'હૉસ્પિટલે માબાપ છીનવ્યાં, છેલ્લી નિશાની પણ લઈ લીધી', કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનાર દીકરીની આપવીતી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી માતાને હાર્ટની બીમારી હતી. કોઈ ખાનગી હૉસ્પિટલ સારવાર આપવા તૈયાર નહોતી. છેવટે અમે સરકારી હૉસ્પિટલમાં લઈ ગયાં. અને મારાં માતાને એ લોકોએ શંકાસ્પદ ગણી કોરોનાના વૉર્ડમાં નાખી દીધાં."

"એમની બરાબર સારવાર થતી નહોતી એના ટૅન્શનમાં મારા પિતાની હાલત ખરાબ થઈ. એમને પણ હૉસ્પિટલમાં લઈ ગયાં, તો કોરોના વોર્ડમાં દાખલ કરી દીધા. બંનેનું અવસાન થયું, એમને પોતાના શરીર પરથી નહીં ઉતારેલા દાગીના પણ હૉસ્પિટલે ના આપ્યા..."

ગત વર્ષે પોતાનાં માતાપિતા ગુમાવનારાં 28 વર્ષીય તેજલ શુક્લના આ શબ્દો છે.

ગાંધીનગરમાં રહેતાં તેજલ શુક્લ પોતાનાં માતાપિતાની આખરી નિશાની મેળવવા માટે ઘડીકમાં હૉસ્પિટલ તો ઘડીકમાં કલેક્ટર ઑફિસના આંટા મારતા હતા.

ભારે જહેમત પછી તેજલનો સંપર્ક સધાતાં એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી માતાને હાર્ટની બીમારી હતી. મારી માતા તારાબહેન આંગણવાડીમાં નોકરી કરતાં રિટાયર્ડ થઈ હતી અને મારા પિતા ગણપતભાઈ સરકારી નોકરીમાં ડ્રાઇવર તરીકે રિટાયર્ડ થયા હતા."

તેઓ કહે છે, "જિંદગીભર પાઈપાઈ બચાવી ઘર બનાવ્યું અને બાકી રહેલી પોતાની બચતમાંથી અમારાં બે બહેનોનાં લગ્ન કરાવ્યાં. કમનસીબે મારાં બહેનના એક દીકરાના જન્મ પછી પતિ સાથે અણબનાવ થતાં એ મારા પિતા સાથે રહેતી હતી."

તેજલ કહે છે કે તેમના પિતા રિટાયર્ડ થયા પછી પણ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા, કારણ કે એમને બીમાર પત્ની ઉપરાંત બહેન અને ભાણિયાની પણ જવાબદારી નિભાવવાની હતી.

'અંતિમ નિશાની છીનવી લીધી'

આટલું કહેતાં તેજલ થોડો પોરો ખાય છે. માતાપિતાની તસવીર સામે જોઈને તેજલ કહે છે. "સાહેબ અમે બે બહેનો, કોઈ ભાઈ નથી. અમને ભણાવવામાં અને લગ્ન કરાવવામાં મારા પિતાએ તમામ બચત વાપરી નાખી, પણ લગ્નસમયે એમને મળેલી વીંટી, એમણે હાથમાંથી કયારેય ઉતારી નહોતી."

તેઓ વાત આગળ માંડે છે, "તો મારી માતાએ એમનાં લગ્નની 25મી વર્ષગાંઠે પિતાએ લાવી આપેલી સોનાની ચેઇન અને પગનાં ઝાંઝર કયારેય ઉતાર્યાં નહોતાં. બંને ભલે અમને કંઈ ના કહે પણ આ ઘરેણાં એમનાં પ્રેમની નિશાની હતી."

"જૂન મહિનામાં કોરોનાનો કેર ચાલતો હતો. કોઈ ખાનગી ડૉક્ટર મારી માતાની સારવાર કરવા તૈયાર નહોતા. અમે છેવટે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં એમને લઈ ગયાં. અમને કોઈ જાણ ના કરી અને મારી માતાને કોરોનાના દર્દી ગણીને કોરોનાના વૉર્ડમાં નાખી દીધાં."

તેજલ કહે છે કે બસ, આમ અમારા કરમની કઠણાઈ શરૂ થઈ.

તેઓ આગળ કહે છે "મારી માતાને કોઈ મળવા દેતું નહીં, એની સાથે વીડિયો કૉલ પર વાત કરી. એને રડતાં જોઈને મારા પિતાને તકલીફ થઈ ગઈ. બીજા દિવસે અમારા ઘરે સરકારી ડૉક્ટર આવ્યા, ઘર સૅનેટાઇઝ કર્યું. આ સમયે મારા પિતાને અશક્તિ લાગતી હતી."

"એમને વગર પૂછ્યે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા અને એમને પણ કોરોનાના વૉર્ડમાં દાખલ કરી દીધા. અમને મળવા જવા ના દીધા."

"21 જૂને મારી માતાનું અવસાન થયું અને એ સમાચાર પછી 23 જૂને મારા પિતાનું અવસાન થયું. અમારાં બંને બહેનો માથે આભ તૂટી પડ્યું. અમને ખાલી અમારાં માતાપિતાનો ચહેરો જોવા દીધો અને અંતિમવિધિ કરી નાખી."

'જાણે કે અમે અછૂત થઈ ગયાં'

તેજલ આ વાત કરવા માટે મને ઘરેથી બહાર લઈ ગયાં, કારણ કે તેઓ એમનાં બે બાળક, નાની બહેન અને ભાણિયા સામે વાત કરવા નહોતાં માગતાં.

બહાર નીકળ્યાં પછી તેજલ પોતાનો આક્રોશ ઠાલવતાં કહે છે કે "અમારા ઘરને કોરોનાગ્રસ્ત જાહેર કર્યું પછી તો અમે અમારાં સગાં, આડોશીપાડોશી માટે અછૂત થઈ ગયાં. કોઈ અમારી સાથે વાત ના કરે."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે "અમારામાં ઘરમાં મરણપ્રસંગ પછી 12 દિવસ સુધી ઘરમાં ચૂલો ન સળગે, કોઈ અમને પૂછવા નથી આવ્યું. જાણે અમારા ઘરે આવવાથી યમરાજ એમને મારી નાખવાના હોય. ઘરમાં ત્રણ નાનાં બાળકો, અમે તો ભૂખ્યાં રહીએ પણ બાળકોની ભૂખ ન જોવાઈ એટલે હોટલમાંથી ખાવાનું લાવીને ખાધું."

તેજલ કહે છે કે તેમને તેમનાં માતાપિતાનાં ઘરેણાં મળ્યાં નથી.

તેઓ કહે છે, "વીડિયો કૉલમાં મારાં મમ્મી, પપ્પા હૉસ્પિટલથી બહાર લઈ જાવ એવી આજીજી કરતાં એ યાદ આવે એટલે ઊંઘ આવતી નહોતી. છેવટે અમે થોડા દિવસ પહેલાં પિતાના ઘરે ગયાં. ઘરમાં સમાન જોયો તો મમ્મી, પપ્પાની ગમતી ચીજો જોઈ, એમાં પપ્પાની વીંટી, મમ્મીનાં ઝાંઝર અને સોનાની ચેન ન દેખાયાં."

"એ બંનેના અતૂટ બંધનની નિશાનીઓ હતી. અમે હૉસ્પિટલમાં એ માગવા ગયાં, અમને ધુતકારીને કાઢી મૂક્યાં. અમે એમની પાસે અમારાં મમ્મીપપ્પાને કઈ સારવાર અપાઈ એની માગણી કરી તો કોઈ જવાબ આપ્યો નહીં. કહ્યું કે બે મહિના થયા છે, હવે કંઈ ન મળે. છેવટે મેં થાકીને કલેક્ટર પાસે ન્યાયની માગણી કરી છે."

'ઘરેણાં મામલે તપાસ કરાવી છે'

આ અંગે અમે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સુધા શર્માનો સંપર્ક સાધતાં એમણે કહ્યું કે "આ બંને દર્દીઓને અનેક બીમારીઓ હતી. હૉસ્પિટલમાં આવ્યાં ત્યારે એમને કૉમ્પ્લિકેશન્સ હતાં."

શર્માના જણાવ્યા અનુસાર દર્દીઓની સારવાર તમામ પ્રોટોકૉલ પ્રમાણે જ થઈ છે, એમાં કોઈ ચૂક નથી થઈ.

તેમણે કહ્યું, "અમે આનો રિપોર્ટ કલેક્ટરને સોંપી રહ્યાં છીએ. તમામ દસ્તાવેજોની સાથે આપીશું. રહી વાત ઘરેણાંની તો મેં ખુદ એ મામલે તપાસ કરાવી છે. અમારી પાસે આ પરિવારને ઘરેણાં આપ્યાની પહોંચ છે."

તેજલ પોતાની વાત પર અડગ છે અને એ કહે છે. "હવે માતાપિતાનાં ગયાં પછી મારે એમની અંતિમ નિશાની જોઈએ છે અને ન્યાય માટે હું આવનારા દિવસોમાં હૉસ્પિટલ સામે ધરણાં પર ઊતરીશ."

તેઓ કહે છે કે "જરૂર પડે તો હું ઉપવાસ આંદોલન કરીશ પણ મારાં માતાપિતાની આખરી નિશાની મેળવીને જ રહીશ. હૉસ્પિટલે યોગ્ય સારવાર ના આપી એટલે મેં માબાપ ગુમાવ્યાં છે, પણ હવે એ મોતનો પણ મલાજો નથી રાખતા."

"મૃતદેહનાં ઘરેણાં અને અમારી આખરી નિશાની પણ નથી આપતા. એની સામે હું છેલ્લા શ્વાસ સુધી લડીશ."

(મૂળ આર્ટિકલ 23 ઑગસ્ટ 2020ના રોજ છપાયો હતો, જેને અપડેટ કરાયો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો