કોરોના વાઇરસ : ગુજરાતી મૂળના ડૉક્ટરે 36 કલાકમાં કર્યું એવું કામ કે મળ્યો એન્જિનિયરિંગનો ઍવૉર્ડ

    • લેેખક, ગગન સભરવાલ
    • પદ, બીબીસી સાઉથ એશિયા ડાયસ્પોરા સંવાદદાતા

યુકે (યુનાઇટેડ કિંગડમ)માં ગુજરાતી મૂળના ડૉકટર રવિ સોલંકીને મહામારીમાં કરેલી કામગીરી બદલ યુનાઇટેડ કિંગડમ રૉયલ એકૅડેમી ઑફ એન્જિનિયરિંગ પ્રૅસિડેન્ટ’ સ્પેશિયલ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કોરોનાની મહામારી સામે લડવા માટે તેમણે જે ઍન્જિનિયરિંગ ઉકેલ આપ્યો આપ્યો બદલ યુકેમાં આ ઍવૉર્ડ આપવામાં આવ્યો.

29 વર્ષના રવિ સોલંકીનો જન્મ ગુજરાતથી બ્રિટન ગયેલાં માતા-પિતાના ત્યાં લિસેસ્ટરમાં થયો હતો. તેમનાં માતા મધુ નર્સ છે અને પિતા કાંતિ એકાઉટન્ટ છે.

તેમની નાની બહેન પ્રિયંકા પણ હાલ મેડિસિનનો અભ્યાસ કરી રહ્યાં છે.

વર્ષ 2011માં રવિ સોલંકી કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં મેડિસિનનો અભ્યાસ કરવા માટે પરત ફર્યા.

તેમણે ત્યાંથી ન્યૂરોડિજનરેશનમાં પીએચ.ડી. કર્યું. પીએચ.ડી. પૂર્ણ કર્યા પછી તેઓ લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલમાં જુનિયર ડૉકટર તરીકે કામ કરી રહ્યા છે.

માત્ર 36 કલાકમાં બનાવી ઍપ્લિકેશન

રવિ સોલંકીએ પોતાના એન્જિનિયર મિત્ર રેમન્ડ સીમ્સ સાથે મળીને યુરોપમાં સ્વાસ્થ્યકર્મીઓઓની મદદ માટે આ ઍવૉર્ડ મેળવ્યો છે.

તેમણે સ્વાસ્થ્યકર્મીને મદદ કરવા માટે નવી સ્થપાયેલી નેશનલ હૅલ્થ સર્વિસ (એનએચએસ) ચેરિટી માટે સુરક્ષિત વેબસાઇટ અને પ્લૅટફોર્મ બનાવ્યું હતું. જેને હિરોઝ નામ આપવામાં આવ્યું હતું.

માર્ચ મહિનામાં તેઓ બંને દ્વારા માત્ર 36 કલાકમાં જ https://www.helpthemhelpus.co.uk/ નામની વેબસાઇટ બનાવવામાં આવી હતી.

ચૅરિટી હીરોઝ એનએચએસના કાર્ડિયોલોજિસ્ટ ડોમિનિક પિમેંટા દ્વારા બનાવવામાં આવી હતી અને તેને પૂર્વ પ્રીમિયરશિપ ફૂટબોલર જૉ કૉલે સમર્થન આપ્યું હતું.

આ સંસ્થા સ્વાસ્થ્યકર્મીને પીપીઈ કિટ આપવાથી લઈને નાણાકીય મદદ, કાઉન્સેલિંગ, તેમના બાળકોની દેખરેખ રાખવી, તેમને ખાવાનું અને બીજા રીસોર્સ પૂરા પાડવાનું કામ કરે છે.

રવિ સોલંકીએ પોતે આ પ્રૉજેક્ટમાં કેવી રીતે જોડાયા એ અંગે કહ્યું, “એક મોડી રાત્રે, મેં ડૉ. ડોમિનિક પિમેંટાનું ટ્વીટ જોયું, તેઓ સ્વાસ્થ્યકર્મીઓની મદદ માટે એક નવો પ્રૉજેક્ટ શરૂ કરવા માગે છે. મેં તેમનો ટ્વિટર પર સંપર્ક કર્યો અને બીજા દિવસે સવારે મેં અને રેમન્ડે ફોન પર ડૉ. પિમેંટા સાથે વાત કરી અને આ પ્રકારે આ વેબસાઇટની શરૂઆત થઈ.”

જો કોલે આ નવી ચૅરિટીને ટેલિવિઝન પર આવીને પ્રમોટ કરવાનું શરૂ કર્યું તેના થોડા જ કલાકો પહેલાં જ રવિ સોલંકી અને રેમન્ડ સીમ્સે આ નવી વેબસાઇટને બનાવવાનું શરૂ કર્યું હતું.

આ વેબસાઇટ માત્ર ત્રણ દિવસોમાં તૈયાર થઈ અને ચાલવા લાગી અને હીરોઝ ચૅરિટીનો મહત્ત્વનો ભાગ બની.

બંને દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ બ્રિટનના સ્વાસ્થ્યકર્મીઓને નાણાકીય મદદ, કાઉન્સેલિંગ, બાળકોની દેખરેખ જેવી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે.

એનએચએસના કર્મીઓને યોગ્ય સહાયતા મળી રહે તે માટે ડૉનેશનને વધારવા માટે ક્રાઉન્ડફંડિગના પેજને પણ તેમાં ઉમેરવામાં આવ્યું છે.

સ્વેચ્છાએ રેકર્ડ સમયમાં એક કાર્યક્ષમ પ્લૅટફોર્મ ઊભું કરવા બદલ રૉયલ ઍકેડૅમી ઑફ એન્જિનિયરિંગે રવિ સોલંકી અને સીમ્સ બંનેને નવાજ્યા છે.

'ઍવૉર્ડ જીત્યો ત્યારે અમે આઘાતમાં હતા'

એકૅડેમીએ પોતાની નોંધમાં લખ્યું છે કે રવિ અને રેમન્ડે ઘડિયાળના કાંટાની ઝડપે કામ કરીને નવી ચૅરીટીને જનતા સુધી પહોંચાડવાનું કામ કર્યું અને યુકેમાં જ્યારે કોરોના વાઇરસ પીક પર હતો ત્યારે એનએચએસના કર્મીઓને એકઠા થયેલાં ડોનેશને મદદ કરી છે.

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેમના તકનીકી નૉલેજને કારણે ત્રણ મહિનામાં હીરોઝ 90 હજાર એનએચએસના કાર્યકર્તાઓ સુધી પહોંચી શક્યું. ડિજિટલ પ્લૅટફોર્મના કાર્યક્ષેત્રને વધારવાનું અને હેલ્થવર્કર્સને મદદ કરવાનું કામ હાલ પણ તેમનું ચાલું છે.

આ સ્પેશિયલ ઍવૉર્ડ જીતવા અંગે તેમને પૂછવામાં આવ્યું તો રવિએ કહ્યું, “અમને જુલાઈ મહિનાની શરૂઆતમા ઍવૉર્ડનો ખ્યાલ આવ્યો હતો. અમને ખ્યાલ જ ન હતો કે અમને નૉમિનેટ કરવામાં આવ્યા છે. અમે આઘાતમાં હતા. અમારા કામની કદર કરવા બદલ અમે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવીએ છીએ.”

રવિ કહે છે કે અમારા પરિવાર અને પ્રેમી લોકોને જ્યારે અમે આ ઍવૉર્ડ અંગે વાત કરી ત્યારે તેઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. તેમને અમારી સિદ્ધિ પર ગર્વ છે. અમારા સાથીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, પરંતુ અમે રૉયલ એકૅડૅમી ઑફ એન્જિનિયરિંગ તરફથી અમારી જે કદર કરવામાં આવી છે તે પહેલ જોઈને અમને આનંદ થાય છે.

રવિ કહે છે કે તે અને રેમન્ડ બંનેને તેમના કામ માટે મળેલા બધાના પ્રેમ, સમર્થન અને માન્યતા માટે ખૂબ આભારી છે અને આ વર્ષના અંત સુધીમાં તેમના વિશેષ રૂપે મળનારા રજતપદકની રાહ જોઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો