રશિયા : આખરે ડૉક્ટરોએ પુતિનવિરોધી નેતા એલેક્સી નવેલનીને જર્મની લઈ જવા મંજૂરી આપી

જેમને કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ મૂકાઈ રહ્યો તે રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવેલનીને લાવવા માટે જર્મનીથી એક વિમાન સાઇબિરીયા રવાના કરવામાં આવ્યું છે. એમને વધારે સારવાર માટે જર્મની લઈ જવા આખરે રશિયન ડૉક્ટરોએ મંજૂરી આપી દીધી છે.

અગાઉ એમને આગળ ઇલાજ માટે બર્લિન લાવવાની વાત હતી પરંતુ ડૉક્ટરોનું કહેવું હતું કે સફર માટે એમની હાલત ઠીક નથી.

ગુરૂવારે એલેક્સીને બેભાન હાલતમાં સાઇબેરિયાની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ કોમામાં છે.

એમના પ્રવક્તાનું કહેવું છે કે કદાચ ઍરપૉર્ટ પર કૅફેમાં એમની ચામાં ઝેર આપવામાં આવ્યું હતું. જોકે, ડૉક્ટરો આનો ઇન્કાર કરે છે.

અગાઉ રશિયાના ડૉક્ટરોએ નવેલનીની ચકાસણી કરી અને તેમનું કહેવું હતું કે નવેલની સફર કરી શકે એ સ્થિતિમાં નથી. જોકે, આખરે એમણે એમને જર્મની શિફ્ટ કરવાની પરવાનગી આપી છે.

ડૉક્ટરોનું કહેવું છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તેમને જર્મની શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જર્મનીના ઍક્ટિવિસ્ટોએ એલેક્સી નવેલનીને લેવા માટે આ વિમાન મોકલ્યું છે.

બર્લિનસ્થિત એક સંસ્થા સિનેમા ફૉર પીસ ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું કે વિમાનમાં તમામ મેડિકલ સાધનો છે. એમણે કહ્યું કે બર્લિનની હૉસ્પિટલ એમના ઇલાજ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

સંસ્થાને આશા હતી શુક્રવાર સુધીમાં એમને બર્લિન લાવવામાં આવશે.

જર્મની અને ફ્રાંસ બેઉએ કહ્યું છે કે એલેક્સી નવેલનીનો ઇલાજ કરવામાં એમને ખુશી થશે.

જર્મનીનાં ચાન્સૅલર ઍંગેલા મર્કલે કહ્યું કે એલેક્સી નવેલનીને જે પણ મેડિકલ મદદની જરૂર હશે એ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ પુતિનના એક પ્રવક્તાએ એમ કહ્યું કે જરૂર પડ્યે નવેલનીને સારવાર માટે વિદેશ મોકલવામાં આવશે.

પ્લૅનનું આકસ્મિક લૅન્ડિંગ

ગુરૂવારે રશિયાના વિરોધપક્ષના નેતા એલેક્સી નવેલની બેભાન થઈ જતા તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાના કહેવા પ્રમાણે તેઓ કોઈ શંકાસ્પદ ઝેરના કારણે પીડાઈ રહ્યા હતા.

ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલન ચલાવતા વિપક્ષના નેતા પ્લૅનમાં મુસાફરી કરી રહ્યા ત્યારે તેમના પ્લૅનનું આકસ્મિક લૅન્ડિંગ ઓમસ્ક ખાતે કરવામાં આવ્યું હતું.

તેમના પ્રવક્તા કિરા યરમિશના કહેવા પ્રમાણે તેમની ચામાં કંઈક શંકાસ્પદ વસ્તુ ભેળવી દેવામાં આવી હતી.

હૉસ્પિટલે કહ્યું છે કે એલેક્સી નવેલનીની હાલત સ્થિર છે પણ સ્થિતિ ચિંતાજનક છે.

44 વર્ષીય એલેક્સી નવેલની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આકરા ટીકાકાર છે.

જૂન મહિનામાં રશિયામાં બંધારણીય સુધારા પર મતદાન કરવામાં આવ્યું તેને તેમણે "સફળ ચાલ" અને "બંધારણનું ઉલ્લંઘન" કહ્યું હતું. આ બંધારણીય સુધારાથી પુતિનને બે ટર્મ વધારે મળી હતી.

એલેક્સી નવેલનીના પ્રવક્તાનો ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ

એલેક્સી નવેલની દ્વારા વર્ષ 2011માં ઍન્ટિ-કરપ્શન ફાઉન્ડેશનની સ્થાપ્ના કરવામાં આવી હતી. જેના પ્રેસ સેક્રેટરી કિરા યરમિશે ટ્વીટ કર્યું, "આજે સવારે નવેલની મૉસ્કોથી પરત ટોમ્સક ફરી રહ્યા હતા"

"આ સમયે ફ્લાઇટમાં તેઓ માંદા પડ્યા. ઓમ્સ્ક ખાતે પ્લૅનનું ઇમરજન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું. એલેક્સી નવેલનીને ઝેર આપવામાં આવ્યું હતું."

તેમણે વધુમાં કહ્યું, "અમને શંકા છે કે એલેક્સીને જે ઝેર આપવામાં આવ્યું છે તે તેમની ચામાં ભેળવીને આપવામાં આવ્યુ હતું. એ એક જ વસ્તુ હતી જે તેમણે સવારથી પીધી હતી."

"ડૉકટરો કહી રહ્યા છે કે ઝેરી વસ્તુઓ ગરમ પ્રવાહીમાં ઝડપથી એકરસ થઈ જાય છે. હાલ એલેક્સી બેભાન છે."

કિરા યરમિશે પછી ટ્વિટ કરીને કહ્યું કે તેઓ હાલ વૅન્ટિલેટર પર છે અને કોમામાં છે અને હૉસ્પિટલ પોલીસથી ભરાઈ ગઈ છે.

તેમણે કહ્યું ડૉક્ટર શરૂઆતમાં તો તમામ પ્રકારની માહિતી આપવા તૈયાર હતા પરંતુ હવે કહી રહ્યા છે કે ઝેરનો ટેસ્ટ થવામાં વાર લાગશે અને "સ્પષ્ટપણે સમય સાથે રમી રહ્યા છે અને તે કંઈ પણ કહી રહ્યા નથી"

હૉસ્પિટલના ફિઝિશિયન વિભાગના ડેપ્યુટી હેડે કહ્યું કે, તેમને ઝેર આપવામાં આવ્યું હતું તે વાત સ્પષ્ટ નથી, તેમ છત્તાં "કુદરતી રીતે ઝેર" ફેલાયું હોય તેમ પણ બની શકે છે.

એલેક્સી નવેલની કોણ છે?

સરકારી ભ્રષ્ટાચારને જાહેર કરીને એલેક્સી નવેલની પોતાનું નામ બનાવ્યું છે. તેમણે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને ગુનેગારો અને ઠગની પાર્ટી ગણાવી હતી.

ડિસેમ્બર, 2019માં એલેક્સી નવેલની ફાઉન્ડેશન પર રૅઇડ પાડવા માટે મીડિયા કૅપ્શન પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંસદીય ચૂંટણીઓમાં પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટી દ્વારા થયેલાં ભ્રષ્ટાચારના વિરોધ બાદ 2011માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 15 દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.

એલેક્સી નવેલનીને જુલાઈ 2013માં ઉચાપત કરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે સજાને રાજકીય ગણાવી હતી.

એલેક્સી નવેલનીને જુલાઈ 2019માં ખોટી રીતે વિરોધપ્રદર્શન કરવા બદલ 30 દિવસની જેલની સજા કરાઈ હતી. ત્યારે પણ તેમણે ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

એલેક્સી નવેલની પર 2017માં એન્ટિસેપ્ટિક રંગથી હુમલો થયા પછી તેમની જમણી આંખમાં ગંભીર રાસાયણિક બળતરા થઈ હતી.

ગયા વર્ષે તેમના ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશનને સત્તાવાર રીતે "વિદેશી એજન્ટ" જાહેર કરવામાં આવ્યું, જેનાથી અધિકારીઓ તેના પર વધારે તપાસ કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો