GDP : નરેન્દ્ર મોદી સરકારનું 'રિપોર્ટ-કાર્ડ' તમને કેવી રીતે અસર કરશે?

    • લેેખક, નિધિ રાય
    • પદ, બિઝનેસ સંવાદદાતા, મુંબઈ

31 ઑગસ્ટ, 2020 સોમવારના રોજ સાડા પાંચ વાગ્યે ભારત દ્વારા એપ્રિલથી જૂન માસ દરમિયાન પોતાના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના ડેટા રજૂ કરાશે.

આપણે બધા જ જાણીએ છીએ કે પાછલાં કેટલાંક વર્ષોથી ભારતના અર્થતંત્રની હાલત કંઈક ઠીક નથી. પરંતુ આવનારા દિવસોમાં રજૂ થનાર આ ડેટા આપણે દાયકાઓથી જોયેલા તમામ ખરાબ આંકડાઓ કરતાં પણ વધુ ખરાબ રહેશે તેવું અનુમાન છે.

કારણ કે આ વર્ષે એપ્રિલ-જૂન માસ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાદી દેવાયું હતું.

આવનારા સમયમાં રજૂ થનાર GDPનો ડેટા એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે તે કોરોના મહામારીને કારણે ભારતમાં સર્જાયેલી આર્થિક મંદીની સત્તાવાર પુષ્ટિ કરશે.

ચાલો, GDP ખરેખર શું છે તેની સમજ મેળવીને આ આખો મુદ્દો સમજવાનો પ્રયાસ કરીએ.

GDPએટલે શું?

કુલલ ઘરેલુ ઉત્પાદન એટલે એક ચોક્કસ વર્ષમાં સમગ્ર દેશમાં ઉત્પાદિત થયેલ માલ અને સેવાનું કુલ મૂલ્ય.

રિસર્ચ અને રેટિંગ ફર્મ કૅર રેટિંગ્સના અર્થશાસ્ત્રી સુશાંત હેગડે જણાવે છે કે GDP એ 'એક વિદ્યાર્થીના ગુણપત્રક જેવી છે.'

જેમ એક વિદ્યાર્થીનું ગુણપત્રક તેની પકડવાળા વિષયોમાં તેમણે મેળવેલા ગુણ જણાવે છે, તેમ GDP આર્થિક પ્રવૃત્તિઓના સ્તર અને તેના માટે જવાબદાર સેક્ટરો વિશે જણાવે છે.

ગુણપત્રક જણાવે છે કે જે-તે અર્થતંત્રે વર્ષમાં કેટલું સારું કે ખરાબ પ્રદર્શન કર્યું છે.

જો GDPમાં ઘટાડો નોંધાય તો તેનો અર્થ એ થયો કે ગત વર્ષની સરખામણીએ દેશનું અર્થતંત્ર ધીમું પડી ગયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ દેશમાં પૂરતાં માલસામાન અને સેવાઓનું ઉત્પાદન નથી થયું.

ભારતમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (CSO) વર્ષમાં ચાર વખત GDPની ગણતરી કરે છે.

આ સંસ્થા દ્વારા દર વર્ષે GDPનો વાર્ષિક વૃદ્ધિદર પણ બહાર પાડવામાં છે.

એવું માનવામાં આવે છે કે ભારત જેવા નીચી અને મધ્યમ આવકવળા દેશો માટે પોતાની વધતી જતી વસતિની જરૂરિયાતો સંતોષવા માટે વાર્ષિક ધોરણે GDPમાં સતત વધારો થતો રહે એ અત્યંત જરૂરી છે.

ટૂંકમાં GDP એક ચોક્કસ સમય માટે દેશ અને તેના અર્થતંત્રની પ્રગતિને વ્યાખ્યાયિત કરે છે.

તેની ગણતરી કઈ રીતે થાય છે?

GDPની ગણતરી માટે ચાર મુખ્ય ઘટકો ધ્યાને લેવાય છે.

પ્રથમ છે 'ઉપભોગ ખર્ચ', જે વસતી દ્વારા માલસામાન અને સેવાઓની ખરીદી માટે કરાયેલ કુલ ખર્ચને દર્શાવે છે.

બીજું છે, “સરકારી ખર્ચ”, ત્રીજું છે, “રોકાણખર્ચ” એટલે કે પુલ કે ફૅક્ટરી બનાવવા માટે થતો ખર્ચ વગેરે. અને અંતમાં આવે છે ચોખ્ખી નિકાસ (નિકાસ અને આયાત વચ્ચેનું નાણાકીય અંતર) GDP નોમિનલ અને વાસ્તવિક ટર્મ્સમાં ગણાય છે.

નૉમિનલ ટર્મ્સ અનુસાર તે હાલની કીમત પ્રમાણે તમામ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે. (GDPની ગણતરી થઈ રહી છે તે વર્ષની કિંમતો) જ્યારે આ આંકડાને સંદર્ભ વર્ષ માટેના ફુગાવા અનુસાર સરખાવવામાં આવે છે, ત્યારે આપણને ખરી GDPનો ખ્યાલ આવે છે. અર્થતંત્રની વૃદ્ધિની વાત કરતી વેળાએ ખરી GDPને જ ધ્યાને લેવાય છે.

GDP માટેનો ડેટા કૃષિ, ઉત્પાદન, વીજળી, ગૅસ સપ્લાય, ખાણ, જંગલસંપત્તિ અને ફિશિંગ, હૉટલો, બાંધકામ, વેપાર, કૉમ્યુનિકેશન, ફાઇનાન્સિંગ, રિયલ ઍસ્ટેટ, વીમા ક્ષેત્ર, ધંધાકીય સેવાઓ અને સમાજસેવાઓ જેવા ક્ષેત્રોમાંથી એકઠો કરવામાં આવે છે.

GDPનું મહત્ત્વ કેમ?

સરકાર અને સામાન્ય જનતા માટે નિર્ણયઘડતર માટે GDP એક મહત્ત્વનું પરિબળ છે.

જો GDPમાં વધારો થઈ રહ્યો હોય તો તેનો અર્થ એ થયો કે દેશ આર્થિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેમજ સરકારની નીતિઓ પ્રાથમિક સ્તર પર કારગત નીવડી રહી છે અને સાચી દિશામાં જઈ રહી છે.

જો GDPમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તેનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં જરૂરી સુધારા લાવવા માટે સરકારે તેની નીતિઓ પર કામ કરવાની જરૂર છે.

સરકાર સિવાય, ધંધાદારી, સ્ટૉક માર્કેટના રોકાણકારો અને અન્ય નીતિ ઘડનારાઓ માહિતીસભર નિર્ણય લેવા માટે GDP ડેટાનો ઉપયોગ કરે છે.

જ્યારે અર્થતંત્ર સારી રીતે કામ કરે છે ત્યારે ધંધાદારીઓ વધુ રોકાણ કરીને ઉત્પાદન વધારે છે, જેથી ભવિષ્ય વધુ આશાસ્પદ બને છે.

પરંતુ જ્યારે GDPના ડેટા નિરાશાજનક હોય છે ત્યારે બધા રોકાણકારો ઓછો ખર્ચ અને રોકાણ કરવાનો નિર્ણય લે છે, જે કારણે અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધુ ઘટાડો નોંધાય છે.

આવી પરિસ્થિતિમાં જ સરકાર દ્વારા ધંધા-વેપાર અને લોકોને રાહત આપવા માટે વધુ નાણાં ખર્ચવામાં આવે તેવી અપેક્ષા રખાય છે. જેથી ખર્ચમાં વધારાને વેગ આપી અપેક્ષિત વૃદ્ધિ દર હાંસલ કરી શકાય.

આવી જ રીતે GDP અંગેની માહિતી નીતિ ઘડનારાઓ માટે અર્થતંત્રને મદદ કરવા માટેની નીતિ ઘડવા માટે મદદરૂપ બને છે. તે ભવિષ્યની યોજનાઓ માટેના માપદંડ તરીકે કાર્ય કરે છે.

GDP સમગ્ર ચિત્ર રજૂ કરે છે?

GDPમાં અર્થતંત્રની વૃદ્ધિની ગણતરી કરવા માટે ઘણાં સેક્ટરોને ધ્યાને લેવાતાં હોવા છતાં તમામ સેક્ટરો તેની ગણતરીમાં સમાવિષ્ટ કરાતાં નથી.

નિષ્ણાતો માને છે કે GDPના ડેટા અસંગઠિક ક્ષેત્રની પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતા નથી.

વરિષ્ઠ અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમાર આ વિશે જણાવે છે કે, “ભારતમાં કુલ રોજગારીના 94 ટકા રોજગારી પૂરી પાડતા અસંગઠિત ક્ષેત્રને GDPના ડેટાની ગણતરીમાં લેવામાં આવતા નથી.”

અરુણ કુમાર જણાવે છે કે, “નકારાત્મક GDPનો અર્થ એ થયો કે અસંગઠિત ક્ષેત્ર સંગઠિત ક્ષેત્ર કરતાં પણ ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે.”

એટલે કે જો GDP (-)10% થી (-)15% વચ્ચે હોય તો તેનો અર્થ એ થયો કે અસંગઠિત ક્ષેત્ર (-)20% થી (-)30% છે.

સરળ ભાષામાં કહીએ તો GDP સંગઠિત ક્ષેત્રના પ્રદર્શનનો અંદાજ તો આપે છે, પરંતુ દેશની મોટા ભાગની વસતિ જેમાં કાર્યરત્ છે તેવા અસંગઠિત ક્ષેત્રની સંપૂર્ણ અવગણના કરે છે.

ઘણી એજન્સીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે આગામી 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં 4થી 15 ટકાનો ઘટાડો જોવા મળશે.

રિઝર્વ બૅંક ઑફ ઇંડિયાના ગવર્નર શશિકાંતા દાસ પણ કહી ચૂક્યા છે કે ભારતનું અર્થતંત્ર નકારાત્મક દિશામાં જશે. જોકે, RBIએ GDPમાં સંકોચન અંગે કોઈ અનુમાન કર્યું નથી.

તમારા માટે પણ GDP પર નજર બનાવી રાખવું એટલું જ જરૂરી છે, જેથી તમે અર્થતંત્ર કેવું પ્રદર્શન કરી રહ્યું છે તે સમજી શકો. આ જાણકારી તમને ભવિષ્યમાં માહિતીસભર નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે.

આ દરમિયાન વધુ એક નોંધનીય બાબત એ છે કે પાછલાં ચાર વર્ષોથી ભારતના અર્થતંત્રનો વૃદ્ધિ દર ધીમો પડ્યો છે.

વર્ષ 2016-17માં GDP 8.3 ટકા હતી જે 2017-18માં ઘટીને 7 ટકા, 2018-19માં ઘટીને 6.1 ટકા અને વર્ષ 2019-20માં ઘટીને 4.2 ટકા થઈ ગઈ હતી.

હાલમાં રજૂ કરાયેલા મૅકિન્સી રિપોર્ટ પ્રમાણે, “કોરોનાની મહામારીએ પડકારને વધુ જટિલ બનાવ્યો છે. વૃદ્ધિ દર વધારવા માટેનાં પગલાંની ગેરહાજરીને લીધે ભારત સામે દાયકા સુધી સ્થિર આવક અને જીવનધોરણનું જોખમ છે.”

કોરોનાની મહામારીને કારણે પરિસ્થિતિ ખૂબ જ બગડી છે અને અર્થશાસ્ત્રીઓ કહી ચૂક્યા છે કે અન્ય એશિયન દેશોની સરખામણીમાં ભારતને આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળતા વધુ સમય લાગશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો