You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ દંપતીનાં લગ્નની રાત જીવનની સૌથી ખરાબ રાત કેમ બની ગઈ?
- લેેખક, સિકંદર કિરમાણી
- પદ, બીબીસી ન્યૂઝ
આ એમના જીવનનો સૌથી ખુશીનો દિવસ બનવાનો હતો, પરંતુ તે સૌથી ખરાબ દિવસ બની ગયો. અફઘાનિસ્તાનમાં રહેતા મીરવાઇઝ અને રેહાનાનાં લગ્ન પાછલાં વર્ષે રાજધાની કાબુલમાં થયાં હતાં.
રેહાનાએ બીબીસીને જણાવ્યું, "રોજ રાત્રે મને ખરાબ સપનાં આવે છે. હું રડું છું અને સૂઈ નથી શકતી. હું જ્યારે પણ ગોળી ચાલવા અથવા ધડાકાનો અવાજ સાંભળું છું તો મને એ દિવસ યાદ આવી જાય છે. એવું લાગે છે જાણે મારી સાથે ફરી કંઈક થઈ જશે."
તેમનાં લગ્નના દિવસે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 90 મહેમાનોના જીવ ગયા હતા.
આ દુર્ઘટનાએ મીરવાઇઝ અને રેહાનાના અનેક નિકટના સંબંધીઓને છીનવી લીધા અને એમને ઊંડો આઘાત પહોંચાડયો.
આ અઠવાડિયે તેમનાં લગ્નની વર્ષગાંઠ હતી. આ પહેલાં પહેલી વાર 18 વર્ષના રેહાનાએ એ દિવસે થયેલી ઘટનાઓ પર જાહેરમાં વાત કરી.
લગ્નની રાત્રે જે લોકો માર્યા ગયા તેમના સંબંધીઓએ લગ્નના હૉલની સામે વિરોધપ્રદર્શન કરવાનું વિચાર્યું છે. આ રીતે તેઓ મૃત્યુ પામનારાઓને યાદ કરવા મને એમના માટે ન્યાય માગવા ઇચ્છે છે.
પરંતુ મીરવાઇઝ એમાં સામેલ નહીં થાય. ધડાકાના વિચારથી જ તેમના હાથ કાંપવા લાગે છે. તેઓ કહે છે, "લગ્ન પહેલાં અમે ઘણાં ખુશ હતાં. પરંતુ અચાનક જ અમે જાણે ખુશીઓના આકાશ ઉપરથી દુઃખોની ધરતી પર આવી ગયા. અમારી બધી ખુશીઓ લૂંટાઈ ગઈ."
મીરવાઇઝ અને રેહાનાનાં લગ્નને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કે તેઓ અફઘાનિસ્તાનમાં રહેતા શિયા સમુદાયમાંથી આવે છે. ઇસ્લામિક સ્ટેટ આ સમુદાયને ધર્મવિરોધી માને છે. હાલનાં વર્ષોમાં એણે તેમના સમુદાય પર સતત અનેક હુમલાઓ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુર્ઘટનાનો લાગ્યો આરોપ
રેહાના અને મીરવાઇઝ માટે આ દુર્ઘટનાની પીડા ભૂલવી પહેલેથી જ મુશ્કેલ હતી, પરંતુ એમના ઘા ત્યારે વધુ ઊંડા થઈ ગયા જ્યારે એમના સંબંધીઓ એમને જ આને માટે જવાબદાર ઠેરવવા લાગ્યા.
મીરવાઇઝ યાદ કરતા જણાવે છે, "એક દિવસ હું ખરીદદારી માટે ગયો હતો ત્યાં મને એક મહિલા મળી, જેમણે મારા લગ્નપ્રસંગમાં એક સંબંધીને ગુમાવ્યા હતા, તેઓ મને હત્યારો કહેવા લાગી."
તેઓ કહે છે કે કેટલાક પરિવાર તેમને પોતાના દુશ્મનોની જેમ જોવા લાગ્યા. મીરવાઇઝ એક દરજી છે અને એમને વિરોધને કારણે તેમની દુકાન બંધ કરવી પડી.
લોકોએ રેહાનાને પણ માફ ન કર્યાં. લોકોનું કહેવું હતું કે જો આ બંનેએ તે દિવસે લગ્ન જ ન કર્યાં હોત એ તો આ ધડાકો ન થાત. તેઓ કહે છે, "દરેક જણ એ દુર્ઘટના માટે મને જવાબદાર ઠેરવે છે. હું બધું ચૂપચાપ સહન કરી લઉં છું અને કંઈ નથી બોલતી."
આ ધડાકાની જવાબદારી લેનાર ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરખામણીમાં ઓછું શક્તિશાળી છે. પરંતુ આ સંગઠને અનેક જીવલેણ હુમલા કર્યા છે.
મેમાં આ સંગઠનને કાબુલમાં એક બાળકોની હૉસ્પિટલમાં થયેલા ભયાનક હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આ હુમલામાં ચરમપંથીઓએ 24 મહિલાઓ, બાળકો અને શિશુઓને મારી નાખ્યા હતા.
આ મહિનાની શરૂઆતમાં આઈએસે જલાલાબાદમાં પૂર્વ શહેરની એક જેલ પર હુમલો કરી સેંકડો કેદીઓને મુક્ત કરી દીધા. આઈએસે પોતાના કબજા વાળા અનેક વિસ્તારો ગુમાવી દીધા અને એના અનેક મોટા નેતા અટકાયતમાં પણ લેવાયા તેમ છતાં આઈએસે આ હુમલાને અંજામ આપ્યો.
વર્તમાન અશાંત પરિસ્થિતિમાં રેહાના અને મીરવાઇઝની એ કડવી યાદો ફરી તાજી થઈ જાય છે.
મીરવાઇઝ કહે છે, "લગ્નના એક અઠવાડિયા પછી કાબુલના અન્ય એક વિસ્તારમાં ધડાકો થયો અને મારી પત્ની ગભરાઈને બેહોશ થઈ ગઈ."
રેહાનાને હવે મનોવૈજ્ઞાનિક મદદ મળી રહી છે જે બધાને નથી મળી શકતી. આ કાબુલસ્થિત ચેરિટી પીસ ઑફ માઇન્ડ અફઘાનિસ્તાનની મદદથી શક્ય બન્યું છે.
તેઓ કહે છે કે આ થૅરપી એમને હુમલાની પીડા અને મૂંઝવણ અને જે રીતે એમને આને માટે જવાબદાર ગણાવી રહ્યા છે એ બધી બાબતોમાંથી બહાર આવવામાં મદદ કરી રહી છે.
રેહાના કહે છે, "મારે માટે એ સારું છે કે કંઈ નહીં તો હું મારી પરેશાનીઓ કોઈની સાથે વહેંચી શકું છું."
એમના મનોવૈજ્ઞાનિક લાઇલા શ્વાર્ટ્ઝે આ દંપતી અંગે બીબીસી સાથે વાતચીત કરી.
તેમણે જણાવ્યું, "રેહાનાની આ સ્થિતિમાં ધીમેધીમે સુધારો થઈ રહ્યો હતો, પરંતુ ત્યારે જ એક ધડાકો થયો અને તે ફરી એ મનોસ્થિતિમાં જતાં રહ્યાં."
અફઘાનિસ્તાનમાં દર વર્ષે હજારો લોકો માર્યા જાય છે અથવા ઘાયલ થઈ જાય છે. તેમ છતાં ઘણા ઓછા લોકોને કાઉન્સેલિંગ મળી શકે છે. જે દેશોમાં લોકોને મૂળભૂત સ્વાસ્થ્યસેવા બરાબર રીતે નથી મળી રહી ત્યાં માનસિક તંદુરસ્તીને ઘણી વાર પ્રાથમિકતાની રીતે નથી જોવાતી.
રેહાના અને મીરવાઇઝ ખાનગી થૅરપીનો ખર્ચ ન ઉઠાવી શકત, પરંતુ એમને ચેરિટીને કારણે મદદ મળી છે.
શાંતિની આશા નહીં
રેહાના કહે છે કે મનોવૈજ્ઞાનિક સાથે વાત કરી અને પોતાની તકલીફ બતાવવાથી એમને ઘણી મદદ મળી છે.
મીરવાઇઝ પણ આ વાત સાથે સહમતી આપે છે. તેઓ કહે છે, "અફઘાનિસ્તાનમાં મૅન્ટલ હેલ્થ પર કામ કરતા ઘણા બધા લોકોની જરૂર છે. દરેક અફઘાનીએ દુઃખ જોયું છે અને પરિવારજનોને ગુમાવ્યા છે."
અફઘાન સરકાર અને તાલિબાનો વચ્ચે શાંતિવાર્તા આવનારા સપ્તાહોમાં શરૂ થવાની આશા છે, પરંતુ સંઘર્ષ યથાવત્ છે. આઈએસ આ વાતચીતનો હિસ્સો નથી. રેહાના કહે છે કે હવે તેઓ અફઘાનિસ્તાનમાં સુરક્ષિત અનુભવ નથી કરતા.
શ્વાર્ટ્ઝ થોડું ફંડ ભેગું કરવા વિચારી રહ્યા છે જેથી આ દંપતીને કેટલાક સમય માટે વિદેશમાં સમય પસાર કરવાની તક મળે, જ્યાં તેઓ આ આત્મઘાતી હુમલાની પીડાદાયક યાદોથી અને એ આરોપોથી દૂર જતા રહે જે એમના લગ્નના દિવસે થયેલી દુર્ઘટનાને કારણે તેમના પર લાગ્યા છે.
મીરવાઇઝનું પણ આ આઘાતમાંથી બહાર નીકળવામાં મદદ માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, પરંતુ રેહાનાની જેમ એમને પણ શાંતિની સંભાવનાને લઈને કોઈ આશા નથી.
તેઓ કહે છે, "મારાં લગ્નના પહેલાંથી તેઓ કહી રહ્યા હતા કે કેટલાક દિવસોમાં શાંતિ થશે. હવે એક વર્ષ થઈ ગયું છે. ક્યાં છે શાંતિ?"
"હું તમને કહી રહ્યો છું, 10 વર્ષ પછી પણ તમને અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા નહીં જોવા મળે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો