You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકારે મોદી સરકાર પાસે જીએસટીના 12 હજાર કરોડ કેમ માગ્યા?
- લેેખક, હિમાંશુ દરજી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની આવક કોરોનાના પગલે સાવ તળીયે આવી ગઈ છે, તેવા સંજોગોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને પ્રજાકીય કામગીરી કરવા માટે લૉન લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ સંજોગોમાં ગુજરાત સરકારે કેન્દ્રની સરકારને જીએસટીના વળતરપેટે લેવાના નીકળતા 12 હજાર કરોડ રૂપિયા આપવા કહ્યું છે.
એવું તો શું થયું કે ગુજરાત સરકારે આ નાણાં માગવાં પડ્યાં અને ગુજરાત સરકાને શેનાં નાણાં લેવાનાં નીકળે છે?
ટૅક્સને સંલગ્ન બાબતોના નિષ્ણાતો જણાવે છે કે જીએસટીના શરૂઆતી સમયે 80 હજાર કરોડ જેટલી રકમ ભારત સરકાર જીએસટી કલેક્શનના પેટે મેળવતી હતી, તેટલી રકમ મેળવવામાં આ વખતે દિવાળી માથે આવી જશે.
જીએસટીની આવક ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 1,13,865 કરોડ હતી, તે ઘટીને એપ્રિલ 2020માં 32,172 કરોડ થઈ હતી.
એ પછી મે 2020માં 62,151 કરોડ, જૂનમાં 90,917 કરોડ અને છેલ્લે જુલાઈમાં 87,422 કરોડની આવક થઈ છે.
ગ્રાહકોની ઘટેલી ખરીદશકિતને પગલે જીએસટી કલેક્શન અગાઉના સ્તરે પહોંચતું નથી, જેની અસર વિવિધ વિકાસકીય કામો પર પડે તેવી પણ સ્થિતી છે. એવું પણ નિષ્ણાતો કહે છે.
ગુજરાતની જીએસટીની આવકમાં 5,000 કરોડની ઘટ
રાજ્યના જીએસટી ચીફ કમિશનર જે. પી. ગુપ્તા ગુજરાતની જીએસટી આવકમાં મોટા પાયે ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવતાં કહે છે કે રાજ્યમાં લૉકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં 500 કરોડની જીએસટી આવક થઈ હતી. જે સરેરાશ કરતાં 83 ટકા ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે કે મે 2020માં 1,500 કરોડ, જૂનમાં 2,500 કરોડ, ઑગસ્ટ (29 ઑગસ્ટ સુધી)માં 2,200 કરોડની આવક થઈ છે.
ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કુલે 13,700 કરોડની આવક થઈ હતી, જેની સામે આ વર્ષે 8,900ની આવક થઈ છે. એટલે કે આવકમાં 5000 કરોડની ઘટ છે.
ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારત સરકારનો જીએસટીમાંથી આવકનું લક્ષ્ય 1.10 લાખ કરોડ હતું, જેની સામે 1.05 લાખ કરોડની આવક થઈ હતી.
એટલે કે ફેબ્રુઆરી સુધી સરકાર આવકના લક્ષ્યને સાધવાની નજીક હતી, એવામાં કોરોનાની મહામારી આવી ગઈ.
જીએસટીનો અમલ કર્યો ત્યારે તેની આવક 80થી 90 હજાર કરોડ હતી, એ સ્તર સુધી પહોંચવામાં પણ દિવાળીનો આવી જશે એવો અંદાજ તજજ્ઞો હાલની સ્થિતિને જોતાં લગાડે છે.
સર્વિસ સેક્ટરનું નહિવત્ પ્રદાન
રાજ્યોની આવક ઘટવાનું એક મુખ્ય કારણ કોરોના વાઇરસે સર્જેલી મહામારી છે, તે સ્વાભાવિક છે.
મહત્તમ ગ્રાહકો દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાને પ્રાધાન્ય અપાતું હોવાથી રિટૅલ બજારો સરવાળે પૂર્વવત્ નથી થઈ શક્યાં.
રિટૅલ બજારોની સાથોસાથે સર્વિસ સૅક્ટર હજી બંધ જેવી જ સ્થિતિમાં છે, કેટલાંક સેવાક્ષેત્રો તો માંડ-માંડ શરૂ થયાં છે.
ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારી જણાવે છે, "ઔદ્યોગિક ગતિવિધિ હજી ઘટી રહી છે, ટૅક્સ્ટાઇલના ક્ષેત્રે સમાન્ય કરતાં 30 ટકા જ ઉત્પાદન શરૂ થયું છે. એ જ સ્થિતિ અન્ય ક્ષેત્રોની છે."
ગુજરાત ટ્રાવેલ્સ ઍજન્ટ ફૅડરેશન(ટાફી)ના ગુજરાતના ચૅરમૅન જિગર દુદકિયાએ જણાવ્યું હતું કે પ્રવાસનઉદ્યોગની હાલમાં કામગીરી બંધ જ છે.
તેઓ કહે છે, "કોરોનાકાળમાં બિઝનેસ જ થતો ન હોય તો ટૅક્સ ક્યાંથી આપવો. હાલની સ્થિતિ જોતાં પ્રજાએ પોતાના માટે ખર્ચવાના પૈસામાં મોટા પાયે કાપ મૂક્યો છે, આ જ સ્થિતિ તમામ સર્વિસ સૅક્ટરની છે."
જીએસટી કન્સલ્ટન્ટ રોનક જૈન જણાવે છે કે છેલ્લા ત્રણ મહિનાઓમાં સર્વિસ સૅક્ટરે સરકારને ઝીરો ટૅકસ આપ્યો છે.
ગુજરાત સેલ્સ ટૅક્સ બાર ઍસોસિયેશનના પ્રમુખ ઉર્વિશ પટેલ જણાવે છે, "કોરોનાને કારણે વેપાર સીમિત થયો છે. વેપારીઓ, ઉત્પાદકો પૅમેન્ટ ન આવવાની બૂમ પાડી રહ્યા છે, જેથી સીધી સરકારને ટૅક્સમાંથી થતી આવક ઘટી ગઈ છે."
શૈલેષ પટવારી જણાવે છે, "કેટલાંક ક્ષેત્રોમાં પગારકાપ મૂકવામાં આવ્યો, અનેકની નોકરીઓ ગઈ, એટલે ખરીદશક્તિ પણ ઘટી છે."
તેઓ આગળ કહે છે કે "હવે મોટો વર્ગ જીવનજરૂરી ચીજો સિવાયની ચીજોની ખરીદી ટાળી રહ્યો છે, સ્પેન્ડિંગ ઘટે તો જીએસટી ઘટે જ."
હવે શો વિકલ્પ?
આ સંદર્ભે 27 ઑગસ્ટે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી.
ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું, "દરેક રાજ્યને જીએસટીના વળતરપેટે જે રકમ કાઉન્સિલ પાસે લેવાની નીકળે છે તે અંગે શું કરવું? એ એકમાત્ર એજન્ડા આ કાઉન્સિલ બેઠકનો હતો."
ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 12,000 કરોડ રૂપિયા જીએસટીના વળતરની રકમપેટે લેવાના થાય છે. જે વાત નીતિન પટેલ પણ સ્વીકારે છે.
નીતિન પટેલે કહ્યું હતું, "આવક ઘટી હોવાથી વળતરની રકમમાંથી રાજ્યનો વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ કે પ્રજાલક્ષી યોજના માટે ખર્ચ કરવા પડે એ સ્થિતિ છે. એ માટે નાણાકીય મદદની મોટી જરૂર છે. જો ભારત સરકાર વળતર ચૂકવે તો તેમાંથી આ ખર્ચ કરી શકાય એમ છે."
તેમણે વધુમાં જણાવ્યું, "બેઠકમાં ભારત સરકારની રજૂઆત એવી હતી કે કોરોનાને લીધે ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારની આવક ઘટી છે. શરૂઆતમાં તો ધંધા, વ્યવસાય, સેવાકીય ક્ષેત્રો, તમામ સંપૂર્ણપણે બંધ હતાં. જેને પગલે કેન્દ્ર અને રાજ્યની તમામ આવકો બંધ હતી."
"હવે અનલૉક અંતર્ગત સ્થિતિ ધીમે-ધીમે પૂર્વવત્ થઈ રહી છે. જોકે રાજ્યોની જીએસટીની આવક ખૂબ ઘટી છે. તેની સામે જે વળતર આપવાની જોગવાઈ જીએસટી કાયદામાં કરવામાં આવી છે. તે રકમ રાજ્યોએ લેવાની થાય છે."
સામે પક્ષે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેમના માટે પણ હાલ આ રકમની ચૂકવણી કરવી મુશ્કેલ છે. જેના વિકલ્પ પર રાજ્યોની સરકારો સાથે ચર્ચા કરી છે.
રાજ્યોની સરકારોની રજૂઆત હતી કે કેન્દ્ર સરકાર લૉન લઈને રાજ્યોને આ વળતરની ચૂકવણી કરે, નહીં તો રાજ્યો માટે પણ કફોડી સ્થિતિ સર્જાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો