કોરોના વાઇરસના દર્દીઓનો જીવ બચાવી શકે છે આ સસ્તી દવા

    • લેેખક, જેમ્સ ગૅલેધર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓના જીવ સ્ટિરૉઇડથી બચાવી શકાય છે. એક નવા સંશોધનમાં આ પરિણામો સામે આવ્યાં છે.

આ અગાઉ થયેલી એક ટ્રાયલનાં પરિણામોની પુષ્ટિ કરે છે, જેના આધારે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં કોરોના વાઇરસના ગંભીર દરદીઓ માટે સ્ટિરૉઇડનો ઉપયોગ થતો હતો.

'જર્નલ ઑફ ધ અમેરિકન મેડિકલ ઍસોસિયેશન'માં આ નવા સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયાં છે, જે મુજબ કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા ગંભીર સો દર્દીઓમાંથી ઓછામાં ઓછા આઠ દરદીના જીવ સ્ટિરૉઇડથી બચાવી શકાયા છે.

સંશોધકોનું કહેવું છે કે સંશોધનનાં પરિણામો અસરકારક છે. જોકે તેમનું કહેવું છે કે સ્ટિરૉઇડ કોરોના વાઇરસની સારવાર નથી.

આ વર્ષે જૂન મહિનામાં બ્રિટનમાં ડેક્સામેથાસન નામના એક સ્ટિરૉઇડના ઉપયોગ અંગે પરીક્ષણ થયું હતું.

આ અંગે બ્રિટનના સંશોધકોએ દાવો કર્યો હતો કે દુનિયામાં ખૂબ જ સસ્તી અને સરળતાથી મળનારી દવા ડેક્સામેથાસન કોરોના વાઇરસથી સંક્રમિત અને ગંભીરરૂપે બીમાર દર્દીઓના જીવ બચાવવામાં મદદ કરી શકે છે.

હાલમાં જ કરવામાં આવેલા સંશોધનમાં દુનિયાભરમાં કોરોના દર્દીઓ પર થઈ રહેલા સ્ટિરૉઇડની ક્લિનિકલ ટ્રાયલની જાણકારીને સામેલ કરવામાં આવી છે.

આ સ્ટડી એ વાતની પુષ્ટિ કરે છે કે કોરોના વાઇરસના ગંભીર દર્દીઓની સારવારમાં ડેક્સામેથાસન અને હાઇડ્રોકૉટિસન એમ બે સ્ટિરૉઇડ અસરકારક સાબિત થઈ શકે છે.

લંડનની ઇમ્પિરિયલ કૉલેજના પ્રોફેસર ઍન્થની ગૉર્ડન કહે છે, “આ વર્ષની શરૂઆતમાં સ્થિતિ ખૂબ જ નિરાશ કરનારી હતી, અનેક વખત એવું લાગતુ હતું કે અમે કંઈ કરી નહીં શકીએ કારણ કે અમારી પાસે વાઇરસની સારવાર કરવા માટેની કોઈ રીત નથી.”

“તે ખૂબ જ પરેશાન કરનારો સમય હતો, પરંતુ હવે છ મહિનાની અંદર ભરોસાપાત્ર અને હાઈ-ક્વૉલિટી ક્લિનિકલ ટ્રાયલનાં સ્પષ્ટ પરિણામો મળી ગયાં છે, જે આપણને બતાવે છે કે આપણે આ ઘાતક બીમારી સામે કેવી રીતે લડી શકીએ.”

કોની સારવારમાં ઉપયોગી?

હાલમાં કરાયેલું સંશોધન કોરોના વાઇરસોના કારણે ગંભીર રીતે બીમાર થયેલા 1703 દર્દી પર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 ટકા દર્દીનાં મૃત્યુ સામાન્ય સારવાર પછી થયાં હતાં. 30 ટકા દર્દીનાં મૃત્યુ સ્ટિરૉઇડ આપ્યાં પછી થયાં હતાં.

આ સંશોધન માત્ર હૉસ્પિટલમાં ગંભીર રીતે બીમાર દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આ વાઇરસથી સંક્રમિત મોટા ભાગના લોકોમાં સામાન્ય લક્ષણો દેખાયાં છે.

સામાન્ય રીતે સ્ટિરૉઇડ મનુષ્યના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આ કારણે તે આર્થરાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓની સાથે-સાથે ગંભીર સંક્રમણના કેસોમાં ઉપયોગી છે.

જોકે માનવામાં આવે છે કે કોરોના વાઇરસના સંક્રમણના શરૂઆતના દિવસોમાં આ દવા વધારે અસરકારક નથી. જ્યારે વ્યક્તિમાં ખાંસી, તાવ અને સ્વાદ, ગંધ ન આવવાં જેવાં લક્ષણો દેખાય છે.

પરંતુ જેમ-જેમ સંક્રમણ વધે છે, એમ-એમ આની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. આ વાઇરસ શરીરની ઇમ્યુન સિસ્ટમ પર પણ દબાણ ઊભું કરે છે, જેના કારણે તે ફેફસાં અને શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

બીમારીના આ સ્ટેજ પર સ્ટિરૉઇડ સારવારમાં મદદ કરી શકે છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન લેન્ડરે કહે છે, “કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે જ્યારે ઑક્સિજન સિલિન્ડરની જરૂર પડે, ત્યારે તમારે સમજી જવું જોઈએ કે તમે એવી સ્થિતિમાં કૉર્ટિકોસ્ટોરૉઇડના ઉપયોગ માટે પ્રિસ્ક્રિપ્શન લખી શકો છો.”

“આ સંશોધનનાં પરિણામોથી તરત લાભ લઈ શકાય છે. આ દવા સસ્તી છે, દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને મૃત્યુદર ઓછો કરવાની બાબતમાં કામયાબ દવા મનાય છે.”

ડેક્સામેથાસન પર સંશોધન

વર્ષની શરૂઆતમાં ડેક્સામેથાસન પર કરાયેલા સંશોધનનાં પ્રારંભિક પરિણામો આવ્યાં પછી જ ડૉક્ટરોએ આનો ઉપયોગ શરૂ કર્યો છે, પણ તેમને આશા છે કે દુનિયાભરમાં લોકોની સારવાર માટે આની પહોંચ વધશે.

આ દવા સીધી ગોળીની જેમ આપી શકાય છે અથવા નસોમાં ડ્રિપ તરીકે પણ આપી શકાય છે.

હાલ સુધીના સંશોધનમાં ઓછા પ્રમાણમાં સ્ટિરૉઇડના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ વાતનો કોઈ પુરાવો નહોતો કે થોડા વધારે પ્રમાણમાં આનો ઉપયોગ અસરકરાક રહેશે કે નહીં.

આશા સેવાઈ રહી છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ સંદર્ભે જલદી જ ડૉક્ટરો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે.

બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસના મુખ્ય કાર્યકારી અધિકારી સર સાઇમન સ્ટીવ્સનું કહેવું છે, “હેલ્થ સર્વિસ હવે તરત પગલાં લેશે અને એ સુનિશ્ચિત કરશે કે જે દર્દીઓને હાઇડ્રોકૉર્ટિસનથી ફાયદો થઈ શકે છે તેમની સારવાર આ દવાથી કરવામાં આવે.”

“સાથે જ કોરોના વાઇરસની સામેની લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ અને અસરકારક હથિયાર આપણને મળી ગયું છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો