You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભીમા કોરેગાંવ : મુખ્ય આરોપીઓ સામે હજુ સુધી કાર્યવાહી કેમ નથી થઈ?
- લેેખક, અભિજિત કાંબલે
- પદ, બીબીસી મરાઠી
ડાબેરી વલણ ધરાવતા માનવાધિકાર કાર્યકરોની મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા સંબંધે દેશભરમાંથી ધરપકડ થયા બાદ એક મહત્ત્વનો સવાલ સર્જાયો છે.
સવાલ એ છે કે ભીમા કોરેગાંવ પ્રકરણમાં મુખ્ય આરોપી સંભાજી ભિડે વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ થઈ નથી?
બીબીસી મરાઠી સાથે વાત કરતાં પૂણે(ગ્રામ્ય)ના પોલીસ વડા સંદીપ પાટિલે જણાવ્યું હતું કે શિવ પ્રતિષ્ઠાનના સંભાજી ભીડે અને સમસ્ત હિંદુ અઘાડીના મિલિંદ એકબોટે વિરુદ્ધ આગામી 15-20 દિવસમાં આરોપનામું દાખલ કરવામાં આવશે.
સંદીપ પાટિલે કહ્યું હતું, "બન્ને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે અને એ કામ આગામી 15-20 દિવસમાં પૂર્ણ થઈ જશે."
આ વર્ષની પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા પછીના દિવસે પિંપરી ચિંચવડની અનિતા સાવલેએ આ સંબધે પિંપરી ચિંચવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
એ ફરિયાદમાં સંભાજી ભિડે અને મિલિંદ એકબોટેને આરોપી બનાવવામાં આવ્યા હતા.
ફરિયાદ દાખલ કરવામાં આવ્યાના સાડા ત્રણ મહિના પછી આ વર્ષની 14 માર્ચે મિલિંદ એકબોટેની ધરપકડ કરવામાં આવી હતી અને એપ્રિલમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલામાં સંભાજી ભિડેની તો હજુ ધરપકડ પણ થઈ નથી.
સંદીપ પાટિલે કહ્યું હતું, "અહીં પોલીસ વડા તરીકે મારી નિમણૂંક થોડા દિવસ પહેલાં જ થઈ છે. હું કેટલાક જરૂરી કાગળિયાં ચકાસ્યા પછી જ આ બાબતે કંઈ વાત કરી શકીશ."
સંભાજી ભિડે વિશે મુખ્ય પ્રધાને શું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વર્ષે માર્ચમાં જણાવ્યું હતું કે ભીમા કોરેગાંવ હિંસા સંબંધે સંભાજી ભિડે વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મુખ્ય પ્રધાને આ નિવેદન વિધાનસભામાં આપ્યું હતું.
મુખ્ય પ્રધાને કહ્યું હતું, "ફરિયાદી મહિલાએ દાવો કર્યો હતો કે તેમણે સંભાજી ભિડે તથા મિલિંદ એકબોટેને ભીમા કોરેગાંવ હુલ્લડમાં નેતૃત્વ કરતા જોયા હતા."
"મહિલાના નિવેદન અનુસાર પોલીસે ફરિયાદ નોંધી હતી પણ મેજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદનમાં મહિલાએ જણાવ્યું હતું કે તેઓ સંભાજી ભિડે ગુરુજીને જાણતાં નથી અને તેમને ક્યારેય જોયા પણ નથી."
"મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાએ એટલું જ કહ્યું હતું કે સંભાજી ભિડે હુલ્લડ કરાવી રહ્યા હોવાનું તેમણે સાંભળ્યું હતું."
"ગુરુજી હિંસામાં સામેલ હતા તેવું સાબિત કરી શકાય તેવા કોઈ નક્કર પુરાવા પોલીસને હજુ સુધી મળ્યા નથી."
ફરિયાદી મહિલાની વાત
બીબીસી મરાઠીએ ફરિયાદી અનિતા સાવલે સાથે મુખ્ય પ્રધાનના નિવેદન બાબતે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કર્યું છે.
અનિતા સાવલેએ કહ્યું હતું, "મુખ્ય પ્રધાને એફઆઈઆર બરાબર વાંચી ન હોય એ શક્ય છે. તેઓ સમગ્ર મામલાને ખોટી રીતે સમજ્યા છે. સંભાજી ભિડેની ધરપકડ પહેલાં જ થવી જોઈતી હતી."
"તેમની સામે એફઆઈઆર હોય અને તેઓ શકમંદ આરોપી હોય તો તેમને અરેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરવા જોઈએ."
અનિતાના જણાવ્યા મુજબ તેમણે સંભાજી ભિડેની ધરપકડ માટે બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. એ અરજી જૂનમાં દાખલ કરી હતી, પણ તેની સુનાવણી હજુ શરૂ થઈ નથી.
"ગુરુજી સામેલ ન હતા"
સંભાજી ભિડે હિંસામાં સામેલ હોવાના આરોપને શિવ પ્રતિષ્ઠાનના પ્રવક્તા નિતિન ચૌગૂલેએ ફગાવી દીધો હતો.
નીતિન ચૌગૂલેએ કહ્યું હતું, "અહીં જે કંઈ થયું તેમાં ગુરુજી સામેલ ન હતા એ સત્ય અમે પહેલા દિવસથી જણાવી રહ્યા છીએ. તપાસ એજન્સીઓ છેલ્લા આઠ મહિનાથી કામ કરી રહી છે અને તેમને ગુરુજી સામે કોઈ પુરાવો મળ્યો નથી."
નીતિન ચૌગૂલેએ ઉમેર્યું હતું, "તપાસ એજન્સીઓ કામ ન કરતી હોય તો જેઓ સતત આક્ષેપ કરી રહ્યા છે તેમણે એજન્સીઓને પુરાવા આપવા જોઈએ અથવા પુરાવા અદાલતમાં રજૂ કરવા જોઈએ."
"તેઓ એવું ન કરી શકે તેમ હોય તો તેમણે કમસેકમ મીડિયા સામે પુરાવા રજૂ કરવા જોઈએ અને ગુરુજીની ધરપકડની માગ કરવી જોઈએ."
"આ કેસમાં માઓવાદીઓ સામે પુરાવા મળ્યા એટલે તપાસ એજન્સીઓએ તેમની ધરપકડ કરી છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે."
પોલીસની કાર્યવાહી
બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ પી. બી. સાવંતે કહ્યું હતું, "કોઈની ધરપકડ કરવી કે નહીં તે પોલીસ પર નિર્ભર છે."
"પોલીસે બાકીના લોકોની ધરપકડ કરી છે પણ તેમની વ્યૂહરચના હિંદુત્વના સમર્થકોની ધરપકડ નહીં કરવાની છે."
"લોકોનું દબાણ હતું એટલે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પણ પુરાવા એકઠા કરવામાં અને તેને અદાલતમાં રજૂ કરવામાં સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી છે. પછી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવશે."
જસ્ટિસ સાવંતના જણાવ્યા મુજબ, હિંદુત્વના સમર્થકો ભલે ગમે તેવાં કામ કરે, પણ આ સરકાર તેમને કોઈ સજા નહીં કરે. તેમને સરકાર તરફથી સલામતી મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ સંભાજી ભિડેને મૈત્રીભર્યો સંબંધ છે.
નરેન્દ્ર મોદીએ રાયગઢમાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું, "હું ભિડે ગુરુજીને અનેક વર્ષોથી ઓળખું છું. તેમની સાદગી, મહેનત, લક્ષ્ય માટેના સમર્પણ અને શિસ્ત દરેક વ્યક્તિ માટે આદર્શ છે."
"તેઓ એક મહાન વ્યક્તિ અને સાધુ છે. હું તેમના આદેશોનું પાલન કરું છું. હું તેમના સન્માનમાં મારું મસ્તક ઝુકાવું છું."
ભીમા કોરેગાંવ હિંસા પછી સંભાજી ભિડે વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં નરેન્દ્ર મોદીએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. તેમાં નરેન્દ્ર મોદી અને સંભાજી ભિડે એક મંચ પર જોવા મળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો