કોરોના વાઇરસનો એક પણ કેસ નથી તેવા દેશોની કહાણી

    • લેેખક, ઓવેન અમૉસ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસ મહામારીએ આ દસ દેશોને છોડીને દુનિયાના લગભગ દરેક દેશ પર પોતાની અસર દેખાડી છે.

પરંતુ શું આ દેશ ખરેખર કોરોનાથી મુક્ત રહ્યા છે? અને એક સવાલ એ પણ છે કે આ દેશોમાં હાલ શું ચાલી રહ્યું છે?

1982માં ખુલેલી ' ધી પલાઉ હોટલ' એક જમાનામાં મોટી હોટલ ગણાતી, આ હોટલનું મોટું નામ હતું કારણકે એ સમયે કોઈ અન્ય હોટલ ન હતી.

ત્યારથી, આસમાની રંગના પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલા આ નાનકડા દેશે પર્યટનમાં ઉછાળાનો પૂરો આનંદ લીધો હતો.

2019માં લગભગ 90 હજાર પર્યટક પલાઉ પહોંચ્યા હતા, એટલે દેશની કુલ વસતિથી લગભગ પાંચ ગણા પર્યટકો અહીં આવ્યા હતા.

2017માં આઈએમએફના આંકડા મુજબ દેશની જીડીપીમાં 40 ટકા આવક પર્યટનથી આવે છે.'

પરંતુ આ કોરોના મહામારી પહેલાંની વાત છે.

પલાઉની સરહદ માર્ચના છેલ્લા અઠવાડિયાથી બંધ છે, એટલે કે લગભગ ત્યારથી જ જ્યારે ભારતમાં લૉકડાઉનની જાહેરાત થઈ.

જોકે, પલાઉ દુનિયાના એવા 10 દેશો (ઉત્તર કોરિયા અને તુર્કમેનિસ્તાનને છોડીને)માં સામેલ છે જ્યાં કોરોના સંક્રમણનો કોઈ ઑફિસિયલ કેસ નથી.

પરંતુ કોઈ પણ વ્યક્તિના સંક્રમિત થયા વગર, કોરોના વાઇરસે આ દેશને તબાહ કરી નાખ્યો છે.

ધી પલાઉ હોટલ માર્ચ મહિનાથી જ બંધ છે. પલાઉની બધી રેસ્ટરાં ખાલી પડી છે.

જે દુકાનો પર પર્યટકો ભેટમાં આપવા માટે સામાન ખરીદવા આવતા હતા, તે પણ બંધ છે.

માત્ર એ જ હોટલો ખુલ્લી છે જ્યાં વિદેશથી પાછા આવી રહેલા પલાઉના નાગરિકોને ક્વોરૅન્ટીનની સુવિધા આપવામાં આવી રહી છે.

10 દેશ જ્યાં કોરોના વાઇરસનો એક પણ કેસ નથી

  • પલાઉ
  • માઇક્રોનેશિયા
  • માર્શલ દ્વીપ સમૂહ
  • નાઉરૂ
  • કિરિબાતી
  • સોલોમોન દ્વીપ સમૂહ
  • તુવાલુ
  • સમોઆ
  • વાનુઅતુ
  • ટોંગા

ધી પલાઉ હોટલના પ્રબંધક બ્રાયન લી કહે છે, "અહીંનો સમુદ્ર દુનિયાના કોઈ પણ અન્ય સ્થળ કરતાં વધારે સુંદર છે. "

તેઓ કહે છે, આકાશના રંગ જેવો વાદળી સમુદ્ર જ છે જે તેમને વ્યસ્ત રાખે છે. કોરોના પહેલા તેમની હોટલની 54 રૂમમાંથી 70-80 ટકા રૂમ દરેક સમયે ભરાયેલી રહેતી. પરંતુ સરહદ બંધ થયા પછી તેમની પાસે કોઈ કામ નથી.

બ્રાયન કહે છે, "આ એક નાનો દેશ છે, એટલે સ્થાનિક લોકો તો પલાઉ હોટલમાં આવીને ન રહે. "

તેમની ટીમમાં લગભગ 20 કર્મચારીઓ છે અને તેમણે હજી એ બધાને કામ પર રાખ્યા છે, જોકે તેમના કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે.

તેઓ કહે છે, " દરરોજ તેમના માટે કામ શોધવું મુશ્કેલ છે. જેમકે-રખરખાવનું કામ, કોઈ ભાગના નવીનીકરણનું કામ અથવા કંઈ બીજું."

પરંતુ આ કામ પણ ક્યાં સુધી ચાલશે? બ્રાયન કહે છે," આ રીતે હજી છ મહિના ચાલશે, પછી હોટલ બંધ કરવી પડશે."

બ્રાયન આ પરિસ્થિત માટે સરકારને દોષી નથી ગણતા, સરકારે પલાઉના રહેવાસીઓને આર્થિક સહાયતાની પહેલ કરી છે અને સૌથી મોટી વાત- કોરોના સંક્રમિતોને સફળતાપૂર્વક દેશથી બહાર રાખ્યા છે.

તેઓ કહે છે, "સરકારે પોતાના સ્તર પર સારું કામ કર્યું છે." પરંતુ પલાઉની સૌથી જૂની અને સ્થાપિત હોટલની જો આ પરિસ્થિતિ હોય તો ત્યાં જલદી ફેરફારની જરૂર છે.

સરહદ ખોલવાનો ડર

પલાઉના રાષ્ટ્રપતિએ હાલમાં જ જાહેરાત કરી હતી કે "આવશ્યક હવાઈ યાત્રા એક સપ્ટેમ્બર સુધી ફરી શરૂ થઈ શકે છે."

જોકે આ દરમિયાન એવી અફવા પણ ઊડી કે તાઇવાન સાથે પલાઉનો ઍર કૉરિડોર બનાવવાની વાત ચાલી રહી છે, જેનાથી પર્યટકોને આવવાની પરવાનગી મળશે.

જોકે બ્રાયનને લાગે છે કે આવું જલદી નહીં થાય.

તેઓ કહે છે, "સરકારે બિઝનેસ ફરીથી ખોલવાનું શરૂ કરવું પડશે. કદાચ ન્યૂઝીલૅન્ડ અથવા એવા અન્ય કોઈ દેશ સાથે પર્યટકો માટે ઍર-બબલ શરૂ કરવાથી મદદ મળે. નહીં તો અહીંનો તમામ બિઝનેસ ચોપટ થઈ જશે."

પલાઉથી પૂર્વ દિશામાં લગભગ ચાર હજાર કિલોમિટરના અંતરે વિશાળ પ્રશાંત મહાસાગરને પાર માર્શલ દ્વીપ સમૂહ આવેલો છે.

જે હજી સુધી કોરોના ફ્રી છે. પરંતુ પલાઉની જેમ, કોરોના સંક્રમણ ન ફેલાવવાનો અર્થ એ નથી કે તેનો કોઈ પ્રભાવ નથી. અહીં હોટલ રીમર્સ આવેલી છે જેનું લૉકેશન શાનદાર છે.

કોરોના પહેલાં હોટલના 36 રૂમોમાંથી લગભગ 75-88 ટકા ભરાયેલા રહેતા. અહીં મોટે ભાગે એશિયા અને અમેરિકાના પર્યટકો આવે છે. પરંતુ જ્યારથી સરહદ બંધ છે, હોટલ પાસે 3થી 5 ટકા જેટલું જ કામ બચ્યું છે.

આ હોટલ માટે કામ કરતાં સોફિયા ફાઉલર કહે છે, " અમારી પાસે બહારના દ્વીપોથી આવનારા લોકોની સંખ્યા પહેલાંથી જ સીમિત હતી, પરંતુ લૉકડાઉનને કારણે સ્થિતિ ખરાબ થઈ છે."

'કોરોના મહામારી એક નહીં તો બીજા રસ્તે પરેશાન કરી શકે છે'

રાષ્ટ્રીય સ્તર પર માર્શલ દ્વીપ સમૂહમાં કોરોનાને કારણે 700થી વધારે નોકરીઓ જવાની શક્યતા છે.

1997 બાદ આ સૌથી મોટી પડતી છે, આમાંથી 258 નોકરીઓ હોટલ અને રેસ્ટરાં ક્ષેત્રમાં જવાની શક્યતા છે.

પરંતુ માર્શલ દ્વીપ સમૂહ 'સેલ્ફ આઇસોલેશને' પર્યટનને વધારે પ્રભાવિત કર્યું છે કારણકે પલાઉની સરખામણીમાં માર્શલ દ્વીપનું અર્થતંત્ર પર્યટન પર નર્ભરતા ઓછી છે. પરંતુ અહીં મોટી સમસ્યા મત્સ્યઉદ્યોગને છે.

દેશને કોવિડ-મુક્ત રાખવા માટે, સંક્રમિત દેશોનાં વહાણો પર માર્શલ દ્વીપનાં બંદરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઈંધણનાં ટૅન્કર અને કંટેનર વહાણો સહિત અન્ય મોટાં વહાણોને પ્રવેશ કરતાં પહેલાં સમુદ્રમાં 14 દિવસ ક્વોરૅન્ટીનમાં રહેવું પડે છે.

માછલી પકડવાનાં લાઇસન્સ રદ કરી દેવાયાં છે અને કાર્ગો ફ્લાઇટની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે.

ટૂંકમાં કહીએ તો વાઇરસને તો બહાર રાખી શકાય છે પરંતુ તેને હરાવી શકતો નથી. કોરોના મહામારી એક નહીં તો બીજા રસ્તે પરેશાન કરી શકે છે.

જોકે, સોફિયાને આશા છે કે 'પરિસ્થિતિ જલદી સુધરશે'.

સ્થાનિક અર્થતંત્રના સહારે ટકશે દેશ?

કોરોના મહામારીને કારણે સરહદ બંધ કરવાને કારણે અનેક દેશો ગરીબ થયા છે છતાં બધા નથી ઇચ્છતા કે સરહદો ખોલી નાખવામાં આવે.

ડૉક્ટર લેન ટારિવોંડા વાનુઅતુમાં સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગના નિદેશક છે. તેઓ ત્રણ લાખની વસતિ ધરાવતી રાજધાની પોર્ટ વિલામાં કામ કરે છે. પોતે અમ્બે શહેરના છે જ્યાંની વસતિ દસ હજાર જેટલી છે.

તેઓ કહે છે, "અમ્બેના લોકો સરહદ બંધ રાખવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી મહામારી ખતમ નથી થતી, સરહદ બંધ રાખવી જોઈએ કારણ કે તેમને મહામારીનો ભય વધારે છે. તેઓ આનાથી બચવા માગે છે."

ડૉ લેન ટારિવોંડા પ્રમાણે, ''વાનુઅતુના 80 ટકા જેટલાં લોકો શહેરો અને 'ઔપચારિક અર્થતંત્ર'થી બહાર જ છે.

ટારિવોંડા કહે છે કે તેમને બંધથી કોઈ ફેર નથી પડતો, તેઓ ખેડૂત છે પોતાનું ભોજન પોતે પેદા કરે છે અને તેઓ સ્થાનિક છે જે પારંપારિક અર્થતંત્ર પર નિર્ભર છે.

તો પણ દેશને નુકસાનથી બચાવવો મુશ્કેલ છે. એશિયાઈ વિકાસ બૅન્કનું અનુમાન છે કે વાનુઅતુના જીડીપીમાં લગભગ દસ ટકાની ઘટ આવશે.

જે 1980માં સ્વતંત્રતા પછી વાનુઅતુનો સૌથી મોટો ઘટડો છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો પ્રભાવ અહીં લાંબા સમય સુધી રહેશે.

જુલાઈમાં વાનુઅતુની સરકારે એક સપ્ટેમ્બર સુધી અમુક સુરક્ષિત દેશો માટે પોતાની સરહદ ફરીથી ખોલવાની યોજના બનાવી છે. પરંતુ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં ફરીથી કેસ આવવાથી યોજના રદ થઈ ગઈ છે.

ટારિવોંડાનું કહેવું છે કે 'મુશ્કેલી અને સરહદ ખોલવાની આવશ્યકતા છતાં વાનુઅતુ કોઈ ઉતાવળ નહીં કરે. '

તો આ કોવિડ ફ્રી દેશો શું કરી શકે છે?

અલ્પસમયનો ઉપાય છે કે શ્રમિકો અને વેપારોને આર્થિક મદદ આપવામાં આવે અને એકમાત્ર દીર્ઘકાલીન ઉપાય છે કે 'કોરોનાની રસીની રાહ જોવામાં આવે.'

ત્યાં સુધી, યાત્રિકોને પોતાને ત્યાં બોલવવા માટે ઍરબબલની આશા રાખી શકાય. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેને લાગુ કરવું બહુ મુશ્કેલ છે.

વાનુઅતુના સપ્ટેમ્બર પ્લાનમાં જેમ જોવામાં આવ્યું -ઍર-બબલ પ્લાન સહેલાઈથી ફૂટી પણ શકે છે, કારણકે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડે સ્પષ્ટ કર્યું છે કે ઍરબબલ પ્લાનને પહેલાં એક બીજા સાથે અજમાવશે.

લૉવી ઇન્સ્ટીટ્યૂટમાં પૅસિફિક આઇલૅન્ડ પ્રોગ્રામના નિદેશન જોનાથન પ્રીકે પ્રમાણે, એમાં કોઈ શંકા નથી કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ દેશો પાસે સેલ્ફ-આઇસોલેશન સિવાય કોઈ વિકલ્પ નથી.

તેઓ કહે છે, જો આ દેશોએ પોતાની સરહદ ખોલી હોત તો પણ પર્યટન માટે મહત્ત્વપૂર્ણ દેશો ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાએ પોતાની સરહદ ન ખોલી હોત. "

તેઓ ઉમેરે છે, "આ નિશ્ચિતપણે બેવડો માર છે, સંક્રમણ અને બીમારી તો છે જ, સાથે જ આર્થિક સંકટ પણ છે. આનો સાચો જવાબ શોધવામાં વર્ષો લાગી શકે છે કે કોરોનાના સમયમાં કોનો નિર્ણય સાચો કે ખોટો હતો. પરંતુ આ દેશોની સરહદ બંધ કરવાના નિર્ણયને કદાચ કોઈ પણ ખોટો નહીં ગણાવી શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો