સેક્સની લત લાગી છે એ કઈ રીતે નક્કી કરી શકાય?

    • લેેખક, રચેલ શ્રાયર
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકન લેખક માર્ક ટ્વેનની એક ઉક્તિ પ્રચલિત છે. તેમણે કહ્યું હતું, "સિગારેટ છોડી દેવાનું આસાન છે, મેં એકસો વાર સિગારેટ છોડી દીધી છે."

માર્ક ટ્વેને આવું કહ્યું હોય એ શક્ય છે, કેમ કે તેમનું ફેફસાના કૅન્સરથી જ મોત થયું હતું.

એક સમાજ તરીકે નિકોટીન, શરાબ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનાં વ્યસનને આપણે સ્વીકારી લીધું છે. તેનાથી થનારા નુકસાનને પણ આપણે સ્વીકારી લીધું છે.

પરંતુ સેક્સની લતની વાત આવે ત્યારે નિષ્ણાતો જુદીજુદી વાતો કરે છે. કેટલાકનું માનવું છે સેક્સ પણ એક વ્યસન બની શકે છે, જ્યારે કેટલાક તેનો ઇનકાર કરે છે.

સેક્સની લતને હજી બીમારી માનવામાં આવતી નથી અને તેથી તેની સારવાર માટે કેટલા લોકોએ ડૉક્ટરની મદદ લીધી, એ અંગે કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

પોર્ન અને સેક્સની લત લાગી ગઈ હોય તેવા લોકોની મદદ માટે તૈયાર થયેલી એક વેબસાઇટે બ્રિટનમાં 21 હજાર લોકોનો સર્વે કર્યો હતો. 2013 પછી આ લોકોએ મદદ માટે આ વેબસાઇટનો સંપર્ક કર્યો હતો.

તેમાંથી 91 ટકા પુરુષો હતા અને આ પૈકી માત્ર 10 લોકોએ પોતાની આ મુશ્કેલી દૂર કરવા ડૉક્ટરની સલાહ લીધી હતી.

નિષ્ણાતો શું માને છે

2013માં સેક્સની લતને 'ડાયગ્નોસ્ટિક સ્ટૅટિસ્ટિકલ મૅન્યુઅલ ઑફ મૅન્ટલ ડિસૉર્ડર્સ' (ડીએસએમ)માં સમાવી લેવા માટે વિચાર કરાયો હતો.

જોકે જરૂરી પુરાવાના અભાવે એવું ન થયું. અમેરિકા અને બ્રિટનમાં ડીએસએમના આંકડાને નિદાન માટે એક મહત્ત્વનું માધ્યમ ગણવામાં આવે છે.

હવે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રગટ થતા 'મેન્યુઅલ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ'માં વારંવાર જાતીય સંબંધોની વૃત્તિને (કમ્પલ્ઝીવ ડિસૉર્ડરને) સમાવવા માટે પણ વિચાર થઈ રહ્યો છે.

નવા પુરાવા સામે આવ્યા તે પછી જુગાર રમવાની લત અને ખાતા રહેવાની આદતને પણ 2013માં બીમારીના સ્વરૂપે નોંધવામાં આવી છે.

અત્યાર સુધી જુગાર રમવાની વાતને કમ્પલ્ઝીવ બિહેવિયર જ માનવામાં આવતું હતું.

થેરપીસ્ટ્સ હવે માનવા લાગ્યા છે કે સેક્સની લતને પણ બીમારી તરીકે સમાવી શકાય તેમ છે.

દિમાગમાં જાગતી ઉત્તેજના

એક સંશોધનથી જાણવા મળ્યું કે જ્યારે સેક્સની લત ધરાવતી વ્યક્તિ પોર્ન જુએ છે, ત્યારે તેના મગજમાં એવી જ ગતિવિધિ થાય છે, જે કોઈ ડ્રગ્સના બંધાણીના મગજમાં ડ્રગ્સ જોઈને થતી હોય.

કોઈ વ્યક્તિને સેક્સની લત લાગી છે કે કેમ તે નક્કી કરવાનો આધાર તમે કોને વ્યસન ગણો છો તેના પર રહેલો છે.

સત્તાવાર રીતે તેની કોઈ વ્યાખ્યા હજી નક્કી થઈ નથી.

ઓપન યુનિવર્સિટીના માનદ પ્રોફેસર ડૉ.ફ્રેડરિક ટોએટ્સ કહે છે, "શારીરિક રીતે કોઈ વસ્તુ પર આપણે નિર્ભર હોઈએ અને તે ન મળે ત્યારે તેનાથી હાની થાય તેને આપણે લત ગણતા હોઈએ છીએ, તો પછી સેક્સ કોઈ લત નથી."

જોકે તેઓ પણ માને છે કે આની એક વ્યાપક વ્યાખ્યા નક્કી કરવી જરૂરી છે.

ડૉ. ટોએટ્સ કહે છે કે કોઈ પણ વ્યસન બે રીતે ઓળખી શકાય છે. પહેલું આનંદ અથવા બદલામાં કશુંક મળવાની ઇચ્છા અને બીજું તેવો વ્યવહાર કરવાને કારણે થતી વિમાસણ.

કશુંક મળશે તેની જે તીવ્ર ઇચ્છા હોય છે તેના કારણે જ તે કમ્પલ્ઝીવ બિહેવિયરથી અલગ પડે છે. જોકે બંનેમાં ખાસ કોઈ ભેદ નથી.

ડૉ. ટોએટ્સ કહે છે, "વ્યસની હંમેશાં ટૂંકા ગાળાનો લાભ જુએ છે, પછી ભલે તેને લાંબા ગાળે નુકસાન થવાનું હોય."

"તેનાથી વિપરિત ઑબ્સેસિવ કમ્પલ્ઝીવ ડિસૉર્ડરનો શિકાર બનેલા લોકો મજા ના આવતી હોય તો પણ અમુક પ્રકારની વર્તણૂક કરતા રહે છે.''

જોકે આનંદ મેળવવાની ઇચ્છા આપણા સૌમાં હોય છે, તો પછી લાભપ્રાપ્તિની ઇચ્છા અને લતમાં શું ફરક છે?

મનોવિજ્ઞાની ડૉ. હેરિયટ ગેરૉડ માને છે કે કોઈ પણ વર્તન ત્યારે વ્યસનમાં બદલી ગયેલું ગણાય, જ્યારે તેની ઇચ્છા એટલી તીવ્ર થઈ ગઈ હોય કે તેના ખાતર વ્યક્તિ આસપાસના લોકોને નુકસાન પણ પહોંચાડી શકે.

જુગાર રમવો અને વધારે પડતા આહારને બીમારી માનવામાં આવી છે, પણ સેક્સને લત તરીકે સ્વીકારાઈ નથી, કેમકે તે બહુ લાંબા સમયથી લોકોમાં પ્રચલિત છે.

તેનો અર્થ એ કે જુગારની કે વધુ ખાવાની લત છોડાવા માટે લોકો મદદ માગતા થયા છે, જેના કારણે તે એક બીમારી હોવાના પુરાવા મળે છે.

ક્લિનિકલ સાયકૉલોજિસ્ટ ડૉ. અબિગેલ સાન માને છે કે સેક્સની પણ લત લાગી શકે છે.

જોકે જે લોકોને સેક્સની લત લાગી હોય છે, તે માટે તેમની કોઈ અન્ય અજાણી સમસ્યા જવાબદાર હોઈ શકે છે.

દાખલા તરીકે નિરાશા કે ચિંતામાંથી બહાર આવવા માટે વ્યક્તિ સેક્સનો સહારો લેતી હોય એ શક્ય છે.

તેઓ કહે છે, "પ્રવૃત્તિઓ અને કેફી દ્રવ્યો સાથે જોડાયેલી ગતિવિધિઓ અલગ અલગ ફાયદો દેખાડે છે."

"પરંતુ તેમાં કશુંક પ્રાપ્ત થાય છે ખરું. તેથી સેક્સ પણ આ રીતે કશુંક પ્રાપ્ત કરાવતું હોય એવું બની શકે છે. જોકે આ અંગે આપણી પાસે હજી કોઈ પુરાવા નથી."

સેક્સને લત તરીકે સ્વીકારી લેવાથી લોકોને તેનાથી મદદ મળશે એવું લાગતું નથી.

ખાસ કરીને બીજી સમસ્યાનો સામનો કરવા માટે સેક્સનો આશરો લેતા હોય તે લોકોને કોઈ ફાયદો થશે નહીં.

ઓવર ડાયગ્નોસિસની સમસ્યા પણ તેના કારણે ઊભી થઈ શકે છે એમ તેમને લાગે છે.

મતલબ કે લક્ષણો બરાબર પારખવામાં ન આવે અને અયોગ્ય દવાઓ આપી દેવાઈ હોય તેવું પણ બની શકે છે.

શું સેક્સની લત એક માન્યતા જ છે?

ઘણા લોકો સેક્સની લત એક બીમારી છે તેવું સ્વીકારવા તૈયાર નથી.

'ધ મિથ ઑફ સેક્સ એડિક્શન' નામનું પુસ્તક લખનારા સેક્સ થેરપિસ્ટ ડેવિડ લે કહે છે, "સામાન્ય રીતે સેક્સની લત તરીકે જેને આપણે સમજી લઈએ છીએ તે હતાશા અને નિરાશા જેવી માનસિક સ્થિતિની કારણે હોય છે, જેનો કોઈ ઇલાજ કરવામાં આવ્યો હોતો નથી."

તેઓ કહે છે, "સેક્સ કે હસ્તમૈથુનને શરાબ કે ડ્રગ્સ સેવન જેવું ગણવું યોગ્ય નથી. શરાબના વ્યસની જો વ્યલન છોડી દે તો કદાચ મૃત્યુ પણ પામે."

તેઓ વધુમાં કહે છે, "જાતીય સંબંધો સાથે જોડાયેલા નૈતિક મૂલ્યોને કારણે આપણે સેક્સની લત લાગી છે એવું સમજી બેસતા હોઈએ છીએ."

"તમે તમારા થેરપિસ્ટની સમજણ કે ધારણાથી અલગ પ્રકારે સેક્સ કરતા હોવ તો તેમની નજરમાં તે સેક્સની લત ગણાઈ જશે!"

ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસિઝ નામના જર્નલમાં પ્રગટ થયેલા લેખમાં સંશોધકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ધારણાઓ ના બંધાઈ જાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.

આ લેખમાં જણાવાયું છે કે 'સેક્સ અંગેના નૈતિક ધોરણો અને સેક્સની ઇચ્છાને અવગણવાની વૃત્તિ' હોય તેની સાથે "સેક્સની વધારે પ્રવૃત્તિ કે તેમાં વધારે રસ પડવો" તે બાબતની સરખામણી કરવી જોઈએ નહિ.

તેના આધારે ઇલાજ કરવો જોઈએ નહિ.

જોકે સેક્સની લતને સત્તાવાર રીતે માન્યતા આપવાની માગણી કરી રહેલા લોકોનું માનવું છે કે સત્તાવાર માન્યતા પછી સેક્સની લતથી ચિંતિત લોકો સારવાર માટે આગળ આવશે.

સેક્સની લત પોતાની રીતે જ એક સમસ્યા હોય કે પછી અન્ય કોઈ ગંભીર માનસિક સ્થિતિને કારણે તે લાગી હોય, કમસે કમ લોકો તેના વિશે વાત કરતા થશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો