Human Rights Day : એ ગુજરાતણ, જેમણે માનવાધિકારોમાં મહિલાઓને સ્થાન અપાવ્યું

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

મનુષ્ય ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે હાલ વિશ્વમાં મોટાભાગના દેશોએ માનવાધિકારોનું મહત્ત્વ સ્વીકાર્યું છે.

સમગ્ર વિશ્વમાં માનવાધિકારોના રક્ષણાર્થે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સૌપ્રથમ વખત 'માનવહકોનું સાર્વત્રિક ઘોષણાપત્ર' (યુર્નિવર્સલ ડિકલેરેશન ઑફ હ્મુમન રાઇટ્સ) નામનો દસ્તાવેજ બનાવાયો હતો. જેનો સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 10 ડિસેમ્બર, 1948ના રોજ સ્વીકાર કરાયો હતો.

સમગ્ર વિશ્વના તમામ માનવીઓના માનવહકના રક્ષણ માટે બનાવાયેલ આ દસ્તાવેજમાં લિંગસમાનતા સુનિશ્ચિત કરાવવા માટે ભારતનાં એક નેતા, હંસા મહેતાએ અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું.

પ્રારંભિક જીવન અને કેળવણી

લેખિકા લતા હિરાણી દ્વારા લિખિત 'ઉજાસનું પ્રથમ કિરણ' નામના પુસ્તકમાં હંસાબહેન મહેતાના પ્રારંભિક જીવનકાળ અંગે થયેલી નોંધ અનુસાર :

'3 જુલાઈ, 1897ના રોજ સુરતના ધનાઢ્ય નાગર પરિવારમાં જન્મેલાં હંસા મહેતાના પિતા વડોદરા રાજ્યના દિવાન હતા. '

' સ્ત્રીશિક્ષણની અલ્પ તક હોવા છતાં બૌદ્ધિક વાતાવરણ ધરાવતા શ્રીમંત પરિવારમાં જન્મયાં હોવાને લીધે તેમના શિક્ષણમાં કશો અવરોધ આવ્યો નહીં. જોકે, તેમની ઉજ્જવળ શૈક્ષણિક સિદ્ધિઓ માત્ર સાનુકૂળ સંજોગોનું પરિણામ ગણી શકાય નહીં. '

'તેમના જેવા બીજા ઘણા પરિવારોને આવી સગવડ હતી પણ તેમની યુવતીઓ પોતાનું જીવન વૈભવ અને આરામમાં જ વ્યતીત કરતી હતી. હંસા મહેતાનો ઉત્સાહ અને લગન અનોખાં હતાં. વળી શિક્ષણ મેળવવા માટેની તેમની ધગશ સ્વયંસ્ફુરિત હતી. '

'ગુજરાતી વિશ્વકોષ ખંડ15'માં કરાયેલી એક નોંધ પ્રમાણે 'ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં તેઓ પૌત્રી હતાં. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ તથા સ્મરણશક્તિનો વારસો તેમણે દિપાવ્યો. '

'તેઓ નાનપણથી અભ્યાસમાં તેજસ્વી હતાં. ગણિત અને ભૂમિતિ પર નાનપણથી જ તેમનું પ્રભુત્વ હતું.'

અભ્યાસની સાથોસાથ નાનપણથી જ તેમનામાં નેતૃત્વ ક્ષમતા હતી. ગુજરાતી વિશ્વકોષ ખંડ 15ની એક નોંધ પ્રમાણે 'નેતૃત્વશક્તિને લીધે તેઓ બૉમ્બે પ્રેસિડન્સી સ્ટુડન્ટ્સ ફેડરેશનની વડોદરા શાખાનાં પ્રમુખ બન્યાં હતાં.'

'સ્વાતંત્ર્ય ચળવળની ભાવનામાં રંગાઈને તેમણે આગળ પડીને વિદ્યાર્થીસમાજની પણ સ્થાપના કરી.'

ઉપરોક્ત નોંધો તેમની અને તેમના પરિવારની વિકસિત અને અભ્યાસપ્રિય વિચારસરણીનું ઉદાહરણ પૂરું પાડે છે.

અભ્ચાસક્ષેત્રે તેમણે મેળવેલી સિદ્ધિઓ અંગે 'ઉજાસનું પ્રથમ કિરણ' અને 'ગુજરાતી વિશ્વકોષ ખંડ 15 'માં નોંધાયું છે કે, 'વર્ષ 1913માં મૅટ્રિકની પરીક્ષામાં બહેનોની શ્રેણીમાં પ્રથમ ક્રમે આવ્યાં. આથી 'ચૅટફીલ્ડ પ્રાઇઝ' અને 'નારાયણ પરમાણંદ ઇનામ' મળ્યાં. '

'તત્ત્વજ્ઞાન તેમનો પ્રિય વિષય હતો. વર્ષ 1918માં આ વિષય સાથે તેઓ સ્નાતક થયાં અને વર્ષ 1919માં પત્રકારત્વનું શિક્ષણ મેળવવા માટે ઇંગ્લૅન્ડ ગયાં. ત્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થઈ.'

આઝાદીની લડતમાં પદાર્પણ

ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસવિભાગ દ્વારા પ્રકાશિત ગુજરાતની 'મહિલા શક્તિ- સામર્થ્યનું સ્મરણ' નામના પુસ્તકમાં સ્વાતંત્ર્યના સંઘર્ષમાં તેમના આગમન અંગેની નોંધ થયેલી જોવા મળે છે.

જે પ્રમાણે 'લંડનમાં સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌરને મળ્યા બાદ નાયડુએ તેમને રાષ્ટ્રીય આંદોલનમાં પાળોટ્યાં.'

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગનાં ઍસોસિયેટ પ્રોફેસર મૈત્રી વૈદ્ય સરોજિની નાયડુને હંસા મહેતા પોતાનાં રાજકીય ગુરુ માનતાં હોવાની વાત જણાવે છે :

"'મહિલાશક્તિ-સામર્થ્યનું સ્મરણ' પુસ્તકમાં આગળ નોંધાયું છે કે, 'નાયડુએ મહિલાઓની સભામાં તેમને સતત સાથે રાખ્યાં. શિક્ષણ અને સમાજશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે તેઓ અમેરિકા ગયાં. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને આંદોલનો સાથે જોડાયેલા અનેક સામાજિક નેતાઓ સાથે અહીં મુલાકાત થઈ, પ્રવાસ થયો. "

"સાનફ્રાન્સિસ્કોથી જાપાન ગયાં. જ્યાં તેઓ ભયંકર ભૂકંપમાં અટવાયાં, દૈવયોગે તેમનો બચાવ થયો અને શાંઘાઈ, સિંગાપોર, કોલંબો એમ સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી હેમખેમ સ્વદેશ આવ્યાં."

ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનના અંગ્રેજી વિભાગનાં ભૂતપૂર્વ અધ્યક્ષા અને જાણીતાં નારીવાદી ડૉ. રંજનાબહેન હરીશ હંસાબહેનના જીવન વિશે વાત કરતાં જણાવે છે :

"વિદેશમાં અભ્યાસ દરમિયાન મળેલાં સાથીદારોને કારણે ન માત્ર તેઓ ભારતની સ્વતંત્રતાના ધ્યેય સાથે જોડાયાં, પરંતુ ભારતમાં સ્ત્રીઓના મુદ્દાઓ તરફ કામ કરવાની તેમને પ્રેરણા મળી. તેઓ પણ એ સમયની અન્ય મહિલા સ્વતંત્રતા સેનાનીઓની માફક ગાંધીજીને અનુસરતા."

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલમાં હંસાબહેન મહેતાની પુસ્તક 'ઇન્ડિય વુમન'માં ગાંધીજી સાથે તેમની પહેલી મુલાકાત વિશે લખાયું છે.

જે પ્રમાણે 'જ્યારે વર્ષ 1922માં ગાંધીજીની ધરપકડ થઈ હતી, ત્યારે સરોજિની નાયડુ સ્ત્રીઓના એક જૂથ સાથે

બૉમ્બેથી ગાંધીજીની મુલાકાત લેવા આવ્યાં હતાં. આ દરમિયાન સરોજિનીદેવીએ ગાંધીજીને મારી ઓળખાણ આપી. આ મુલાકાત દરમિયાન જ વગર કોઈ કારણે હું તેમનાથી ઘણી પ્રભાવિત થઈ ગઈ હતી.'

'મહિલા શક્તિ-સામર્થ્યનું સ્મરણ' પુસ્તકમાં આઝાદીની લડતમાં તેમના યોગદાન અંગેની નોંધ છે.

જે મુજબ 'તેઓ ગાંધીજીના રંગે એવાં રંગાયાં કે તેમણે સોંપેલી નાની કે મોટી દરેક જવાબદારી સંપૂર્ણપણે નિભાવી. પિકેટિંગ અને વિદેશી કાપડની હોળી જેવાં કાર્યોમાં તેમનો જુસ્સો ચરમસીમાએ રહેતો.'

નીડર વ્યક્તિત્વ

પ્રોફેસર મૈત્રી વૈદ્ય સ્વતંત્રતા સંગ્રામમાં હંસાબહેને ભજવેલી વ્યાપક ભૂમિકા પૈકી એક રસપ્રદ પ્રસંગ સંભળાવીને તેમની દેશભક્તિનું ઉદાહરણ રજૂ કરે છે.

તેઓ કહે છે કે, "હંસાબહેન જ્યારે મુંબઈમાં સેવિકાસંઘના સભ્ય હતાં. તે સમયે મુંબઈના એક વિસ્તારમાં તેમને સાઇમન કમિશન વિરુદ્ધ ધરણાં કરવા માટેની જવાબદારી સોંપાઈ હતી."

"ધરણાં દરમિયાન અન્ય સ્ત્રીઓની સાથે હંસાબહેને સક્રિય ભાગ ભજવ્યો. પરંતુ એ દરમિયાન તેમનાં બાળકો નાનાં હોઈ તેમણે અમુક સમય માટે ઘરે પરત જવું પડ્યું. પરંતુ જ્યારે તેઓ પાછાં ફર્યાં ત્યારે પોલીસ દ્વારા તમામ ધરણાં કરનાર સ્ત્રીઓની ધરપકડ કરી લેવાઈ હતી. "

"આ વાત ખબર પડતાંની સાથે જ તેઓ સીધાં પોલીસ સ્ટેશન પહોંચી ગયાં અને પોતાની ધરપકડ કરવા પોલીસને જણાવ્યું."

"પરંતુ પોલીસે તેઓ ધરપકડ સમયે હાજર ન હોવાને કારણે પાછળથી તેમની ધરપકડ કરવાની ના પાડી દીધી. તેમ છતાં તેમના આગ્રહને વશ થઈને અંતે પોલીસે તેમની ધરપકડ કરી અને જ્યારે બધા સત્યાગ્રહીઓને છોડવામાં આવ્યા ત્યારે જ તેઓ પણ છૂટીને પોતાના ઘરે ગયાં."

'ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમ'ના એક અહેવાલમાં વિસાલક્ષી મેનને પોતાના પુસ્તક 'ઇન્ડિયન વિમન ઍન્ડ નેશનાલિઝ્મ, ધ યુ. પી. સ્ટોરી'માં સ્વાતંત્ર્યસંગ્રામમાં હંસાબહેન મહેતાની સક્રિયતા દર્શાવતો એક પ્રસંગ નોંધ્યો છે.

જે પ્રમાણે, 'વર્ષ 1930માં જ્યારે કમલા નહેરુ અને હંસા મહેતા દિલ્હી રેલવેસ્ટેશપહોંચ્યાં. ત્યારે તેમણે ત્યાં પહોંચતાંની સાથે જ ઇન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું.'

'આ નારાઓનો અવાજ દબાવવા માટે અંગ્રેજો દ્વારા ટ્રેનના ઇંજિનની હૂટિંગ સતત ચાલુ રાખવામાં આવી હતી.'

અહેવાલ અનુસાર આવાં પ્રકારનાં કાર્યોને કારણે હંસાબહેન મહેતા અને તેમના પતિની ધરપકડ કરી લેવાઈ હતી.

સામાજિક વિરોધ છતાં કર્યા આંતરજ્ઞાતીય લગ્ન

હંસાબહેન મહેતા અને જીવરાજ નારાયણ મહેતાનાં લગ્ન વખતે પડેલી મુશ્કેલીઓ અંગે 'ઉજાસનું પ્રથમ કિરણ પુસ્તક'માં નોંધ થઈ છે :

"હંસાબહેનનો પરિવાર પ્રગતિશીલ વિચારધારા ધરાવતો હતો પણ સમાજ હજી એ જ સદીઓ પુરાણી પરંપરાઓ અને માન્યતાઓમાં સબડતો હતો. આવા સમયે વર્ષ 1924માં તેમનાં લગ્ન ડૉ. જીવરાજ મહેતા સાથે થયાં, જે સમય જતાં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા."

"આંતરજ્ઞાતીય લગ્ન કરીને તેમણે સમાજનો પ્રબળ રોષ વહોરી લીધો. તેમને જ્ઞાતિ બહાર મૂકવા જેવું જલદ પગલું પણ ભરવામાં આવ્યું. આ લગ્નનો વિરોધ કરવા માટે સભાઓ પણ ભરાઈ પણ તેઓ મક્કમ રહ્યાં અને પોતાની જિંદગી પોતાની ઇચ્છા પ્રમાણે જ ઘડી. "

હંસા મહેતા અને જીવરાજ મહેતાનાં લગ્ન સમયે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે વાત કરતાં ડૉ. રંજના હરીશ જણાવે છે,

"જીવરાજ મહેતા હંસા મહેતાના પરિવારની જેમ નાગર કુળના નહોતા. તેથી હંસા મહેતાના પરિવારમાં આ લગ્નનો શરૂઆતમાં વિરોધ હતો. અંતે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની સમજાવટથી કન્યાપક્ષ માન્યો. મહારાજા આ આંતરજ્ઞાતીય લગ્નથી ખૂબ ખુશ થયા. "

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર હંસા મહેતા અને જીવરાજ મહેતાના લગ્નના તમામ સમારોહમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ હાજરી પણ પુરાવી હતી.

સ્ત્રીસશક્તીકરણ માટે કાર્ય

સ્ત્રીઓના ઉત્થાન માટે કાર્ય કરવા માટે હંસાબહેનની પ્રેરણાના સ્રોત અંગે વાત કરતાં મૈત્રી વૈદ્ય કહે છે :

"તેમના વિદેશપ્રવાસો દરમિયાન તેમણે જોયું કે જુદાજુદા દેશોમાં સ્ત્રીસશક્તીકરણ માટે ચળવળો ચાલી રહી છે. તે વખતે તેમને ખ્યાલ આવ્યો કે બહારના દેશોમાં જે પ્રકારે મહિલાઓના મુદ્દે જાગૃતિ આવી છે તેટલી આપણા દેશમાં નથી."

"પરંતુ એ સમયે તેઓ આ મુદ્દે કંઈ પણ કરવા માટે હજુ ઘણાં યુવાન હતાં. પરંતુ જ્યારે તેઓ વિદેશથી પાછાં ફરીને જીવરાજ મહેતા સાથે લગ્ન કરીને મુંબઈમાં વસે છે. ત્યારે તેઓ ગાંધીજીની આગેવાનીમાં અસહકારની ચળવળમાં ભાગ લેવાની સાથે ભારતમાં સ્ત્રીના અધિકારો માટેની પણ લડત શરૂ કરી દે છે."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "તે દરમિયાન વડોદરાનાં મહારાણી ચીમનાબાઈ ગાયકવાડના વડપણ હેઠળ યોજાયેલ ઑલ ઇન્ડિયા વિમન્સ કૉન્ફરન્સના આયોજનમાં પણ હંસાબહેને મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો."

"આમ તેઓ વિદેશથી પરત ફર્યાંના થોડાક જ સમયમાં આઝાદી આંદોલનની સાથે સ્ત્રીસશક્તીકરણના પોતાના ધ્યેય તરફ આગળ વધવા લાગ્યાં હતાં."

સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે હંસાબહેન મહેતા દ્વારા કરાયેલા પ્રયાસો અંગે આગળ વાત કરતાં તેઓ કહે છે કે, "એ સમય દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓ વિધવા થાય કે તેમના પતિ દ્વારા તેમને તરછોડી દેવાય તો તેવી પરિસ્થિતિમાં મહિલાઓની સ્થિતિ કફોડી બની જતી હતી."

"વડોદરાનાં મહારાણી ચીમનાબાઈ, શારદાબહેન મહેતા અને હંસાબહેન મહેતાએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યાં."

સ્ત્રીશિક્ષણ ક્ષેત્રે હંસાબહેનના યોગદાન વિશે વાત કરતાં તેઓ કહે છ કે, "1937માં થયેલી ચૂંટણીઓ બાદ તેઓ શિક્ષણખાતામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યાં હતાં."

"એ સમયે તેમણે સ્ત્રીશિક્ષણમાં મદદરૂપ નીવડે એવી રીતે અભ્યાસક્રમો બનાવ્યાં હતાં. તેમજ તેઓ સ્ત્રીઓ માટે વ્યાવસાયિક તાલીમની પણ હિમાયત કરી રહ્યાં હતાં, આ તત્ત્વ હાલ રજૂ કરાયેલી નવી શિક્ષણનીતિમાં સામેલ છે. આ હકીકત હંસાબહેન મહેતાની દૂરદૃષ્ટિનું ઉદાહરણ પૂરું પાડે છે."

બંધારણસભામાં સ્ત્રીઓના હક માટે ઉઠાવ્યો અવાજ

સ્ત્રીઓના ઉત્થાન માટે હંસાબહેનની સક્રિયતા અંગેનાં ઘણાં ઉદાહરણો વૃંદા નારાયણ દ્વારા લિખિત 'જેન્ડર ઍન્ડ કૉમ્યુનિટી : મુસ્લિમ વિમેન્સ રાઇટ્સ ઇન ઇન્ડિયા' પુસ્તકમાં પણ જોવા મળે છે.

આ પુસ્તકમાં નોંધાયેલ એક વિગત અનુસાર વર્ષ 1946માં ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ (AIWC) દ્વારા 'વિમન્સ ચાર્ટર ઑફ રાઇટ્સ' નામનું દસ્તાવેજ તૈયાર કરાયું હતું. જેમાં લિંગસમાનતાને ભારતમાં નાગરિકતા અધિકારનો પાયો ગણાવાયો હતો.

આ ચાર્ટરમાં સ્ત્રીઓના જીવનધોરણમાં સુધારાની સાથોસાથ પર્સનલ લૉને લગતા સુધારા કરવાની વાતને ઉચ્ચ પ્રાથમિકતા અપાઈ હતી.

પુસ્તકમાં નોંધાયું છે કે આ ચાર્ટર હંસા મહેતા, અમૃત કૌર અને લક્ષ્મી મેનન દ્વારા તૈયાર કરાયું હતું.

આ સિવાય હંસા મહેતા સમગ્ર ભારતમાં એક સમાન દિવાની કાયદા જોગવાઈના પણ સમર્થક હોવાનું ડૉ. રંજના હરીશ જણાવે છે.

બંધારણસભામાં મૂળભૂત હકો નિશ્ચિત કરવા માટેની ઉપસમિતિના એક સભ્ય મિનૂ મસાણી દ્વારા સમાન દિવાની કાયદાને મૂળભૂત હકોમાં સમાવિષ્ટ કરવાની રજૂઆત કરી, ત્યારે હંસા મહેતા સહિત અમૃત કૌર અને બાબા સાહેબ આંબેડકરે પણ આ હેતુ માટે પોતાની સ્વીકૃતિ આપી હતી.

જોકે, આ મુદ્દો મૂળભૂત હકોમાં સામેલ ન થઈ શક્યો અને બાદમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામેલ કરાયો.

પુસ્તકમાં નોંધાયા પ્રમાણે ધર્મના પાલન અને તેના પ્રસાર માટેના અધિકાર પર કોઈ પણ પ્રકારના નિયંત્રણ નહીં હોય એ વાત અંગે અમૃત કૌરે વાંધો ઉઠાવ્યો હતો.

"તેઓ અને હંસા મહેતાને એ વાતની ફીકર હતી કે ધાર્મિક સ્વતંત્રતા અને જરૂરી સામાજિક સુધારા લાવવા માટે રાજ્યની શક્તિને લગતી જોગવાઈઓને કારણે ભવિષ્યમાં ઘર્ષણ પેદા થઈ શકે છે."

"આ બંને નેતાઓને એ વાતની ચિંતા હતી કે ભારતમાં ઘણી ધાર્મિક વિધિઓ ધર્મને નામે સમાજમાં સ્ત્રીઓના નિમ્ન દરજ્જાનું કારણ બને છે, તેને આ પ્રકારની જોગવાઈને કારણે બળ મળશે, જેમ કે, બાળવિવાહ, દેવદાસીપ્રથા, પૈતૃક સંપત્તિમાં અસમાન હક, પરદાપ્રથા, બહુપત્નીત્વ અને આંતરજ્ઞાતીય લગ્નો પરની રોક."

આ પ્રકારની જોગવાઈને કારણે આ તમામ ખામીઓ દૂર કરવા માટેની સરકારની શક્તિઓ સીમિત બની જશે તેવો તેમને ભય હતો.

જોકે, બાદમાં આ ધાર્મિક સ્વતંત્રતાના આ અધિકાર પર રાજ્યને વિશેષ જોગવાઈઓ કરવાના અધિકારો આપીને મૂળ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો, જેનો શ્રેય હંસા મહેતા અને અમૃત કૌર જેવા કુશળ મહિલા નેતાઓને ફાળે જાય છે.

ડૉ. રંજના હરીશ સ્ત્રીઓના અધિકારો માટે હંસાબહેને આપેલી લડત વિશે વાત કરતાં જણાવે છે કે, "તેઓ ભારતીય સમાજમાં સ્ત્રીઓને અન્યાયકારી ઘણી કુપ્રથાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતાં હતાં. તેમણે અને તેમના સાથીદારોએ મળીને વિવાહની ઉંમર વધારવા માટે અને બાળવિવાહ પર પ્રતિબંધ લાદતો સારદા કાયદો ઘડાવવા માટે અથાક મહેનત કરી હતી."

ઉજાસનું પ્રથમ કિરણ પુસ્તકમાં સ્ત્રીઓના પ્રશ્ન અંગે હંસાબહેન મહેતાનાં કરેલાં કાર્યો નોંધવામાં આવ્યાં છે.

આ પુસ્તકમાં નોંધાયું છે તે મુજબ, 'સ્ત્રીઓના પ્રશ્નોમાં રસ લઈને જિનીવામાં યોજાયેલ 'વિમેન્સ ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ'માં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આદિવાસી સ્ત્રીઓના કલ્યાણ માટે તેમણે 'ભગિની સમાજ'નામની સંસ્થાનો પાયો નાખ્યો. મજૂર અને કારીગર સ્ત્રીઓ માટે પ્રૌઢ શિક્ષણકેન્દ્રો ખોલ્યાં તથા વ્યવસાયી સ્ત્રીઓ માટે હૉસ્ટેલની વ્યવસ્થા કરી.'

ડૉ. રંજનાબહેન હરીશ ભારતીય સમાજમાં સ્ત્રીઓને સમાન હક અપાવવા માટે હંસાબહેન અને તેમનાં અન્ય સાથીદારો દ્વારા ભજવાયેલી ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવે છે.

તેઓ કહે છે, "તે સમયે ધારાસભામાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી, તેથી સ્ત્રીઓને સમાન તક, શિક્ષણ, દરજ્જો મળે એ માટેના કાયદા બને તે હેતુથી હંસાબહેન મહેતા, રેણુકા રે અને વિજયાલક્ષ્મી પંડિત જેવાં સ્ત્રી આગેવાનો દ્વારા ધારાસભાની બહાર પોતાની માંગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરાતાં. તેમની મુખ્ય માંગણીઓમાં સ્ત્રીઓનાં બાળવિવાહ પર પ્રતિબંધ, પૈતૃક સંપત્તિમાં સ્ત્રીને સમાન હક અને સ્ત્રીને પણ છૂટાછેડા આપવાનો અધિકાર આપવાની માંગણીઓ સામેલ હતી."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "વિજયાલક્ષ્મી પંડિતે પોતાની આત્મકથા 'ધ સ્કોપ ઑફ હેપીનેસ' અને રેણુકા રેએ પોતાની આત્મકથા 'માય રેમિનન્સીસ'માં સ્ત્રીઓના હકો માટે અવાજ ઉઠાવનાર મહિલા નેતાઓને પડતી તકલીફો નોંધી છે. આ તમામ તકલીફોમાં હંસાબહેન મહેતા આ સ્ત્રી આગેવાનોના સહભાગી રહ્યાં છે."

માનવાધિકારોના ઘોષણાપત્રમાં સ્ત્રીઓને અપાવ્યું સ્થાન

હંસાબહેને માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં માનવાધિકાર ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વર્ષ 1947-48માં જ્યારે તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવાધિકાર સમિતિના ભારતીય પ્રતિનિધિ તરીકે મોકલાવામાં આવ્યાં હતાં. ત્યારે તેમણે માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર માટે તેયાર કરાયેલ દસ્તાવેજના પ્રથમ અનુચ્છેદમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાવ્યો હતો.

આ ઘોષણાપત્રના પ્રથમ અનુચ્છેદમાં કંઈક આ પ્રકારની નોંધ હતી, "All men are born free and equal". આ અનુચ્છેદમાં સ્ત્રીઓની વાત સમાવિષ્ટ ન હોવાનું હંસાબહેનને લાગ્યું. તેમણે તરત જ 'men' શબ્દ પર વાંધો ઉઠાવ્યો અને તેના સ્થાને 'human being' એટલે કે મનુષ્ય એવો શબ્દ ઉમેરાવડાવ્યો, આમ, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકારના ઘોષણાપત્રમાં સ્ત્રીઓને પણ સમાન પ્રતિનિધિત્વ મળી શક્યું.

સુધારા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તૈયાર કરાયેલ માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્રનો પ્રથમ અનુચ્છેદ કંઈક આ પ્રમાણે નોંધાયો છે. "All human beings are born free and equal".

આ ઘટના લિંગસમાનતા અને માનવાધિકારો માટે તેમની ઊંડી સમજ અને ઝીણવટભરી નજરનું ઉદાહરણ પૂરું પાડે છે.

ઘણાં પ્રસંગોએ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ સૅક્રેટરી પણ ભારતની દીકરી હંસાબહેને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવહકોની ઉદ્ઘોષણામાં લિંગસમાનતા સુનિશ્ચિત કરવા માટે સૂચવેલા સુધારાની નોંધ લીધી છે.

શિક્ષણક્ષેત્રે યોગદાન, ઉમદા લેખક અને ભાષાંતરકાર

રાજકીય અને સામાજસેવા ક્ષેત્રે આગળ પડતી ભૂમિકાઓ ભજવનરા હંસાબહેન એક કુશળ કેળવણીકાર પણ હતાં. ઉજાસનું પ્રથમ કિરણ પુસ્તકમાં શિક્ષણક્ષેત્રે તેમની ભૂમિકા અંગેની નોંધમાં લખાયું છે કે, "શિક્ષણક્ષેત્રે તેમનું યોગદાન અદ્વિતિય રહ્યું. વર્ષ 1926માં મુંબઈ મ્યુનિસિપલ શાળાઓની સમિતિનાં સભ્ય બન્યાં. વર્ષ 1931થી 1946 દરમિયાન બૉમ્બે વિશ્વવિદ્યાલયના સેનેટનાં સભ્ય રહ્યાં."

"વર્ષ 1949માં સ્થપાયેલી મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે નિમાયાં. એ સમયે ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ મહિલાએ આટલું ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું નહોતું."

તેમના કાર્યકાળ દરમિયાન એમ. એસ. યુનિવર્સિટીએ સાધેલી પ્રગતિ અંગે પુસ્તકમાં નોંધાયું છે તે પ્રમાણે "ઉપકુલપતિ તરીકે તેમણે આ યુનિવર્સિટીનો અનન્ય વિકાસ સાધ્યો. ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા ધરાવતી યુનિવર્સિટી તરીકે આજે પણ તેનું નામ મોખરે છે. આ યુનિવર્સિટીમાં તેમણે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખતે હોમ સાયન્સ વિભાગની શરૂઆત કરી. યુવતીઓને વૈજ્ઞાનિક ઢબે ગૃહવિજ્ઞાન ભણવાની સગવડ પ્રથમ વાર પ્રાપ્ત થઈ."

પુસ્તકમાં થયેલી અન્ય એક નોંધ અનુસાર વર્ષ 1947 સ્વતંત્રતા દિવસની મધ્યરાત્રિએ જવાહરલાલ નહેરુના હાથમાં તિરંગો ઝંડો આપવાનું ગૌરવશાળી કાર્ય કરવાની તક પણ હંસાબહેનને મળી હતી. ભારત સરકાર દ્વારા વર્ષ 1959માં તેમને 'પદ્મભૂષણ'ના ખિતાબથી નવાજવામાં આવ્યાં હતાં.

'ઉજાસનું પ્રથમ કિરણ પુસ્તક'માં શિક્ષણશાસ્ત્રી ઉપરાંત એક લેખક અને ભાષાંતરકાર તરીકે પણ હંસાબહેનને રજૂ કરાયાં છે.

આ પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે, 'તેમણે ગુજરાતી ભાષામાં બાળકો માટેનાં પુસ્તકોની ઊણપ જોઈ, તેથી તેમણે સુંદર બાલસાહિત્ય રચ્યું. કવિતા, નાટકો અને રેખાચિંત્રો આલેખ્યાં.એમાં પણ એમના વ્યક્તિવિશેષોનાં રેખાચિંત્રો ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે."

"શેક્સપિયરનાં નાટકોનાં અનુવાદ અને વાલ્મીકિ રામાયણના કેટલાક કાંડોનાં ગુજરાતી અનુવાદ તથા કેટલાંક અંગ્રેજી પુસ્તકો સહિત તેમનાં વીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે."

'ગુજરાત વિશ્વકોષ ખંડ 15'માં પણ હંસાબહેનના લેખનકાર્ય અંગે કેટલોક ઉલ્લેખ જોવા મળે છે.

જે મુજબ "લેખન તેમના રસનું ક્ષેત્ર. બાલકિશોરસાહિત્ય અન્ અનુવાદક્ષેત્રના ઉલ્લેખનીય કાર્ય તરીકે બાળવાર્તાવલિ, બાવલાનાં પરાક્રમો, ગોળીબારની મુસાફરી, અરુણનું અદ્ભુત સ્વપ્ન વગેરે તેમનાં નોંધનીય લેખનકાર્યો છે."

'ગુજરાત વિશ્વકોષ ખંડ 15'ની અન્ય એક રસપ્રદ વિગત પ્રમાણે, "તેઓ સંભવત: ગુજરાતી ભાષાનાં પ્રથમ સ્ત્રી પત્રકાર હતાં. પત્રકારત્વના અભ્યાસને કારણે તેઓ હિન્દુસ્તાન સાપ્તહિકના સહતંત્રી અને પછી મુંબઈમાં ભગિની સમાજની પત્રિકાના માનાર્હ મંત્રી થયેલાં."

સમાજસેવિકા, સ્વાતંત્ર્ય સેનાની, કુશળ રાજનીતિજ્ઞ, કેળવણીકાર અને સ્ત્રી-પુરુષ સમાનતાનાં હિમાયતી એવાં હંસાબહેને 4 એપ્રિલ 1995ના રોજ દેહ ત્યાગ્યો.

ઉજાસનું પ્રથમ કિરણ પુસ્તકમાં નોંધાયું છે એમ, "અત્યંત મેધાવી આ મહિલાએ જીવનમાં અનેક ચડતીપડતી જોઈ. સાધનસંપન્ન પરિવાર અને સાનુકૂળ વાતવરણ હોવા છતાં કંઈક નવું કરવાની લગનીએ તેમને ક્યારેય જંપીને ન બેસવા દીધાં."

"હંમેશાં સરળ રસ્તો છોડીને ઉબડખાબડ ચીલે ચાલવાનું તેમણે પસંદ કર્યું. અનેક પડકારોથી સંઘર્ષરત્ જિંદગી જીવવાનો બદલે જીવનને સુખ, વૈભવથી તેઓ સજાવી શક્યાં હોત, પણ વિચક્ષણ અને પારગામી દૃષ્ટિ ધરાવનાર આ મહિલાએ પોતાના જીવનના ખમીરને સતત પડકાર્યું અને જુદાં જુદાં ક્ષેત્રોમાં પ્રકાશનું પ્રથમ કિરણ પાથરનાર બની રહ્યાં."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો