શા માટે રિલાયન્સ જિયોમાં ફેસબુકેએ રોકાણ કર્યું?

અમેરિકા સ્થિત ફેસબુકે ભારતીય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ પ્લૅટફૉર્મ રિલાયન્સ જિયોમાં રૂપિયા 43 હજાર 574 કરોડના ખર્ચે 9.99 ટકા હિસ્સો ખરીદ્યો છે.

ફેસબુક દ્વારા ન્યૂઝરૂપ પેજ ઉપર આ ડીલ અંગે જણાવવામાં આવ્યું છે કે 'આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને રિલાયન્સ જિયો ભારતમાં જે પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે ઉત્સાહિત છીએ.

રિલાયન્સની 'બુક્સ'માં ફેસબુક

આ કરાર અંગે ફેસબુકનું કહેવું છે કે રિલાયન્સ જિયોએ ચાર વર્ષથી ઓછા સમયમાં લગભગ 388 મિલિયન યૂઝર્સ સુધી ઇન્ટરનેટ પહોંચાડવામાં સફળતા મેળવી છે.

અનેક વેપાર-ધંધાને આગળ ધપાવવામાં તથા પરસ્પર જોડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે.

પોસ્ટમાં જણાવ્યા મુજબ, ડિજિટલ ટેકનૉલૉજીને કારણે ભારતમાં આર્થિક તથા સામિજક દૃષ્ટિએ ધરમૂળથી પરિવર્તનો આવી રહ્યાં છે અને ગત પાંચ વર્ષ દરમિયાન 560 મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે.

ફેસબુકના મતે, "અમે (ફેસબુક) ભારતમાં જિયો સાથે મળીને લોકોને જોડવા માટે પ્રતિબદ્ધ છીએ."

"અમે દરેક પ્રકારના વ્યવસાયો માટે નવી તકો પૂરી પાડવા માગીએ છીએ."

"વિશેષ કરીને ભારતભરમાં ફેલાયેલા 60 મિલિયનથી વધુ વ્યવસાયિકોને સક્ષમ બનાવવા ઇચ્છીએ છીએ. કારણ કે નાના વેપારીઓ દ્વારા જ રોજગારનું સર્જન થતું હોય છે."

"હાલના સમયમાં એ ખૂબ જ જરૂરી છે.કોરોનાની મહામારીને પહોંચી વળવા તથા વ્યવસાય માટે મજબૂતી આપવા માટે અમે પ્રયાસ કરીશું."

ઉલ્લેખનીય છે કે ફેસબુક, મૅસેન્જર, વૉટ્સઍપ તથા ઇન્સ્ટાગ્રામ મારફત અગાઉથી જ કંપની ભારતમાં હાજરી ધરાવે છે.

શું કહે છે જિયો

9.99 ટકાની ભાગીદારી માટે ફેસબુક દ્વારા લગભગ 43.5 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે, જેના પગલે જિયો પ્લૅટફૉર્મસની વૅલ્યૂ ચાર લાખ 62 હજાર કરોડ ઉપર પહોંચી જવા પામી છે.

લૉન્ચિંગના લગભગ ચાર વર્ષની અંદર જ કંપનીનું વૅલ્યૂએશન દેશની ટોપ-5 લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ શકે, તેટલું થવા પામ્યું છે.

જિયોમાં ફેસબુકના રોકાણને ટેકનૉલૉજીના ક્ષેત્રે દેશમાં સૌથી મોટું સીધું વિદેશી મૂડીરોકાણ માનવામાં આવે છે.

આ ડિલ અંગે મુકેશ અંબાણીનું કહેવું છે કે લાંબાગાળાના ભાગીદાર તરીકે ફેસબુકના આગમનથી દેશની ડિજિટલ ઇકૉસિસ્ટમ તથા ભારતીયોને લાભ થશે. 2016માં 'ભારતના ડિજિટલ સર્વોદય'ના લક્ષ્યાંક સાથે જિયો લૉન્ચ કર્યુ હતું. જેને સાકાર કરવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે હજુ આ કરારને જરૂરી કાયદાકીય મંજૂરી નથી મળી. એફ.ડી.આઈ. તથા કસ્ટમ્સ સહિતની મંજૂરીઓ મેળવવાની રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો