You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ કરતાં પણ વધારે લોકોના જીવ લઈ રહેલી બીમારી કઈ છે?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ એક વર્ષ પહેલાં મુંબઈમાં રહેતા 42 વર્ષના પંકજ ભવનાનીનું જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. પત્ની રાખી અને બે જોડિયાં બાળકો સાથે કૉર્પોરેટ જગતમાં એક સારા હોદ્દા પર નોકરી હતી. પરંતુ અચાનક જ ઑક્ટોબર 2019માં એમને ટ્યુબરક્યુલૉસિસ એટલે કે ટીબીની બીમારીની જાણ થઈ.
ટીબીએ પંકજના ફેફસાં પર હુમલો કર્યો અને છ મહિનાની સારવાર પછી પંકજે 80 ટકા રિકવરી પણ કરી લીધી. મુસીબતો જોકે હજુ આવવાની હતી.
ફેબ્રુઆરીના ટેસ્ટમાં ખબર પડી કે ટીબીના બૅક્ટેરિયાએ પંકજના મગજને સંક્રમિત કરી દીધું છે અને ત્રણ મહિનાની અંદર પંકજની આંખોની રોશની જતી રહી તથા પગનું સંતુલન બગડવા લાગ્યું.
તેમણે જણાવ્યું, " લૉકડાઉન પૂરું થઈ ચૂક્યું હતુ અને 16 જુલાઈના દિવસે છ કલાક સુધી મારી બ્રેઇન સર્જરી કરવામાં આવી અને ઇન્ફેક્શનને સાફ કર્યું. દસ દિવસો સુધી હૉસ્પિટલમાં ખૂબ જ તીવ્ર દવાઓ ઉપર રખાયા બાદ મને ડિસ્ચાર્જ કરાયો અને આખું વર્ષ કોર્સની સલાહ આપવામાં આવી."
જોકે, પવનને મોટી મુશ્કેલીએ ત્યારે ફરી એક વખત ઘેર્યા જ્યારે તેમને મેડિકલ કે સરકારી હૉસ્પિટલોમાંથી દવા મળી જ શકી નહીં.
પંકજ ભાવનાની જણાવે છે, "ટીબીની સારવાર જો અધવચ્ચે અટકી જાય તો બીમારી ઠીક નથી થતી અને દરદીનો જીવ જતો રહે છે. જ્યારે દવા ખતમ થવા લાગી અને ક્યાંયથી મળી ન તો પાંચ રાત સુધી મારા પરિવારમાંથી કોઈને ઊંઘ નહોતી આવી. ડર વધી રહ્યો હતો કે ક્યાંક હું બાળકોને સંક્રમિત ન કરી નાખું."
પંકજના પરિવાર અને નિયોક્તા કંપનીએ વડા પ્રધાનકાર્યાલય, મહારાષ્ટ્ર સરકાર, તમામ મોટી હૉસ્પિટલો અને અનેક ખાનગી સંસ્થાઓ પાસે દવાની આજીજી કરી.
પરેશાની એ હતી કે આ દવા જાપાનથી આયાત થતી હતી અને કોરોના વાઇરસના વૈશ્વિક સંકટને કારણે તેની સપ્લાયને અસર પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્ની રાખીનાં ટ્વીટને કારણે વાત ફેલાઈ અને આખરે તેમને દવા મળી શકી.
એ મુશ્કેલ સમયને યાદ કરતાં ભાવુક થઈ ગયેલા પંકજે કહ્યું, "કેટલા દિવસ તો લાગ્યું કે હવે ટીબી જીવ લઈને જ રહેશે.'
ટ્યુબરક્યુલૉસિસ
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અનુસાર દર વર્ષે દુનિયામાં નોંધાતાં ટ્યુબરક્યુલૉસિસના કુલ કેસમાંથી એક તૃતીયાંશ ભારતમાં નોંધાય છે અને દેશમાં આ બીમારીથી દર વર્ષે 4 લાખ 80 હજાર મૃત્યુ થાય છે.
આંકડાઓનું વિશ્લેષણ કરવાથી સ્થિતિ વધુ જોખમી લાગે છે કારણ કે ભારત સરકારનું આકલન છે કે દેશમાં ટીબીને કારણે રોજ 1300 મૃત્યુ થાય છે.
જોકે ભારત પચાસ વર્ષોથી ટીબીને રોકવામાં લાગ્યું છે પરંતુ હજુ પણ તેને 'સાઇલન્ટ કિલર' જ કહેવામાં આવે છે.
તે કોરોના વાઇરસના આગમન પહેલાનું આકલન છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહ પછી ભારતમાં કોરોનાના કેસ વધવા શરૂ થયા હતા અને 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉનની ઘોષણા થઈ હતી.
સરકારી આંકડાઓની સરખામણી કરવાથી ખબર પડે છે કે કોરોના વાઇરસને કારણે ટીબીના દર્દીઓની નોંધણી અથવા સૂચનાના મામલાઓમાં( આમાં ખાનગી અને સરકારી બંને હૉસ્પિટલો સામેલ છે) અસાધારણ ઘટાડો નોંધાયો છે અને કેસ ઘટીને લગભગ અડધા ઉપર આવી ગયા છે.
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત બિહાર પણ એ રાજ્યોમાં સામેલ છે જ્યાં ટીબીના ઘણા કેસ નોંધાય છે.
પરંતુ બિહારના અગ્રણી ટીબી અધિકારી ડૉક્ટર કે. એન. સહાયના અનુસાર "બધું ધ્યાન કોવિડ-19ની તપાસ પર કેન્દ્રિત કરવું પડ્યું."
તેમણે કહ્યું, "સ્ટાફની પહેલાથી જ અછત હતી. પાછલા મહિનાઓમાં એમને કોવિડ કૅર સેન્ટર અને ઘરેઘરે જઈ સૅમ્પલ કલેક્શન જેવી કામગીરીમાં શિફ્ટ કરી દેવાયા. આ તો મેં સરકારી કેન્દ્રોની વાત જણાવી છે. ખાનગીમાં પણ બધાં ટીબી ક્લિનિક લગભગ બંધ હતાં. આ બધી બાબતોએ અમારી કેસનોંધણીમાં ઘણો ઘટાડો કરી નાખ્યો. 30 ટકાથી પણ વધુનો."
પંકજ ભવનાનીની જેમ જ કોવિડ-19 મહામારી દરમિયાન ઘણા એવા દર્દીઓ હતા જેમને દવાઓ, સુવિધાઓની ઘણી પરેશાની થઈ. હૉસ્પિટલ સુધી ન પહોંચી શક્યા.
ઘણા એવા પણ હતા જેઓને 'મિસિંગ' ગણાવાઈ રહ્યા છે. એટલે કે તેમની સારવાર વચ્ચેથી જ છૂટી ગઈ.
સંક્રમણનું જોખમ
હવે ડર એ વાતનો પણ છે કે એમનાથી સમુદાયમાં ટીબીનો ફેલાવો હજુ વધી શકે છે.
શાકીબ ખાન (બદલાયેલું નામ)નો પરિવાર ગાઝિયાબાદ-નોઇડા સરહદ પર આવેલા ખોડા ગામમાં ત્રણ વર્ષોથી રહેતો હતો. એમના 71 વર્ષના પિતાની ટીબીની સારવાર દિલ્હીની પટેલ ચૅસ્ટ હૉસ્પિટલમાં ચાલતી હતી.
દૈનિક મહેનતાણા પર કામ કરતા શાકીબને લૉકડાઉન દરમિયાન ઘર ચલાવવામાં પરેશાની આવી અને તેમના પડોશીઓની જેમ તેઓ પણ લૉકડાઉન ખતમ થતાં જ પરિવાર-પિતા સાથે બિજનૌરના પોતાના ગામ તરફ પલાયન કરી ગયા.
તેમણે ફોન પર જણાવ્યું, "પિતાની દવા લૉકડાઉનમાં જ ખતમ થઈ ગઈ હતી. ફરીથી સારવાર શરૂ કરાવવામાં ત્રણ અઠવાડિયાનો સમય નીકળી ગયો. ડૉક્ટર કહી રહ્યા છે કે ફરીથી બાર મહિના દવા લેવી પડશે."
ટીબીની બીમારીની યોગ્ય સમયે જાણ થવી સારવારમાં નિર્ણાયક હોય છે.
એના પછી જ દર્દીને દવાનો આખો કોર્સ અને સરકાર તરફથી પૌષ્ટિક ભોજન વગેરે માટે 500 રૂપિયા પ્રતિ માસની આર્થિક મદદ મળે છે.
નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2025 સુધી ટીબીને દેશમાંથી દૂર કરવાનો નિશ્ચય કર્યો છે. પરંતુ કોવિડનો કેર ટ્યુબરક્યુલૉસિસની સારવાર પર સ્પષ્ટ દેખાય છે.
ઍપિડેમિયોલૉજી ઍન્ડ ગ્લોબલ હેલ્થમાં કેનેડા રિસર્ચ ચૅર અને મૅકગિલ આંતરરાષ્ટ્રીય ટીબી સેન્ટરના પ્રમુખ ડૉક્ટર મધુ પાઈ આ સમગ્ર ઘટનાક્રમ પર અભ્યાસ કરી રહ્યા છે અને એમના પ્રમાણે "ભારતમાં ટીબીને 2025 સુધી ખતમ કરવાનું લક્ષ્ય ઓછામાં ઓછું પાંચ વર્ષ આગળ વધારવું પડી શકે છે."
બીબીસી હિન્દીને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમણે કહ્યું, "કોવિડને કારણે લોકોએ ઘરમાં જ બેસવું પડ્યું અને એમાં લાખો દર્દીઓ ટીબીના તો હતા જ સાથે જ સેંકડો હજાર એવા પણ જેમને એ ખબર નહી પડી હોય કે તેઓ ટીબીથી સંક્રમિત છે."
"હવે ડેટા પણ જણાવી રહ્યો છે કે ટીબીની નોંધણીમાં લગભગ 40% ઘટાડો જોવાયો. સમસ્યા ગંભીર છે."
વર્ષો ટીબીનો ઈલાજ કરાવ્યા બાદ હાલમાં જ યુરોપ શિફ્ટ થયેલા પ્રિયા લોબોને કોવિડ-19 સામે પણ એક ફરિયાદ છે.
તેમણે કહ્યું, "સમય આવી ગયો છે કે વિશ્વ અત્યાર સુધીની સૌથી ઘાતક બીમારીને લઈને જાગે અને કોવિડ-19ની જેમ જ એ તરફ ધ્યાન આપે. કારણ કે તમામ જિંદગીનું મહત્ત્વ છે. બધાને સારી સારવાર અને સારા સ્વાસ્થ્યનો અધિકાર છે. આટલાં વર્ષો પછી પણ ટ્યુબરક્યુલૉસિસની એક વૅક્સિન બની નથી શકી."
લૉકડાઉન સમાપ્ત થયા પછી ટીબી પર ફરીથી ધ્યાન આપવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને અનેક રાજ્ય સરકારો ઠપ પડેલા કામને ગતિ આપવા માટે રૂપરેખા તૈયાર કરી રહી છે.
પરંતુ આ વચ્ચે ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને અન્ય રોગોની જેમ જ એનાથી જોડાયેલી છે ટીબીના દર્દીઓને પણ મુશ્કેલીઓ.
ડૉક્ટર મધુ પાઈ કહે છે, "જ્યાંજ્યાં કોરોનાના કેસ વધ્યા છે ત્યાં ફરી લૉકડાઉન થતું રહ્યું છે અને આ અનિશ્ચિતતાનો એક જ ઉપાય છે. ટીબીના દર્દીઓને સરકાર તરફથી ત્રણત્રણ મહિનાની દવાઓ આપી દેવામાં આવે. બીજું એ લોકોને શોધવામાં આવે જેમના ટીબીની સારવાર કોવિડના સમયમાં છૂટી ગઈ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો