રશિયાએ બનાવેલી કોરોના વાઇરસની રસી કેટલી સફળ?

રશિયાના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસની તેમની રસી અંગે પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, જેમાં શરૂઆતનાં પરીક્ષણોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાના સંકેતો જોવા મળ્યા હતા.

મેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ રસી મુકાવનાર દરેક વ્યક્તિના શરીરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા એન્ટિબૉડી જોવાં મળ્યાં હતાં તેમજ આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર થઈ નહોતી.

રશિયાએ આ રસીના પ્રાદેશિક ઉપયોગ માટે ઑગસ્ટ માસમાં જ પરવાનગી આપી દીધી હતી. આંકડાકીય માહિતી પ્રકાશિત કરતા પહેલાં આવી મંજૂરી આપનાર તે દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો.

જોકે, નિષ્ણાતોને મતે આ રસીની અસરકારકતા અને સુરક્ષા સાબિત કરવા માટે ટ્રાયલનું કદ ઘણું નાનું રાખવામાં આવ્યું છે.

પરંતુ રશિયાએ ટીકાકારોના જવાબમાં રસીનાં પરિણામો મૂક્યાં છે. જોકે પશ્ચિમના કેટલાક નિષ્ણાતોએ રશિયાના રસી વિકસિત કરવાના કાર્યમાં ઝડપ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગત મહિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે તેમની રસી જરૂરી તમામ પરીક્ષણોમાંથી પસાર થઈ ચૂકી છે અને તેમની એક દીકરીને પણ આ રસી મૂકવામાં આવી છે.

રિપોર્ટ શું કહે છે?

સ્પુતનિક-V નામે આ રસીની જૂનમાં અને જુલાઈમાં એમ કુલ બે ટ્રાયલ કરાઈ હતી.

લૅન્સેટમાં પ્રસિદ્ધ થયેલ નોંધ પ્રમાણે આ બંને ટ્રાયલમાં 38-38 સ્વસ્થ વ્યક્તિઓને સામેલ કરાયી હતી, જેમને રસીનો પ્રથમ ડોઝ મુકાયા બાદ ત્રણ અઠવાડિયાં બાદ ફરીથી બૂસ્ટર ડોઝ મુકાયો હતો.

ટ્રાયલમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓ 18થી 60 વર્ષની ઉંમરની હતી. રસી મુકાયા બાદ તમામ પર 42 દિવસ સુધી નજર રાખવામાં આવી.

જે દરમિયાન ત્રણ અઠવાડિયાંમાં તેમનાં શરીરમાં એન્ટિબૉડી તૈયાર થયાની વાત સામે આવી હતી. આ રસીની સામાન્ય આડઅસરોમાં માથાનો અને સાંધાનો દુખાવો સામેલ હતો.

નોંધનીય છે કે ટ્રાયલમાં પ્લેસિબો રસીનો સમાવેશ નહોતો કરાયો. ટ્રાયલમાં ભાગ લેનાર તમામને ખબર હતી કે તેમને રસી અપાઈ રહી છે.

રિપોર્ટમાં આગળ લખાયું છે કે, “રસીની લાંબા ગાળાની સુરક્ષા અને અસરકારકતા માટે મોટી, લાંબા ગાળાની ટ્રાયલ કે જેમાં પ્લેસિબોની સરખામણી પણ સામેલ કરાઈ હોય તે કરવાની જરૂર છે.”

પેપર પ્રમાણે, “’ટ્રાયલના ત્રીજા તબક્કામાં જુદાં જુદાં વયજૂથ અને જોખમવાળા 40 હજાર વ્યક્તિઓને સામેલ કરાશે.”

રશિયાની રસી એડિનોવાઇરસના મોડિફાઇડ સ્ટ્રેઇનનો ઉપયોગ કરાયો છે. નોંધનીય છે કે આ વાઇરસ સામાન્ય રીતે શરદી માટે જવાબદાર હોય છે.

હજુ દિલ્હી દૂર છે?

UKના વૈજ્ઞાનિકો દ્વારા ‘ઉત્સાહવર્ધક’, ‘અત્યાર સુધી સારાં પરિણામો’ જેવી કેટલીક પ્રતિક્રિયાઓ આવી છે.

જોકે, હજુ દિલ્હી દૂર છે તેમાં કોઈ બેમત નથી. બીજા તબક્કાની ટ્રાયલમાં ભલે રસી લેનાર તમામનાં શરીરમાં એન્ટિબૉડી વિકસ્યા હોય, પરંતુ તેનો અર્થ એ નથી થતો કે આનાથી તેઓ વાઇરસથી બચી જશે. હજુ સુધી એ સાબિત કરી શકાયું નથી.

આ પરિણામો પરથી આપણે એટલું કહી શકીએ કે આ રસી 18થી 60 વર્ષની ઉંમરના સ્વસ્થ લોકો માટે 42 દિવસ સુધી બિનહાનિકારક સાબિત થઈ છે કારણ કે આટલા જ સમય માટે સંશોધન કરાયું હતું.

જોકે, 60 કરતાં વધુ ઉંમરની વ્યક્તિઓ, પહેલાંથી બીમારીઓ સામે ઝઝૂમી રહેલી વ્યક્તિઓ પર લાંબાગાળે તેની અસર કેવી રહેશે? એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

આ પ્રશ્નોના જવાબ વધુ વ્યાપક, લાંબા ગાળાની ટ્રાયલની જરૂરિયાત રહેશે. જેમાં ભાગ લેનાર લોકોને પોતાને રસી મુકાઈ રહી છે કે બનાવટી ઇન્જેક્શન તેની ખબર ન હોય. તેનાથી એ વૈજ્ઞાનિકોને એ વાતની પણ ખબર પડશે કે વ્યાપક વસતિ પર રસી કેટલી અસરકારક હશે.

આ અંગે વધુ પારદર્શિતાની જરૂરિયાત હોવાનો મુદ્દો ઊઠી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં જુદી જુદી રસીઓની ટ્રાયલો વચ્ચે કોઈક રસી અમુક સમૂહ પર કે અમુક પરિસ્થિતિમાં અન્ય રસી કરતાં સારાં પરિણામ આપી શકે.

તેથી કઈ રસી કોની પર કેટલા પ્રમાણમાં અસરકારક સાબિત થશે તે સૌથી મહત્ત્વપૂર્ણ છે. એક જ રસી બધા માટે યોગ્ય હશે એ સંભવ નથી.

પ્રતિક્રિયા કેવી રહી છે?

રશિયાની રસી પાછળ રોકણ કરનાર ફંડના વડા કિરિલ દિમિત્રિવે એક પત્રકારપરિષદમાં કહ્યું કે, “રશિયાની રસી પર આધારવિહોણી શંકા વ્યક્ત કરનાર લોકો માટે આ રિપોર્ટ એક જવાબ છે.”

તેમણે કહ્યું કે, “ટ્રાયલના આગલા તબક્કા માટે ત્રણ હજાર લોકોને પહેલાં ભરતી કરી લેવાયા છે.”

રશિયાના સ્વાસ્થ્યમંત્રી મિખાઇલ મુરાશ્કોએ જણાવ્યું કે હાઈ-રિસ્ક ગ્રૂપોને કેન્દ્રમાં રાખીને દેશમાં નવેમ્બર કે ડિસેમ્બર માસથી રસીકરણનો આરંભ થઈ જશે.

પરંતુ આ રસીને બજારમાં ઉતારવા માટે હજુ ઘણું કામ બાકી હોવા અંગે નિષ્ણાતો ચેતવ્યા હતા.

લંડન સ્કૂલ ઑફ હાઇજિનમાં માઇક્રોબાયલ પૅથોજેનેસિસના પ્રોફેસર બ્રેંડન વૅને સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, “આ રિપોર્ટનો અર્થ માત્ર અત્યાર સુધી બધું ઠીક છે એટલા પૂરતો જ સીમિત છે.”

WHO પ્રમાણે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ માટે 176 રસીઓ પર કામ ચાલી રહ્યું છે. જે પૈકી 34નાં માણસો પર પરીક્ષણ થઈ રહ્યાં છે. આ 34 પૈકી આઠ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો