for the 21st centuryમાં 21મી સદીના જે 21 બોધપાઠ ગણાવે છે, તેમાં બીજા ક્રમ પર જ રોજગાર છે અને આજની નવી પેઢી માટે એક ભયાનક ચેતવણી છે કે- ‘જ્યારે તમે યુવાન થશો ત્યારે કદાચ તમારી પાસે નોકરી નહીં હોય.’

જોકે, તેઓ માને છે કે નજીકના ભવિષ્યમાં કદાચ કમ્પ્યૂટર અને રોબૉટ મોટી સંખ્યામાં માણસોની રોજગારી નહીં છીનવી શકે, પરંતુ આ આશંકાને હકીકત બનવામાં વધારે મોડું પણ નહીં થાય.

તેઓ વર્ષ 2050ની દુનિયાની કલ્પના કરી રહ્યા હતા.

ડેટાને ન્યૂ ઑઇલ’ કેમ કહેવામાં આવે છે?

આવી જ રીતે એલેક રૉસે આવનારાં 10 વર્ષના પડકારોનો હિસાબ કર્યો. તેમણે એ વાતનો બારીકાઈથી અભ્યાસ કર્યો કે આ દરમિયાન જે નવી તકનીકો આવશે અને જે નવી શોધો થશે તેનાથી આપણી રહેણીકરણી અને આપણી ઑફિસો એટલે કે કામ કરવાની રીતોમાં કેવા કેવા ફેરફાર થશે.

વિશ્વ કેવી રીતે બદલાશે, ડેટાને ‘ન્યૂ ઑઇલ’ કેમ કહેવાઈ રહ્યો છે અને કમ્પ્યૂટરની પ્રોગ્રામિંગથી લઈને માણસની પ્રોગ્રામિંગ અંગે વાત કરતું રૉસનું પુસ્તક The Industries of future એક પ્રકારની ગાઇડ છે. તે ઝડપથી બદલાતી જતી દુનિયામાં બચી રહેવા સિવાય પ્રગતિ સાધવાની પણ ગાઇડ છે.

તેમાં ડેટાનો દમ દેખાય છે, રોબૉટનો ડર પણ દેખાય છે, કમ્પ્યૂટર કોડના હથિયારનો ઉપયોગ થવાની પણ આશંકા છે, જમીન પર કે આકાશમાં નહીં પરંતુ વર્ચ્યુઅલ કે સાઇબર યુદ્ધના ભયાનક નજારા પણ છે.

તેમાં ત્રીજી દુનિયા કે વિકાસશીલ દેશો માટે એ પડકાર પણ છે કે તેઓ અમેરિકાની સિલિકૉન વૅલીની સરખામણીમાં પોતાના દેશમાં એવું શું બનાવી શકશે, જ્યાં યુવાનોની પ્રતિભા અને કૌશલ્યનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને તેઓ પોતાના સમાજનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદરૂપ બની શકે.

સમગ્ર કહાણી માર્ચ, 2020માં ઘણી બદલાઈ ગઈ

જે નહોતું થવું જોઈતું તે થઈ ચૂક્યું છે, સમગ્ર વિશ્વમાં લોકો અત્યાર સુધીના ઇતિહાસના સૌથી મોટા સંકટ સામે ઝઝૂમી રહ્યા છે અને તમામ આશંકાઓ સત્ય સાબિત થઈ ચૂકી છે, જેની કલ્પના કરાઈ રહી હતી. અડધા કરતાં પણ વધુ વિશ્વ તાળાબંધીનો સામનો કરી ચૂક્યું છે.

સમગ્ર વિશ્વમાં વિમાનસેવાઓ, હોટલ, ટૂરિઝમ અને ટ્રેન કે બસ સેવાનું પણ એકસાથે બંધ જવું, એ બધું અકલ્પનીય હતું.

આ સાથે જ રોજીરોટીનું સંકટ પણ છવાઈ ગયો અને તેની સાથે જોડાયેલા પ્રશ્નો પણ.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ILO સતત હિસાબ લગાવી રહ્યું છે કે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં રોજગારી પર કેવી અસર પડશે?

એપ્રિલના અંતમાં ILOની ગણતરી પ્રમાણે આ વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધી સમગ્ર વિશ્વમાં લગભગ સાડા 18 કરોડ લોકોની નોકરીઓ જતી રહી હતી.

આ ફુલ ટાઇમ નોકરીઓની ગણતરી હતી, દૈનિક મજૂરીના ધોરણે કામ કરતા મજૂરોની નહીં. પરંતુ ઑગસ્ટ માસમાં જારી કરાયેલા તેના કોરોના રિપોર્ટના પાંચમા સંસ્કરણમાં વધુ ભયાનક તસવીર દેખાય છે.

જે પ્રમાણે, જેટલું વિચાર્યુ હતું, જેવું દેખાઈ રહ્યું હતું, પરિસ્થિતિ તેના કરતાં ઘણી વધારે ખરાબ છે.

વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન માસ વચ્ચે સમગ્ર વિશ્વમાં 14 ટકા કામ ન થઈ શક્યું. જે 40 કલાકના અઠવાડિયા પ્રમાણે 48 કરોડ નોકરીઓના નુકસાન બરોબર છે.

તેમાં ભારતનો ભાગ કેટલો છે તે નથી જણાવાયું, પરંતુ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ એટલે કે દક્ષિણ એશિયામાં કુલ મળીને આ ત્રણ માસમાં સાડા તેર કરોડ નોકરીઓ ગઈ હોવાનો અંદાજ આ રિપોર્ટમાં વ્યક્ત કરાયો છે.

હવે આગળ શું શું થઈ શકે છે?

ILO એ ત્રણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

જો બધું ઠીક રહેશે, એટલે કે કોરોનાના સંકટનું નિરાકરણ મળવાની દિશામાં પ્રગતિ થશે અને ઇકૉનૉમી ફરી પાટે આવવા લાગશે, તો પણ ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 43 લાખ નોકરીઓ જવા બરોબર નુકસાન થશે. જો બધું ઠીક નહીં થાય, પરંતુ પરિસ્થિતિ વર્તમાન કરતાં વધુ વણસે પણ નહીં તો આ સંખ્યા 14 કરોડ થઈ શકે છે.

જો પરિસ્થિતિ વણસે તો વધુ 34 કરોડ લોકોએ રોજગારી ગુમાવવી પડી શકે છે. આ પૈકી કઈ સંભાવના સત્યની વધુ નજીક છે?

હાલ આ પ્રશ્નનો જવાબ વિશ્વમાં કોઈની પાસે નથી. જેટલા જાણકારોને પૂછવામાં આવે બધાનો એક જ જવાબ છે. તમે અમને જણાવો કે કોરોનાના ખતરાનો અંત ક્યારે આવશે, ત્યાર બાદ જ અમે આપને આપના દરેક પ્રશ્નના જવાબ આપી શકીશું. એટલે કે જવાબ કોઈની પાસે નથી.

તેમ છતાં અંદાજ લગાવવાનું કામ અને સારી અને ખરાબ પરિસ્થિતિ પ્રમાણે તૈયારી કરવાનું પણ ચાલુ છે. શરૂઆતમાં જણાવ્યું એમ, નવી દુનિયામાં નવા અંદાજથી જીવવાની તૈયારી તો પહેલાંથી જ ચાલી રહી હતી કોરોનાએ બસ તેની ઝડપ વધારી દીધી.

આમ હાલ સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે વધુમાં વધુ લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય અને ત્યાર બાદ એ પ્રશ્ન આવે છે કે લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવામાં આવે કે જે લોકો પહેલાંથી નોકરી કરી રહ્યા છે, તેમની નોકરીઓ કેવી રીતે બચાવાય? અને જો નોકરી જતી જ રહે, તો તેમના માટે નવી રોજગારીની વ્યવસ્થા કેવી રીતે કરાય?

કોરોના બાદ આ પ્રશ્ન એટલા માટે પણ વધુ ગંભીર બની ગયો છે, કારણ કે ઘણા કારોબાર તો બિલકુલ ઠપ થઈ ગયા છે. શરૂ થશે ત્યારે પણ કેટલા ચાલશે તે અંગે પણ શંકા છે.

જે કારોબારો ફરી શરૂ થઈ ચૂક્યા છે, તેમાં પણ ક્યાં કેટલી નોકરીઓ આવશે અને કેવી રીતે લોકોને કામ મળશે, એ વિશે જ હાલ સૌથી વધુ ચિંતા અને વિચાર-1વિમર્શ થઈ રહ્યો છે.

જેટલા પણ રિસર્ચ રિપોર્ટ આવી રહ્યા છે, તે તમામમાં એક લિસ્ટ છે કોવિડ પ્રૂફ જૉબ્સ એટલે કે એવાં કામોની યાદી, જેના પર કોરોનાના સંકટની કોઈ ખરાબ અસર નથી થઈ. તેમાં મોટા ભાગે FMCG, ઍગ્રો કેમિકલ, કેમિકલ, ઈ-કૉમર્સ, હેલ્થકૅર, હાઇજીન, લૉજિસ્ટિક્સ, ઑનલાઇન ટ્ર્રેનિંગ અને એજ્યુકેશન અને આઈ. ટી. સામેલ છે.

આ બધાની સાથે સરકારી નોકરીઓ તો ખરી જ. ખાસ કરીને ભારતમાં.

આ સાથે જ તમે વધુ એક લિસ્ટ જોઈ શકો છો. તે એ કામો કે નોકરીનું છે, જે હાલ અત્યંત જરૂરી છે. એટલે કે તેમાં કામ કરી રહેલા લોકોની નોકરી પર તો હાલ કોઈ ભય નથી, પરંતુ તેમનું જીવન જ ખતરામાં છે. એ પણ કામના કારણે.

આ યાદીમાં એ બધા લોકો સામેલ છે, જેઓ કોરોના વિરુદ્ધની લડાઈમાં સૌથી આગળના મોરચા પર છે. એટલે કે ડૉક્ટર, નર્સ, હૉસ્પિટલ સ્ટાફ, પોલીસ, સફાઈ કર્મચારી, પૅથોલૉજી કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સેન્ટરમાં કામ કરનાર લોકો વગેરે.

આ ક્ષેત્રોમાં લોકોની માગ પણ છે, તેમને નોકરીમાં ચાલુ રાખવા માટે સારી ઑફર પણ અપાઈ રહી છે, પરંતુ ઘણું જોખમ પણ છે.

સતત વધતી જઈ રહી છે અનિશ્ચિતતા

વારંવાર કહેવાઈ રહ્યું છે કે હાલ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવાનો સમય નથી પાક્યો. પરંતુ દરેક વાર આ સાંભળતાં જ એ વાત તો ખબર પડી જ જાય છે કે અનિશ્ચિતતા સતત વધી રહી છે એટલે કે હજુ વધુ રોજગાર કે નોકરીઓ પર તલવાર લટકવા માંડી છે.

જોકે, ભારતની સૌથી મોટી સ્ટાફિંગ કંપની ટીમલીઝના ચૅરમૅન મનીષ સભરવાલ કહે છે કે, “લૉકડાઉન દરમિયાન બેરોજગારીના આંકડાનો હિસાબ કરવું અયોગ્ય છે. આવી રીતે જોઈએ તો રવિવારની બપોરે બેરોજગારી હંમેશાં ઉચ્ચ સપાટી પર રહે છે.”

આ વાતનો અર્થ એ છે કે બેરોજગારીનો ખરો હિસાબ ત્યારે લગાવી શકાશે, જ્યારે તમામ કામ-ધંધા પરીથી શરૂ થશે અને તેના માટે કોરોના ખતમ થાય છે જરૂરી છે.

પરંતુ એક વાત તો નિશ્ચિત છે, વિશ્વ પહેલાં જેવું નહીં જ રહે.

કોરોનાનો ખતરો ટળી જાય તો પણ આવનારાં ઘણા વર્ષો સુધી આપણાં મગજ, રહેણકરણી અને કામકાજની રીતો પર તે છવાયેલો રહેશે. એટલે કે બધું બદલાવવા જઈ રહ્યું છે. અને આ પરિવર્તન બાદ કયા કામ-ધંધામાં તેજી હશે. કયા કામ-ધંધામાં મંદી હશે એ સમજવું અત્યંત જરૂરી છે.

પરિસ્થિતિ કેટલી ચિંતાજનક છે, એનો અંદાજ એ વાત પર લગાવી લો કે ટીમલીઝ કંપની પાછલાં ઘણાં વર્ષોથી ઇમ્પ્લૉયમેન્ટ આઉટલૂક રિપોર્ટ બનાવતી આવી છે, પરંતુ આ વખતે તેના વાંચનની રીતે બદલી નખાઈ છે.

તેમાં નોકરી આપનારી કંપનીઓને પૂછવામાં આવે છે કે તેઓ કેટલા લોકોને નોકરી આપવાનું વિચારી રહ્યા છે. અત્યાર સુધી એ જોવામાં આવતું હતું કે કંપનીએ પાછલા વર્ષ દરમિયાન આ છ માસિક ગાળામાં જેટલી નોકરીઓ સર્જી, આ વખત તેના કરતાં કેટલી વધુ કે ઓછી નોકરીઓ આપવાનું વિચારી રહી છે.

પરંતુ આ વખત આ સવાલ બદલાઈને માત્ર એટલો રહી ગયો છે કે કંપનીઓ કોઈને ય નોકરી આપવા અંગે વિચારી રહી છે કે નહીં.

અને આવી પરિસ્થિતિમાં સૌથી વધુ જરૂરી વાત એ થઈ જાય છે કે કયા લોકો, કઈ નોકરીઓ આપશે અને કોને આપશે. તો આનો જવાબ તો તમારી નજર સમક્ષ જ છે. તેમજ તમામ કન્સલ્ટન્સી કંપનીઓ અને અભ્યાસ સંસ્થાનોના રિપોર્ટમાં પણ છે. એટલે કે સૌથી પહેલાં અને સૌથી ઝડપથી નોકરીઓ એ ક્ષેત્રોમાં મળશે, જ્યાં ધંધામાં તેજી છે.

સમાચાર છે ઍમેઝૉને મે મહિનામાં 50 હજાર લોકોને કામચલાઉપણે કામે રાખ્યા છે. આ પહેલાં કંપની જાહેરાત કરી ચૂકી છે કે વર્ષ 2025 સુધી તેઓ ભારતમાં દસ લાખ લોકોને નોકરી આપશે.

આ ક્ષેત્રોમાં જળવાશે રોજગારીનો સ્થિર દર

લૉકડાઉનમાં જે ઝડપથી લોકો ઘરે બેસીને જ ખરીદી કરી રહ્યા છે, તેની અસર ઈ-કૉમર્સ પર, ફૂડ ડિલિવરી કરનાર ઍપ ચલાવનાર કંપનીઓ પર તો પડવાની જ છે. ખાવા-પીવાના સામાન અને સાબુ-તેલ વગેરે વગર કોઈ ન રહી શકે, આ બધું બનાવનાર કંપનીઓને પણ સ્ટાફની જરૂરિયાત છે.

નેટવર્કિંગ પ્લૅટફૉર્મ લિંક્ડઇને એક બ્લૉગમાં 10 એવાં કામોની યાદી મૂકી છે, જેમાં આજે પણ લોકોની જરૂરિયાત છે અને આવનારા સમયમાં પણ એટલી જ પ્રગતિની શક્યતા જળવાઈ રહેશે. તે ક્ષેત્રો છે – સૉફ્ટવૅર એન્જિનિયર, સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ, પ્રોજેક્ટ મૅનેજર, આઈ. ટી. એડમિનિસ્ટ્રેટર, કસ્ટમર સર્વિસ સ્પેશિયાલિસ્ટ, ડિજિટલ માર્કેટિયર, આઈ. ટી. સપોર્ટ કે હેલ્પ ડેસ્ક, ડેટા ઍનાલિસ્ટ, ફાઇનાન્સિયલ ઍનાલિસ્ટ અને ગ્રાફિક્સ ડિઝાઇનર.

આ લિસ્ટમાં બાદબાકી અને ઉમેરાની સંભાવના તો ખરી જ. પરંતુ હાલ આ એવાં કામો છે, જેમાં લોકો ચિંતામુક્ત રહી શકે છે કે પછી નવા લોકો આ કામો શીખવા પર જોર આપી શકે છે.

પરંતુ આ હાલની કહાણી છે. તેમાં આપ હેલ્થકૅર, ઑનલાઇન એજ્યુકેશન કે ટ્રેનિગં અને ઈ-કૉમર્સના તમામ કામ જોડી શકો છો. સાથે લૉજિસ્ટિક્સ એટલે કે ટ્રક, ટ્રેન અને હવાઈ જહાજથી લઈને શહેરની અંદર ભોજન, કિરાણા અને દારૂની બૉટલોની સપ્લાયથી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ કે ડૉક્યુમેન્ટ પહોંચાડવાનાં કામમાં પણ અત્યારે ઝડપ જોવા મળશે.

લાંબા ગાળે તે પૈકી કેટલું કામ રોબૉટ કે કમ્પ્યૂટરોના હાથમાં જતું રહેશે એ વાતની ખબર નથી.

ઘટી જશે કાયમી નોકરીઓનું પ્રમાણ

એ સમયનું વિચારવું હોય તો અતુલ જાલાનનું પુસ્તક ‘Where will Man take us?’

ટૅક્નૉલૉજી વચ્ચેના દ્વંદ્વ પર એક શાનદાર ટિપ્પણી છે અને તે પણ ભવિષ્યની દુનિયાની એવી આકૃત્તિ રજૂ કરે છે, જે આપને થોડી ડરાવે પણ છે અને થોડી હિંમત પણ આપે છે.

વિશ્વની સૌથી મોટી કન્સલ્ટિંગ કંપનીઓ પૈકી એક ગાર્ટનરનું કહેવું છે કે કોવિડ બાદ કામ કરવાની રીત તો બદલાવા જઈ જ રહી છે. કંપનીઓ વધુમાં વધુ કામ હવે કામચલાઉ સ્ટાફ મારફતે કરાવશે. કાયમી નોકરીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જશે.

કોરોના બાદની પરિસ્થિતિ પર તેમના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર 32 ટકા કંપનીઓ પૈસા બચાવવા માટે પોતાના સ્ટાફને છૂટા કરવાના સ્થાને કામચલાઉ સ્ટાફ રાખી રહ્યા છે.

સાઇકી (SCIKEY) આવા જ લોકો માટે એક ટૅલેન્ટ પ્લૅટફૉર્મ છે. એટલે કે જૉબ પોર્ટલનો નવો અવતાર. તે પણ આવો જ હિસાબ લગાવી રહ્યો છે અને તેના અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે કાયમી નોકરીઓ ખૂબ જ ઘટી જશે અને ઍસાઇન્મેન્ટ પર કામ કરનારા ગિગ વર્કર જ અસલી કામદાર બની જશે.

ડિજિટલ અને રિમોટ વર્કની ઝડપ તો વધશે પરંતુ સાથે જ પગાર પણ ફિક્સ નહીં રહે, ઉપર-નીચે થતો રહેશે.

જો ચીનમાંથી બહાર નીકળનાર ફૅક્ટરીઓ અહીં આવી જાય તો ચીન સિવાય એશિયાના અન્ય દેશમાં ઇન્ડસ્ટ્રિયલ વર્કરો માટે ખૂબ સારા રોજગાર પેદા થઈ શકે છે.

આ સિવાય પણ ઘણા નવા રોજગાર સામે આવશે અને ભવિષ્યમાં કંપનીઓ ઉમેદવારનાં સર્ટિફિકેટ કે ડિગ્રી પર આધાર રાખવાને સ્થાને એ વાતને મહત્ત્વ આપશે કે તેઓ જરૂરિયાતના સમયે કામ લાગી શકે છે કે નહીં.

આ સાથે જ જૂના લોકો માટે વારંવાર સતત નવી વસ્તુઓ શીખતા રહેવાનું જરૂરી બની જશે. સાથે જ કૉલેજ કે વિશ્વવિદ્યાલયમાંથી આવી રહેલા યુવાનોએ પણ કામ માટે જરૂરી કૌશલ્ય જાતે શીખીને આવવાનું રહેશે.

નોકરી આપ્યા પછી કંપની વર્ષ – બે વર્ષ સુધી કામ શીખવે એ રિવાજ લાંબો ટકવાનો નથી. તેની તૈયારી પણ ચાલી રહી છે.

એપ્રિલમાં લિંક્ડઇનના એક સર્વેમાં સામે આવ્યું કે નોકરી કરી રહેલા 63 ટકા લોકો ઈ-લર્નિગ પર વધુ સમય પસાર કરી રહ્યા છે.

60 ટકા જે ઇન્ડસ્ટ્રીમાં છે, તે વિશે પોતાની જાણકારી વધારવા માગે છે, જ્યારે 57 ટકા પોતાની પ્રગતિ માટેનું કૌશલ્ય વિકસાવવા માગે છે. તેમજ 45 ટકા લોકો એવા પણ છે, જેઓ પોતાની વાત યોગ્ય રીતે મૂકી શકે એ માટે કે કૉમ્યુનિકેશન સ્કિલમાં સુધારો લાવવાની કોશિશમાં લાગેલા છે.

તેમની કોશિશ કેટલી સફળ થશે, તે એ કંપનીઓ પર નિર્ભર કરે છે જ્યાં તેઓ કામ કરે છે. ડિલૉયટે એ કંપનીઓ માટે આ વર્ષે એક પડકાર સામે મૂકી દીધો છે. તેમનું કહેવું છે કે કંપનીઓને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે આજે જ્યારે માણસ અને ટૅકનૉલૉજી સામસામે છે ત્યારે ટૅક્નૉલૉજીની સ્પર્ધામાં લાગેલા વિશ્વ વચ્ચે પણ કોઈ કંપની કેવી રીતે પોતાની માણસાઈ જાળવી રાખી શકે છે.

અને કદાચ આવી રીતે જ ભવિષ્યના વિશ્વની એ કંપનીઓ પણ સામે આવશે, જે કમાણી કરવાની સાથોસાથ જે તેમને ‘ગ્રેટ પ્લેસેઝ ટૂ વર્ક’ બનાવી રાખે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો