UPSCની પરિક્ષા પાસ કરનારા ગુજરાતી યુવક સફિનની સફળતાનું રહસ્ય

"જો તમારા ઇરાદા મજબૂત હોય તો, તમામ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જાય છે."

આ શબ્દો છે ગુજરાતના સૌથી યુવાન વયે આઈપીએસની પરિક્ષા પાસ કરી ચૂકેલા સફિન હસનના. તેઓ પાલનપુરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે.

સફિનના પિતા ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને માતા ગૃહિણી છે.

સખત મહેનત અને દૃઢ નિશ્ચયને કારણે સફિને જાહેર સેવા આયોગની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ ઉત્તીર્ણ કરી છે.

આ પરીક્ષામાં તેમણે સમગ્ર ભારતમાં તેઓ બીજા નંબરે આવ્યા છે.

ગુજરાતના જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે અને જાહેર સેવામાં કારકિર્દી બનાવવા માગે છે તેમના માટે સફિન આદર્શ બની શકે છે.

સફિન હસને બીબીસી ગુજરાતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓથી લઈને ઇન્ટરવ્યૂ સુધીની પોતાની સફર અંગે વાતચીત કરી.

આઈપીએસ શા માટે?

સફિને જણાવ્યું, "મને પહેલાંથી જ પબ્લિક સર્વિસનો શોખ હતો. જ્યારે મને જાણ થઈ કે તમે એક હોદ્દા પર બેસીને લાખો લોકોને મદદ કરી શકો છો ત્યારે નક્કી કર્યું કે મારે આ નોકરી કરવી છે."

"બીજું કે જ્યારે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે એક અધિકારીનો સંપર્ક થયો. એ બાદ આ ક્ષેત્રે વધુ આકર્ષણ જાગ્યું."

"સાથે જ હું 11-12માં ધોરણમાં આવ્યો ત્યારે મેં નક્કી કર્યું કે મારે આ ક્ષેત્રમાં જ જવું છે અને સેવા આપવી છે."

પોતાના લક્ષ્ય અંગે વધુ જણાવતા સફિને કહ્યું કે જ્યારે તેઓ કૉલેજમાં હતા, ત્યારે આઈએએસ અને આઈપીએસ શું છે અને તેમાં કેવા પ્રકારનું કામ હોય છે તે અંગે તમામ રિસર્ચ કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

12 ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અને એ પણ સરકારી શાળામાં અભ્સાસ કરનાર સફિને કહ્યું કે તેમની સફળતામાં માતાપિતાનો મોટો ફાળો છે.

તેમણે કહ્યું, "મારાં માતાપિતાએ મને હંમેશાં સપનાં જોવાની આઝાદી આપી છે."

"તેમણે ક્યારેય મને એવું નથી કહ્યું કે અમારે તને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવો છે."

"જ્યારે મેં તેમને કહ્યું કે મારે આઈએએસ કે આઈપીએસ બનવું છે તો તેમણે મને સંપૂર્ણ સહયોગ આપ્યો."

મુખ્ય પરીક્ષા સમયે જ થયો અકસ્માત

જ્યારે સફિન તેમની મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો. 9 વાગ્યે પેપર હતું અને 8.30 વાગે સફિનનો અકસ્માત થયો હતો.

આ ઘટનાને યાદ કરતા તેઓ કહે છે, "અકસ્માતને કારણે હું જમીન પર પડી ગયો હતો. મેં ઊભા થઈને જોયું કે મારો જમણો હાથ તો સુરક્ષિત છે કે નહીં."

"જોકે, મેં વિચાર્યું કે આ તક માટે મેં દોઢ વર્ષ મહેનત કરી છે. જો આજે પરીક્ષા આપીશ નહીં તો બધી જ મહેનત પાણીમાં જશે."

"હું પરીક્ષા આપવા ગયો અને મેં પાંચ પેપર લખ્યાં. ત્યારબાદ મને દુખાવો શરૂ થયો હતો."

પરીક્ષા માટે કેવી તૈયારીઓ કરી?

સફિન હસને ચંદ્રગુપ્ત અને ચાણક્યના એક પ્રસંગ અંગે વાત કરતા જણાવ્યું કે જ્યારે ચંદ્રગુપ્તે ચાણક્યને પૂછ્યું કે ભારતના સમ્રાટ બનવા માટે આટલી મહેનત ના કરવી હોય તો? ત્યારે ચાણક્યે ઉત્તર આપતા કહ્યું હતું કે તો બધા જ સમ્રાટ બની ગયા હોત.

આ ઉદાહરણને ટાંકીને સફિન કહે છે કે જો તમારું આઈએએસ કે આઈપીએસ બનવાનું લક્ષ્ય હોય તો તમારે જીવનમાં ઘણાં બલિદાનો આપવાં પડે.

"હું એક વર્ષ માટે પારિવારિક અને સામાજિક બન્ને પ્રસંગોથી દૂર રહ્યો હતો."

મેં દિલ્હીમાં રહીને તૈયારીઓ કરી છે. આ પરીક્ષા માટે ધીરજ અને પરિવારના સહકારની જરૂર પડે છે."

"મારે મારો પ્રથમ પ્રયત્ન જ છેલ્લો પ્રયત્ન બનાવવો હતો એટલા માટે જવાબદારી પણ ઘણી હતી."

"હું દિવસના 14થી 15 કલાક વાંચતો હતો. મતલબ કે મારું દરરોજનું ટાઇમ ટેબલ નક્કી હતું."

"સવારના છથી લઈને રાતના બાર વાગ્યા સુધી સતત અભ્સાય કરવો."

"જ્યારે 20-25 દિવસ થઈ જતા ત્યારે હું એક દિવસ બ્રેક લેતો જેથી કરીને થોડો આરામ મળે અને મારી જાતને વાંચવા માટે તૈયાર કરી શકું."

'તૈયારીઓ માટે ટ્યૂશનની જરૂર નથી'

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણા એવા યુવાનો છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે.

ત્યારે આ તમામ યુવાનોને સંદેશ આપતા સફિને જણાવ્યું, "સ્પર્ધાત્મક તૈયારીઓ કરવા માટે ટ્યૂશન કરવાની જરૂર નથી."

"જો તમે આર્થિક રીતે સદ્ધર છો તો ટ્યૂશન રાખો નહીંતર અત્યારે ઇન્ટરનેટ પર તમામ સામગ્રી ઉપલબ્ધ છે."

સફિને ગુજરાતીમાં પરીક્ષા આપી છે. તેમણે જણાવ્યું હતું કે યુપીએસસીની પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પણ આપી શકાય છે. સાથે જ ઇન્ટરવ્યૂ પણ ગુજરાતી ભાષામાં આપી શકાય એવી જોગવાઈ છે.

ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું?

આ અંગે સફિને જણાવ્યું કે તેઓ ઇન્ટરવ્યૂના એક મહિના પહેલાં સુધી હૉસ્પિટલમાં હતા. એટલા માટે જોઈએ તેટલી મહેનત કરી શક્યા ન હતા.

સફિન કહે છે, "ઇન્ટરવ્યૂ મતલબ કે નોટ ઇન્ટેરોગેશન. ઇન્ટરવ્યૂમાં અધિકારીઓ તમારી પૂછપરછ કરવા બેસતા નથી, એ તમારો પર્સનાલિટી ટેસ્ટ છે."

"તેમના પ્રશ્નો તમારું જ્ઞાન ચકાસવા માટે નથી. ઉદાહરણ તરીકે જો તમને 10માંથી 9 પ્રશ્નો નથી આવડતા તો ગભરાવાની જરૂર નથી. તે લોકો એ જોવા માગે છે કે તમને જે 9 પ્રશ્નો નથી આવડ્યા તેની અસર તમારા ચહેરા પર કેવી પડે છે."

સફિને જણાવ્યું કે મેં ઝૂંપડપટ્ટીઓનાં બાળકોને ભણાવવાનું કાર્ય પણ કરેલું છે એટલા માટે સમાજના વંચિત લોકોને સારી સુવિધા મળી રહે એવા પ્રયાસો કરીશ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો