You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય યુવતીઓ શા માટે ચીની યુવકો સાથે લગ્ન કરતી નથી?
- લેેખક, તિલક ઝા
- પદ, બીબીસી મૉનિટરિંગ
ઇન્ટરનેટ પર હાલ એક દિલચસ્પ ચર્ચા ચાલી રહી છે.
આ ચર્ચાનો મુદ્દો છે - ભારતીય યુવતીઓ ચીનના યુવાનો સાથે લગ્ન કેમ કરતી નથી.
દુનિયાભરમાં ભારતીયો ફેલાયેલા છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ.
ભારતીય યુવતીઓએ પોતાના જીનવસાથી તરીકે વિદેશી યુવકોને પસંદ કર્યા હોય એવા પણ અનેક દાખલાઓ આપણી સમક્ષ છે.
તો પછી એશિયામાં જ આવેલા ચીનના યુવકો સાથે ભારતીય યુવતીઓ કેમ લગ્ન કરતી નથી.
હાલમાં ચીનના સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે.
સૌપ્રથમ આ સવાલ ચીનની વેબસાઇટ ઝિહૂ પર પર એક વર્ષ પહેલાં પૂછવામાં આવ્યો હતો.
આ વેબસાઇટ પર લોકો સવાલ કરે છે અને યૂઝર્સ તેનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનમાં મહિલાઓની સરખામણીએ 34 લાખ પુરુષો વધારે છે. આની પાછળ ત્યાંની વન ચાઇલ્ડ પૉલિસી જવાબદાર છે.
જોકે, તેને વર્ષ 2015માં બંધ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ ભારતની વાત કરવામાં આવે તો અહીં મહિલાઓની કુલ સંખ્યાની સરખામણીએ 37 લાખ પુરુષો વધારે છે.
શા માટે થઈ રહી છે ચર્ચા?
ભારતમાં દહેજ પર પ્રતિબંધ હોવા છતાં યુવતીઓનાં માતાપિતા લગ્ન વખતે રોકડ અથવા તો સોનું આપે છે.
જોકે, ચીનમાં આનાથી ઊલટું દુલ્હન તરફથી કિંમતી ભેટ આપવાનો રિવાજ છે.
ઝિહૂ નામની વેબસાઇટ પર એક વ્યક્તિએ લખ્યું છે કે સામાન્ય રીતે ચીનમાં સગાઈ માટે એક લાખ યુઆન મતલબ કે લગભગ દસ લાખ રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
વેબસાઇટ પર એક યુઝરે લખ્યું, "આ રકમ કોઈ ભારતીય ખેડૂતની 10 વર્ષની કમાણી સમાન છે."
"તેઓ તેમની દીકરીઓનાં લગ્ન ચીનમાં કરાવે તો સારી એવી કમાણી થઈ શકે છે."
તમે આ વાંચ્યું કે નહીં?
પોસ્ટમાં આગળ લખ્યું છે, "ચીનના ગામડાં ભારત કરતાં સારાં છે. જો કોઈ યુવતીનાં લગ્ન શહેરના ચાઇનીઝ યુવક સાથે થાય, તો આ રકમમાં તફાવત વધી પણ શકે છે. આ કારણે મારી ઉત્સુકતા વધી રહી છે."
"ચીની પુરુષો વિયતનામ, બર્મા અને યુક્રેનની યુવતીઓ સાથે લગ્ન કરી રહ્યા છે પરંતુ ભારતીય યુવતીઓ સાથે નહીં."
બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો વધી રહ્યા છે પરંતુ ભારતીય યુવતી અને ચીની યુવકની જોડી ભાગ્યે જ જોવા મળે છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ મુજબ ચીનની મેસેજિંગ ઍપ વીચેટના 200 ભારતીય-ચીની યુગલોમાં માત્ર એક જ યુગલ એવું હતું, જેમાં યુવતી ભારતીય હોય અને યુવક ચાઇનીઝ.
લગ્ન માટે પૈસા
ઝિહૂના કૉમેન્ટ સેક્શનમાં દહેજ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.
લોકો કહી રહ્યાં છે કે દહેજની મોટી માંગોને કારણે લોકોના જીવ ચાલ્યા જાય છે.
બેઇજિંગ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા હે વેઈ નામના યુવકે ઝિહૂ પર ચાલતી ચર્ચાની ભાષાને લઈને આપત્તિ દર્શાવી હતી.
હે લખે છે કે ભારતમાં લગ્ન માત્ર પૈસા માટે નથી થઈ રહ્યાં.
આમિર ખાનની દંગલ ફિલ્મનું ઉદાહરણ આપતા તેઓ લખે છે, "ભારત અને ચીનનાં શહેરોમાં રહેતા મધ્યમવર્ગના લોકોમાં કોઈ ખાસ તફાવત નથી."
"આ વર્ગ બન્ને દેશોમાં બિંદાસ રીતે જીવે છે અને આ વર્ગમાંથી કોઈ પણ વિદેશમાં લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે."
પારિવારિક મૂલ્ય
અમુક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે ભારતમાં લિંગાનુપાતની સ્થિતિ ચીનથી પણ વધુ ખરાબ છે.
એક યુઝરે લખ્યું કે ભારતીય યુવતીઓના ચાઇનીઝ યુવકો સાથે લગ્ન ન થવાનું કારણ એ પણ છે કે તેઓ ક્યારેય મળતા નથી.
તેમણે લખ્યું, "ઘણા ભારતીય પુરુષો ચીન અને હૉંગ કૉંગમાં કામ કરે છે પરંતુ ત્યાં ભારતીય મહિલાઓની સંખ્યા નહિંવત્ છે."
"આફ્રિકા તરફ નજર કરીએ તો ત્યાં કામ કરતા ચાઇનીઝ યુવકોએ આફ્રિકાની યુવતીઓ સાથે લગ્ન કર્યાં છે."
ફેંગ નામના એક યુઝર લખે છે, "ભારતીય મહિલાઓ પર પારિવારિક મૂલ્યો સંભાળવાની જવાબદારી પણ હોય છે."
"સાથે જ ભારતીય પુરુષો ખૂબ સ્માર્ટ હોય છે. તેમની સામે ચીની પુરુષોની સરખામણી ન થઈ શકે."
અમુક યુવકોએ તો એટલે સુધી કહ્યું કે ભારતીયો તેમની દીકરીઓનાં લગ્ન ચીની યુવકો કરતાં ગોરા લોકો સાથે કરાવવાનું વધુ પસંદ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો