કોરોના વાઇરસ : જ્યારે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત ગુટકાચોરને કારણે આખો વિસ્તાર ક્વોરૅન્ટીન થયો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડોદરાના ડભોઈમાં એક ગુટકાચોરને કારણે વિસ્તારના 600થી વધુ લોકોને ક્વોરૅન્ટીન કરવાની ફરજ પડી છે. ગુટકાની તલબને કારણે ડભોઈમાં બે ગુટકાશોખીનોએ પાનના ગલ્લાવાળાને લૂંટી લીધો હતો.

આ મામલે પાનના ગલ્લાવાળાએ પોલીસ ફરિયાદ કરી અને પકડાયેલો ચોર કોરોનાગ્રસ્ત નીકળતા એ રહેતો હતો એ સમગ્ર વિસ્તારને ક્વોરૅન્ટીન કરાયો છે.

એટલું જ નહીં ગુટકાચોરને પકડનારા પોલીસની પણ હવે કોરોનાની તપાસ થઈ રહી છે.

ગુટકાચોરને કારણે તેના વિસ્તારનાં 150 ઘરના 600 લોકો ક્વોરૅન્ટીન થઈ ગયા છે.

વડોદરા પાસેના ડભોઈમાં લૉકડાઉન દરમિયાન ગુટકા અને પાનમસાલા નહીં મળતાં અહીંના રામટેકરી વિસ્તારના ગુટકાના બંધાણી અયૂબ તાઈ અને કુલદીપ શર્માએ ગુટકાની શોધખોળ શરૂ કરી હતી.

ડભોઈના માથાભારે ગણાતા અયુબ તાઈ આમ તો ગુટકા આજુબાજુના ગામમાંથી લઈ આવતા હતા પણ 11 એપ્રિલે એનો ગુટકાનો સ્ટૉક ખતમ થઈ ગયો.

તપાસ કરી તો ગામમાં એક દુકાનવાળા મહેશ બારિયા 125 રૂપિયામાં ગુટકા વેચતા હોવાની ખબર પડી એટલે અયૂબ અને એના સાથી કુલદીપ શર્માએ મહેશ બારિયાને રસ્તામાં આંતર્યો અને ગુટકા માગ્યા પણ બારિયાએ મફતમાં આપવાની ના પાડી હતી.

આથી એને ઢોરમાર મારીને ગુટકાનો સમાન, ઘરવખરીની ચીજવસ્તુઓ તથા સોનાની વીંટી ચોરી લીધી હતી.

મહેશ બારિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “હું ઘરવખરીના સમાનની નીચે ગુટકા રાખીને વેચતો હતો. આસપાસનાં ગામમાં પણ જઈને ગુટકા વેચતો હતો. 11 તારીખે અયૂબનો મારા મોબાઇલ પર ફોન આવ્યો કે એને ગુટકા જોઈએ છે મેં ના પડી."

"પછી હું 12 તારીખે સવારે મારી મોટરસાઇકલ પર ઘરવખરીના સમાન નીચે ગુટકાનાં 37 પૅકેટ લઈને જતો હતો. ત્યારે રસ્તામાં મને આંતરીને લૂંટી લીધો.”

“એટલું જ નહીં ગુટકા ઉપરાંત મારી સોનાની વીંટી પણ ચોરી લીધી હતી. મેં પોલીસ ફરિયાદ કરી તો એની પત્નીએ મને માર્યો, પણ મેં પોલીસ ફરિયાદ પછી નહીં ખેંચતા એની ધરપકડ થઈ. હવે એ કોરોનાગ્રસ્ત હોવાની ખબર પડતા મારું પણ મેડિકલ ચેકઅપ થશે.”

રામટેકરીના 600 લોકો ક્વોરૅન્ટીન

આ અંગે ડભોઈના એસ.પી. કલ્પેશ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “ગુટકાચોરી અને સોનાની વીંટીની લૂંટનો કેસ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોઈ પણ કેદીની ધરપકડ થાય તો એનો કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.”

“આથી અમે આ બે ચોરનો કોરોના ટેસ્ટ કરાવ્યો તો એમાંથી એક કોરોનાગ્રસ્ત નીકળ્યો છે, જ્યારે બીજાનો ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે. પણ આ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તકેદારીના પગલારૂપે આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવીશું.”

તાલુકા હેડ ઑફિસર ડૉ. ગુડિયા રાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારી પાસે આ ગુનેગારોની ધરપકડ કરતાં પહેલાં નિયમ પ્રમાણે, કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી એકનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે અને આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકો અને પોલીસકર્મીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

વડોદરાનાં કલેક્ટર શાલિની અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 52 વર્ષીય એક વ્યક્તિનો કોરોના પૉઝિટિવ આવ્યો છે.

“અહીંના રામટેકરી વિસ્તારમાં રહેતા આ ભાઈને પોલીસ લાવી અને તપાસ કરાવી હતી. એને કોરોના પૉઝિટિવ આવતા રામટેકરીનાં 150 ઘરને ક્વોરૅન્ટીન કરી દેવાયાં છે. અહીં રહેતા 600 લોકોની અવરજવર પર તકેદારીના પગલારૂપે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી કોરોના વધુ ના ફેલાય.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો