પાટીદાર અનામતની માગની ટીકા કેમ થાય છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં પાટીદારોના એક કાર્યક્રમમાં ગણતરીના કલાકોમાં મંદિર માટે રૂ. 150 કરોડનું દાન એકઠું થઈ ગયું હતું.

ત્યારે સોશિયલ મીડિયા સહિતના પ્લૅટફૉર્મ પર સવાલ કરવામાં આવી રહ્યા છે કે, જો પાટીદાર સમાજ આટલો મજબૂત છે અને ગણતરીના કલાકોમાં કરોડોનું ભંડોળ ઊભું કરી શકે છે, તો તેમને અનામતની જરૂર શી છે?

પ્રોજેક્ટ વિશે વ્યાપક જાણકારી માટે બીબીસીએ 'વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન' સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે 'શું આ ભંડોળને ધાર્મિક કાર્યોની જગ્યાએ પાટીદાર સમાજના ગરીબ પરિવારોના કલ્યાણ માટે ન વાપરી શકાય?'

શુક્રવારે ગુજરાત સરકાર દ્વારા બિન-અનામત વર્ગની 58 જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ માટે રાહતદરે લોનની જાહેરાત કરવામાં આવી હતી.

બિન-અનામત વર્ગના યુવક-યુવતીઓને વ્યવસાય માટે લોનમાં સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના કૉ-ઓર્ડિનેટર ચંદુભાઈ. કે. પટેલે જણાવ્યું:

"અમદાવાદમાં એક મોટું સામાજિક-ધાર્મિક અને શૈક્ષણિક સંકુલ તૈયાર કરાઈ રહ્યું છે. જેમાં સ્કિલ ડેવલપમૅન્ટથી લઈને આરોગ્ય સેવાઓ માટે હૉસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે."

પણ, શા માટે આવું નવું સંકુલ ઊભું કરવાની જરૂર ઊભી થઈ?

એ અંગે વાત કરતા પટેલે કહ્યું,"દેશના યુવાધનને વિવિધ રોજગારલક્ષી સવલતો મળે અને સુંદર સ્થાપત્ય ધરાવતું મંદિર બનાવી પર્યટનને વિકસાવવા માટે આ પ્રયાસ કરાય રહ્યો છે."

"વળી, તેનાથી તમામ વર્ગો-સમુદાયોના લોકોને લાભ મળશે અને સમાજમાં સમરસતા વધશે. આ ઉપરાંત યુવાઓનો વિકાસ પણ થશે."

300 કરોડના દાનની જાહેરાત

પાટીદાર સમાજ અનામત માગે છે અને બીજી તરફ ગણતરીના કલાકોમાં કરોડોનું દાન મળી જાય આ વિસંગતતા વિશે તેમનું શું કહેવું છે?

જવાબમાં તેમણે ઉમેર્યું, "એવું નથી કે કરોડોનું જ દાન કરવામાં આવ્યું છે. હજાર રૂપિયાનું યોગદાન પણ આવ્યું છે."

અત્રે નોંધવું કે ફાઉન્ડેશન માટે ખૂબ જ ઓછા સમયમાં રૂ. 300 કરોડના દાનની જાહેરાત થઈ છે, જેમાં મુંબઈના એક પાટીદારે સર્વાધિક 51 કરોડના દાનની જાહેરાત કરી છે.

તેમનું કહેવું છે કે,"પાટીદાર સમાજમાં ધનવાન વર્ગ પણ છે અને ગરીબ-મધ્યમવર્ગ પણ છે. જોકે, ખરેખર ગરીબ-મધ્યમવર્ગના લોકોની સંખ્યા વધુ છે."

"વળી, ધનવાન વ્યક્તિ દરેકને વ્યક્તિગતરૂપે નાણાની સહાય કરે એવું શક્ય ન બની શકે. આથી આ રીતે સમાજ સંગઠિત થઈને લોકભાગીદારીથી સંયુક્ત પ્રયાસ કરતો હોય છે."

"પ્રયાસ કરતા રહેવું જોઈએ અને હકારાત્મક અભિગમથી કામ કરવાથી પરિણામ મળી શકે છે."

"જરૂરિયાતમંદ લોકોને એક જ સ્થળે તમામ સવલતો મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

શું પાટીદાર સમાજની અનામતની માગણી વાજબી છે? ક્યા આધારે આ અનામત માગવામાં આવી રહી છે?

આ મામલે સી. કે. પટેલ કહે છે,"પાટીદાર સમાજમાં ઘણા પરિવાર આર્થિક સ્તરે નબળા છે. ખેતી કરતા પરિવારોના બાળકોને રોજગારીની સમસ્યા નડી રહી છે."

"આથી વંચિત લોકોને અનામત મળવી જોઈએ. આર્થિક રીતે તમામ વર્ગ-સમાજના જરૂરિયાત લોકોને અનામત કે આ પ્રકારના લાભ મળવા જોઈએ."

દરમિયાન જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી પાટીદાર સમાજની ઓબીસી હેઠળની માગણીને વાજબી નથી ગણાવતા.

વર્ચસ્વ જમાવવાની કોશિશ

વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યને જણાવ્યા અનુસાર,"પાટીદાર સમાજ પહેલાથી જ વર્ચસ્વ ધરાવતો સમાજ છે, તે હવે વધુ મહત્ત્વકાંક્ષાઓ સાથે વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી રહ્યો છે."

પાટીદાર આંદોલન ચલાવનારા યુવા નેતા હાર્દિક પટેલનું આ વિશે શું કહેવું છે તે જાણવા બીબીસીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ ન હતા.

અત્રે નોંધવું રહ્યું કે 'વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન'નો આ નવો પ્રોજેક્ટ 1000 કરોડ રૂપિયાનો છે અને 100 વીઘામાં આકાર લેશે.

અમદાવાદમાં વૈષ્ણવદેવી મંદિર સામે જાસપુર રોડ પર આગામી પાંચ વર્ષોમાં આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે.

ટીકા કેમ કરવામાં આવી રહી છે?

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના ગુજરાતના સંગઠન પ્રમુખ દિલીપ સાબવાએ બીબીસીને જણાવ્યું,"સમાજના યુવાઓ પાસે રોજગારીનો મોટો પડકાર ઊભો થયો છે. વળી જે લાભ અનામતમાં મળે છે, તે જો પાટીદાર યુવાનોને મળે તો તેમની સ્થિતિ સુધરી શકે છે."

તેમનું કહેવું છે કે,"તેઓ સુવિધાઓ નહીં, પરંતુ વ્યવસ્થા માગી રહ્યા છે. ઓબીસી સમકક્ષ અનામત મળવી જોઈએ અને આ માટે આંદોલન કરતા રહીશું."

રોજગારીની સમસ્યાનો ઉકેલ આવશે?

ઉમિયાધામ ફાઉન્ડેશનના આ નવતર પ્રયોગથી શું તેમની રોજગારીની સમસ્યાનો નિકાલ આવી જશે?

શું તેનાથી સમાજને કોઈ લાભ થશે કે નહીં તે મામલે સાબવાનું કહેવું છે કે આનાથી રોજગારીની સમસ્યામાં કોઈ સુધાર આવે એવું લાગતું નથી.

તેમણે કહ્યું,"અમારો સમાજ હંમેશાં જરૂર પડે ત્યારે દાન-સખાવત કરતો આવ્યો છે. આવું પહેલી વખત નથી બન્યું કે મોટું દાન કરવામાં આવ્યું હોય."

"ઉમિયાધામના આ નવા કાર્યમાં અમારી કોઈ ભૂમિકા નથી. વધુમાં પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા યુવાઓના પરિવારને પણ સહાય કરવી જોઈએ. આટલું મોંઘું શિક્ષણ પણ અનામતની માગણી પાછળનું એક કારણ છે."

અનામત મળી શકે?

શું પાટીદારોને અનામત મળી શકે? અને આ નવા પ્રોજેક્ટની ટીકા શા માટે કરવામાં આવી રહી છે તે વિશે રાજકીય વિશ્લેષક મનીષી જાનીનું કહેવું છે કે,"પટેલ સમુદાયને ઓબીસીના માપદંડો અનુસાર અનામત ન મળી શકે. જો એવું હોત તો ક્યારનું થઈ ગયું હોત."

"ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આંદોલન વધુ ચાલે છે કેમ કે ખેતી અને પાણીની સમસ્યાના કારણે પરિવારો રોજગારી-શિક્ષણની સમસ્યાનો સમાનો કરી રહ્યા છે."

"શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે, તે ખૂબ જ મોંઘુ બની ગયું છે. આથી સમસ્યા સર્જાઈ છે."

"મોટાભાગે તે દરેક વર્ગને સ્પર્શતી સમસ્યા છે. પટેલ સમુદાય આર્થિક સ્તર નબળું પડ્યું હોવાની વાત કરીને અનામત માંગે છે, પણ બીજી તરફ કલાકોમાં આટલા નાણાંનું ભંડોળ ઊભું કરી દે છે તે મોટી વિસંગતતા છે."

"રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત અન્ય ક્ષેત્રોમાં તેમનું વર્ચસ્વ છે. વેપારમાં પણ તેમનું વર્ચસ્વ જોવા મળે છે."

"ખરેખર રાજકીય વર્ચસ્વ ઊભું કરવા માટે આ પ્રકારે સંગઠન શક્તિ બનાવવાની હિલચાલ છે. સરકારને તેમાં કંઈ ખાસ નુકસાન નથી થતું."

"મૂળ વાત એ છે કે ગરીબ યુવાનોની સ્થિતિમાં કોઈ સુધાર નથી આવતો અને વ્યક્તિગત હિતોને સાધવામાં ઘણાને સફળતા મળી જાય છે."

યુવાનો આંદોલનમાં ભાવુક થઈને જોડાય છે

શું અનામત પાટીદારોની આર્થિક-શૈક્ષણિક સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશે?

આ વિશે જાનીએ કહ્યું, "રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે."

"કોઈને કોઈ કારણથી માત્ર દબાણ ઊભું કરવાની વાત છે. યુવાનો આંદોલનમાં ભાવુક થઈને જોડાય છે અને આખરમાં તેની સ્થિતિમાં કોઈ સુધાર નથી થતો."

"આ અનામતની માગણીથી પાટીદારોને કંઈ લાભ થશે એવું લાગતું નથી."

"જ્યાં સુધી સરકારી સ્કૂલો-કોલેજોનું પ્રમાણ નહીં વધશે અને રોજગારી નહીં વધે ત્યાં સુધી તેમાં કોઈ સુધાર નહીં આવશે."

"આમ ખરેખર લડાઈ મોંઘવારી, મોંઘા શિક્ષણ અને બેરોજગારી સામે લડાવી જોઈએ."

"અનામત આંદોલન જેવી ગતિવિધિઓના કારણે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા નથી થતી અને સરકારને તેનો લાભ થાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો