ગુજરાતમાં જે 'કૉંગો ફીવરે' માથું ઊંચક્યું છે, તે રોગ શું છે અને તેનાથી કઈ રીતે બચવું?

    • લેેખક, રોકસી ગાગડેકર છારા તથા મહેઝબીન સૈયદ
    • પદ, અમદાવાદ, નવી દિલ્હી

ગુજરાતમાં ફરી એક વખત કૉંગો ફીવરે બે મહિલાઓનો ભોગ લીધો છે જ્યારે એક મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવાં મળતાં તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સિવિલ હૉસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઑફિસર ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા અનુસાર કુંવરબહેન નામનાં મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવા મળ્યાં છે.

તેઓ કહે છે, "શંકાસ્પદ કૉંગો ફીંવરને કારણે કુંવરબહેનને આઇસોલેશન વૉર્ડમાં મૂકવામાં આવ્યાં છે. તેમના લોહીના નમૂના પૂના સ્થિત લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે."

"તેમના રિપોર્ટનું પરિણામ બે દિવસમાં આવવાની શક્યતા છે, જ્યારબાદ તેમને જરૂરી સારવાર આપવામાં આવશે."

આ ત્રણેય મહિલાઓ સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામ સાથે જોડાયેલી છે.

જામડી ગામના આગેવાન આલાભાઈ સિંધવેએ જણાવ્યું, "જામડીની બે મહિલાઓ સુકુબહેન અને લીલુબહેનને તાવ આવ્યો હતો."

"સુકુબહેનને સારવાર અર્થે અમદાવાદની વી. એસ. હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે લીલુબહેનનું સુરેન્દ્રનગરમાં જ મૃત્યુ થયું હતું."

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ બન્ને મહિલાઓનાં મૃત્યુ શંકાસ્પદ કૉંગો ફીવરને કારણે થયાં હતાં.

આલાભાઈ સિંધવે ઉમેરે છે, "કુંવરબહેન લીલુબહેનનાં સંબંધી છે અને તેમની અંદર પર તાવનાં લક્ષણો જોવાં મળતાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે."

સ્વાસ્થ્ય વિભાગ સતર્ક

બે મહિલાઓનાં મૃત્યુ અને કુંવરબહેનમાં શંકાસ્પદ કૉંગો ફીવરનાં લક્ષણોને જોતાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે.

આલાભાઈ સિંધવે જણાવે છે, "કૉંગો ફીવરના ખતરાને ધ્યાનમાં રાખતા હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ગામની મુલાકાત લીધી છે."

"કર્મચારીઓએ ગ્રામવાસીઓને સ્વચ્છતા જાળવવા સલાહ આપી છે."

"તબીબો આવીને જામડીના લોકોનું ચેકઅપ કરે છે કે જેથી શંકાસ્પદ લક્ષણ જોવાં મળતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરી શકાય."

આ મામલે રાજ્યના ઉપમુખ્ય મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું:

"જે કેસ સામે આવ્યા છે તેના મામલે સરકારે પગલાં લેવાની શરૂઆત કરી છે."

"કૉંગો ફીવર પશુને કારણે ફેલાય છે તેના કારણે પશુપાલન વિભાગને પણ સક્રિય કરી દેવાયું છે અને સુરેન્દ્રનગર તેમજ લિંબડીમાં તપાસ કરવાના આદેશ અપાયા છે."

2011માં પણ ગુજરાતમાં નોંધાયા હતા કૉંગો ફીવરના કેસ

ભારતમાં સૌથી પહેલાં ગુજરાતમાં જ કૉંગો ફીવરના કેસ નોંધાયા હતા.

કૉંગો ફીવરને કારણે વર્ષ 2011માં પણ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક મહિલા અને તેમની સારવાર કરનાર ડૉક્ટર તેમજ નર્સનું પણ મૃત્યુ થયું હતું.

જે મહિલાની સારવાર ચાલી રહી હતી તેઓ મૂળ સાણંદ તાલુકાના કોલાટ ગામનાં હતાં.

આ ઘટના બાદ કોલાટ ગામની નજીકના 5 કિલોમિટર જેટલા વિસ્તારમાં સ્વાસ્થ્ય અધિકારીઓની 20 ટીમોને તપાસ મોકલવામાં આવી હતી.

જોકે, તેમની તપાસમાં બીજો કોઈ કેસ સામે આવ્યો ન હતો.

WHOના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2013માં પણ અમરેલી જિલ્લામાં કૉંગો ફીવરના કેસ સામે આવ્યા હતા.

ત્યારબાદ સમગ્ર રાજ્યમાંથી પશુઓ અને મનુષ્યોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

WHOના રિપોર્ટમાં તો એવી વાત પણ સામે આવી હતી કે 2011માં જ્યારે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં, તે પહેલાં વર્ષ 2010થી જ કૉંગો ફીવરે ગુજરાતમાં પગ પેસારો કરી લીધો હતો.

શું છે કૉંગો ફીવર?

'ક્રિમિયન- કૉંગો હેમરેજિક ફીવર' જેને સામાન્ય બોલચાલની ભાષામાં 'કૉંગો ફીવર' તરીકે પણ ઓળખાય છે.

આ રોગ સામાન્યપણે પ્રાણીઓથી ફેલાય છે. મોટાભાગે આ રોગ ઘેટાં બકરાં જેવાં પ્રાણીઓમાં હોય છે જેમના સંપર્કમાં મનુષ્ય આવતા કૉંગો ફીવર ફેલાય છે.

કૉંગો ફીવરના સંપર્કમાં આવેલા 10-40% લોકોનાં મૃત્યુની શક્યતા રહે છે.

આ એક દુર્લભ રોગ છે પરંતુ છેલ્લા એક દાયકામાં કૉંગો ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે.

આ રોગ યુરેશિયા અને આફ્રિકા સહિત ઉત્તર-પશ્ચિમ ચીન, મધ્ય એશિયા, દક્ષિણ અને પૂર્વ યૂરોપ, આફ્રિકા તેમજ મધ્ય પૂર્વ જેવા 30 દેશોમાં ફેલાયેલો છે.

કૉંગો ફીવરનો સૌપ્રથમ કેસ 1944માં ક્રિમિયામાં નોંધાયો હતો, જ્યારે કૉંગોમાં 1956માં એક વ્યક્તિની બીમારી પાછળ કૉંગો ફીવરને જવાબદાર ગણવામાં આવ્યો હતો.

કૉંગો ફીવરનાં લક્ષણો શું છે?

સામાન્યપણે કૉંગો ફીવરને કારણે માથામાં દુખાવો થાય છે. તેની સાથે તાવ આવવો, કમરમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો અને ઉલટી થવી કૉંગો ફીવરનાં લક્ષણો છે.

WHO પ્રમાણે બે કે ચાર દિવસ બાદ વધુ ઊંઘ આવવા લાગે છે, તણાવ થાય છે અને સુસ્તી આવી જાય છે.

અન્ય લક્ષણોમાં હૃદયના ધબકારા વધી જવા, લોહી નીકળવાના કારણે ડાઘ પડી જવાનો સમાવેશ થાય છે.

દર્દીઓને પાંચ દિવસ બાદ કિડની પર સોજો આવી શકે છે અથવા તો લીવર પણ ફેલ થઈ શકે છે.

સામાન્યપણે કૉંગો ફીવરથી પીડિત દર્દીનું બીમારીના બીજા અઠવાડિયા દરમિયાન મૃત્યુ થાય છે.

જે દર્દીઓનો બચાવ થઈ જાય છે તેમની હાલત નવમાં અથવા તો દસમાં દિવસે સુધરી શકે છે.

કૉંગો ફીવરના ઇલાજ માટે કોઈ સુરક્ષિત રસી નથી.

કૉંગો ફીવરથી બચવા શું કરવું?

WHO પ્રમાણે આ રોગથી બચવાની કોઈ રસી નથી એટલે આ બીમારીથી બચવાનો મુખ્ય રસ્તો છે, લોકોમાં જાગૃતતા ફેલાવવી.

લોકોને કૉંગો ફીવરના ખતરા અંગે માહિતી આપવાની જરૂર છે અને એ જણાવવાની જરૂર છે કે કેવી રીતે આ વાઇરસના સંપર્કમાં આવવાથી બચવું.

જ્યારે પ્રાણીઓ પાસે કામ કરતા હોય ત્યારે રક્ષાત્મક વસ્ત્રો પહેરીને કામ કરવું જરૂરી છે અને હાથમાં ગ્લવ્ઝ પહેરવા અનિવાર્ય છે.

લોકોને તાવ આવે તો તેઓ સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરી લે છે, તેવું ન કરવું જોઈએ અને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો