ગ્રાઉન્ડ રિપોર્ટ : છારાનગરની વ્યથા : 'છારા છીએ એટલે માણસ મટી જઈએ? '

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

'વીસ વર્ષની કૅરિયરમાં પહેલીવાર કોઈએ છારાનગરનું સરનામું પૂછ્યું.', અમદાવાદમાં છારાનગરનો રસ્તો પૂછતા એક પોલીસકર્મીએ આપેલા આ જવાબથી છારાનગર સાથે જોડાયેલી વાયકાઓને વાચા ફૂટી.

પોલીસકર્મીની બાજુમાં ઉભેલા કાકાએ ચેતવ્યો, 'છારાનગર જાવ છો તો સંભાળીને જજો. મોબાઇલ, પાકીટ ખાસ સંભાળજો.'

એ વાયકાઓની વાસ્તવિક્તા તપાસવા બીબીસી છારાનગર પહોંચ્યું હતું.

ગુજરાતની વિમુક્ત જનજાતિ છારા કોમનાં અંદાજે 17,000 લોકો અહીં વસવાટ કરે છે.

વિચરતી છારા કોમનાં લોકોનાં પુનર્વસન માટે ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ-1871ની જોગવાઈ હેઠળ અંગ્રેજોએ આ વિસ્તારની રચના કરી હતી.

કુબેરનગર ક્રૉસિંગથી પ્રવેશો એટલે છારાનગર અમદાવાદની કોઈ સામાન્ય ચાલ કે ગરીબોની વસતિ જેવો વિસ્તાર જ લાગે.

જો પહેલાંથી જાણ ના હોય તો ભાગ્યે જ કોઈ કળી શકે કે શહેરભરમાં છારાનગરનો જે વિસ્તાર ચર્ચિત છે, એ આ જ છે.

'દારૂ ચાહીએ?'

છારાનગરની કુખ્યાતિનો અનુભવ પ્રવેશતાં જ થઈ ગયો. એક વ્યક્તિએ સીધું જ પૂછ્યું, 'દારૂ ચાહીએ? વ્હિસ્કી, રમ, સ્કૉચ. કૌનસી ચાહીએ?'

છારાનગર વિશે સાંભળેલી વાતો અને વાયકાઓ વાસ્તવિક બની રહી હતી અને અમે છારાનગરની અંદર પ્રવેશી રહ્યા હતા.

હજુ એક મહિના પહેલાં જ છારાનગર પર પોલીસના કથિત દરોડા પાડ્યા હતા, જેમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એ ઘર્ષણમાં કેટલાય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

લોકોને પૂછ્યું કે 'છારાનગર અંગે વિસ્તૃતમાં માહિતી કોણ આપી શકે?' જવાબ મળ્યો 'લાઇબ્રેરી જતાં રહો.'

છારાનગરના પ્રવેશદ્વારથી લગભગ 100 પગલાં ભરતા જ બે માળનું એક મકાન આવે છે. લાઇબ્રેરી કહો કે 'કૉમ્યુનિટી સેન્ટર' કહો, છારાનગરનું સૌથી મહત્ત્વનું મકાન એ જ.

લાઇબ્રેરીમાં પ્રવેશતાં જ અમને આતિશ ઇન્દ્રેકર છારા મળ્યા. આતિશ નાટ્યકાર છે અને છારા સમુદાયના પ્રશ્નોને નાટ્યકળા મારફતે ઉજાગર કરતા 'બુધન થિયેટર' સાથે સંકળાયેલા છે.

26 જૂલાઈની રાતે અહીં પડેલા પોલીસ દરોડામાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી એમાં આતિશનો પણ સમાવેશ થતો હતો.

'સંડાસના નળમાંથી મેં પાણી પીધું'

એ રાતને યાદ કરતા આતિશ જણાવે છે, ''એ વખતે હું ઘરે ટીવી જોઈ રહ્યો હતો. રાતના કંઈક સાડાબાર વાગ્યા હશે અને છારાનગર પર પોલીસના દરોડા પડ્યા. મેં બહાર આવીને જોયું તો પોલીસ વાહનો તોડી રહી હતી. ઘરો પર પથ્થરમારો કરી રહી હતી.''

''મેં પોલીસને પૂછ્યું, 'આવું કેમ કરો છો?' એટલું પૂછ્યું અને બસ પોલીસ મારા પર તૂટી પડી. મારો ઝભ્ભો ફાડી નાખ્યો અને મારા પર લાકડીઓ વરસાવવા લાગી.''

''હું સતત પૂછી રહ્યો હતો કે 'મારો વાંક શું છે?' અને પોલીસ સતત મને મારી રહી હતી. એમના મોઢે એક જ વાક્ય રમતું હતું, 'તારી બધી જ કલાકારી કાઢી નાખીશું. છારાનગરવાળાઓને છોડવાના નથી.'''

''મોબાઇલ વાનમાં બેસાડ્યા બાદ મને ધમકી પણ અપાઈ 'વધુ બોલ્યો તો ઍન્કાઉન્ટર કરી નાખીશું. કોતરપુરની ખબર છેને!'''

સરદારનગર પોલીસ સ્ટેશનના રસ્તે કોતરપુર નામનો વિસ્તાર આવે છે, જ્યાં ગુજરાત પોલીસે વિવાદાસ્પદ ઍન્કાઉન્ટર કર્યા હતા.

આતિશને છ દિવસ સુધી જેલમાં રખાયા હતા. એ અનુભવને વર્ણવતા આતિશ ઉમેરે છે, ''લગભગ અઢી વાગ્યે અમને સરદારનગર પોલીસ સ્ટેશન લઈ જવાયા. ત્યાં મેં પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત કરી એટલે ફરી મને માર પડ્યો.''

''અમારા પર ગડદાપાટું અને બેફામ ગાળો વરસી રહી હતી. અમારી સાથે જ લાવવમાં આવેલી મહિલાને પણ પુરુષ પોલીસકર્મીઓ ગડદાટી રહ્યા હતા.''

'મારું ગળું સૂકાતું હતું. મેં પાણી માગ્યું એટલે ફરી મને માર્યો. આખરે થાકીને મારે સંડાસના નળમાંથી પાણી પીવું પડ્યું.''

અંગ્રેજી કાળમાં આ વિસ્તારમાં છારાઓને વસવાની છૂટ આપવામાં આવી અને તેને 'ફ્રી કૉલોની' એવું નામ આપ્યું હતું.

'ફ્રી કૉલોની'નો અર્થ હતો કે આ વિસ્તાર બ્રિટિશ શાસકોની દેખરેખ હેઠળ નથી.

જોકે, આઝાદીનાં સિત્તેર વર્ષ બાદ પણ આ વિસ્તારનાં લોકો 'મુક્તિ'ના શ્વાસ લઈ શકતો નથી.

પોલીસની નજર સતત આ વિસ્તાર તથા અહીંના રહીશો પર રહે છે. પોલીસની 'જનરલ રેડ'એ આ વિસ્તારના લોકો અને બાળકો માટે સામાન્ય બાબત છે.

'...છારા હોવાને લીધે'

લાઇબ્રેરીથી થોડાં અંતરે રવીન્દ્ર છારાનું ઘર છે. એ રાતે પોલીસે રવીન્દ્રની પણ ધરપકડ કરી હતી.

ઘરની બહાર જ પુલાવ વેચી પેટિયું રળતા રવીન્દ્ર એ રાતને યાદ કરતા ધ્રૂજી જાય છે.

રવીન્દ્ર બીબીસીને જણાવે છે, ''હું ઘરમાં સૂતો હતો અને ઘરનો દરવાજો તોડી પોલીસ અંદર ઘૂસી ગઈ. મને વાળ પકડી ઉપાડ્યો અને પછાડ્યો. લાઇબ્રેરી સુધી મને દોડાવ્યો અને ત્યાંથી મને પોલીસવાનમાં ફેંકી દીધો.''

''મારું સ્કૂટર તોડી નાખ્યું. ઘરની ટીવી તોડી નાખ્યું. મેં પૂછ્યું કે, 'મને શું કરવા મારો છો?' તો જવાબમાં માત્ર માર જ પડ્યો.''

''નવ દિવસ સુધી મને જેલમાં રખાયો અને કૂતરાઓ પણ ના ખાય એવું ખાવાનું આપ્યું. મને આજ સુધી નથી સમજાયું કે મારો વાંક શું હતો.''

નિસાસો નાખતા રવીન્દ્ર કહે છે, ''કદાચ છારા હોવાને કારણે મારી સાથે આવું થયું હશે!''

એક સમયે ગધેડા પર નદીની રેતી લાવીને વેચવાનો વ્યવસાય કરતા રવીન્દ્રે અલગઅલગ ધંધા અને મજૂરી કરી નસીબ અજમાવ્યું, પણ 'છારા' શબ્દ સાંભળતા જ દરેક જગ્યાએ એમને માત્ર નિરાશા જ સાંપડી.

નરોડામાં એક કારખાનામાં એક વર્ષ સુધી રવીન્દ્રે નોકરી કરી. જ્ઞાતિ પૂછવામાં આવી તો 'પ્રજાપતિ' જણાવી, પણ એક વર્ષ બાદ ભેદ ખૂલી જવાના ડરે નોકરી છોડી દીધી.

રવીન્દ્ર જણાવે છે, ''દરેક જગ્યાએ એક જ વાત કહેવાય. છારા એટલે લૂંટારા''

તેઓ પૂછે છે, ''લૂંટારા હોત તો મજૂરી થોડાં કરતા હોત, લૂંટતા ના હોત!''

'છારાને નોકરી કોણ આપે?'

રવીન્દ્ર છારાના ઘરનો રસ્તો ગલીકૂંચી વચ્ચેથી પસાર થતો સવિતા (બદલાવેલું નામ)ના ઘરે લઈ જાય છે.

બીજે ક્યાંય નોકરી કે મજૂરી ના મળતા સવિતા (બદલાવેલું નામ)એ દારૂ વેચવાનો વ્યવસાય અપનાવી લીધો છે.

સવિતા વિધવા છે અને દારૂ વેચે છે. દારૂની આવકમાં જ તેમણે બે પુત્રોને ભણાવ્યા છે. એક પુત્ર ખાનગી ફૂડ ચેઇનમાં નોકરી કરે છે.

સવિતા જણાવે છે, ''મારા પતિ જીવતા હતા ત્યારે સ્થાનિક કારખાનામાં નોકરી કરતા હતા અને મહિને રૂ. 2200 કમાતા હતા.''

''ભાડાનું ઘર અને પરિવારની જવાબદારી. પૈસા પૂરા ના પડતા અમે દારૂ ગાળવાનું શરૂ કર્યું હતું.''

સવિતા ઉમેરે છે, ''એક વાર બે પાંદડે થયા બાદ અમે દારૂનો ધંધો છોડી દીધો હતો, પણ મારા પતિ બીમાર પડતા ફરી દારૂ વેચવાનું શરૂ કરવું પડ્યું હતું.''

'છારા' કહીને નોકરીમાંથી કાઢી મૂકાયાં

સવિતાનો મોટો પુત્ર 12માં ધોરણમાં અભ્યાસ કરે છે અને આવતાં વર્ષે કોલેજમાં પ્રવેશશે.

એમનો પુત્ર જ્યાં નોકરી કરી રહ્યો છે, ત્યાં તાજેતરમાં જ બીજા કર્મચારીએ તેના વિરુદ્ધ 'છારા હોવાને કારણે નોકરીમાંથી કાઢી નાખવો જોઈએ' એવી ફરિયાદ કરી હતી.

એ વખતે સવિતાએ ફૂડ ચેઇનના આઉટલેટને પોતાના પુત્રનો વાંક જણાવવા અને નોકરીમાંથી કાઢી ના મુકવા વિનંતી કરતી અરજી લખી હતી. સવિતા નવ ધોરણ પાસ છે.

સવિતાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા પૂછે છે, "છારા છીએ એટલે માણસ મટી જઈએ?"

માત્ર છારા હોવાને કારણે જ નોકરીમાંથી હાંકી કઢાયા હોય એવા દાખલાઓ શોધવા અહીં દૂર જવું નથી પડતું.

સવિતાનાં સાસુ અમરત(બદલાવેલું નામ) 71 વર્ષનાં છે અને તેઓ પણ દારૂનો વ્યવસાય કરે છે.

સાત ધોરણ પાસ અમરત જણાવે છે કે પચાસેક વર્ષ પહેલાં તેમને બુનિયાદી શાળામાં શિક્ષિકાની નોકરી મળી હતી, પણ બે દિવસ બાદ 'છારા' કહીને એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

એ ઘટના બાદ અમરત છારાએ દારૂ ઉતારવાનું શરૂ કરી દીધું હતું.

સવિતા ઉમેરે છે, ''દારૂનો ધંધો શોખથી નથી કરતા. અમને નોકરી આપો, અમે બધું જ છોડી દઈશું.''

ગુજરાત સરકારના 'સુરક્ષા સેતુ અભિયાન' અંતર્ગત છારાનગરની મહિલાઓને રોજગારી આપવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

જોકે, પગાર નહિવત્ હોવાને કારણે મહિલાઓ ફરીથી દારૂના વ્યવસાયમાં પરોવાઈ હોવાનું સવિતા જણાવે છે.

'કારણ કે અમે છારા છીએ.'

અવિનાશ છારાની પણ આ જ કહાણી છે. એ રાતે ઘરમાં ઊંઘેલા અવિનાશને પોલીસ ઉઠાવી ગઈ હતી એવું એમનું કહેવું છે.

છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા અવિનાશ ક્યારેય ગુનાહિત પ્રવૃતિમાં સાથે સંકળાયેલા ના હોવાનો દાવો કરે છે.

નિર્દોષ હોવા છતાં પોલીસ કેમ ઉઠાવી ગઈ એવું પૂછતા અવિનાશ એટલું જ જણાવે છે, ''કારણ કે અમે છારા છીએ.''

છારાનગરના દરેક ઘરની લગભગ આ જ ફરિયાદ છે, પણ છારાનગરમાં છેલ્લા 45 વર્ષથી કરિયાણાની દુકાન ચલાવતા લક્ષ્મણ સિંધી છારા સમુદાયને લઈને કંઈક અલગ મત ધરાવે છે.

લક્ષ્મણભાઈ કહે છે, ''છારાનગરમાં દારૂ વેચાય છે અને કેટલાક લોકો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. એમ છતાં મને અહીં ક્યારેય મુશ્કેલી નથી પડી.''

''છારા વિશે જે વાયકાઓ વહે છે, એ બધી ખોટી જ છે એવું હું નથી કહેતો, પણ મારી દુકાનમાં હજુ સુધી ચોરી નથી થઈ.''

''એટલું જ નહીં, આટલા વર્ષો થયા મને એક પણ છારાનો ખરાબ અનુભવ નથી થયો.''

વાતચીતમાં લક્ષ્મણની આંખોમાં તેજ આવે છે અને હળવેકથી જણાવે છે, ''એક વાત કહું, મારા સિંધી સમુદાય કરતાં છારા લોકો વધુ સારા છે.''

શું કહે છે પોલીસ?

હુમલા સમયે અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંહે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "પોલીસની કાર્યવાહી છારા કોમ વિરુદ્ધની નહીં, પણ રૂટિન પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલો કરી ચૂકેલા બૂટલેગર્સ સામેની હતી."

"પોલીસ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો એ પછી તોફાનીઓને પકડવા માટે વધારે પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા."

"કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો ત્યારે બળનો ઉપયોગ કરવાની પોલીસને ફરજ પડી હતી."

"છારાનગરનું નામ બૂટલેગિંગ એટલે કે દારૂનો ગેરકાયદે ધંધો કરતા લોકો સાથે જોડાયેલું રહ્યું છે."

"ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતાં મહિલાઓ સહિતનાં લોકોની સુધારણા માટે અમદાવાદ પોલીસ છારાનગરના કર્મશીલો તથા સામાજિક સંગઠનો સાથે મળીને કામ કરી રહી છે."

"ગેરકાયદે પ્રવૃત્તિમાં બહુ ઓછાં લોકો સંડોવાયેલાં છે, પણ તેમને કારણે આખી કોમ બદનામ થઈ રહી છે એ વાતથી અમે વાકેફ છીએ."

"અમે છારાનગરમાંથી કોઈની ખોટી રીતે ધરપકડ કરી હશે તો અદાલત તેમને છોડી મૂકશે."

'એ માસ અસૉલ્ટ હતો'

26 જુલાઈની એ રાતે પોલીસ દરોડામાં રાષ્ટ્રીય ઍવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેક્ટર અને નેશનલ અલાયન્સ ગ્રૂપ, ડિનૉટિફાઇડ ઍન્ડ નોમૅડિક ટ્રાઇબ્સના અધ્યક્ષ દક્ષિણ બજરંગી છારા અને તેમનાં સાસુને પણ માર પડ્યો હતો.

એ બીનાને યાદ કરતા દક્ષિણ છારા જણાવે છે, ''છારાનગર પર પોલીસ દરોડા કોઈ નવી વાત નથી. એ રાતે પણ જ્યારે દરોડા પડ્યા ત્યારે મને લાગ્યું કે 'જનરલ રેડ' જ છે, પણ એ જનરલ રેડ નહોતી. પોલીસે છારાનગર પર હુમલો કરી દીધો હતો.''

''પોલીસ લોકોના ઘરોની અંદર ઘૂસીઘૂસીને મારી રહી હતી. મને માર પડ્યો. મારાં 69 વર્ષના સાસુને પણ માર પડ્યો. અમે રોકતા રહ્યા, અમારો વાંક પૂછતા રહ્યા અને પોલીસ અમને બેફામ મારતી રહી.''

આ દરોડાને દક્ષિણ 'છારાનગર પર થયેલો માસ અસૉલ્ટ' ગણાવે છે અને આ પાછળ છારાનગર કે છારા સમુદાય વિરુદ્ધની નફરતને જવાબદાર ગણાવે છે.

દક્ષિણ કહે છે, ''પોલીસ ઍકેડમીમાં 'ડીનૉટિફાઇટ ટ્રાઇબલ ઍક્ટ' ભણાવવામાં આવે છે. ક્રિમિનલ ટ્રાઇબલ્સ ઍક્ટ નહીં ભણાવવાનો કાયદો હોવા છતાં પણ અનઅધિકૃત રીતે આ કાયદો ભણાવાય છે.''

''ગુનો ચોક્કસ સમુદાય જ કરે એવું દર્શાવતો આ કાયદો છારા સમુદાય વિરુદ્ધ નફરતનાં બીજ રોપે છે.''

જોકે, અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંહ આ વાતને રદિયો આપે છે.

બીબીસી સાથેની વાતચીતમાં સિંહ જણાવે છે, ''અમને એ કાયદાના અનુસંધાને પૂર્વાગ્રહો ના રાખવાનું ભણાવાય છે. પોલીસ ઍકેડમીમાં સકારાત્મક રીતે આ કાયદો ભણાવાય છે અને કોઈ વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવાનું કે તેમને લાંછન લગાવવાનું નથી કહેવાતું.''

પોલીસ કાર્યવાહી બાદ દક્ષિણ છારા અને તેમના સાસુની માફી માગી હોવાનું પણ કમિશનરે જણાવ્યું.

જોકે, 26 જૂલાઈની રાતે થયેલા એ ઘર્ષણને હવે છારા સમુદાય ભૂલવા નથી માગતો.

આગામી 31 ઑગષ્ટે લુણાવાડામાં 'ડીનૉટિફાઇડ ટ્રાઇબ્સ'નું એક સંમેલન મળી રહ્યું છે, જેમાં દેશભરમાંથી ડીએનટી સમુદાયનાં લોકો એકઠાં થશે.

દક્ષિણ છારા જણાવે છે, ''પોલીસે જાણતા કે અજાણતા એક રાજકીય ચળવળને જામગરી ચાંપી છે, જેનો પરચો લુણાવાડામાં મળશે.''

દક્ષિણ એવું પણ જણાવે છે કે ડીએનટી માટે કામ કરનારાં લેખિકા અને સમાજ સેવિકા મહાશ્વેતા દેવીએ કહ્યું હતું કે ડીએનટી ચળવળની આગેવાની છારા લેશે અને તેમની વાત સાચી પડી રહી હોય એવું જણાઈ રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો