ભાજપ સરકાર સાથે સમાધાન બાદ પણ પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પાછા કેમ ન ખેંચાયા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું એ વખતે કૉલેજના પહેલા વર્ષમાં ભણતો હતો. પટેલ આંદોલન શરૂ થયું, હું હાર્દિકની સાથે આંદોલનમાં જોડાયો."

"હું નેતા પણ બની ગયો, અમદાવાદમાં તોફાનો થયાં ત્યારે સુરતમાં પણ તોફાનો થયાં અને મારી પણ ધરપકડ થઈ અને હું જેલમાં ગયો, આંદોલન પૂરું થયું. સરકાર સાથે સમાધાન થયું, બીજાના કેસ પાછા ખેંચાયા પણ મારો કેસ ચાલુ છે, પાંચ વર્ષથી હું આજે પણ મુદતો ભરું છું, આ આંદોલનને કારણે મારા ધંધા પર ઘણી અસર પડી છે. ધંધો છોડીને મારે કોર્ટની મુદતો ભરવા જવું પડે છે."

આ શબ્દો પટેલ આંદોલનમાં જોડાયેલા સુરતના યુવાન નિહાર માલવિયાના છે.

આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકાર જ્યારે અમારી સાથે સમાધાનમાં બેઠી ત્યારે કેસ પાછા ખેંચી લેવાની વાત કરી હતી. પણ સરકારે પોતાનું બોલ્યુ પાળ્યું નથી."

બાંભણિયાના જણાવ્યા પ્રમાણે આંદોલન વખતે 484 કેસ થયા હતા અને તે પાછા ખેંચવાના હતા, તેમાંથી માત્ર 214 એફઆઈઆર જ પાછી ખેંચાઈ છે. જ્યારે બીજાની પ્રક્રિયા ચાલુ હોવાનું સરકાર કહે છે.

'મારી ઘરપકડ થઈ, જેલ જવાનો વારો આવ્યો'

25 વર્ષના નિહાર માલવિયા ભણવામાં હોંશિયાર હતા પણ તેમના કહેવા પ્રમાણે અનામત ક્વૉટાને લીધે ઍન્જિનિયરિંગમાં ઍડમિશન ન મળ્યું.

જેનો તેમને આક્રોશ હતો, આ અરસામાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલને માથું ઊંચક્યું, તેઓ પણ આંદોલનમાં જોડાયા. યુવાન હતા અને સુરતમાં મિત્રવર્તુળ મોટું હતું એટલે ઝડપથી યુવાનોમાં નેતા બની ગયા.

નિહારે કહ્યું કે પટેલ આંદોલન વખતે અમે સુરતમાં અનેક પ્રદર્શનો કર્યાં, હાર્દિકની સભાઓ કરી.

તેઓ કહે છે, "25 ઑગસ્ટ 2015ના દિવસે અમદાવાદમાં તોફાનો થયાં અને એના પડઘા સુરતમાં પડ્યા. સુરતમાં બસો સળગી અને એ ગુનામાં મારી ઘરપકડ થઈ અને જેલ જોવાનો વારો આવ્યો પણ પછી જામીન થયા."

"જામીનમાં શરત હતી કે હું ગુજરાતની બહાર ન જઈ શકું. આ સમયમાં મારું ભણવાનું પૂરું થયું, મને ઇલેક્ટ્રિક અને સોલારના ધંધામાં રસ હતો."

તેઓ આગળ કહે છે, "2017માં ધંધો શરૂ કર્યો, ધંધો ધાર્યા પ્રમાણે વિકસાવી ના શક્યો."

આવી હાલાકી માત્ર નિહારની નથી, પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લેનારા અનેક યુવકોની છે.

'છોકરાઓ નોકરી મેળવવા ભટકે છે'

બાંભણિયા કહે છે, "આંદોલનમાં ભાગ લેનારા સંખ્યાબંધ છોકરાઓને નોકરી મેળવવાથી માંડીને પરદેશ જવામાં તકલીફ પડે છે. હજુ પણ સંખ્યાબંધ છોકરાઓ કોર્ટના ધક્કા ખાય છે."

"પાંચ વર્ષમાં સરકારે આપેલા વચન પ્રમાણે આંદોલનમાં શહીદ થયેલા લોકોમાંથી માત્ર એક જ પરિવારને નોકરી મળી છે. પરંતુ એ સિવાય કોઈ પરિવારને નોકરી મળી નથી."

બાંભણિયા કહે છે કે સમાધાન થયું ત્યારે રાજદ્રોહ અને રેલવેના પાટા ઉખાડવા જેવા કેસો પરત નહીં ખેંચવાનું નક્કી થયું હતું. જે અમે મંજૂર પણ રાખ્યું હતું.

તેઓ આગળ કહે છે, "પરંતુ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે નાની કલમવાળા કેસ પાછા ખેંચવાનું નક્કી થયું હતું. અમે એમને વારંવાર યાદ કરાવીએ છીએ છતાં આ પ્રક્રિયા ધીમી ચાલે છે અને કેસ પાછા ખેંચાતા નથી."

આંદોલનનો ચહેરો બનેલા નિખિલ સવાણી કહે છે કે સમાધાન પ્રમાણે કેસો પાછા ખેંચાયા નથી. ગરીબ વિદ્યાર્થીઓને કોર્ટની મુદત ભરવી પડે છે.

સવાણી કહે છે, "અમે અનેક રજૂઆતો કરી પણ કેસો પાછા ખેંચાતા નથી. મારા પોતાના પર 26 કેસ ચાલે છે. કેટલાય કેસ એવા છે કે જેમાં મને ખબર નથી અને તેમાં મારું નામ આવી ગયું છે."

"પોલીસે જે કેસ કર્યા હોય તેમાં આરોપીનાં નામો સાથે 50નું ટોળું એવું લખ્યું હોય એવા કેસમાં પણ પાછળથી તપાસના નામે અમારાં નામ કેસમાં દાખલ કરી દેવાયાં છે. જેથી ઘણી હાલાકીના ભોગ બનવું પડ્યું છે."

'ભાજપમાં સાભળનારું કોઈ નથી'

પાટીદાર આંદોલનનો અન્ય એક ચહેરો રેશમા પટેલ હતાં.

રેશમા પટેલે કહ્યું કે સરકારે સમાધાન કર્યું ત્યારે તમામ કેસો પાછા ખેંચવાની વાત કરી હતી અને એ સમયે હું ભાજપમાં પણ જોડાઈ હતી.

તેઓ કહે છે, "આ સમયગાળામાં મેં સરકારને અનેક વખત પટેલ આંદોલનના કેસ પાછા ખેંચવા રજૂઆત કરી હતી. હું ભાજપમાં હતી ત્યારે કેટલાક કેસ સૉલ્વ કરાવ્યા છે અને એ પછી કેટલાક છોકરા પરદેશ પણ જઈ શક્યા છે."

રેશમા પટેલ શહીદ પરિવારનો મુદ્દો ઉઠાવતાં કહે છે, "શહીદ પરિવારના વારસોને નોકરી આપવાનું વચન આપીને સરકાર ફરી ગઈ. મેં અનેક રજૂઆતો કરી છતાં ભાજપમાં કોઈ સાંભળનારું ન હોવાથી ભાજપ છોડી દીધું."

તેઓ કહે છે, "મજાની વાત તો એ છે કે ભાજપ છોડ્યા બાદ જેમાં મારું નામ ન હતું એવા કેસોમાં પણ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું, જેથી આજે પણ હું કેસની મુદતો ભરવા ધક્કા ખાઉ છું."

પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ પછીના મુખ્ય ચહેરામાંથી એક વરુણ પટેલ હતા, તેઓ હાલ ભાજપના નેતા છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે સમાધાન થયું, ત્યારે સરકારે અમારી સામે કેટલીક શરતો સ્પષ્ટ મૂકી હતી. રાજદ્રોહના કેસ અને સરકારી સંપત્તિને નુકસાનના કેસ પાછા નહીં ખેંચાય એવી સ્પષ્ટતા થઈ હતી.

તેઓ કહે છે, "એ સિવાયના તમામ કેસો પાછા ખેંચવાની સરકારે ખાતરી આપી હતી. સરકારે મોટા ભાગના કેસો પાછા ખેંચી લીધા છે."

તેઓ કહે છે કે સંખ્યાબંધ કેસોમાં એવું બન્યું છે કે કાનૂની આંટીઘૂટીના કારણે કોઈ છોકરાને પરદેશ જવામાં કે નોકરી માટે પોલીસ ક્લિયરન્સની જરૂર પડી હોય, ત્યારે હું ગયો છું અને સરકારે કોઈ પણ જ્ઞાતિની શેહશરમ રાખ્યા વિના કેસ પાછા ખેંચી લીધા છે.

તેઓ કહે છે, "એવું નથી કે કોઈ પાર્ટીમાં હોય, એના જ કેસો પાછા ખેંચાયા હોય. મારી પર પણ પાટીદાર આંદોલનના કેસો ચાલે છે.

વરુણ પટેલે કહે છે કે સરકાર પોતાનો પક્ષ રજૂ કરીને જરૂરી કાનૂની કાર્યવાહી કરીને ઝડપથી કેસોનો નિકાલ કરી રહી છે, એટલે સરકાર પોતાના વચનમાંથી ફરી ગઈ હોય એવું નથી.

ગુજરાત પોલીસનો કંઈ પણ કહેવાનો ઇન્કાર

પાટીદાર આંદોલનમાં ભોગ બનેલાઓના કેસ લડી રહેલા ઍડવોકેટ બાબુભાઈ માગુકિયાએ કહ્યું, "સરકારે ઘણા કેસો પાછા ખેંચ્યા છે. પરંતુ અમુક કેસો સરકારી આંટીઘૂટીઓના કારણે અટવાયા છે જે પરત ખેંચવા મુશ્કેલ છે."

સમગ્ર મેટર સબજ્યુડિસ હોવાથી આ અંગે કંઈ પણ કહેવાનો ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ઇન્કાર કર્યો હતો.

અમદાવાદ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં થયેલા હિંસક બનાવો અંગે તત્કાલીન પોલીસ અધિકારીઓ દ્વારા કે. એ. પૂંજ તપાસપંચમાં ઍફિડેવિટ રજૂ કરવામાં આવી છે.

ગુજરાતના તત્કાલીન પોલીસવડા શિવાનંદ ઝાએ પૂંજ કમિશનમાં આખા ગુજરાતની સ્થિતિ અંગે 55 પાનાંની ઍફિડેવિટ રજૂ કરીને સમગ્ર ઘટનામાં પોલીસે કરેલી કામગીરી અંગેની વાત કરી હતી.

શિવાનંદ ઝાએ આ અંગે વાતચીત કરવાનો ઇન્કાર કર્યો હતો.

એમણે 14 ઑક્ટોબર 2018ના દિવસે રજૂ કરેલી ઍફિડેવિટમાં નોંધ્યું છે કે આ તોફાનો ન થાય એ માટે અમે 1 ઑગસ્ટથી 23 ઑગસ્ટ 2015 સુધીમાં થયેલાં હિંસક તોફાનોમાં સીઆરપીસીની કલમ 107, 109, 542, 110, 278 તથા ગુજરાત પોલીસ ઍક્ટની સેક્શન 56, 57, 122, 124, 142 હેઠળ અને પ્રૉહિબિશન ઍક્ટ 93 મુજબ કુલ 3126 કેસ નોંધ્યા છે.

એમણે પોતાની ઍફિડેવિટમાં એમ પણ કહ્યું છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર તોફાન ન થાય તે માટે શાંતિ સમિતિની અને એકતા સમિતિની કુલ 157 મિટિંગ કરી હતી.

એ બાદ લખ્યું છે કે 25 ઑગસ્ટ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂક્યો હતો. જેમાં દસ એસપી, 20 ડીવાયએસપી, 128 પીઆઈ, 387 પીએસઆઈ, 412 મહિલા પોલીસ કૉન્સ્ટેબલ, 5,138 એએસઆઈ, હેડ કૉન્સ્ટેબલ અને પોલીસ કૉન્સ્ટેબલ મૂક્યા હતા. આ ઉપરાંત એસઆરપીની કંપનીઓ લગાવી હતી.

ઍફિડેવિટમાં લખ્યું છે કે વાડજથી શરૂ થયેલાં તોફાનો પ્રસર્યાં હતાં અને પોલીસ ફોર્સ પણ ઓછો પડ્યો હતો. એટલે તાત્કાલિક રાત્રે ત્રણ વાગ્યે વધારાની સીઆરપીએફ, આરએએફ અને ટુકડીને બોલાવી લેવાઈ હતી.

એમાં નોંધ્યું છે કે બીજા બનાવો ન બને તે માટે પેટ્રોલપંપ અને કેરોસીનડેપો બંધ કરાવી દીધા હતા.

ઍફિડેવિટમાં લખ્યું છે કે આ અંગેની તૈયારીઓ આંદોલનકારીઓ 17 ઑગસ્ટથી સોશિયલ મીડિયા દ્વારા કરતા હતા.

શિવાનંદ ઝાએ ઍફિડેવિટમાં આ વાત વધુ ગંભીર હોવાનો દાવો કરતાં કહ્યું છે કે 25 ઑગસ્ટે આ રેલી થવાની હતી, તે પહેલાં ગુરુદાસપુર, જમ્મુ-કાશમીરની અંદર આતંકવાદી હુમલાઓ પણ થયા હતા. એટલે અમે ગુપ્તચર વિભાગને પણ તૈયાર રાખ્યું હતું.

તેમના કહેવા પ્રમાણે સમગ્ર વિસ્તારમાં હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી કૅમેરા પણ ગોઠવ્યા હતા. પણ ભડકાઉ ભાષણ પછી અમદાવાદથી સોશિયલ મીડિયા દ્વારા જે પ્રકારે મૅસેજ ફર્યા, તેમાં તોફાનો પ્રસર્યાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો