You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ હવે યુવાનો ફેલાવી રહ્યા છે?
અમેરિકામાં રહેતાં 22 વર્ષનાં ઍમી કોરોના વાઇરસની પીડા અને પ્રભાવોનો અનુભવ કરી ચૂક્યાં છે. એટલા માટે તેઓ લોકોને સલાહ આપે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરો.
ઍમી ગત વર્ષે માર્ચમાં પોર્ટુગલના પ્રવાસે ગયાં હતાં. તે પ્રવાસ દરમિયાન તેઓ સંક્રમિત થયાં. તેમને તાવ આવ્યો અને ચક્કર ખાઈને પડી ગયાં.
ઍમીને સતત ઊલટીઓ આવતી હતી અને બરાબર ઊંઘ નહોતી થતી. આને લીધે તેમના શરીરમાં પાણી ઘટી ગયું અને તેઓ કમજોર થઈ ગયાં. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ક્યારેક તેમનું શરીર ઠંડું પડી જતું તો ક્યારેક અડધી રાત્રે પરસેવામાં તરબોળ ઊઠી જતાં.
તેઓ કહે છે, "એ સમય ખુદ મારા માટે, મારા મિત્રો અને પરિવાર માટે ખૂબ જ અઘરો હતો." તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.
ડરના આ અનુભવ બાદ ઍમી યુવાનોને કોરોના વાઇરસના ખતરા અંગે જાગૃત કરે છે.
તેમનું કહેવું છે કે તેઓ લોકોને સમજાવી તો રહ્યાં છે પરંતુ અમુક લોકો ખૂબ જ લાપરવાહ છે.
તેઓ જણાવે છે, "જ્યારે મને મળનારા મિત્રો કોઈ સાવધાની વિના બહાર ફરતા હોય તો એ ગાલ પર તમાચા જેવું લાગે છે. મારી ઉંમરના લોકો મિત્રો સાથે બહાર જવા માગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવાનો સંક્રમણના વાહક?
ઇંગ્લૅન્ડથી લઈને જાપાન અને જર્મનથી લઈને ઑસ્ટ્રેલિયા સિવાય પણ ઘણા દેશોમાં યુવાનોને કોરોના વાઇસના કેસમાં વધારા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
ઘણા અધિકારીઓનું કહેવું છે કે આ યુવાનો લૉકડાઉનમાં કંટાળી ગયા એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના બહાર ફરે છે.
બીજી તરફ અમુક નિષ્ણાતોનું કહેવું છે યુવાનો અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરે છે એટલા માટે બહાર નીકળે છે.
ઇંગ્લૅન્ડના ગ્રૅટર માન્ચેસ્ટર ખાતે નાયબ મેયર રિચર્ડ લીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યુવાનોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે.
લીસે ઉમેર્યું હતું, "શહેરમાં મોટા ભાગે સંક્રમણના કેસો યુવાનોમાંથી મળી આવે છે. અમુક લોકો એવી રીતે વર્તન કરે છે કે જાણે મહામારી ખતમ થઈ ગઈ હોય."
યુવાનોમાં કોરોનાનો વધારો
જાપાનના ટોક્યોમાં યુવાનોએ બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે અને તેને કોરોનાના વધતા કેસોનું કારણ માનવામાં આવી રહ્યું છે.
જાપાનમાં 20 અને 29 વર્ષની વયના યુવાનોમાં કોરોનાના વધુ કેસો જોવા મળ્યા છે.
આવી જ સ્થિતિ ઑસ્ટ્રેલિયામાં પણ જોવા મળી રહી છે. અહીંના વિક્ટોરિયા રાજ્યમાં ઑફિસ, જીમ અને કામ માટે લોકોને બહાર જવાની છૂટ અપાઈ છે.
પણ રાતના 8થી સવારના 5 સુધી કર્ફ્યૂ જાહેર કરી દેવાયો છે.
યુરોપમાં ઉનાળું વૅકેશન માટે પ્રખ્યાત સ્થળ બાર્સેલોનાથી લઈને ઉત્તર ફ્રાંસ અને જર્મનીમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
એવામાં સ્પેન અને જર્મનીમાં પણ રાત્રિ-કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ફ્રાંસમાં 15 અને 44 વર્ષના લોકોમાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુરોપ માટેના રિઝનલ ડૉક્ટરે ડૉ. હાંસ ક્લૂઝે આ મુદ્દે બીબીસી સાથે વાતચીત કરી.
ક્લૂઝે કહ્યું, "અમને નાગરિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ પાસેથી માહિતી મળી છે કે સંક્રમણના સૌથી વધુ કેસો યુવાનોના છે. જોકે, તેનું સ્પષ્ટ પ્રમાણ નથી."
તેમનું કહેવું છે કે યુવાનો પર દોષનો ટોપલો ઢાળવા કરતાં એ દિશામાં કામ કરવું જોઈએ કે સંક્રમણ રોકવામાં તેમનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.
કોરોના વાઇરસની ગંભીરતા સમજવી પડશે
યુવાનોમાં કોરોના વાઇરસનાં લક્ષણો ઓછાં દેખાય છે પરંતુ કોરોના વાઇસના દર્દીઓના અનુભવો કહે છે કે યુવાનો પણ આ બીમારીના લક્ષણોથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.
જૂનમાં શિકાગો નોર્થવેસ્ટર્ટન મેમોરિયલ હૉસ્પિટલના સર્જને એક 28 વર્ષની યુવતીનાં બન્ને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં. તે મહિલાનાં ફેફસાં કોરોના વાઇરલને લીધે સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયાં હતાં.
માયરા નામની આ યુવતી સ્વસ્થ હોવાનું માલૂમ પડી રહ્યું હતું પરંતુ હૉસ્પિટલ ગયાં બાદ તેમને 10 મિનિટમાં જ વૅન્ટિલેટર પર લઈ જવામાં આવ્યાં.
ડૉક્ટરે કહ્યું હતું કે વાઇરસે માયરાનાં ફેફસાં સંપૂર્ણ રીતે ખરાબ કરી નાખ્યાં છે. આખી હૉસ્પિટલમાં માયરા સૌથી બીમાર દર્દી હતાં.
માયરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'હું મને જ ઓળખી નહોતી શકી. હું ચાલી પણ નહોતી શકતી. કોરોના વાઇરસ કોઈ ભ્રમ નથી, તે વાસ્તવિક છે અને મેં તેનો અનુભવ કર્યો છે."
યુવાનોના જીવને જોખમ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટૅડરસ ઍડનૉમ ગ્રૅબિયેસિસ કહે છે, "આપણી સામે આ પડકાર છે કે યુવાનોને કોરોના વાઇરસના સંક્રમણ વિશે કેવી રીતે સમજાવવામાં આવે."
"અમે પહેલાં પણ કહ્યું હતું અને હજુ પણ કહીએ છીએ કે યુવાનોના જીવ પણ કોરોના વાઇરસના કારણે જઈ શકે છે અને તેઓ પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે."
ઍમી શિરસેલ પણ લોકોને આ જ સંદેશ આપવા માગે છે.
તેઓ કહે છે કે પોતાના મિત્રો અને પરિવારજનોને તેઓ સમજાવવાનો પ્રયાસ કરે છે તો વાતચીત ખૂબ મુશ્કેલ થઈ જાય છે.
ઘણા લોકો કહે છે કે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગવાની ચિંતા નથી. તેમને ડર લાગતો નથી.
ઍમી પણ કહે છે કે કોઈ પણ બીમારીની જેમ કોરોના વાઇરસ પણ એ લોકોને વધારે પ્રભાવિત કરી રહ્યો છે જેઓ નબળા વર્ગના છે જેમ કે અશ્વેત અને હિસ્પૅનિક લોકો.
તેઓ કહે છે, "હું લોકોને પૂછું છું કે જ્યારે તેઓ સાવધાની વર્તવા અને માસ્ક પહેરવાની ના પાડે છે તો બ્લેક લાઇવ મૅટર્સ અભિયાનને કેવી રીતે સમર્થન આપી શકે?"
"તમે પોતે આ બીમારીને ફેલાવી રહ્યા છો જેની અસર અશ્વેત લોકોએ ભોગવવી પડી રહી છે. યુવાનો તો આ વાતને સમજી જાય છે, પણ મધ્યમ ઉંમરના અને વૃદ્ધ લોકો નથી સમજતા."
ઍમીનું કહેવું છે કે લોકોએ એ સમજવું જરૂરી છે કે તેઓ ખૂબ સ્વાર્થી બની રહ્યા છે અને તેમના વ્યવ્હારની અસર અન્ય લોકોને પ્રભાવિત કરી રહી છે.
જોકે, આ વાત તમે એ લોકોને કેવી રીતે સમજાવી શકો જેઓ કહે છે કે તેમને કોઈ પરવા જ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો