You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોટબંધીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ વાયદાઓ જેની હવા નીકળી ગઈ
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
"ભાઈઓ-બહેનો, મેં દેશ પાસેથી માત્ર 50 દિવસ માગ્યા છે. 50 દિવસ. 30 ડિસેમ્બર સુધી મને તક આપો, મારા ભાઈઓ-બહેનો. 30 ડિસેમ્બર પછી પણ કોઈ કમી રહી જાય, મારી ભૂલ રહી જાય, મારો કોઈ ઇરાદો ખોટો સાબિત થાય, તમે જે ચોકમાં મને ઊભો કરશો, હું ઊભો રહીને..દેશ જે સજા કરશે એ ભોગવવા તૈયાર છું."
આ શબ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છે. 2016ની આઠમી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરીને 500 તથા 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાના બરાબર પાંચ દિવસ પછી ગોવામાં એક ઍરપૉર્ટના શિલારોપણ વખતે નોટબંધીની વાત કરતાં તેમણે ઉપર મુજબ કહ્યું હતું.
જોકે, તેના એક વર્ષ અને નવ મહિના બાદ સવાલ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીના નોટબંધી સાથે જોડાયેલા દાવાઓની હવા નીકળી ગઈ છે?
નોટબંધીથી શું ફાયદો થયો એવો સવાલ સામાન્ય લોકોથી માંડીને સત્તાની પરસાળોમાં પૂછાઈ રહ્યો છે.
સત્તાધારી પક્ષ તરફથી નોટબંધીની સફળતા સંબંધે કોઈ દમદાર દલીલ હજુ સુધી સાંભળવા મળી નથી.
નોટબંધીની જાહેરાત કરતી વખતે નરેન્દ્ર મોદીએ નોટબંધીથી થનારા ફાયદાઓમાં કાળાનાણાંથી માંડીને ઉગ્રવાદ અને આતંકવાદ પર અંકુશ લગાવવા સુધીની બાબતોને સામેલ કરી હતી.
ક્યાં ગયું કાળુંનાણું?
નોટબંધી દરમ્યાન બૅંકિંગ સિસ્ટમમાં પાછી આવેલી નોટો વિશેની સંપૂર્ણ માહિતી રિઝર્વ બૅન્કે હવે જાહેર કરી છે.
તેમાં જણાવ્યા મુજબ, 500 અને 1000 રૂપિયાની 99.3 ટકા નોટો બૅંકોમાં પાછી આવી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિઝર્વ બૅન્કે આપેલી માહિતી અનુસાર નોટબંધીના સમયે દેશમાં 500 અને 1000ની કુલ 15.41 હજાર કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
એ પૈકીની 15.31 હજાર કરોડ રૂપિયાની નોટો સિસ્ટમમાં પરત આવી ગઈ છે.
તેનો અર્થ એ થયો કે 10,000 કરોડ રૂપિયાની નોટો સિસ્ટમમાં પાછી આવી નથી.
તેમાં કાળા નાણાં પર અંકુશ લાદવાની વાત સાચી સાબિત થઈ નથી.
નોટબંધી અમલી બન્યાના બે સપ્તાહ બાદ તત્કાલીન ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ નોટબંધીનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કરતાં કહ્યું હતું, "સરકારે આ પગલું ઉત્તર-પૂર્વ તથા કાશ્મીરમાં ભારત વિરુદ્ધ આતંકવાદને વેગ આપવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા ચાર લાખથી પાંચ કરોડ રૂપિયાના ચલણને બહાર કાઢવા માટે લીધું છે."
રોહતગી સરકારનો પક્ષ જ રજૂ કરી રહ્યા હતા પણ એ ચાર લાખથી પાંચ કરોડ રૂપિયા પણ બૅંકિંગ સિસ્ટમમાં પાછા આવી ગયા છે.
2017ની 15 ઑગસ્ટે આપેલા ભાષણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે ત્રણ લાખ કરોડ રૂપિયા ક્યારેય બૅંકિંગ સિસ્ટમમાં આવતા ન હતા, તે આવ્યા છે.
વડા પ્રધાનના એ નિવેદનને યાદ કરાવતાં ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે ખોટું કોણ બોલ્યું હતું?
ખોટી નોટો છે ચલણમાં
બનાવટી નોટો પર અંકુશ લગાવવામાં પણ સરકાર સફળ થઈ નથી.
રિઝર્વ બૅન્કના જણાવ્યા મુજબ, બનાવટી ચલણી નોટો જપ્ત કરવાનો સિલસિલો 2017-18 દરમ્યાન પણ ચાલુ રહ્યો છે.
2017-18 દરમ્યાન 500ની 9,892 અને 2,000ની 17,929 બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. તેનો અર્થ એ કે સિસ્ટમમાં બનાવટી નોટો આવવાનું ચાલુ છે.
નોટબંધીની જાહેરાત પહેલાં 2016ની 27 નવેમ્બરના પોતાના 'મનકી બાત' કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ નોટબંધીને 'કૅશલેસ ઇકૉનૉમી' માટે જરૂરી પગલું ગણાવી હતી.
જોકે, નોટબંધીનાં લગભગ બે વર્ષ પછીના રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, લોકો પાસે હાલ સૌથી વધારે રોકડ છે.
કૅશલેસ ઇકૉનૉમીનું સત્ય
રિઝર્વ બૅન્કના જણાવ્યા મુજબ, 2016ની નવમી ડિસેમ્બરે સામાન્ય લોકો પાસે 7.8 લાખ કરોડ રૂપિયા હતા, એ પ્રમાણે 2018ના જૂન સુધીમાં વધીને 18.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.
તેનો અર્થ એ થયો કે સામાન્ય લોકો પાસેની રોકડનું પ્રમાણ નોટબંધીના સમય કરતાં બમણું થઈ ગયું છે.
એટલું જ નહીં, રિઝર્વ બૅન્કના આંકડા મુજબ, સામાન્ય લોકો પાસેના નાણાંમાં રાષ્ટ્રીય આવકના 2.8 ટકા સુધીનો વધારો થયો છે, જે ગત છ વર્ષમાં સૌથી વધારે છે.
જીડીપી પર અસર
નોટબંધીની અસર દેશના આર્થિક વિકાસ દરની ગતિ પર થઈ છે.
2015-16 દરમ્યાન જીડીપીનો વૃદ્ધિદર 8.01 ટકાની આસપાસનો હતો, જે 2016-17માં 7.11 ટકા થઈ ગયો હતો અને હવે તે 6.1 ટકાના સ્તરે આવી ગયો છે.
આ સંબંધે મોદી સરકાર પર નિશાન તાકતાં પી. ચિદમ્બરમે એવી ટ્વીટ કર્યું હતું, "ભારતીય અર્થતંત્રને વૃદ્ધિના સંદર્ભમાં દોઢ ટકા નુકસાન થયું છે. તેનાથી એક વર્ષમાં અઢી લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે."
"100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એટલું જ નહીં, 15 કરોડ રોજમદાર મજૂરોના કામધંધા બંધ થયા છે. હજ્જારો ઉદ્યોગો બંધ થઈ ગયા છે. લાખો લોકોની નોકરી ચાલી ગઈ છે."
જોકે, નોટબંધીને કારણે 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાનું ખાતરીપૂર્વક કહી ન શકાય પણ એ લોકો નોટબંધી વખતે બૅંકો સામે લાગેલી લાઇનોમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યાં હતાં.
એ કારણસર વિરોધ પક્ષ એ લોકોનાં મૃત્યુ માટે નોટબંધીને જવાબદાર ઠરાવતો રહ્યો છે.
રિઝર્વ બૅન્કના આંકડા જાહેર થતાં પહેલાં નાણાકીય બાબતોની સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટને પણ, ભારતીય જનતા પક્ષે (ભાજપ) તે સમિતિમાંની પોતાની બહુમતિનો ઉપયોગ કરીને જાહેર થવા દીધો ન હતો.
31 ઑગસ્ટ સમિતિના કાર્યકાળનો છેલ્લો દિવસ છે અને મીડિયાના અહેવાલો મુજબ, નોટબંધીને કારણે દેશના અર્થતંત્રની વૃદ્ધિ એક ટકા ઓછી થઈ હોવાનું સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.
સેન્ટર ફઑર મૉનિટરિંગ ઇંડિયન ઇકૉનૉમી(સીએમઈઆઈ)ની કન્ઝ્યૂમર પિરામિડ્ઝ હાઉસહોલ્ડ સર્વિસ(સીપીએચએસ)ના આંકડા મુજબ, 2016-17ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 15 લાખ નોકરીઓ ગઈ હતી.
ભાજપના સહયોગી સંગઠન ભારતીય મજદૂર સંઘે પણ નોટબંધી વિશે કહ્યું હતું, "અસંગઠીત ક્ષેત્રનાં અઢી લાખ એકમો બંધ થઈ ગયાં છે અને રિઅલ એસ્ટેટ પર પણ માઠી અસર થઈ છે. લોકોએ મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી છે."
નક્સલવાદ અને આતંકવાદ પર અંકુશ
નોટબંધીની જાહેરાત કરતી વખતે નરેન્દ્ર મોદીએ દેશમાં ફંડ મેળવતા નક્સલવાદીઓના અને દેશ બહારથી ભંડોળ મેળવતા આતંકવાદીના કૃત્યો પર નોટબંધીને કારણે અંકુશ લાગવાની વાત કરી હતી.
જોકે, ગયા મંગળવારે જે રીતે પાંચ માનવાધિકાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર નક્સલવાદીઓ સાથે સંબંધના આરોપ મૂકવામાં આવ્યા છે.
શહેરી નક્સલીઓને વાતોનો જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાનમાં લેતાં સવાલ થાય છે કે નોટબંધી પછી પણ નક્સલવાદીઓના ટેકેદારો આટલા મજબૂત થયા છે?
કાશ્મીરમાં ઉગ્રવાદીઓના હુમલામાં નોટબંધીને કારણે કોઈ ઘટાડો થયો નથી.
રાજ્ય સભાના સભ્ય નરેશ અગ્રવાલના એક સવાલના જવાબમાં કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ ગંગારામ આહિરે ગૃહમાં જણાવ્યું હતું કે 2017ના જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કાશ્મીરમાં 184 આતંકવાદી હુમલા થયા હતા. એ પ્રમાણ 2016માં થયેલા 155 આતંકવાદી હુમલા કરતાં ઘણું વધારે હતું.
ગૃહ મંત્રાલયના 2017ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં 342 ઉગ્રવાદી હુમલા થયા હતા, જે 2016માં થયેલા 322 હુમલા કરતાં વધારે હતા.
એટલું જ નહીં, 2016માં થયેલા હુમલાઓમાં 15 લોકો મૃત્યુ પામ્યાં હતાં પણ 2017માં 40 સામાન્ય લોકો ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં.
કાશ્મીરમાં 2018ની શરૂઆતથી પણ ઉગ્રવાદી હુમલાઓ ચાલુ છે.
રિઝર્વ બૅન્કને ખર્ચો
નોટબંધીના ફાયદાની વાત બાજુ પર રહી પણ નોટબંધીના અમલમાં રિઝર્વ બૅન્કને હજ્જારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
નવી નોટો છાપવા માટે રિઝર્વ બૅન્કે 7,965 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.
રોકડની અછત ન સર્જાય એ માટે વધુ નોટ બજારમાં ઉપલબ્ધ કરાવવા રિઝર્વ બૅન્કે વ્યાજ પેટે 17,426 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
એ ઉપરાંત નવી નોટો માટે એટીએમમાં ટેક્નિકલ ફેરફાર કરવામાં સિસ્ટમે કરોડો રૂપિયા ખર્ચવા પડ્યા હતા.
આ પરિસ્થિતિમાં નોટબંધી સંબંધે સરકાર માત્ર એક ફાયદો ગણાવી શકે તેમ છે.
2017-18ના આર્થિક સર્વેક્ષણ મુજબ નોટબંધી પછી દેશમાં કર ચૂકવતા લોકોની સંખ્યામાં 18 લાખનો ઉમેરો થયો હતો.
ભૂતપૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે 2017ની સાતમી નવેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે નોટબંધી તો ઑર્ગેનાઇઝ્ડ લૂંટ(સંગઠીત લૂંટ) છે, લીગલાઈઝ્ડ પ્લન્ડર (કાયદેસરની ઉચાપત) છે.
મનમોહન સિંહના આ આક્ષેપનો જવાબ આપવાથી નરેન્દ્ર મોદી સરકાર હાલ બચી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો