You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદુત્વવાદી કાર્યકરો મહારાષ્ટ્રમાં હુમલાની ફિરાકમાં હતા: ATS
- લેેખક, પ્રશાંત નનાવરે
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહારાષ્ટ્રની ATS (ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ)એ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ATSનો દાવો છે કે આ ત્રણેય શખ્સ રાજ્યમાં આતંકી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.
આ ત્રણેય આરોપીઓનાં નામ વૈભવ રાઉત, શરદ કલાસ્કર અને સુધન્વા ગોંડલેકર છે. ATSના દાવા મુજબ તેમને શરદના ઘરેથી એક કાગળ પણ મળ્યો હતો જેમાં બૉમ્બ બનાવવાની રીત લખેલ હતી.
ATSનો એવો પણ દાવો છે કે તેમને મુંબઈના નાલાસોપાર સ્થિત વૈભવનાં ઘરેથી 22 ક્રૂડ બૉમ્બ અને જિલેટીન સ્ટિક્સ પણ મળી છે. આ ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા.
ATSએ કોર્ટને જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે ત્રણેય શખ્સ પુણે, સતારા, નાલાસોપારા અને મુંબઈમાં આતંકી ગતિવિધિને અંજામ આપી શકે છે. એટલે તેમને ઝડપી લેવામાં આવ્યા.
કોણ છે વૈભવ રાઉત?
વૈભવ રાઉતને સનાતન સંસ્થાના સભ્ય હોવાનું માનવામાં આવે છે. પરંતુ સંસ્થાએ આ દાવાને નકારી કાઢ્યો છે. સનાતન સંસ્થા સાથે જોડાયેલા સુનીલ ધનાવતે વૈભવને 'હિંદુ ગૌવંશ રક્ષા સમિતિ'ના સભ્ય હોવાનું જણાવ્યું છે.
આરોપીના વકીલ સંજીવ પુનાલેકરે કહ્યું કે વૈભવ હિંદુત્વવાદી કાર્યકર્તા છે અને અમે તેમને પૂરો સહયોગ આપીશું.
તમે આ વાંચ્યું કે નહીં?
સંજીવ ઉમેરે છે, "વૈભવ ગૌરક્ષક છે. ઇદ સમયે તેમણે પશુઓની બલિ ચઢાવવાનો વિરોધ કર્યો હતો. સરકાર તેમની જિંદગી બરબાદ કરવા માગે છે."
વૈભવ રાઉત અંગે ગૂગલમાં સર્ચ કર્યું તો સનાતન સંસ્થા સાથે સંબધિત ઘણાં પેઇજ ખૂલ્યા પરંતુ હાલમાં તેમાંની ઘણી લિંકો ખૂલી નથી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે સુધન્વા ગોંડલેકર?
સુધન્વા ગોંડલેકરને સંભાજી ભિડેની સંસ્થા શિવ પ્રતિષ્ઠાનના કાર્યકર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સંભાજી ભિડેનું નામ ભીમા કોરેગાંવ હુલ્લડ મામલે પોલીસે તૈયાર કરેલી શંકાસ્પદોની યાદીમાં હતું. પરંતુ બાદમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહોતા.
શિવ પ્રતિષ્ઠાન સંસ્થાના નિતિન ચોગુલેએ ન્યૂઝ ચેનલ 'ટીવી 9' મરાઠી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ સંસ્થાના કાર્યકર હતા, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ સંસ્થા સાથે જોડાયેલા નથી.
સનાતન સંસ્થાના ચેતન રાજહંસે 'એબીપી માઝા'ને જણાવ્યું કે સનાતન સંસ્થા અને શિવ પ્રતિષ્ઠાન બન્ને હિંદુત્વવાદી સંગઠન છે.
સનાતન સંસ્થા 'આતંકવાદી સંગઠન' છે: કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌહાણે કહ્યું, "આ પહેલાં પણ સનાતન સંસ્થાની વિચારધારા અને બૉમ્બ બ્લાસ્ટ જેવી ઘટનામાં સામેલગીરી સામે આવી હતી. આ સંસ્થાને આતંકવાદી સંગઠન જાહેર કરી દેવું જોઈએ."
અન્ય એક કોંગ્રસી નેતા સચિન સાવંતે એક તસવીર પોસ્ટ કરીને દાવો કર્યો કે વૈભવ રાઉતનો સીધો સંબંધ સનાતન સંસ્થા સાથે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સનાતન સંસ્થા સાથે જોડાયેલા લોકોને દાભોલકર અને પંસારે હત્યાકાંડ સહિત ગડકરી રંગાયતન અને મડગાંવ બૉમ્બ બ્લાસ્ટમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો