જાતીય ગુનાના અપરાધીઓની યાદી બની રહી છે

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં વધી રહેલા જાતીય અપરાધોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ‘સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી’ બનાવવાનો નિર્ણય લીધો છે. ભારત આ પ્રકારની યાદી બનાવનારો વિશ્વનો નવમો દેશ બનશે.

આ પહેલાં અમેરીકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, ત્રિનિદાદ ટોબૈગો જેવા દેશો પાસે આ પ્રકારની સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી છે.

ભારતમાં આ રજિસ્ટ્રી બનાવવાની જવાબદારી ગૃહ વિભાગના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે.

શું છે સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી?

ગૃહ વિભાગ અનુસાર:

  • નેશનલ સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી માં જાતીય અપરાધો સાથે જોડાયેલા લોકોના બાયોમેટ્રિક રેકોર્ડ હશે.
  • બાળકો સાથે જાતીય હિંસાની ઘટનામાં સામેલ લોકોના નામ પણ એ રજિસ્ટ્રીમાં હશે
  • આ સિવાય આવા ગુનેગારોની સ્કૂલ, કૉલેજ, નોકરી, ઘરનું સરનામું, ડીએનએ, બીજા નામ સંબંધિત જાણકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે
  • સૌથી મહત્ત્વની વાત એ છે કે એનસીઆરબી માટે આ રજિસ્ટ્રી એક પ્રાઇવેટ કંપની તૈયાર કરશે જેના માટે ટૅન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

આવા લિસ્ટની જરૂર શા માટે?

ત્રણ વર્ષ પહેલાં ભારતમાં આવી રજિસ્ટ્રી બનાવવામાં આવે, તેના માટે change.org પર એક અરજી શરૂ થઈ હતી. અત્યાર સુધી તેને 90 હજાર લોકોએ સમર્થન આપ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં અરજી શરૂ કરનાર મેડોના રૂઝેરિયો જેનસન જણાવે છે, "હું નિર્ભયા કેસ અંગે સાંભળીને દુ:ખી હતી. એક સામાન્ય નાગરિક તરીકે આવા ગુનાઓ પર કાબૂ મેળવવા માટે કંઈક કરવા માગતી હતી. એટલે મેં આ અરજી કરી."

અરજી સંબંધે વાત કરતાં તે જણાવે છે, "આ પ્રકારના ગુનેગારોનું રજિસ્ટર રાખવાથી તેના પર કામ કરનારા લોકોની મહેનત ઓછી થશે. હું ઇચ્છું છું કે સામાન્ય નાગરિકોને પણ આ જોવાનો અધિકારી હોવો જોઇએ. જો એવું ના થઈ શકે તો પોલીસને આ અધિકાર આપી શકાય છે. ટૂંકમાં પોલીસ વેરિફિકેશનમાં મદદ મળશે."

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ શું આવા લોકોને ફરીથી જિંદગી શરૂ કરવામાં મુશ્કેલી નહીં પડે?

આ સવાલના જવાબમાં મેડોના કહે છે, "જો બાળકો સાથે જાતીય સતામણીનો કોઈ અપરાધી હોય, તો તેમને શાળામાં કામ પર રાખવામાં ન આવે. પરંતુ જો નવી જિંદગીમાં તે મજૂરી કરવા માગે તો તેમને એક તક મળવી જોઇએ."

શું છે મુશ્કેલી?

જ્યારથી નેશનલ સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રીને દેશની કેબિનેટે મંજૂરી આપી છે, ત્યારથી માનવ અધિકારો માટે કામ કરતી ઘણી સંસ્થાઓ દેશમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે.

જાતીય સતામણીના પીડિતો માટે કામ કરતી માનવ અધિકારની સંસ્થા નેશનલ હ્યૂમન રાઇટ્સ વૉચે 'એવરી વન બ્લેમ્સ મી' નામે એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ રિપોર્ટનાં લેખિકા જયશ્રી બાજોરિયાએ બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું, "અમેરીકા જેવા દેશમાં આ પ્રકારની રજિસ્ટ્રી પહેલાંથી જ છે, ત્યાં એવું જોવા મળ્યું છે કે સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રીના ફાયદા ઓછા છે અને નુકસાન વધારે."

આ રજિસ્ટ્રીનો વિરોધ કરતાં તેઓ બીજા રિપોર્ટનું ઉદાહરણ આપે છે. No easy answers: Sex offender laws in US મુજબ,

  • સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી બાદ તેમાં સામેલ લોકોની સુરક્ષા પર ખતરો હોય છે
  • સામાન્ય નાગરિકો માટે જે બનાવોમાં આ રજિસ્ટ્રીને ખોલવામાં આવી છે, ત્યાં મોટાભાગે ગુનેગારે જનતાના ઉત્પીડનનો શિકાર બનવું પડે છે.
  • ઘણા મામલામાં આરોપીને ઘર-પરિવારથી દૂર રહેવા મજબૂર બનવું પડે છે.

આ તો હતી અમેરિકાની વાત પરંતુ જયશ્રી પોતાનો વાંધો ભારતની રજિસ્ટ્રી સંદર્ભે પણ રજૂ કરે છે.

એનસીઆરબીના આંકડાની વાત કરતા તેઓ કહે છે, "ભારતમાં જાતીય અપરાધોના મોટાભાગના બનાવોમાં સંબંધીઓ જ ગુનેગાર હોય છે. એનસીઆરબીના આંકડા પણ આ વાત સાથે સહમત છે. આવા મામલામાં રિપોર્ટિંગ પણ ઓછું થાય છે.”

“કારણ કે પરિવારના બીજા લોકોને કારણે આવા મામલામાં પોલીસ અને કોર્ટના ચક્કરમાં ના પડવાનું દબાણ પણ હોય છે. જો આવા લોકોનું નામ સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રીમાં આવવા લાગશે તો આ દબાણ વધી જશે."

વર્ષ 2016માં એનસીઆરબીના આંકડાઓ મુજબ રેપની લગભગ 35 હજાર ઘટનાઓમાં સંબંધીઓ જ ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં દાદા, નાના, પિતા, ભાઈ અને નજીકના સંબંધીઓ સામેલ છે. એટલા માટે એ ખોટી માન્યતા છે કે સંબંધીઓ રેપ નથી કરતા.

જયશ્રીની ત્રીજી ચિંતા ડેટા પ્રૉટેક્શનને લઈને છે. તેઓ કહે છે, "આધાર કાર્ડના મામલે આપણે જોયું કે આપણા દેશમાં ડેટા કેવી રીતે અસુરક્ષિત છે.”

તેમણે ઉમેર્યું, “મિસ કોલ, આધાર કાર્ડ, ફેસબુક અને બીજી એપ્સની મદદથી જમા કરવામાં આવેલા ડેટા અંગે ઘણીવાર પ્રશ્નો ઊઠ્યા છે. તે જોઈને સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રીમાં સામેલ લોકોના નામ અને બાયોમેટ્રિક ડિટેઈલ્સ કેટલી સુરક્ષિત રહેશે, એ આપણા માટે ચિંતાનો વિષય છે."

બીજા દેશોમાં સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી

વર્ષ 1997 બાદ જાતીય અપરાધોના ગુનેગારોની આવી રજિસ્ટ્રી બ્રિટનમાં રાખવામાં આવી રહી છે.

એવા બનાવોમાં ગુનેગારોને થતી સજા એ વાતનો આધાર હોય છે કે ક્યાં સુધી તેમનું નામ રજિસ્ટ્રીમાં રહેશે.

ઓછી સજા થવા પર એ વાતની ગુંજાઇશ રહે છે કે જલદી તેમનું નામ આ રજિસ્ટ્રીથી હટાવી દેવામાં આવશે.

પરંતુ બ્રિટનમાં જેનું નામ હંમેશા માટે ચઢી જાય છે તેમની પાસે આ નિર્ણયને પડકારવાનો અધિકાર પણ હોય છે.

ગૃહ વિભાગ મુજબ ભારતમાં પણ જાતીય અપરાધોમાં સામેલ લોકોની સમગ્ર ક્રિમિનલ હિસ્ટ્રી આ રજિસ્ટરમાં રાખવામાં આવશે.

જે સેક્સ ઑફેન્ડરથી સમાજમાં ઓછો ખતરો છે તેનો ડેટા 25 વર્ષ સુધી રાખવામાં આવશે.

પરંતુ એવા ગુનેગારો જે એકથી વધારે આવા અપરાધમાં સામેલ હોય તેમનો રેકોર્ડ આજીવન રાખવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો